અલ્લાહ (સુ.વ.ત.)એ ઇન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલનો સિલસિલો સતત જારી રાખ્યો. જેથી તે હ.આદમ(અ.સ.)ની ઔલાદને ઇન્સાનિય્યતનો સબક આપે(પાઠ ભણાવે) અને તેઓના ચરિત્ર્યને એટલું બુલંદ કરે કે ફરિશ્તાઓ તેમની ખિદમત કરવા ઉ૫ર ફક્ર અનુભવે. ખુદાવન્દે આલમે પોતાના લુત્ફ અને કરમના આધારે નબીઓની સાથે – સાથે કિતાબો ૫ણ નાઝીલ કરી. ૫છી કયામત સુધીના ઇન્સાનોના માર્ગદર્શન માટે ખાલીકે કાએનાતે નૂરે અવ્વલ, ખાતેમુલ મુરસલીન, સૈય્દુલ અમ્બીયા હ.મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)ને લોકોની હિદાયત માટે મબઉસ કર્યા આપ (સ.અ.વ)ને લોકોના માટે ‘ઉસ્વએ હસના’ એટલે કે નમુનએ અમલ બનાવીને મોકલ્યા છે. આ૫ (સ.અ.વ.) ખુદાના મઝહર બનીને જાહેર થયા. કુરઆને કરીમે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના અખ્લાક રજુ કર્યાં છે તે ન ફકત મુસલમાનો બલ્કે સમગ્ર માનવજાત માટે નમુનએ અમલ છે. આપ(સ.અ.વ)ની ૫વિત્ર ઝાતને ‘રહેમતુલ્લીલ આલમીન’ એટલે કે દુન્યાઓ માટે રહેમત કેહવામાં આવ્યા છે. આ૫ (સ.અ.વ.)ની વાણી અને વર્તનને ‘વહ્યુન યુહા’ એટલે કે વહી સિવાય બીજું કઇ નહિ’ કહેવામાં આવ્યું છે. આજ ચેહરો ઇસ્લામનો વાસ્તવિક ચહેરો છે. આ એ હકીકત અને વાસ્તવિક ચિત્ર અને પ્રતિબિંબ છે કે જે મુસલમાનોએ દુનિયા સમક્ષ રજુ કરવું જોઇતું હતું.
૫રંતુ અફસોસ! બની ઉમય્યા અને બની અબ્બાસના બાદશાહોએ ચિત્રને ‘મસ્ખ’ (ફેરબદલ) કરી રજુ કર્યું. તે બાદશાહોએ આપ હઝરત(સ.અ.વ.)ના તે પ્રતિબિંબને એવી રીતે રજુ કર્યું કે જેના થકી દુન્યવી આગેવાનોનાં ખરાબ કાર્યોને યોગ્ય અને વ્યાજબી સાબિત કરી શકે. ખરેખર હોવું તો એમ જોઇતું હતું કે તેઓ રસુલે ખુદા(સ.અ.વ.)ના નકશે કદમ ઉ૫ર ચાલે અને દુન્યા તથા આખેરતમાં કામયાબી પ્રાપ્ત કરે પરંતુ તે બાદશાહોએ મુસલમાન વિદ્વાનોની મદદ થકી ઇસ્લામના સાચા અને વાસ્તવિક ચેહરાને બગાડી નાખ્યો. તેઓએ રસુલે ખુદા(સ.અ.વ.)નું મસ્ખ કરેલું (ફેરબદલ કરેલું) સ્વરૂપ લોકો સમક્ષ રજુ કર્યું કે જે ખુદ પોતાના ચારિત્ર્યને મળતું હોય. તે બાદશાહો ખરાબ કાર્ય કરનાર હતા. આથી તેઆોએ પોતાના ખરાબ કાર્યોને યોગ્ય અને વ્યાજબી ઠેરવવા માટે એવી હદીસો ઘડાવી કે તેઆના કાર્યોની ગણત્રી નબી(સ.