અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ટીકાદારો સામે એક દલીલ

વાંચવાનો સમય: 5 મિનિટ

નાસેબીઓનું એક જૂથ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના મઅસુમ વ્યકિતત્વને હાની પહોંચાડવા સતત કોશીશ કરતું રહે છે. તેઓના અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સ્થાનને નીચા દશર્વિવાના પ્રયત્નોનો હેતુ કોઈપણ ભોગે પોતાના નેતાઓ અને બની બેઠેલા ખલીફાઓને અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓને સારા દર્શાવવાનો છે.

જવાબ:

અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિરૂધ્ધ પ્રચાર ઈસ્લામ જેટલો જ જૂનો છે, જે અહીં હવે પછી દર્શાવેલ બનાવ પરથી સમજાય છે. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) વિરૂધ્ધ દ્વેષપૂર્ણ અને નુકસાનકારક વાતો સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે.આવી વાતો નો મકસદ બની બેઠેલા ખલીફાઓ અને (પયગમ્બર સ.અ.વ.)ની પત્નિઓ અને સહાબા સાથે અલી અ.સ. ના કિરદાર ને જોડીને મુસલમાનોને ગુંચવણમાં નાખવાનો છે, અને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ઈલાહી હકને દૂર કરવાનો પ્રત્યન છે. આ જુઠાણું એ કારણે ચાલ્યુ કેમ કે મુસલમાનો અજ્ઞાનતાના કારણે સત્યથી જાણકાર ન હતા અથવા ઐતિહાસિક હકીકતો જાણવામાં રસ ધરાવતા ન હતા. જયારે તમનું હકીકતો તરફ ધ્યાન દોરવામાં આવ્યું તો તરતજ તેઓએ તેમની ભૂલને અનુભવી અને પસ્તાવો કર્યો.

ઈમામ મોહમ્મદે બાકીર (અ.સ.) ભટકી ગયેલા મુસલમાનોને રસ્તો બતાવે છે:

રિવાયત છે કે સાલીમ ઈમામ બાકીર (અ.સ.) પાસે આવ્યા અને કહ્યું હું તમને તે વ્યકિત વિષે પુછવા આવ્યો છું.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: કોના વિષે?

સાલીમ: અલી બીન અબી તાલિબ (અ.સ.)

ઈમામ (અ.સ.): કઈ બાબત વિષે?

સાલીમ: તેમની ભૂલો વિષે (નઉઝોબિલ્લાહ)

ઈમામ (અ.સ.): તે હદીસો ઉપર વિચાર કર જે તારી પાસે રાવીઓ દ્વારા પહોંચી છે.

ઈમામ (અ.સ.) એ વધુમાં કહ્યું: શું તમારી પાસે આ હદીસ પહોંચી છે કે ખૈબર ની જંગના દિવસે અલ્લાહના પયગમ્બરે અન્સારનો અલમ સાદ બીન માઝને આપ્યો હતો અને તેનો હુમલો નિષ્ફળ ગયો હતો? પછી આપે ઉમર ઈબ્ને ખત્તાબને મુહાજીરના અલમ સાથે મોકલ્યા? સાદને ઘાયલ સ્થિતિમાં લાવવામાં આવ્યા અને ઉમર એ હાલતમાં પાછા આવ્યા કે તેઓ તેમના સાથીઓને નામર્દ કહેતા હતા અને તેમના સાથીઓ તેમને નામર્દ કહેતા હતા.

આવું મોહાજીર અને અન્સારો કરતા રહ્યા, ત્યાં સુધી કે આપ (સ.અ.વ.) એ ત્રણ વખત ફરમાવ્યું કે હું આવતી કાલે એવી વ્યકિતને અલમ આપીશ કે જે જોશીલો હશે અને મૈદાને જંગમાંથી નહી ભાગે. અલ્લાહ અને તેના પયગમ્બર તેને ચાહે છે અને તે અલ્લાહને અને તેના પયગમ્બરને ચાહે છે.

સાલીમે કહ્યું: હા, સમગ્ર ઉમ્મત પણ સહમત છે કે પયગમ્બર (સ.અ.વ.)એ તેમજ કહ્યું હતું.

