કબ્રોની ઝિયારત અને વહાબીય્યત

વાંચવાનો સમય: 8 મિનિટ

કબ્રોની ઝિયારત કરવી અને તેમનો એહતેરામ કરવો તે એક ખુબ જ જૂની રસમ છે, એવું કાર્ય જેના વખાણ કરવામાં આવ્યા છે અને તેનું ખુબજ મહત્વ છે. ઝાએરની ઝિયારતને લોકો દ્વારા મોટા પ્રમાણમાં સ્વિકારેલ છે અને આના કારણે ઝાએરની ઈઝઝત કરવામાં આવે છે. આ રસમ દરેક પ્રદેશોના બધા મઝહબોમાં જોવા મળે છે. પહેલા અને અત્યારના લોકોએ કબ્રોની ઝિયારતને નસીબવંત અને સમૃધ્ધિ જાણી છે. અબુ હાતીમ કહે છે કે જ્યારે અબુ માશુર અબ્દુલ્લાહ દમીશ્કી ઘસાની (વફાત 218 હી.સ.) મસ્જીદ તરફ જતા તો એક પછી એક લોકો તેમને સલામ કરતા અને તેમના હાથનો બોસો લેતા. અબુ સાઅદ કહેતા કે જ્યારે અબુલ કાસીમ સાઅદ બિન અલી શૈખ હરમ ઝન્જની (વફાત 471 હી.સ.) અલ્લાહના ઘર (કઅબા) તરફ તવાફ કરવા જતા, લોકો પોતાની જગ્યાએથી હજરે અસ્વદને બોસો દેવા કરતા ઘણી વખતે વધારે તેમના હાથનો બોસો લેવા ઉભા થઈ જતા. ઈબ્ને કસીર તેમની તારીખમાં પાના નં. 12 થી 20 માં તેઓના આ કાર્યોના, કારણ બયાન કરતા કહે છે. લોકો આમ બરકતમાં વધારો થવા માટે કરતા હતા.

જ્યારે પણ અબુ ઈસ્હાક ઈબ્રાહીમ બિન શીરાઝી (વફાત 476 હી.સ.) એમ કહેતા કે શહેરમાંથી પસાર થતી વખતે તે શહેરના રહેવાસી તેમની પાસે બરકત માટે પોતાના કુટુંબની સાથે આવતા. તેઓ પોતાની જાતને તેમની લગામથી ઘસતા અને તેમના ઘોડાની નીચેની માટીને લઈ લેતા. જ્યારે તેઓ સવાહ ગામે પહોંચ્યા, ત્યાંના રહેવાસીઓ તેમની તરફ ભાગતા અને જ્યાં પણ તેઓ જતા તેઓ તેમને  કીમતી તોહફાઓથી નવાઝતા. વધુમાં આ બનાયોથી એ સ્પષ્ટ છે કે ઝાએરને મુત્તકી વ્યક્તિઓની કબ્રોની ઝિયારતથી ખુબજ સમૃધ્ધિ હાંસીલ થાય છે અને તે તેને ઈમાનનો ભાગ જાણે છે. મઝહબ ઈજાઝત આપે છે બલ્કે આવા કાર્યની તરફેણ કરે છે. મઝહબ આ પરહેઝગાર લોકોની ઝિયારતને હરગીઝ ગેરકાયદેસર નથી જાણતો તો પછી કેવી રીતે શક્ય છે કે તે અંબીયા (અ.મુ.સ.) અને અઈમ્મા (અ.મુ.સ.)ની કબ્રોની ઝિયારતને ગેરકાયદેસર ગણે? જેઓ એવો દાવો કરે છે કે અંબીયા (અ.મુ.સ.)ની કબ્રોની તથા તેમના વારસદારોની ઝિયારત કરવી જાએઝ નથી તો તેઓ ખોટો દાવો કરે છે કે જેનો ઈસ્લામમાં કોઈ સ્થાન  નથી, બલ્કે તે અંબીયા (અ.મુ.સ.)ને નીચા કરે છે અને તેઓના દરજ્જાને ઘટાડે છે.