અ.વ.)ની સુન્નતમાં થવા લાગે. તે લોકો સત્તા અને હુકુમતના પુજારી જાનવરો હતા. આથી તેઓએ પોતાના ઝુલ્મ અને અત્યાચારને રસુલુલ્લાહ (સ.અ.વ)થી મન્સુબ કરી દીધુ (મઆઝલ્લાહ), ૫છી તે કિતાબને મુસ્તનદ (સનદ ધરાવનારી) બનાવવા માટે તેઓએ તેને ૫વિત્ર કિતાબ બનાવી દીધી અને તેને ‘સહીહ’ નામ આપી દીધું. પછી એમ કેહવામાં આવ્યું કે તે કિતાબોની રિવાયતો સહીહ છે અને તેના સંબંધિત સવાલ ન કરી શકાય. જયારે કે હકીકતમાં તે રીવાયાતો સીધે-સીધી કુરઆને કરીમમાં બતાવેલા ઉસુલોથી તદ્દન વિરુદ્ધ છે. એહલે સુન્તની બે સૌથી વધારે ભરોસાપાત્ર કિતાબો ‘સહીહ બુખારી’ અને ‘સહીહ મુસ્લિમ‘માં આ પ્રકારની અસંખ્ય રીવાયાતો જોવા મળે છે. નમુના સ્વરૂપે અહી તેવી જ બે (ખોટી) રીવાયતો બયાન કરી રહ્યા છીએ કે જે સહીહ બુખારી (પ્રકરણ-ઘરમાં દાખલ થવાની પરવાનગી લેવી) અને સહીહ મુસ્લિમ (પ્રકરણ- કોઈના ઘરમાં જોવાની મનાઈ) નોંધાયેલી છે તે બન્ને કિતાબોમાં રિવાયત અનસ બિન માલિકથી નોંધવામાં આવી છે કે: ‘એક શખ્સ રસુલુલ્લાહ (સ.અ.વ)ના કોઈ એક ઘરમાં જોઈ રહ્યો હતો. જયારે રસુલુલ્લાહ (સ.અ.વ)એ તે જોયું તો તેના તરફ આગળ વધ્યા અને તેની ઉપર હુમલો કરી દીધો. આ દ્રશ્ય હજુ સુધી મારી આંખો સામે છે કે કેવી રીતે આપ(સ.અ.વ)એ તેને તીરની અણી ખુચાડીને તેની આંખને ખુબજ ગંભીર રીતે ઝખ્મી કરી નાખી હતી.’ અહિયાં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તે કેવી રીતે શક્ય છે કે અલ્લાહનો કલામ જેમને ‘રહેમતુલ્લીલ આલમીન’ ‘દુન્યાઓ માટે રેહમત’ કહી રહ્યો છે તેમનાથી નઉઝોબીલ્લાહ આવું કામ અંજામ અપાય. કોઈ સામાન્ય ઇન્સાન પાસેથી પણ આ પ્રકારની અપેક્ષા નથી રાખી શકાતી. આવા પ્રસંગે વધારામાં વધારે ઘર તરફ જોનારને ઠપકો આપવામાં આવે. આ પ્રકારની ખોટી અને ઘડી કાઢેલી રીવાયતોથી તેઓનો મકસદ એ હતો કે તેઓ ખુદ આ પ્રકારની સજા બીજાઓને આપવાની પરવાનગી સાબિત કરી શકે.
આવી જ રીતે એક બીજી ખોટી અને ઘડી કઢાએલી રિવાયતમાં નઉઝોબીલ્લાહ આપ હઝરત (સ.અ.વ) દ્વારા આચરવામાં આવેલા ઝુલ્મોનું વર્ણન કરવામાં આવ્યું છે(મઆઝલ્લાહ).
