અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત અર્શ પર અને જમીન પર બહુ મહત્વની બાબત હતી. એક અત્યંત મહત્વની ઘટના હોવાથી, ભૂતકાળ સાથે તેની અસામાન્ય કડીઓ/સામ્યતાઓ હતી. હકીકતમાં, આપણે જોઈશું કે, ઈમામ(અ.સ.)ની શહાદતને અગાઉના ઘણા પયગંબરો, વસીઓ અને નેક લોકો સાથે સંબંધો હતા.
પયગંબર નૂહ અ.સ.
પયગંબર નૂહ (અ.સ.)એ ઘણી સદીઓ પહેલા અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની કબ્ર મુબારક બનાવી હતી જેવું કે આ બયાન દર્શાવે છે:
જયારે ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસૈન અ.સ.એ તેમના પિતાની કબ્ર મુબારક માટે જમીન ખોદવી શરુ કરી, તેમણે આ લખાણ સાથે એક તૈયાર કબ્ર જોઈ: ‘અલ્લાહના નામથી જે સૌથી વધુ રહેમાન અને રહીમ છે, આ કબ્ર નુહે તુફાનના ૭૦૦ વરસ પહેલા અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.), મોહમ્મદ (સ.અ.વ.)ના વસી માટે બનાવી છે.
- ઇસ્બાતુલ હોદા, ભાગ ૩, પાનું ૧૬૪.
- ઈરશાદુલ કુલૂબ, ભાગ ૨, પાનું ૪૩૫.
- બેહારુલ અન્વાર, ભાગ ૪૨, પાનું ૨૧૬.
પયગંબર સલેહ અ.સ.
અમીરુલ મોઅમેનીન અ.સ.ના કાતિલને પયગંબર સાલેહ (અ.સ)ની ઊંટણીના કાતિલ સાથે સરખાવવામાં આવેલ છે,પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ને ફરમાવ્યું:
મારી ઉમ્મતમાંથી સૌથી વધુ ખરાબ (વ્યક્તિ) ઉભો થશે, તે સમૂદની કૌમના સાલેહની ઊંટણીના કાતિલનો સમોવડિયો હશે. તે તમને તમારા માથાના એ ખાસ હિસ્સા પર વાર કરશે, (જે અમ્ર ઇબ્ને અબ્દવુદના જંગે ખંદકના સમયે કરેલ ઘાથી બન્યો હતો) એટલો મોટો, કે તમારી દાઢી તમારા લોહીથી રંગાઈ જશે અને લોકો દુઃખની દારુણ વેદના અને વિલાપમાં હશે…
- ફઝાઈલ અલ આશુર અલ-સલસાહ પાનું ૧૧૦
- ઇસ્બાત અલ હુદા ભાગ ૩, પાનું ૮૯
ઝૂલકરનયન
એ નોંધપાત્ર વાત છે કે ઝૂલકરનયન નબી ન હતા પણ એક નેક બંદા હતા કે જેમનો અલ્લાહ પાસે ઉંચો દરજ્જો હતો. સુરએ કહફ (૧૮)માં તેમની મહાનતાનો ઉલ્લેખ થયેલ છે, જેમાં અલ્લાહે તેમનો નામ સાથે ઉલ્લેખ કર્યો છે.
હદીસો મુજબ અમીરુલ મોઅમેનીન (અ.સ.) આ ઉમ્મતના ઝૂલકરનયન છે.
- ઇસ્બાતુલ હોદા ભાગ ૩, પાનું ૫૪
- અલ ઈકાઝ પાનું ૩૭૦
- તફ્સીરે બુરહાન ભાગ ૨, પાનું ૨૩૯, સુરએ માએદહ (૫)૩ની તફસીરમાં
- તફ્સીરે બુરહાન ભાગ ૫, પાનું ૪૨૧, સુરએ તેહરીમ (૬૬):૪ની તફસીરમાં
- મનાકિબે આલે અબીતાલિબ અ.સ. ભાગ ૩, પાનું ૯૦
- મશારિક અન્વાર અલ યકીન પાનું ૮૬
- બેહારુલ અન્વાર ભાગ ૩૮, પાનું ૯૩, ૨૧૬.