ઈમામ (અ.સ.): અય સાલીમ! અગર તું કહે કે અલ્લાહ અલી (અ.સ.)ને ચાહે છે પણ અલ્લાહ જાણતો નથી કે અલી (અ.સ.) શું કરશે તો તમે કુફ્ર કર્યું કહેવાય અને જો તમે એમ કહો કે અલ્લાહ અલી (અ.સ.)ને ચાહે છે અને અલ્લાહ જાણે છે કે તેઓ શું કરશે, તો પછી તમારો જે તેમની ભૂલનો દાવો છે તે ક્યાં બાકી રહ્યો?

સાલીમ: મને આ વાત ફરીથી કહો.

ઈમામ (અ.સ.) એ તેને ફરીવાર ફરમાવ્યું.

સાલીમ: હું સીત્તેર વરસ સુધી ગુમરાહીની હાલતમાં અલ્લાહની ઈબાદત કરતો રહ્યો.

(અલ એહતેજાજ, ભાગ-2, પાના નં. 328)

આ બનાવ ઘણા અગત્યના મુદ્દા તરફ ધ્યાન દોરે છે:

1) અલી બીન અબી તાલિબ (અ.સ.) અલ્લાહ અને તેના નબી (સ.અ.વ.)ને ચાહે છે અને તેમના ચહીતા છે. તે કારણે ઈસ્લામનો અલમ તેમને આપવામાં આવ્યો હતો.

2) જે લોકોને અલી (અ.સ.) પહેલા અલમ આપીને મોકલવામાં આવ્યા હતા તેઓ આ ગુણો ધરાવતા ન હતા.

3) જો અલી બીન અબી તાલિબ (અ.સ.)ના દુશ્મનો એવી ખબરો ઘડી કાઢે કે અલી (અ.સ.) એ પયગમ્બર (સ.અ.વ.) અથવા જનાબે ફાતેમા (સ.અ.)ને ગુસ્સે કર્યા અથવા કોઈ ભૂલ કરી જેવું કે શરાબ પીવું (મઆઝલ્લાહ), તો આપણે જાણવું જોઈએ કે આ એ ખૂબજ વધારે દુશ્મનાવટ અને ઈર્ષાનું પરિણામ છે, જે અલી બીન અબી તાલિબ (અ.સ.)ના એ સદગુણોને કારણે છે કે જે નાસેબીઓ પોતાના નેતાઓમાં હોવાનું ચાહે છે. નહિંતર તેઓ એવો દાવો કેમ કરી શકે કે અલી બીન અબી તાલિબ (અ.સ.) જે અલ્લાહ અને રસુલ (સ.અ.વ.) ના ચહિતા હતા અને જેને અલ્લાહ અને રસુલ (સ.અ.વ.) ચાહતા હતા તેઓએ તેમને ગુસ્સે કર્યા (મઆઝલ્લાહ)? શું અલ્લાહ અને રસુલ (સ.અ.વ.) તેમને અલમ સોંપતી વખતે જાણતા ન હતા કે તેઓ તેમને ગુસ્સે કરશે (મઆઝલ્લાહ)? તેથી એ સ્પષ્ટ છે કે આ વાત ઘડી કાઢવામાં આવી છે અને અલી બીન અબી તાલિબ (અ.સ.)ના સ્થાનને નીચુ દર્શાવવા માટે ઉછાળવામાં આવી છે.

