કુરઆને કરીમમાં અઈમ્મા (અ.મુ.સ.)ના નામની સ્પષ્ટતા ન હોવાની હિકમત

વાંચવાનો સમય: 11 મિનિટ

સંશોધનાત્મક અવલોકન

અઈમ્મા (અ.મુ.સ.)ના નામો અને તેમની ઈમામત અને તેમના મકામની સ્પષ્ટતા કુરઆને કરીમમાં કેમ જોવા મળતી નથી? બન્ને ફિર્કાઓની કિતાબોથી એ અંદાજ લગાવી શકાય છે કે આ સવાલ દરેક મઅસુમ ઈમામોના ઝમાનામાં પણ ઉદ્ભવ્યો હતો. તેમજ આ મહત્ત્વના સવાલનો જવાબ આપણા માટે પણ અત્યંત જરૂરી છે. એટલા માટે કે કુરઆને કરીમ તમામ ઈસ્લામી ફિર્કાઓની નજીક દીને ઈસ્લામ કબુલ થવાને પાત્ર અને મજબુત સનદ ધરાવે છે. જે લોકો અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની ઈસ્મત અને ઈમામતનો અકીદો ધરાવે છે તેઓ આ સવાલની સામે પોતાનું સ્થાન સ્પષ્ટ કરવાનો હક્ક સુરક્ષીત સમજે છે અને ઈસ્લામ તથા કુરઆને કરીમની તઅલીમની રોશની હેઠળ યોગ્ય જવાબ પણ ધરાવે છે.

સૌથી પહેલા : અભિપ્રાય અને માન્યતાનું અવલોકન

કુરઆને કરીમમાં અઈમ્મા (અ.મુ.સ.)ના નામની સ્પષ્ટતા ન હોવાના બારામાં આલીમો અને બુધ્ધિજીવીઓની કિતાબો અને તારણોનું અવલોકન કરવાથી એ જાણવા મળે છે કે આ સંબંધમાં એકમત મંતવ્ય જોવા મળતુ નથી. આ સંદર્ભમાં ત્રણ માન્યતાઓ જોવા મળે છે.

પહેલી માન્યતા :

આ સમૂહનું માનવું એમ છે કે કુરઆનમાં એહલેબૈત (અ.મુ.સ.)ના નામ અને તેમની ઈમામતનું વર્ણન સ્પષ્ટપણે જોવા મળતું હતું. પરંતુ પયગમ્બર (સ.અ.વ.)ની રેહલત પછી અને કુરઆને કરીમની નોંધણી અને તેને એકઠા કરવાના સમયે તેમાં ફેરફાર કરી તેમાંથી એહલેબૈત (અ.મુ.સ.)ના નામો કાઢી નાખવામાં આવ્યા છે. બન્ને ફિર્કાઓમાં આ પ્રકારની માન્યતા ધરાવનારા લોકો ઘણા ઓછા છે. તેઓની દલીલ ફકત રિવાયતો છે જે સનદ અને દલીલો એમ બન્ને આધારે ચચર્નિે લાયક છે અને તેનો સ્ત્રોત અને લખાણ પણ ભરોસાપાત્ર નથી. આ માન્યતાનું સમર્થન કરનારા લોકોમાં ઈબ્ને શમ્બુઝ બગદાદી (મોહમ્મદ ઈબ્ને એહમદ અલ મકરી, વફાત હી.સ. 328) એહલે સુન્નતના આલીમ છે. જેઓ કુરઆને કરીમની આયત

وَلَقَدْ نَصَرَكُمُ اللہُ بِبَدْرٍ وَّاَنْتُمْ اَذِلَّــۃٌ

(સુરએ આલે ઈમરાન, આયત નં. 123)ની તિલાવત આ પ્રમાણે કરતા હતા

ولقد نصركم اللہ ببدر بہ سیف علی و انتم اذلۃ

 

