તમામ વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે કે જેણે પોતાના બંદા ઉપર ફૂરકાન નાઝીલ કર્યું જેથી દુનિયાવાળાઓ માટે ચેતવણી આપનાર બને, જેના હાથમાં જમીન અને આસમાનની સત્તા છે, તેની સત્તામાં તેનો કોઈ શરીક નથી અને પછી તેને એવી ગણતરી કરી જેવી ગણતરી કરવાનો હક્ક છે.
અલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફરમાવે છે:
“અય નબી! બેશક અમોએ તમને ગવાહ તરીકે, ખુશખબર આપનારા તથા ડરાવનારા તરીકે મોકલ્યા છે; અને અલ્લાહની પરવાનગીથી તેની તરફ બોલવનારા તથા નૂર આપનારા ચિરાગ બનાવી મોકલ્યા છે.“
(સુરએ અહઝાબ-33, આ. 45-46)
ફરી અલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફરમાવે છે:
“અને તેઓ તમારી પાસે કોઈ દલીલ નહિ લાવે પરંતુ અમોએ તેમને તેનો સાચો અને શ્રેષ્ઠ જવાબ આપ્યો છે.“
(સુરએ ફુરકાન-25, આ. 33)
અલ્લાહની રહમત અને સલામ થાય તેના ચૂંટેલા રસુલ, તેના ચહીતા, હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર અને તેમના ભાઈ અને વસી હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર, જેઓ પસંદ કરાયેલ, જેમને આપ (સ.અ.વ.)એ પોતાના મદદગાર અને વઝીર બનાવ્યા અને આપ (સ.અ.વ.)ની પવિત્ર આલ, પાકો પાકીઝા ઈમામો (અ.મુ.સ.) ઉપર, જેઓને અલ્લાહે દરેક પ્રકારની ગંદકી અને નજાસતથી દૂર રાખ્યા અને એવા પાકો પાકીઝા રાખ્યા જેવા પાકો પાકીઝા રાખવાનો હક્ક છે. જે કોઈ તેઓની વિલાયતને કબુલ કરશે તે નજાત પામશે અને જે કોઈ તેઓ પ્રત્યે બુગ્ઝ અને કીનો રાખશે તેઓને જહન્નમની આગમાં નાખવામાં આવશે.
પવિત્ર કુરઆનની ઉદારતા, તેનો ઉચ્ચ મકામ, તેનું વિશાળ ઈલ્મ અને તેની દલીલોની સ્પષ્ટતા મુસલમાનો અને મોઅમીનોથી છૂપી નથી. તે અંતીમ મકસદ છે, મજબુત રસ્સી છે, સાબીત કદમ રહેવા માટે મજબુત, ઉચ્ચ વિચાર અને મહાન રસ્તો છે. જે કોઈ તેને વળગીને રહે છે તે નજાત પામશે અને જે કોઈ પાછળ રહી જાય તે નાશ પામશે. તેની તઅલીમમાં તિલાવત છે અને તેના અકીદામાં વિચારણા છે, દિલો ઝીંદા થાય છે. તેનું ઈલ્મ હાસીલ કરવું અને તેની તઅલીમાત ઉપર અમલ કરવો બધી જ તકલીફોમાંથી નજાતનું સબબ છે.
મહત્વની બાબત એ કે અકલો તેની તફસીરના રહસ્યોને પામી નથી શકતી અને નાના લોકોની હોશીયારી તેની છુપાયેલી હકીકતના નૂર સુધી નથી પહોંચી શકતી. તેથી લોકોએ તેની તફસીરમાં તફાવત કરે છે અને તેની તફસીરની સ્પષ્ટતા અને વિરોધાભાસના શિકાર બન્યા છે.
તેઓ તેની સમજણ પોતાના અકીદાઓની માંગ મુજબ કરે છે, તેના ઉપર પોતાના ફીર્કાની જરુરીયાત મુજબ અમલ કરે છે, દરેક પોતે જે ઈલ્મ ધરાવે છે તેના ઉપર ફખ્ર કરે છે પરંતુ કમનસીબે તેઓ એહલે ઝિક્ર તરફ ન ગયા, વહી અને તફસીરવાળા લોકો, જેમના બારામાં અલ્લાહ અઝ્ઝ વ જલ્લ એ પોતાની કિતાબમાં કહ્યું છે:
“અને કોઈ તેની તફસીર નથી જાણતું સિવાય અલ્લાહ અને તેઓ જેઓ ઈલ્મમાં ડુબેલા (રાસેખુન ફિલ ઇલ્મ) છે.“
(સુરએ આલે ઈમરાન-3, આ. 7)
તેઓ સિવાય કોઈ સમગ્ર કુરઆન નથી જાણતું. તેઓ એ લોકો છે જેમને ઈલ્મ આપવામાં આવ્યું છે; તેઓ એ છે જેમની પાસે સત્તા છે, તેઓ પહેલા અને યાદ કરાએલા લોકો છે, લોકોને એ હુકમ દેવામાં આવ્યો છે કે તેઓથી સવાલ કરે જેવી રીતે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અને મઅસુમ ઈમામો (અ.મુ.સ.)ની હદીસોમાં આવ્યું છે. તેઓ સિવાય કોઈની પાસે પવિત્ર કુરઆનનું સમગ્ર ઈલ્મ છે? તેઓ સિવાય કોની પાસે વહી અને તેના અર્થઘટનનું ઈલ્મ છે?