સરખામણીનું એક કારણ ઝૂલકરનયનની જેમ અમીરુલ મોઅમેનીન(અ.સ)ના માથા પર કરવામાં આવેલા બે વાર હોઈ શકે. ઝુલ્કરનયન પર પણ બે વાર કરવામાં આવ્યા અને જે બંને પ્રસંગો પર અલ્લાહે તેમને ફરી જીવંત કર્યા.
પયગંબર યુષા ઇબ્ને નૂન (અસ.)
અમીરુલ મોઅમેનીન પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાતના ૩૦ વરસ પછી શહીદ થયા. આ યુષા પયગંબરની વફાત જેવું છે, જે મુસા પયગંબર (અ.સ.)ના ૩૦ વરસ પછી ગુજરી ગયા, જેવું કે આ લખાણ જણાવે છે:
અબ્દુલ્લાહ બિન મસઉદ જણાવે છે: મેં પવિત્ર પયગમ્બર સ.અ.વ.ને પૂછ્યું: અય અલ્લાહના પયગમ્બર! આપની શહાદત પછી આપને ગુસ્લ કોણ આપશે?
આપે જવાબ આપ્યો: દરેક પયગંબરને તેના વસીએ ગુસ્લ આપ્યું છે.
મેં પૂછ્યું: અય અલ્લાહના પયગંબર, આપનો વસી કોણ છે?
આપ (સ.અ.વ.)એ જવાબ આપ્યો: અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)
મેં પૂછ્યું: અય અલ્લાહના પયગંબર, આપના બાદ તેઓ કેટલો સમય હયાત રહેશે
આપે જણાવ્યું: તેઓ ૩૦ વરસ જીવિત રહેશે. હ. મુસા (અ.સ.)ના વસી તેમના બાદ ૩૦ વરસ જીવ્યા હતા.
- કમાલુદ્દીન ભાગ ૧. પાનું ૨૭
- નહ્જુલ હક્ક પાનું ૩૬૮.
- તફ્સીરે સાફી, ભાગ ૪, પાનું ૧૬૮ (સુરએ અહ્ઝાબ (૩૩)૩૩ ની તફસીર અંતર્ગત)
- તફ્સીરે બુરહાન ભાગ ૪, પાનું ૪૪૨ (સુરએ અહ્ઝાબ (૩૩)૩૩ ની તફસીર અંતર્ગત)
પવિત્ર પયગંબર(સ.અ.વ.)
અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની શહાદત પર મુસ્લિમોને થયેલ દુઃખ પયગંબર (સ.અ.વ.)ની શહાદત પર થયેલ દુઃખ જેવું હતું.
પયગંબર (સ.અ.વ.)ના સહાબી, ઓસૈદ ઇબ્ને સફ્વાન, લખે છે:
જે દિવસે અમીરુલ મોઅમેનીન (અ.સ.) શહીદ થઈ ગયા તે દિવસે (કુફાના) લોકોમાં ઘણું વધારે દુ:ખ અને રુદન હતું. તે દિવસ જેવું હતું જે દિવસે પયગંબર (સ.અ.વ.) શહીદ થયા હતા.
- આમાલીએ સદૂક (ર.અ.)-મજલીસ ૪૨, હદીસ ૧૧
અલી (અ.સ.)ની ઝીયારત કરવી, પયગંબર (સ.અ.વ.)ની ઝીયારત કરવા જેવું છે.
અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની તેમના જીવન દરમિયાન અને શહાદત પછી ઝીયારત કરવાનો એટલોજ અજ્ર છે જેટલો અજ્ર પયગમ્બર (સ.અ.વ.)ની મુલાકાત/ઝીયારતનો છે. હકીકતમાં, ઘણા પ્રસંગો, જેવા કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)નો જન્મ અને રિસાલતના એલાનના પ્રસંગ પર અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની ખાસ ઝીયારત છે.