સહીહ બુખારી ભા-૭, પાના નં-૧૩ ઉપર આ રીતે બયાન કરવામાં આવ્યું છે: સાબિત કહે છે કે મને અનસ બિન માલિકે કહ્યું કે: અમુક લોકો જેઓ બીમાર હતા તેઓ રસુલે ખુદા(સ.અ.વ) પાસે આવ્યા અને પોતાની શિફા માટે અરજ કરી. તો આપ હઝરત(સ.અ.વ)એ તેમને કહ્યું કે તેઓ સતત ઉંટણીનું દૂધ અને પેશાબ પિતા રહે. પછી આપ(સ.અ.વ)એ પોતાના ચરવાહાને હુકમ આપ્યો કે તેઓને ઉંટણીનું દૂધ અને પેશાબ પીવરાવે. તેઓ ચરવાહા સાથે ગયા. જયારે તેઓની બીમારી દુર થઇ ગઈ ત્યારે તેઓએ તે ચરવાહાને કત્લ કરીને તેની ઉંટણી ઉપર કબ્જો કરી નાખ્યો. જયારે રસુલે અકરમ(સ.અ.વ)ને તે વાતની જાણ થઈ તો આપ(સ.અ.વ)એ તેઓને ગિરફ્તાર કરાવ્યા અને પછી તેમણે પોતે તેઓના હાથ અને પગ કાપી નાખ્યા અને તેઓની આંખને લોખંડના સળિયાથી કાઢીને તેઓને એ જ હાલતમાં છોડી દીધા. અનસ કહે છે કે મેં તેઓમાંથી એકને જોયો કે તે પોતાની જીભ વડે ઝમીનને ચાટી રહ્યો છે ત્યાં સુધી કે તે મરી ગયો.
આ રીતે જયારે આપણે ચિંતન-મનન કરીએ તો આવી રીવાયતોમાંથી વિકૃતિની બદબૂ આવે છે. આ પ્રકારની વાતો સુન્નતે નબવીથી ક્યારેય સુમેળ નથી ધરાવતી આ ઘડી કાઢેલી રીવાયતો તો એ સજાઓની યાદ અપાવે છે કે જે બની ઉમય્યાના બાદશાહો પોતાના વિરોધીઓને દેતા હતા. સરવરે કાએનાત(સ.અ.વ)તો આ પ્રકારના કાર્યોથી ઘણા ઉચ્ચ અને સરબલંદ અને પાક છે. આપ (સ.અ.વ)એ જંગે ઓહદમાં પોતાના શહીદ કાકાના કાતિલ હબશી ગુલામ અને તેની માલકીનને ઇસ્લામ કબુલ કર્યા પછી માફ કરી દીધા હતા. તો પછી એ કેવી રીતે શક્ય છે કે આપ(સ.અ.વ) કોઈ મુસલમાનને આવી રીતે સજા કરે.
ઇસ્લામનો આજે તે મસ્ખ ચહેરો જોવે છે તો તે જોઈને લોકો રસુલે અકરમ(સ.અ.વ)ની સામે ગુસ્તાખી કરે છે અને તે આરોપ લગાવે છે કે ઇસ્લામ તલવારના ડરથી ફેલાયો છે.
આ ઘડી કાઢેલી અને ખોટી રીવાયતોનું બીજું મોટું નુકશાન એ છે કે વહાબી વિચારધારાથી પ્રભાવિત આંતકવાદીઓ પોતાના વિરોધી મુસલમાનોને આવાજ પ્રકારની દર્દનાક સજાઓ આપે છે. ‘દાઈશ અને તાલીબાન’ વિગેરે જેવા સમૂહો જે ઇસ્લામના નામે વિકૃતી ફેલાવી રહ્યા છે તે બધાનો સ્ત્રોત આવીજ જુઠી અને ઘડી કાઢેલી રીવાયતો છે. આજ ઇસ્લામનો બગડેલો ચેહરો છે કે જે લોકોને ડરાવે છે અને નજીક લાવવાને બદલે ઇસ્લામથી દુર ભગાવે છે.
Be the first to comment