કબ્રોની ઝિયારત અંગે શંકાઓ:

ઈબ્ને તયમીયા, કે જેણે વહાબીઓ મુજદદીદ (ઈમાનને તાજુ કરનાર) માને છે, કબ્રોની ઝિયારત અંગેના સવાલના બારામાં લખ્યું છે કે કબ્રોની ઝિયારત એક બિદઅત (નવી) છે અને તે શીર્ક સમાન છે. પોતાની દલીલને મઝબુત કરવા તેણે એક હદીસ નકલ કરી છે જે હદીસ ત્રણ અલગ અલગ રીતે રીતે આવી છે.

1) ત્રણ મસ્જીદોની ઝિયારત સિવાય સફર ન કરો ‘મારી મસ્જીદ, મસ્જીદુલ હરામ અને મસ્જીદુલ અકસા. (શીફા અલ સીકામ ફી ઝિયારતે કુબુર)

2) સફર ફકત ત્રણ જ મસ્જીદો માટે છે: મસ્જીદે કુફા, મારી મસ્જીદ અને મસ્જીદે એલીયા (વફા અલ વફા, ભાગ-4, પા. 1, 36)

3) સફર ફકત ત્રણ મસ્જીદો માટે જ કરવામાં આવે છે.

આ હદીસો આધારીત, કબ્રોની ઝિયારત જાએઝ ન હોવાનો હુકમ છે. તે હદીસો જે હિદાયતુલ સાનીયામાં આવી છે તેમાં એવો દાવો છે કે: કબ્રોની ઝિયારતના બારામાં જે હદીસો નકલ થઈ છે તે ખોટી અને ઘડી કાઢેલ છે, દાર કુત્ની સિવાય કોઈપણ આલીમે તેની (ઝિયારતની) પરવાનગી નથી આપી.

શંકાઓના જવાબો:

ઝિયારતના જાએઝ હોવાની સાબીતી માટે ઘણી બધી હદીસો ટાંકી શકાય છે. અમો અહિંયા ટૂંકાણને ધ્યાનમાં રાખી એક રૂપરેખા રજુ કરીએ છીએ.

1) કુરઆન:

અલ્લાહ અઝઝ વ જલ્લ ફરમાવે છે:

અને આ લોકો એજ વખતે જ્યારે તેમણે પોતાના પર ઝુલ્મ કર્યો હતો તમારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માંગતે અને રસુલ પણ તેમના માટે માફી માંગતે તો તેઓ ખચીતજ અલ્લાહને મોટો તૌબા કબુલ કરનાર અને દયાળુ પામતે.

(સુરએ નિસા (4): આયત 64)

ઝિયારત કરવી એટલે કે હાજરી આપવી. આ શબ્દનો અર્થ અલગ અલગ રીતે કરી શકાય છે, યા તો ઈસ્તીગ્ફાર મેળવવા માટે અથવા હાજત પુરી થવા માટે. બીજા શબ્દોમાં, ઝિયારતનો અર્થ એમ નથી કે પોતાની જાતને સોંપી દેવા (જે રીતે ઈન્સાન પોતાની જાતને અલ્લાહને સોંપી દે છે) અથવા પોતાની જાતને બીજાના હાથોમાં આપી દેવી (જેમકે પોતાને અલ્લાહને હવાલે કરી દે છે).

કુરઆન મજીદ દ્વારા નબી (સ.અ.વ.)ની ઝિયારતને એક નેક કાર્ય ગણવામાં આવે છે. પછી ચાહે નબી (સ.અ.વ.)ની ઝીંદગીમાં ઝિયારત કરી હોય કે પછી તેમની વફાત બાદ તે મહત્વનું નથી. બન્ને સંજોગોમાં ઝિયારત એક નેક અને તાકીદભર્યું કાર્ય છે.

તેમની કિતાબ વફા અલ વફા (ભાગ-2), સબકી સમહુદીથી નકલ કરે છે તે લખે છે કે મોટોભાગના આલીમોએ ઝિયારતને તાકીદભર્યું (મુસ્તહબ) કાર્ય ગણ્યું છે, ચાહે રસુલુલ્લાહ (સ.અ.વ.) હયાત હોય કે તેમની વફાત થઈ ગઈ હોય. આ એહલે સુન્નતના ચારેય ફીર્કાના આલીમોનો મંતવ્ય છે.