4) મોટા વિધ્વાનો અને તેમની કિતાબોનું નામ આપવું એ સાબિત નથી કરતું કે અલી બીન અબી તાલિબ (અ.સ.) એ દીનમાં ભૂલ કરી (મઆઝલ્લાહ). અલી બીન અબી તાલિબ (અ.સ.)નું અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના હુકમ મુજબ ચાલતા હોવાની અને તેઓ સાચા (અલી હકની સાથે છે) અને કુરઆન (અલી અ.સ. કુરઆન સાથે છે) અને તેઓનું મઅસુમ હોવું (સુ. અહઝાબની આયત 33 , આયતે તત્હીર) જેવી અસંખ્ય અને મોતવાતીર હદીસો છે. અલી બીન અબી તાલિબ (અ.સ.) વિશે ઘણી બધી આધારભૂત હદીસો હોવાથી તેમના વિશે કોઈ છુટીછવાઈ હદીસ મળે જે તેમના વ્યકિતત્વને ઝાંખી પાડતી હોય તો તેનો કોઈ અર્થ નથી, ચાહે ગમે તે રાવી કે લેખક હોય. સારી રીતે સ્થાપિત, વિસ્તૃત રીતે નોંધ લેવાએલ અને અસંખ્ય (હદીસો)ને હંમેશા જૂઠ અને અસત્યતાની સામે પસંદ કરવામાં આવે છે. નહીંતર અલ્લાહનું એકત્વ (તૌહીદ), અલ્લાહનો ન્યાય (અદ્લ), નબુવ્વત અને આખેરત (મઆદ) પણ પ્રશ્નાર્થમાં આવી જશે, કેમકે આ માન્યતાઓ અથવા તેમની મહત્ત્વની વિગતો પર આક્ષેપ મુકતા છુટા છવાયા અહેવાલો પણ મૌજુદ છે.

5) જે લોકો અલી બીન અબી તાલિબ (અ.સ.)ની આ કહેવાતી ભૂલો અને ક્ષતીઓથી આંચકો અનુભવે, ચાહે નિર્દોષતાથી અથવા અન્ય કોઈ રીતે, તેમને અમે કહેવા માંગીએ છીએ કે આવા અહેવાલોથી ગભરાવ નહીં. કોઈના વ્યકિતત્વ પર મરણતોલ હુમલો કરવાની આ પ્રથા એટલી જૂની છે જેટલો આપણો મઝહબ જૂનો છે. અગાઉની ઉમ્મતોએ માનનીય ફરીશ્તા જીબ્રઈલ કે જેની માઅસુમીય્યત વિશે કોઈ શંકા નથી તેમને પણ આમાંથી બાકાત ન્હોતા રાખ્યા. જીબ્રઈલ કે જે બની ઈસ્રાઈલ માટે ખરાબ સમાચાર લાવનાર ફરીશ્તા હતા તેમના પર બની ઇસરાઇલએ કલંક લગાડવાનું અભિયાન ચલાવ્યું હતું. અલ્લાહે આ ઘટનાની પવિત્ર કુરઆનમાં બે જગ્યાએ નોંધ લીધી છે. ‘તું કહે કે જે કોઈ જીબ્રઈલનો દુશ્મન છે….. તે અલ્લાહનો દુશ્મન છે (સુ. બકરહ, આયત 97-98)

માત્ર જીબ્રઈલ જ નહીં પયગમ્બર મુસા (અ.સ.) સાથે પણ ઘણા જૂઠ અને આક્ષેપોને જોડવામાં આવ્યા જેનો અલ્લાહે કુરઆને મજીદમાં ઉલ્લેખ કર્યો છે:

અય ઈમાન લાવનારાઓ! તમે તેમના જેવા ન થાઓ કે જેઓ મુસા અ.સ. વિષે બુરું બોલતા હતા,પછી અલ્લાહે તેઓના આક્ષેપોમાંથી તેને નિર્દોષ ઠરાવ્યા હતા, અને તે અલ્લાહની પાસે માનવંત હતા. (સુ. અહઝાબ, 69)

જે લોકો કુરઆનથી પરિચિત છે તેઓ ગવાહી આપશે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને પણ મુનાફીકો, અસ્હાબો, પત્નિઓ અને એહલે કિતાબ દ્વારા મેણા મારવામાં આવતા અને તોહમતો મૂકવામાં આવી હતી.

આ બધું ધ્યાનમાં લીધા પછી એમ કહેવુ યોગ્ય રેહશ કે જો અલી બીન અબી તાલિબ (અ.સ.)ની ‘ભૂલો અને ક્ષતિઓ’વિશે વાતો ફેલાવવામાં આવતી હોય, તો અલી (અ.સ.) સારા લોકોના સાથી છે અને તેમનો અજ્ર અનેક ગણો વધશે. જે લોકો આ જુઠાણા છતાં આપ (સ.અ.વ.) પર ઈમાન રાખશે તેમનો અજ્ર પણ અનેક ગણો વધશે.