ચાલો આપણે આ વિષયની હદીસ ઉપર નજર કરીએ:
1) ઈમામ અબુ જઅફર મોહમ્મદ ઈબ્ને અલી અલ બાકીર (અ.સ.) ફરમાવે છે:
‘વસીઓ સિવાય કોઈ એવો દાવો નથી કરી શકતો કે તેણે કુરઆન જમા કર્યું છે, તેનું સંપૂર્ણ, તેનું જાહેર તથા તેનું બાતીન.’
(બસાએરુદ્દરજાત, પા. 213, હ. 1)
આ હદીસમાં વસીઓથી મુરાદ અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના બાદ મઅસુમ ઈમામો (અ.મુ.સ.) છે. તેમના સિવાય અગર બીજું કોઈ આ દાવો કરે તો તે જૂઠો છે.
(બસાએરુદ્દરજાત, પા. 213, હ. 2)
2) અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ ઉમ્મતના સરદાર અને ઈમામ, અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પાસે આવે છે અને પવિત્ર કુરઆનની તફસીરના બારામાં સવાલ કરે છે. આપ (અ.સ.)એ તેમના માટે રાતનો સમય નક્કી કર્યો. જ્યારે તેઓ મુલાકાત માટે આવ્યા ત્યારે આપ (અ.સ.)એ તેમને પુછયું:
‘કુરઆનની શરુઆત શું છે?’
તેમણે જવાબ આપ્યો: ‘સુરએ ફાતેહા.’
ફાતેહાની શરુઆત શું છે?
‘અલ્લાહના નામથી’
‘અલ્લાહના નામથી’ની શરુઆત શું છે?
‘તેના નામથી’
‘તેના નામથી’ની શરુઆત?
અરબી અક્ષર ‘બ’
આપ (અ.સ.)એ તે રાત્રે ‘બ’ અક્ષરના બારામાં વાત કરવાની શરુ કરી. જ્યારે સવાર પડી, ત્યારે આપ (અ.સ.)એ ફરમાવ્યું:
‘અગર રાત્રી હજુ લાંબી હોત તો આપણી ચર્ચા હજુ લાંબી ચાલત.’
(અલ સેરાતુલ મુસ્તકીમ, ભા. 1, પા. 219)
3) અબ્દુર રહમાન ઈબ્ને હજ્જાજ નોંધે છે કે મેં અબુ અબ્દીલ્લાહ ઈમામ સાદિક (અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા છે:
‘લોકોની અકલોથી કુરઆનની તફસીરથી વધુ દૂર કોઈ વસ્તુ નથી.’
(તફસીરે અય્યાશી, ભા. 1, પા. 17, હ. 5)
બીજી એક હદીસમાં ઈમામ અબુ જઅફર અલ બાકીર (અ.સ.) ફરમાવે છે:
‘લોકોની અકલોથી કુરઆનની તફસીરથી વધુ દૂર કોઈ વસ્તુ નથી; બેશક એક આયત, તેની શરુઆત એક બાબત માટે હોય છે, તેનો વચલો ભાગ બીજી બાબત માટે અને તેનો અંત કોઈ અન્ય બાબત માટે હોય છે.’
(તફસીરે અય્યાશી, ભા. 1, પા. 17, હ. 1)
4) અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ ફરમાવ્યું:
‘તમારા મંતવ્ય મુજબ કુરઆનના અર્થઘટન કરવાથી દૂર રહો અને તેને આલીમોથી (એહલેબેત (અ.મુ.સ) શીખો. કારણકે ઘણી વખત જાહેરી વહી ઈન્સાનોની વાતચીત જેવી હોય છે જ્યારે કે તે અલ્લાહના કલામ છે. તેનું અર્થઘટન ઈન્સાનના કલામ જેવું નથી એવી જ રીતે જેવી રીતે મખ્લુકાતમાંથી કોઈ અલ્લાહ જેવું નથી. તેવી જ રીતે અલ્લાહ અઝ્ઝ વ જલ્લના કાર્યો ઈન્સાનોના કાર્યો જેવા નથી, તેના કલામમાં કોઈ કલામ ઈન્સાન જેવા નથી. અલ્લાહના કલામ તેની સિફતો અને ઈન્સાનોના કલામ તેના કાર્યો છે. તેથી અલ્લાહના કલામની ઈન્સાનના કલામ સાથે સરખામણી ન કરો વરના તમો બરબાદ અને ગુમરાહ થઈ જશો.’
(શૈખે સદુક (અ.ર.)ની તૌહીદ, પા. 264, હ. 5)
આ વિષય ઉપર ઘણી બધી હદીસો છે ત્યાં સુધી કે તે મુતવાતીર (એક પછી એક, સતત) છે અને ટૂંકાણને ધ્યાનમાં રાખીને આપણે માટે શકય નથી કે તે બધી જ હદીસોનો અહિં ઝિક્ર કરીએ. અલબત્ત એહલેબૈત (અ.મુ.સ.) પવિત્ર કુરઆનની તફસીરના દરેક વિજ્ઞાન અને ઈલ્મના સ્ત્રોત છે અને તેનું અર્થઘટન તેઓના હાથોમાં છે. તેથી જે કાંઈ તેઓના તરફથી આવ્યું છે તે નૂર અને હિદાયત છે અને જે કોઈ બાબતનો સ્ત્રોત તેમના સિવાય હોય તે અંધકાર અને ગુમરાહી છે.
Be the first to comment