ઈબ્ને અસાકીરે તેની તારીખ અને ઈબ્ને જવ્ઝી તેની મશ્હુર કિતાબ અલ સાકીનમાં મોહમ્મદ બીન હર્બ હલાલીથી નકલ કર્યું છે:

હું મદીનામાં દાખલ થયો અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્ર મુબારક પાસે ગયો અને ઝિયારત પઢી. તેના પછી હું કબ્ર મુબારકની સામે બેઠો. મેં એક અરબને આવતા અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝિયારત પઢતા જોયા. પછી તેમણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને મુખાતબ થઈને કહ્યું: અય નબી (સ.અ.વ.)ની કબ્ર! બેશક અલ્લાહે તમારા ઉપર તેની સાચી કિતાબમાં વહી મોકલી છે.

(કશ્ફુલ ઈરતીયાબ, પા. 362 થી વર્ણવેલ)

2) સુન્નત:

ઘણા બધા આલીમો સહીત સમહુદીએ તેની વફા અલ વફા, ભાગ-3, પા. 394-403 માં અમુક આ વિષય ઉપર અમૂક હદીસો નકલ કરી છે. અમો અહિંયા સમહુદી એ બયાન કરેલ હદીસોમાંથી સૌથી વધુ ભરોસાપાત્ર હદીસો રજુ કરીએ છીએ.

દાર કુત્ની અને બયહકી, નાફેહથી નકલ કરે છે જે ઈબ્ને ઉમરથી વર્ણવે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

જે કોઈ મારી ઝિયારત કરે તો તેના માટે મારી શફાઅત વાજીબ છે.

સુયુતિ જામેઉલ સગીરમાં, એહમદ તેની મુસ્નદમાં અને અબુ દાઉદ તીરમીઝી અને નીસાઈમાં હારીસથી એક હદીસ વર્ણવી છે જે રસુલે ખુદા (સ.અ.વ.)થી મન્સુબ છે.

જે કોઈ મારી કબ્રની ઝિયારત કરે તે એવો છે જાણે કે તેણે મારીઝીંદગીમાં મારી ઝિયારત કરી.

બીજી હદીસમાં આ ભાગનો પણ ઉમેરો છે: જે કોઈએ મારી ઝિયારત ન કરી તો તેણે મારી ઉપર અન્યાય કર્યો.

અબુલ ફત્હ અઝદી હારૂન બીન કઝાથથી નકલ કર્યું છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

જે કોઈએ વાજીબ હજ્જ અદા કરી, મારી કબ્રની ઝિયારત કરી, જેહાદમાં જંગ કરી અને બય્તુલ મુકદ્દસમાં નમાઝ પડી, (કયામતના દિવસે) અલ્લાહ તેને તેના વાજીબ કાર્યોના બારામાં નહિ પૂછે.

આ ઉપરાંત, કબ્રોની ઝિયારતના બારામાં ઘણી બધી હદીસો નકલ થઈ છે. હદીયુલ સાનીયાના લેખકનો દાવો કે આ હદીસો ખોટી અને સંપૂર્ણ પાયાવિહોણી છે કારણકે મુહદ્દેસીન (હદીસો વર્ણન કરનાર), ઈસ્લામી ઈલ્મ અને ફિકહના નિષ્ણાંતોએ આવી હદીસોની ભરોસાપાત્રને બહાલી આપી છે.

 

આવી પાયાવિહોણા અને ખોટા દાવા કર્યા ઉપરાંત ઈબ્ને તયમીયા અને તેના બુઝુર્ગોએ પણ વાંધો લીધો છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) તે લોકોને જવાબ આપે છે જેઓ તેમને તેમની વફાત બાદ સલામ કરે છે. સબકી કહે છે કે સમહુદી કબ્રોની ઝિયારતના સમર્થનમાં પોતાની દલીલો પેશ કર્યા બાદ કહે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) તેમને તેમની કબ્ર મુબારકની નઝદીકથી કરવામાં આવતી સલામ સાંભળે છે, સલામ મોકલનારને ઓળખી લે છે અને સલામનો જવાબ પણ આપે છે. આ દલીલ જ એ સાબીત કરવા પૂરતી છે કે શા માટે દુનિયામાંથી મુસલમાનો રૂપિયા ખર્ચી અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની મઝારની એક ઝલક લેવા આવે છે.

