શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી?

વાંચવાનો સમય: 4 મિનિટ

કયારેક કયારેક એવા સવાલો ઉભા થઇને સામે આવે છે કે શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી? શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) પણ અઝાદારી કરતા હતા?

આનો જવાબ એ છે કે મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) રીતસર ઈમામ હુસૈન (અ.સ.) ની અઝાદારી કરતા હતા અને તેનું આયોજન પણ કરતા હતા. આમ અઝાદારી આ ઝમાનાની કે બાદશાહોની પેદાશ નથી, પરંતુ આનો સિલસિલો મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનાથી ચાલ્યો આવે છે અને ઈમામે ઝમાના (અ.સ.) ની ઈનાયતોના કારણે આજ સુધી બાકી છે. સારાંશને ધ્યાનમાં રાખીને નીચે અમૂક ઉદાહરણો રજુ કરવાની કોશીશ કરીએ છીએ.

(૧) બની હાશિમની અઝાદારીઃ-

હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.) થી રિવાયત છે કેઃ

“આશુરાના બનાવ પછી બની હાશિમની ઔરતો એ ન તો આંખોમાં સુરમો લગાવ્યો અને ન તો વાળોમાં મહેંદી લગાવી. ઈબ્ને ઝિયાદને કત્લ કરી નાંખવામાં આવ્યો ત્યાં સુધી બની હાશિમના કોઈ ઘરમાં રાંધવાનો ધુમાડો પણ નહતો નિકળ્યો. આશુરાના બનાવ પછી અમો સતત આંસુ વહાવી રહ્યા છીએ.”

(ઈમામ હસન વ ઈમામ હુસૈન (અ.સ.) પાના નં. ૧૪૫)

(૨) ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ની અઝાદારીઃ-

હઝરત ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ઉપર કરબલાના બનાવની એટલી વધારે અસર હતી કે આપ (અ.સ.)ની આંખોમાંથી હંમેશા આંસુ ઝારી રહેતા હતા. જે અત્યાચારો ઈમામ હુસૈન (અ.સ.), આપ (અ.સ.)ના કાકા હ. અબ્બાસ (અ.સ.), આપ (અ.સ.)ના ભાઈઓ અને રીશ્તેદારો ઉપર ગુઝારવામાં આવ્યા હતા તે અત્યાચારોને યાદ કરીને આપ (અ.સ.) રડતા રહેતા હતા. આપ (અ.સ.)ની સામે જ્યારે પણ પાણી પેશ કરવામાં આવતુ તો આપ (અ.સ.) ની આંખોમાંથી આંસુ વહેવા લાગતા અને ફરમાવતા:

“હું કેવી રીતે પાણી પીવું જ્યારેકે ફરઝંદે રસુલને તરસ્યા ઝબ્હ કરી દેવામાં આવ્યા.”

(બેહારૂલ અન્વાર, ભાગ-૪૪, પાના નં. ૧૪૫)

અને આમ પણ ફરમાવતા રહેતા:

“હું જ્યારે પણ જનાબે ઝહરા (સ.અ.) ના ફરઝંદોની શહાદતને યાદ કરૂં છું તો આંખોમાંથી આંસુ વહેવા લાગે છે.”

(ખેસાલ, ભાગ-૧, પાના નં. ૧૩૧)

હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે કેઃ

“મારા જદ્દ જનાબે અલી બિન હુસૈન ઝયનુલ આબેદીન (અ.સ.) જ્યારે અલી બિન હુસૈન (અ.સ.) ને યાદ કરતા ત્યારે એવી રીતે રડતા કે જેથી આપની દાઢી આંસુઓથી ભીંજાઈ જતી અને તેમના રૂદનથી લોકો પણ રડવા લાગતા.”