ઈબ્ને શમ્બુઝે આયતની તાવીલ અને તેના નુઝુલ થવાની જગ્યાને તન્ઝીલ સાથે મેળવી દીધી છે અને તેના ઉપર કોઈ દલીલ પણ કાએમ નથી કરી. તે જ રીતે શીઆ આલીમોમાં અઝીમુશ્શાન આલીમ જનાબ મોહદ્દીસે નુરી (અ.ર.) વફાત હી.સ. 1320 ફરમાવે છે કે કિતાબ ફસ્લુલ ખેતાબના લખાણનો મકસદ એ છે કે તે અર્થને સાબીત કરવામાં આવે કે કુરઆનમાં એહલેબૈત (અ.મુ.સ.)ના નામો આવ્યા હતા અને તેમાં ફેરફાર કરીને તેમાંથી કાઢી નાખવામાં આવ્યા છે અને તેઓ આ અર્થ ઉપર પોતાની નવમી દલીલમાં લખે છે કે ખાતેમુલ અંબીયા હઝરત પયગમ્બર (સ.અ.વ.)ના તમામ જાનશીનો અને તેમની લખ્તે જીગર હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)નું નામ અને તેમની અમૂક સિફતો અને ખાસીયતોનું વર્ણન અગાઉની તમામ આસમાની કિતાબોમાં આવી ચુકયું છે. તો કુરઆને કરીમમાં પણ તે નામોનું વર્ણન હોવું જોઈએ. કારણકે કુરઆન હંમેશા બાકી રહેનારી કિતાબ હોવાની સાથોસાથ તમામ કિતાબો ઉપર પ્રભુત્વ અને અગ્રતા ધરાવે છે.

મોહદ્દીસે નુરીની દલીલ અત્યંત વિચારવા લાયક છે અને બીજી એક ચચર્નિો દરવાજો ખોલે છે. તેઓએ અજાણતામાંજ કુરઆનની હકીકતની વિરૂધ્ધ દલીલ રજુ કરી દીધી છે. આપ જરા ધ્યાન આપો કે અગર કુરઆને કરીમ અગાઉની કિતાબો ઉપર પ્રભુત્વ અને અગ્રતા ધરાવતું હોય અને હકીકત પણ તેમજ છે જેમકે ખુદ કુરઆને કરીમ ઈરશાદ ફરમાવે છે:

وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنًا عَلَيْهِ

“અને અય પયગમ્બર! અમે તમારી તરફ કિતાબ નાઝીલ કરી હક્કની સાથે, જે તેની પહેલાની કિતાબો તૌરેત અને ઈન્જીલની તસ્દીક કરનારી અને તેઓનું રક્ષણ કરનારી કિતાબ છે.

તો હવે અગાઉની કિતાબોમાં જે કંઈ પણ આવ્યું હતું તે સાચુ અથવા ખોટુ હોવાનું માપદંડ ખુદ કુરઆને કરીમ હોવું જોઈએ. કુરઆને કરીમ જ નક્કી કરશે કે તેમાં સાચુ શું છે અને ખોટુ શું છે. ખુદ કુરઆને કરીમની વાતોને સાચી સાબિત કરવા માટે અગાઉની કિતાબોને માપદંડ તરીકે નહી ગણવામાં આવે અને જનાબે મોહદ્દીસે નુરીએ પણ એમજ કહ્યું છે. કુરઆનના કાર્ય અને જવાબદારીઓને અગાઉની કિતાબોને માપદંડ કરાર દઈને સાબિત કરવાની કોશિશ કરવામાં આવી છે અને આ પ્રમાણે કુરઆનમાં ફેરફાર કરવાનો હુકમ આપવામાં આવ્યો. આથી અઈમ્મા (અ.મુ.સ.)ના નામોને તેમાંથી કાઢી નાખવામાં આવ્યા. શીઆઓના બુઝુર્ગ આલીમો, ફકીહો અને મોહદ્દીસો આ માન્યતાને કબુલ કરતા નથી.

બીજી માન્યતા:

આ સમૂહના લોકોનું કહેવું છે કે કુરઆને કરીમમાં એહલેબૈત (અ.મુ.સ.)ના નામોનું વર્ણન જોવા મળતું ન હતું, બલ્કે કુરઆનમાં તેમની ઈમામત અને આગેવાનીનું વર્ણન પણ ખાસ તરીકાથી તો દૂર બલ્કે સામાન્ય રીતે પણ કરવામાં આવ્યું નથી અને જે આયતો એહલેબૈત (અ.મુ.સ.)ના બારામાં સામાન્ય રીતે અથવા હઝરત અલી (અ.સ.)ના બારામાં ખાસ રીતે નાઝીલ થઈ હતી તે ફકત તેમના ફઝાએલ અને મનાકીબનું વર્ણન કરે છે. જ્યારે કે ખુદાએ કુરઆનમાં તેમની ઈમામતનું વર્ણન કર્યું નથી. આ માન્યતા એહલે સુન્નત હઝરાતની છે જે તદ્દન બાતિલ અને કબુલ કરવાને પાત્ર નથી.