3) ઈજમાઅ (સર્વાનુમતિ):

રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સમયથી આજ સુધી, સમગ્ર મુસ્લીમ ઉમ્મત (વહાબીઓને બાદ કરતા) એવું મંતવ્ય ધરાવે છે કે અંબીયા (અ.મુ.સ.), તેમના વારસદારો, મુત્તકી લોકોની કબ્રોની ઝિયારત, બલ્કે દરેક મોઅમીનોની ઝિયારત એક તાકીદ ભર્યું કાર્ય છે. રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓના ઝમાનાથી, તાબેઈન (જે લોકોએ સહાબીઓને જોયા હોય પરંતુ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ન જોયા હોય) અને તબે તાબેઈન (જે લોકોએ તાબેઈનને જોયા હોય પરંતુ સહાબીઓને ન જોયા હોય)થી આજ સુધી ઈસ્લામીના સ્થાપિત સિધ્ધાંતોમાં કબ્રોની ઝિયારત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ સિધ્ધાંતમાં (વહાબીઓને છોડીને) સંપૂર્ણ ઈજમાઅ છે. બલ્કે ઈજમાઅ ખુબજ વિશાળ છે કારણ કે તે દુનિયાના દરેક લોકોથી છે ચાહે તે આલીમ હોય કે જાહીલ, વૃધ્ધ હોય કે જવાન, મર્દ હોય કે ઔરત, અમીર હોય કે ગરીબ. સમહુદીએ તેની કિતાબ વફા ઉલ વફા, ભાગ-2, પા. 412 માં સબકીથી વર્ણવ્યું છે કે તે કહે છે કે કબ્રોની ઝિયારત તાકીદભરી હોવાના બારામાં આલીમો એકમત છે. અલબત્ત નઉઈ જેવા અમૂક આલીમો એવું મંતવ્ય ધરાવે છે કે ઝિયારત ઈમાનના વાજીબાત કાર્યોમાંથી છે. સમહુદી વફા ઉલ વફા, ભાગ-2, પા. 410 માં એવા લોકો ઉપર આશ્ર્ચર્ય કરે છે કે જેઓએ ભૂતકાળમાં નબી (સ.અ.વ.)ની ઝિયારત સામે વાંધો ઉઠાવ્યો હતો જ્યારે કે આલીમોએ  મોઅમીનોની કબ્રોની ઝિયારતની પણ તાકીદ કરી છે. તો પછી નબી (સ.અ.વ.)ની અફઝલીય્યતના આધારે આપ (સ.અ.વ.)ની ઝિયારત તો ઘણી વધારે યોગ્ય અને ફઝીલતવાળી છે.

તકયુદ્દીન અબુલ હસન સબકીયાની પ્રખ્યાત કિતાબ શીફા અલ સેકામ, આ વિષય આધારીત કિતાબ, તેની પ્રસ્તાવનામાં લખે છે કે મોઅમીનોના સરદાર અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રની ઝિયારત ઈલાહી નઝદીકી મેળવવાનું એક માધ્યમ છે. આ એવી વિચારસરણી છે જે દરેક પ્રદેશ અને દરેક ઝમાનાના મુસલમાનો માટે જાણીતી અને માન્ય છે.