(બેહારૂલ અન્વાર, ભાગ-૪૫, પાના નં. ૨૦૭)

(૩) હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ની અઝાદારીઃ-

હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) આશુરાના દિવસે હઝરત ઈમામ હસૈન (અ.સ.) ની મજલીસે અઝા બરપા કરતા અને સય્યદુશ્શોહદાના મસાએબ ઉપર રડતા. એક મજલીસે અઝામાં કમીત નામના શાયરે ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ની સામે જ્યારે આ શેર ઉપર પહોંચ્યો કે “કતીલ બીત્તિફ…” ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ખુબજ રડયા અને ફરમાવ્યું,

“અય કમીત! અગર મારી પાસે માલે દુનિયા હોત તો હું તમને આ શેઅરના કારણે આપી દેત. પરંતુ તમારૂ ઈનામ અને બદલો એ દોઆ છે જે રસુલે અકરમ (સ.અ.વ.) એ હસ્સાન બિન સાબિત માટે કરી હતી કે “અય હસ્સાન! જ્યાં સુધી તમે અમો એહલેબૈત (અ.મુ.સ.) ની દિફા કર્યા કરશો ત્યાં સુધી રૂહુલ કુદસ થકી તમારી મદદ થતી રહેશે.”

(મિસ્બાહો અલ-મુતહજ્જીદ, પાના નં. ૭૧૩)

(૪) હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.) ની અઝાદારીઃ

હઝરત ઈમામ મુસા કાઝિમ (અ.સ.) ફરમાવ્યું છે કેઃ

“જ્યારે મોહર્રમનો મહીનો આવતો ત્યાર પછી મારા પિતાના ચહેરા ઉપર સ્મીત આવતુ ન હતું. પરંતુ આપના પાકિઝા ચહેરા ઉપર ગમના આસાર જાહેર થતા અને ગાલો ઉપર આંસુ વહેતા રહેતા ત્યાં સુધી કે આશુરાનો દિવસ આવી જતો. તે દિવસે તો આપનો ગમ અને દુખ ખુબજ વધી જતો અને આપ સતત આંસુ વહાવ્યા કરતા અને ફરમાવતા કે, આજના દિવસે મારા જદ્દ હઝરત ઈમામ હુસૈન (અ.સ.) શહીદ થયા હતા.”

(ઈમામ હસન વ ઈમામ હુસૈન, પાના નં. ૧૪૩)

(૫) હઝરત ઈમામ મુસા કાઝિમ (અ.સ.) ની અઝાદારીઃ

હઝરત ઈમામ અલી રેઝા (અ.સ.) થી રિવાયત છે કેઃ

“જ્યારે મોહર્રમનો મહીનો આવતો તો કોઈ વ્યકિત મારા પિતાને હસતા નહોતા જોતા. આ સિલસિલો આશુરાના દિવસ સુધી ચાલુ રહેતો. આશુરાના દિવસે તો આપનો ગમ ખુબજ વધી જતો. આપ(અ.સ.) સતત સડતા રહેતા અને ફરમાવતા “આજના દિવસેજ હુસૈન (અ.સ.) ને શહીદ કરવામાં આવ્યા.”

(હુસૈન નફ્સે મુતમઈન્નાહ, પાના નં. ૫૬)

(૬) હઝરત ઈમામ અલીએ રેઝા (અ.સ.) ની અઝાદારીઃ

હઝરત ઈમામ અલીએ રેઝા (અ.સ.) ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રડતા રડતા ફરમાવતા હતા કે:

“ઈમામ હુસૈન (અ.સ.) ઉપર પડેલી મુસીબતોએ મારી આંખોને જખ્મી કરી દીધી છે અને મારા આંસુઓને જારી કરી દીધા છે.”

(બેહારૂલ અન્વાર, ભાગ-૪૪, પાના નં. ૨૮૪)

જનાબે દેઅબલ ઈમામ રેઝા (અ.સ.) ની ખિદમતમાં હાજર થયા, ઈમામ (અ.સ.) એ ઈમામ હુસૈન (અ.સ.) ની શાનમાં શેઅર કહેવાના બારામાં તથા તેમના ઉપર આંસુ વહાવાના બારામાં થોડી બાબતો બયાન કરી જે નીચે મુજબ છેઃ

“અય દેઅબલ! જે કોઈ મારા જદ્દ ઈમામ હુસૈન (અ.સ.) ઉપર આંસુ વહાવે તો ખુદાવંદે આલમ તેના ગુનાહોને માફ કરી દેશે.

ત્યાર પછી ત્યાં હાજર રહેલા લોકો અને એહલે ખાનદાનની વચ્ચે પરદો નાખી દેવામાં આવ્યો જેથી લોકો ઈમામ હુસૈન (અ.સ.) ની મુસીબત ઉપર આંસુ વહાવે.