ત્રીજી માન્યતા :

આ માન્યતામાં ઈલ્મી, દીની અને ન્યાયપ્રિય રાહ પસંદ કરવામાં આવી છે. તેમાં મયર્દિામાં રહીને અદ્લનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. શીઆ મોહદ્દીસો, તફસીરકારો અને મુતકલ્લેમીનમાંથી ઘણા ખરા લોકોની માન્યતા આ મુજબ છે. આ લોકો એમ માને છે કે ભલે કુરઆને કરીમમાં એહલેબૈત (અ.મુ.સ.)ના નામોની સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ ખુદાવંદે આલમે પયગમ્બર (સ.અ.વ.)ની એહલેબૈત અને ખાસ કરીને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ઈમામત અને આગેવાનીના બારામાં અસંખ્ય આયતો નાઝીલ ફરમાવી છે અને તેવીજ રીતે તેમના ફઝાએલ અને મનાકીબનું વર્ણન પણ કરવામાં આવ્યું છે અને આ ઈલાહી આયતોનું વર્ણન કરનારા, તેની સ્પષ્ટતા અને સમજુતી આપનારા અને કુરઆનના મોઅલ્લીમ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) છે. તેમજ આં હઝરત (સ.અ.વ.)એ ઉમ્મત માટે તેને સ્પષ્ટ રીતે બયાન કરી દીધું છે અને એટલી હદે રોશન અને સ્પષ્ટ બયાન ફરમાવ્યું છે કે અગર જેહાલત, દુશ્મની અને પૂર્વાગ્રહને હટાવી દેવામાં આવે તો આ ઉમ્મતની દરેક વ્યક્તિ માટે તે સ્પષ્ટ અને જાહેર થઈ જાય. જેમકે અમૂક હદીસોમાં આવ્યું છે કે અગર કુરઆનને એવી રીતે પઢવામાં આવે જેવી રીતે તે નાઝીલ થયું છે તો તેઓ અમારા નામોને શોધી લેશે.

ત્રીજી માન્યતાની ત્રણ બુનિયાદો છે:

1) કુરઆનમાં ફેરફાર કબુલ કરવાને પાત્ર નથી.

2) જે હદીસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે ભરોસાપાત્ર નથી. આલીમો અને તફસીરકારોએ તે હદીસોની સ્પષ્ટતા ફરમાવી છે.

3) ખુદ કુરઆને કરીમની આયતોની રોશનીમાં તેની તફસીર અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ના કથનોને વળગી રહેવું છે.

બન્ને ફિર્કાઓની ભરોસાપાત્ર કિતાબોમાં અમૂક એવી રિવાયતો છે જે એહલેબૈત (અ.મુ.સ.)ના બારામાં બયાન થઈ છે. તેમાં વર્ણવવામાં આવ્યું છે કે કુરઆને કરીમમાં ઘણી બધી માત્રામાં આયતો એહલેબૈત (અ.મુ.સ.)ના બારામાં નાઝીલ થઈ છે. જેમકે નીચે એક રિવાયત રજુ કરવામાં આવે છે જે ભરોસાપાત્ર સનદો થકી નોંધવામાં આવી છે.

‘કુરઆને કરીમની આયતો ચાર હિસ્સાઓમાં નાઝીલ થઈ છે. કુરઆને કરીમનો ચોથો ભાગ અમારા બારામાં છે અને ચોથો ભાગ અમારા દુશ્મનોના બારામાં છે…’

આ ઉપરાંત બન્ને ફિર્કાઓમાં આ વિષયોથી સંબંધિત ઘણી બધી હદીસો જોવા મળે છે. અમૂક હદીસો આ પ્રમાણે છે:

1) ઈબ્ને અબ્બાસ કહે છે: જેટલી આયતો હઝરત અલી (અ.સ.)ના બારામાં નાઝીલ થઈ છે તેટલી આયતો કોઈના પણ બારામાં નાઝીલ થઈ નથી.

2) એક બીજી હદીસ ઈબ્ને અબ્બાસથી નોંધવામાં આવી છે: ખુદાવંદે આલમે કુરઆને કરીમમાં જ્યાં પણ ‘યા અય્યોહલ્લઝીન આમનુ..’ કહીને સંબોધન ફરમાવ્યું છે તે બધામાં હઝરત અલી (અ.સ.) જ અગ્રેસર છે. ખુદાવંદે આલમે આં હઝરત (સ.અ.વ.)ના મદદગારો અને અન્સારની ઘણી બધી જગ્યાએ નિંદા ફરમાવી છે. પરંતુ હઝરત અલી (અ.સ.) માટે ફકત તઅરીફ, પ્રસંશા અને નેકીનું જ વર્ણન જોવા મળે છે.