ઈબ્ને હજરે મક્કી તેની કિતાબ જોહર મુનઝઝમ ફી ઝિયારતે કબ્રે મુકર્રમમાં લખે છે: જેવી રીતે કે કશ્ફુલ ઝુનુનના લેખક નકલ કર્યું છે જે ઈજમાઅના આધારે કબ્રોની ઝિયારતના સમર્થનમાં ઘણી બધી દલીલો લાવ્યા છે. તેના પછી તે લખે છે કે કોઈપણ વાંધો ઉપાડે અથવા સવાલ કરે કે શા માટે આપણે રસુલ (સ.અ.વ.)ની કબ્રની ઝિયારત કરવી જોઈએ, સફર કરવી જોઈએ અથવા પોતાની જરૂરીયાત તેમના દ્વારા મેળવી અને એ આધારે દલીલો માંગી છે કે ઈબ્ને તયમીયા એ ઝિયારત ઉપર વાંધો ઉઠાવ્યો છે. હું કહું છું કે: ઈબ્ને તયમીયા કોણ છે અને શા માટે દીનમાં તેની વાત સાંભળવી અને કબુલ કરવી જોઈએ? શું ઈબ્ને તયમીયા વિચિત્ર અને ગુમરાહ મંતવ્યો નથી ધરાવતો કે જેના બારામાં દીની આલીમોએ સવાલ ઉઠાવ્યો છે અને એ મતના છે કે તે ગુમરાહ છે અને બીજાઓને જુઠની નિસ્બત આપે છે?

4) ઐતિહાસીક આંકડાઓની લાક્ષણીકતાઓ:

વફાઉલ વફા, ભાગ-2, પા. 410 માં સમહુદી, મોઅમીનની સિફતોનું વર્ણન કરતા લખ્યું છે કે હદીસવેત્તાઓ અને ઈતિહાસકારોએ ઘણા બધા બનાવો વર્ણવ્યા છે જે તે બાબત તરફ ઈશારો કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓ કબ્રોની ઝિયારત માટે જતા, તદઉપરાંત રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતે પણ જતા હતા. ઈબ્ને માજા અને નેસાઈ એ અબુ હુરૈરાથી વર્ણવ્યું છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) તેમની માતાની કબ્રની ઝિયારત કરતા અને ત્યાં રડતા અને તેમના રૂદનના કારણે આજુબાજુના લોકો પણ રડવા લાગતા.

રસુલુલ્લાહ (સ.અ.વ.) જન્નતુલ બકીઅ અને ઓહદના શહીદોની કબ્રોની ઝિયારત કરતા. મુસ્લીમ નકલ કરે છે કે જ્યારે પણ રસુલુલ્લાહ (સ.અ.વ.) આયેશાના ઘરે રહેતા આપ (સ.અ.વ.) અડધી રાત પછી બકીઅના કબ્રસ્તાનની ઝિયારત કરતા અને તેઓને સલામ કરતા.

ઈબ્ને અબ્બાસ નકલ કરે છે કે કોઈપણ મોઅમીન જે બીજા મોઅમીનની કબ્ર પાસેથી પસાર થાય જેણે તે તેની હયાતીમાં જાણતો હોય, તેને સલામ કરે, તો તે શખ્સ કબ્રમાંથી તેના સલામનો જવાબ આપે છે. બીજી હદીસમાં નકલ થયું છે કે જે કોઈ જુમ્આના દિવસે પોતાના મા-બાપની અથવા બન્નેમાંથી એકની કબ્રની ઝિયારત કરે તો અલ્લાહ તેની ગણત્રી નેકુકારોમાં કરે છે એ છતાં કે તેના મા-બાપે તેને આ દુનિયામાં આંક કર્યો હોય.

આ ઉપરાંત, જનાબે ફાતેમા (સ.અ.)ના બારામાં બીજી ઘણી બધી હદીસો આવી છે કે આપ (સ.અ.) પોતાના કાકા જનાબે હમ્ઝા (અ.ર.)ની કબ્રની ઝિયારત દર બીજા કે ત્રીજા દિવસે કરતા. વધુ સમજૂતિ માટે અલ્લામા સૈયદ મોહસીન અમીન (ર.અ.)ની કિતાબ કશ્ફુલ ઈરતેબાતનો અભ્યાસ કરો.