ખૈબરનો બનાવ એહલે સુન્નત દ્વારા:

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ખૈબરના દિવસે કૌમને નજાત અપાવી તેનો વ્યાપક સ્વીકાર બધા મુસલમાનોએ અને એહલે સુન્નત (જેને ભૂલમાં સુન્ની કહેવામાં આવે છે) અને તેમના ફલાણા ફલાણા એ કર્યો છે.

આ બનાવના ઘણા દાયકાઓ પછી પણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને આ સન્માન કે જે અલ્લાહ અજ્જવઝલ્લ અને તેના નબી (સ.અ.વ.)એ આપ્યું હતું તેની સહાબા ઈર્ષા કરતા હતા. તેઓ એ ક્ષણ કે જ્યારે પયગમ્બર (સ.અ.વ.) એ ઈલાહી હુકમથી ઈસ્લામનો અલમ અલી (અ.સ.)ને સોંપ્યો અને અલ્લાહ તથા તેના નબીના ચાહનાર તથા અલ્લાહ અને નબીની મોહબ્બતના મેળવનાર જાહેર કર્યા તે ક્ષણ માટે સહાબા પોતાની સઘળી સંપત્તિ, સત્તા અને સ્થાન કુરબાન કરવા તૈયાર હતા. ઘટાનાની વિગતમાં ઉંડા ઉતર્યા વગર, રસ ધરાવતા વાંચકો માટે અમે એહલે સુન્નતના સૌથી મહત્ત્વના સંદર્ભોનો ઉલ્લેખ કરીએ છીએ.

અ) સીહાહે સીત્તામાં:

1) સહીહ બુખારી, સફર અને જેહાદની કિતાબના, પયગમ્બર (સ.અ.વ.)ની સહીહ હદીસો નં. 2975 અને 3009. તેમણે તેનો ઉલ્લેખ કિતાબે ખિલ્કતના પ્રકરણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ફઝાએલમાં પણ કર્યો છે.

2) સહીહ મુસ્લીમની કિતાબે સફર અને જેહાદની હદીસ નં. 132 અને સહાબાના અખ્લાકની કિતાબના પ્રકારણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ફઝાએલ હદીસ નં. 32, 33, 34 અને 35.

3) સહીહ તીરમીઝીની હદીસ નં. 3724, હઝરત અલી (અ.સ)ના ફઝાએલમાં

4) સહીહ ઈબ્ને માજાની હદીસ નં. 118 પ્રકારણ: સહાબાના ફઝાએલ.

5) સોનને અબી દાઉદ, ભાગ-10, પા. 320.

6) નીસાઈની ખસાએસના પાના નં. 4-6, જેણે તેનો ઉલ્લેખ પોતાની સોનનમાં નથી કર્યો જે ઘણી આશ્ચર્યજનક વાત છે કેમકે તેણે તેનો ઉલ્લેખ અલ ખસાઈસમાં વિસ્તારથી કર્યો છે. કદાચ તે નાસબીઓ દ્વારા કત્લના ભયને લીધે આમ કર્યું હશે કે જે અંતે બન્યું.

બ) એહલે તસન્નુનના અન્ય સંદર્ભો:

1) મુસ્નદે અહેમદ બીન હમ્બલ, ભાગ-1, પા. 185, 320, ભાગ-2, પા. 384, ભાગ-5, પાના નં. 322, ભાગ-5, પાના નં. 353.

2) સોનને અલ બૈહાકી, ભાગ6, પા. 362.

3) તહેઝીબ અલ તહેઝીબ, ભાગ-7, પા. 337

4) મજમ અલ ઝવાએદ, ભાગ-6, પા. 150-151, ભાગ-9, પા. 123-124.

5) અલ મુસ્તદરક અલા અલસહીહૈન ભાગ-3, પાના નં. 38

6) અલ તબકાત અલ કુબરા, ભાગ-2, પા. 1, હદીસ 80

7) કનઝુલ ઉમ્માલ હદીસ નં. 30, 128, 30, 130, 30, 132, 36, 496

8) હિલ્યહ અલ મુત્તકીન, ભાગ-1, પા. 26

9) તારીખે બગદાદી, ભાગ 7, પા. 401

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*