ત્યાર પછી દેઅબલને ફરમાવ્યું:

“ઈમામ હુસૈન (અ.સ.) ના બારામાં એક મરસીયા પડો. તમે જ્યાં સુધી જીવીત છો ત્યાં સુધી અમારા મદદગાર અને વખાણ કરનારા છો. જ્યાં સુધી તમારામાં તાકત છે અમારી મદદ કરવામાં કોતાહી કરતા નહીં.”

દેઅબલની આંખોમાંથી આંસુ વહીરહ્યા હતા અને આ શેઅર પડી રહ્યા હતા.

અફાતેમો લવ ખલતી હુસૈન મોજદ્દેલા વ કદ માત અતશાનન બે શત્તે ફોરાતીન

આ શેઅર સાંભળીને ઈમામ અલી રેઝા (અ.સ.) અને તેના ઘરના લોકોની આવાઝ બલંદ થઈ ગઈ.

(બેહારૂલ અન્વાર, ભાગ-૪૫, પાના નં. ૨૫૭)

(૭) હઝરત ઈમામે ઝમાના (અ.સ.) ની અઝાદારીઃ

રિવાયત મુજબ આ ગયબતના ઝમાનામાં હઝરત ઈમામે ઝમાના (અ.સ.) ઈમામ હુસૈન (અ.સ.) ની મુસીબતો ઉપર મુસલસલ આંસુ વહાવી રહ્યા છે. આપ ફરમાવો છો કેઃ

فَلَئِنْ اَخَّرْتِنِيْ الدُّہُوْرُ وَ عَاقَنِيْ عَنْ نُصْرَتِکَ الْمَقْدُوْرُ وَ لَمْ اَکُنْ لِمَنْ حَارَبَکَ مُحَارِبًا وَ لِمَنْ نَصَبَ لَکَ الْعَدَاوَةَ مُنَاصِبًا فَلَاَنْدُبَنَّکَ صَبَاحًا وَ مَسَاءً وَ لَاَبْکِیَنَّ عَلَیْکَ بَدَلَ الدُّمُوْعِ دَمًا حَسْرَةً عَلَیْکَ وَ تَاَسُّفًا وَ تَحَسُّرًا عَلٰي مَا دَہَاکَ۔

“અગરચે ઝમાના લેહાઝના કારણે હું તે સમયે હાજર ન હતો અને આપની મદદ કરવાનું મારા નસીબમાં લખાએલું ન હતું કે જેથી હું આપના દુશ્મનો સાથે લડાઈ કરી શકું અને આપનો વિરોધ કરનારાનો મુકાબલો કરી શકું, તેથી હવે હું આપના ઉપર સવાર-સાંજ આંસુ વહાવી રહ્યો છું અને આંસુને બદલે ખુનના આંસુઓથી રડું છું તે મુસીબતો યાદ કરીને કે જે આપના ઉપર પાડવામાં આવી અને તે ઝુલ્મો ઉપર અફસોસ કરૂ છું જે આપના ઉપર ગુઝારાતા રહ્યા.”

(બેહારૂલ અન્વાર, ભાગ-૧૦૧, પાના નં. ૩૨૦)

આ વાતો પરથી એ વાતનો અંદાઝ આવી જશે કે મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ફકત પોતેજ ઈમામ હુસૈન (અ.સ.) ની અઝાદારી કરતા નહતા પરંતુ મજલીસે અઝા પણ બરપા કરતા હતા અને શાયરોને ઈમામ હુસૈન (અ.સ.) ની શાનમાં મરસીયા પડવાની તાકીદ પણ કરતા હતા. તેઓના હકમાં દોઆ કરતા, ઈનામો આપતા અને સન્માન પણ કરતા હતા.

ઈમામે ઝમાના (અ.સ.) ની રિવાયતથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ઈમામ હુસૈન (અ.સ.) ની અઝાદારી ફકત મોહર્રમના દિવસો પુરતી મર્યાદિત નથી પરંતુ આપ (અ.સ.) દરરોજ સવાર અને સાંજ ગીરીયા કરી રહ્યા છે અને દરરોજ તેમના ઉપર રડી રહ્યા છો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*