 

5) અકલ:

દરેક વ્યક્તિની અકલ એ હકીકતની ગવાહી આપે છે કે જે કોઈને અલ્લાહ મહાનતા આપવા ઈચ્છે છે, તેની આપણે ઈઝઝત કરવી જોઈએ. કબ્રની ઝિયારત એટલે કે તેને માન આપવું. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રની ઝિયારત અથવા તેમને કોઈપણ પ્રકારે ઈઝઝત આપવી અલ્લાહની નિશાનીઓને ઈઝઝત આપવી છે અને જે કોઈ અલ્લાહની નિશાનીઓને ઈઝઝત આપશે તેઓ સાચા મુત્તકી છે. અકલ આ તર્કને સ્વિકારે છે અને તેને ગુમરાહ નથી સમજતું.

તે હદીસ કે જેના બારામાં ઈબ્ને તયમીયા એ વાંધો ઉઠાવ્યો છે, આલીમોએ આના ક્રમબધ્ધ જવાબો આપ્યા છે.

  • આ ત્રણ હદીસોમાં શબ્દ અપવાદનો ઉપયોગ થયો છે દા.ત. અપવાદ રાખવામાં આવ્યા છે. અપવાદ બીજી કોઈ વસ્તુમાં જ રાખી શકાય. તેથી જો તે કંઈક બીજું ઉલ્લેખિત નથી, તો દેખીતી રીતે તે સૂચિત છે જેથી અર્થપૂર્ણ વાક્ય રચાય.
  • તેથી ત્રણ મસ્જીદોની તરફ સફરવાળી હદીસનો અર્થ આ બન્ને વાકયોમાંથી એક થાય:

અ) આ ત્રણેય મસ્જીદો સિવાય બીજી મસ્જીદો માટે સફર ન કરવી જોઈએ.

બ) કોઈપણ કારણે સફર ફકત આ ત્રણ મસ્જીદો માટે જ થવી જોઈએ.

અગર આપણે બીજા સમજૂતિને સ્વિકારશુ તો પછી આ હદીસ આપણે ઉપરોકત ત્રણ મસ્જીદો સિવાય કોઈપણ મસ્જીદ તરફ સફર કરવાની મનાઈ કરે છે, પરંતુ હદીસ કયા એવું બતાવે છે કે કોઈ શખ્સ આ ત્રણ મસ્જીદો સિવાય સફર ન કરી શકે / કોઈ જગ્યાએ ન જઈ શકે?

એક વ્યક્તિ દીની મદ્રેસા, ઈમામબારગાહ, કારખાનાઓ, શહીદો અને તેમના વારસદારોની કબ્રોની તરફ સફર કરે છે / મુલાકાત લે છે. અહિંયા વિચિત્ર બાબત એ છે વાંધો ફકત કબ્રોની ઝિયારત માટે ઉપાડવામાં આવે છે! અગર આપણે હદીસના પહેલા વાકયના અર્થઘટનને લઈએ તો પછી તે મસ્જીદો સિવાય કોઈપણ મસ્જીદની ઝિયારત ન કરવી જોઈએ. તે માટે નહિં કે બીજી મસ્જીદોની ઝિયારતની મનાઈ છે પરંતુ એ માટે કે આ મસ્જીદોની ઝિયારત બીજી મસ્જીદોની ઝિયારતની સરખામણીમાં વધુ ફઝીલત ધરાવે છે પરંતુ અગર કોઈ બીજી મસ્જીદોની અલ્લાહના વખાણ કરવાની નિય્યતથી ઝિયારત કરે તો પછી તેનું આ કાર્ય પ્રતિબિંધિત નહિં ગણાય. તદઉપરાંત આ હદીસમાં જે દલીલ પેશ કરવામાં આવી બન્ને સંજોગોમાં રદબાતલ થાય છે કારણકે બીજી ઘણી બધી હદીસોમાં આવ્યું છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) કયારેક પગપાળા મસ્જીદે કુબાની ઝિયારત કરતા અને કયારેક પહાડ ઉપર નમાઝ પડવા જતા.