આવું શા માટે?
શેખ અબ્બાસ કુમ્મી (ર.અ.) કે જે શીયાઓના મહાન આલીમ અને હદીસવેતા (મોહદ્દીસ) છે, તેમણે તેમની દુઆઓ અને ઝીયારતોની કિતાબ મફાતીહુલ જિનાનમાં જવાબ આપ્યો છે. પયગંબર (સ.અ.વ.) અને અલી (અ.સ.) બંને મશહુર લીડર છે જેઓ બંને અત્યંત નિકટ છે. અને આ બન્ને નૂર છે અને પરિપૂર્ણતામાં એક છે (જોડાયેલા છે). તેથી જે કોઈ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની ઝીયારત કરે તે એવો છે કે જાણે તેને પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની ઝીયારત કરી.
મફાતીહુલ જિનાનમાં ૧૭ રજબની અમીરુલ મોઅમેનીન અ.સ.ની ઝીયારત, કે જે અલ્લામા મજ્લીસી પ્રમાણે બધી ઝીયારતોમાં શ્રેષ્ઠ છે અને કોઈ પણ સમયે પડી શકાય છે અને આપણે ઘણી બધી હદીસોમાં આ જોઈએ છીએ.
આ હદીસોમાં એક ઈમામ સાદિક અ.સ.ની હદીસ શેખ મોહમ્મદ ઇબ્ને અલ-મશહદીથી આ રીતે નકલ થઇ છે:
એક બેદુઇન (બદદુ-રણમાં રહેનાર) પવિત્ર પયગંબર (સ.અ.વ)પાસે રડ્યો-અય અલ્લાહના પયગંબર મારું ઘર તમારા ઘરથી દૂર છે. જયારે પણ હું તમારી મુલાકાત માટે અને આપને જોવા માટે બેતાબ થાઉં છું, હું તમારી મુલાકાત માટે નીકળું છું પણ તમને મળી શકતો નથી પણ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની મુલાકાત કરું છું. તેઓ મને તેમની વાતચિત અને નસીહતો થકી રાહત આપે છે પછી હું તમને મળી ન શકવાના કારણે દુઃખ અને ગમગીનીની હાલતમાં પાછો ફરું છું.
પયગંબર (સ.અ.વ.)એ કહ્યું: જે કોઈ અલી (અ.સ.)ની મુલાકાત કરે તો તેણે મને મળી લીધું. જે કોઈ તેમનાથી મોહબ્બત કરે, તો તેણે અગાઉથી જ મારાથી મોહબ્બત કરી. જે કોઈ તેમને દુશ્મન જાણે તો તેણે મને અગાઉથી દુશ્મન સમજ્યો.
તમારા કબીલાને જણાવી દયો કે જેણે તેમની મુલાકાત કરી તેમણે મારી મુલાકાત કરી લીધી. અને હું, જીબ્રઈલ અને સર્વશ્રેષ્ઠ મોઅમીન (અમીરુલ મોઅમેનીન અ.સ.) તે મુલાકાતીને કયામતના દિવસે અજ્ર અતા કરશું.
- અલ મઝઅરલ કબીર પાનું ૩૮
અગાઉના પયગંબરો અને વસીઓ સાથે અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની શહાદત ઉપરાંત તેમના જીવન પ્રસંગોમાં ઘણી બધી કડીઓ/સમાનતાઓ છે. તે છતાં મુસ્લિમ ઉમ્મત ખિલાફતના દાવામાં તેમની શ્રેષ્ઠતાને અવગણવાને પસંદ કર્યું છે, તેમના બદલે બીજાઓને પસંદ કર્યા કે જેમની પયગંબર સ.અ.વ. તો ઠીક ઇસ્લામ સાથે પણ કોઈ કડી/સામ્યતા/સમાનતા નથી.
Be the first to comment