તેથી આ હદીસ અને વહાબીઓ દ્વારા ટાંકવામાં આવતી હદીસ વચ્ચે કોઈ સરખામણી નથી. તો પછી કબુલ કરવું પડશે કે યા તો આ હદીસ સાચી નથી અથવા સહીહ રીતે નકલ નથી થઈ, ખાસ કરીને જ્યારે કે આ હદીસનો રાવી અબુ હુરૈરા છે. કદાચ આ કારણે ઈબ્ને તયમીયા એ એવો દાવો કર્યો કે મસ્જીદે કુબાની ઝિયારત મદીનાના રહેવાસીઓ માટે તાકીદભર્યું છે. કોઈએ ઈબ્ને તયમીયાને પુછવું જોઈએ કે રસુલુલ્લાહ (સ.અ.વ.) ફકત મદીનાના રહેવાસીઓ માટે મોકલવામાં આવ્યા હતા કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના શબ્દો અને કાર્યો ફકત મદીનાના લોકો માટે હતા કે ફકત તે બાબત માટે, શું ઈસ્લામ ફકત મદીનાના લોકો માટે આવ્યો હતો? અગર આપણે એમ માની લઈએ કે આ સફરની અપવાદ ફકત આજ ત્રણ મસ્જીદો માટે હતી તો શું એક સામાન્ય મુસલમાન એ હુકમને કબુલ કરશે કે તે પોતે ફકત આ ત્રણ જ મસ્જીદો માટે સફર કરી શકશે અને બીજી કોઈ નહિ? શું કોઈ આલીમ આજે પણ આવો હુકમ આપી શકે છે? શું વહાબીઓ તેમના પ્રદેશોની મસ્જીદોમાં નથી જતા? તો પછી એક સવાલ ઉઠાવી શકાય છે કે શું રસુલુલ્લાહ (સ.અ.વ.) અને તેમના સહાબીઓ હજ્જ અને બીજા મૌકાઓ ઉપર અલગ અલગ જગ્યાઓએ સફર ન્હોતા કરતા? શું કુરઆનની ઘણી બધી આયતો અને હદીસો મુસલમાનોને અલ્લાહના રસ્તે, જંગોમાં, સગાસબંધી / મિત્રોની મુલાકાત માટે, તબ્લીગ કરવા અથવા ઈલ્મ હાંસીલ કરવા સફર કરવાનું નથી કહ્યું? જેમકે સુરએ તૌબા (9), આયત નં. 122 માં છે કે:

“અને મોઅમીનો માટે આ યોગ્ય નથી કે તેઓ એકી વખતે બધા નિકળી પડે; માટે તેમના દરેક ટોળામાંથી એક નાનકડો સમૂહ એ હેતુસર શા માટે નિકળતો નથી કે તે દીનનું ઈલ્મ પ્રાપ્ત કરે અને જ્યારે તે પાછા ફરે ત્યારે પોતાની કૌમને ડરાવે જેથી તેઓ પણ સાવધ રહે.”

તદઉપરાંત, આપણને રિઝક માટે પણ સફર કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. અમે આ ચર્ચાને એહયા અલ ઉલુમમાં ગઝાલીના શબ્દો વડે પૂર્ણ કરીએ છીએ કે જેમાં તેણે બીજી પ્રકારના સફરનો ઉલ્લેખ કર્યો છે જે ઈબાદત માટે કરવામાં આવે જેમકે હજ, જેહાદ અને અંબીયા (અ.મુ.સ.), સહાબીઓ, તાબેઈન, આલીમો અને મુત્તકી લોકોની ક્રબોની ઝિયારત. જેવી રીતે કોઈ શખ્સની મુલાકાતમાં સવાબ રહેલો છે તે જ સવાબ તેને મળે છે જે કોઈ શખ્સની વફાત બાદ તેની ઝિયારત કરે, જે જાએઝ છે અને સુન્નત છે.

આપણે અલ્લાહ અઝ્ઝ વ જલ્લ પાસે તેની આખરી હુજ્જત (અ.ત.ફ.શ.)ના વસીલાથી આપણા ઈમાનમાં મઝબુતી માંગીએ અને આવી શંકાઓથી મહેફુઝ રેહવાની તોફીક માંગીએ. આપણે અલ્લાહ પાસે રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમની પવિત્ર આલ (અ.મુ.સ.)ની મુબારક કબ્રોની ઝિયારતની તૌફીક માંગીએ કે તેઓ (અ.મુ.સ.)ની શફાઅતથી આપણા ગુનાહોને માફ કરી દે.

Be the first to comment

Leave a Reply