હદીસોમાં જોવા મળે છે કે અંબીયા (અ.મુ.સ.)ની તમામ કિતાબો (સહીફાઓ)માં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયતનું વર્ણન કરવામાં આવ્યું છે અને ખુદાવંદે આલમે દરેક પયગમ્બરને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની નુબુવ્વત અને તેમના જાનશીન હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો એકરાર કર્યા પછી મબ્ઉસ ફરમાવ્યા છે.

કુરઆને કરીમની તે આયતો જે એહલેબૈત (અ.મુ.સ.)ના બારામાં નાઝીલ થઈ છે તેની તફસીર ઉપર નજર કરવાથી એ જાણવા મળે છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) પણ આ હકીકતનું સમર્થન કરે છે કે કુરઆનમાં એહલેબૈત (અ.મુ.સ.)ના નામોની સ્પષ્ટતા (નામ લઈને) કરવામાં નથી આવી. હાં, આં હઝરત (સ.અ.વ.) તે આયતોની તફસીર અને સમજૂતિની જવાબદારી ધરાવતા હતા અને આપ (સ.અ.વ.)એ તેને બયાન પણ ફરમાવી છે અને તેની સ્પષ્ટતા પણ કરી છે કે ફલાણી આયત કોના બારામાં નાઝીલ થઈ છે. નમુનારૂપે મર્હુમ કુલૈની (અ.ર.) સાચી સનદની સાથે અબુ બસીરથી નોંધ કરે છે કે આયત

أَطِيْعُوْا اللهَ وَأَطِيْعُوْا الرَّسُوْلَ وَأُوْلِي الْأَمْرِ مِنْكُمْ

ના બારામાં ઈમામ સાદિક (અ.સ.)ને પુછવામાં આવ્યું તો આપ (અ.સ.)એ ફરમાવ્યું કે આ આયત અલી (અ.સ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ના બારામાં નાઝીલ થઈ છે. (અને ઉલીલ અમ્રથી મુરાદ પણ આજ હઝરાત છે). મેં પુછયું, ‘લોકો કહે છે કે હઝરત અલી (અ.સ.) અને તેમના એહલેબૈત (અ.મુ.સ.)ના નામો કુરઆનમાં શા માટે નથી આવ્યા?’ તો ફરમાવ્યું: તે લોકોને કહી દો કે નમાઝનો હુકમ રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉપર નાઝીલ થયો છે. પરંતુ ત્રણ રકાત કે ચાર રકાત સંખ્યાનું વર્ણન કરવામાં આવ્યું નથી. આં હઝરત (સ.અ.વ.)એ લોકો માટે તેની સ્પષ્ટતા ફરમાવી છે… (એવીજ રીતે વિલાયતનો હુકમ કુરઆને કરીમમાં સામાન્ય રીતે નાઝીલ કરી દેવામાં આવ્યો છે અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ તેની તફસીર અને સ્પષ્ટતા ફરમાવી છે.

બીજી હદીસમાં ઈમામ બાકીર (અ.સ.)થી નોંધ કરવામાં આવ્યું છે કે ખુદાવંદે આલમે હઝરત પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને હુકમ આપ્યો: લોકો માટે વિલાયતની સ્પષ્ટતા કરો. જેવી રીતે નમાઝ, રોઝા, ઝકાત અને હજ્જના એહકામની સ્પષ્ટતા કરો છો. જ્યારે આ હુકમ નાઝીલ થયો તો હઝરત ખત્મી મરતબત (સ.અ.વ.)ના દિલમાં એક હાલત પૈદા થઈ અને તેઓ ચિંતાતૂર થઈ ગયા કે કયાંક લોકો પોતાના દીનથી ફરી ન જાય અને તેમને જૂઠલાવવા ન લાગે. તો આપ (સ.અ.વ.)એ અલ્લાહ તઆલાની બારગાહમાં અરજ કરી (અને આ સિલસિલામાં મદદની માંગણી કરી). ખુદાવંદે આલમે વહી નાઝીલ ફરમાવી: “અય રસુલ (સ.અ.વ.)! જે કંઈ તમારા ઉપર નાઝીલ કરવામાં આવી ચુકયુ છે તેને પહોંચાડી દો. પછી આં હઝરત (સ.અ.વ.)એ લોકો સમક્ષ વિલાયતના અમ્રને જાહેર કરી દીધો…

આજ હદીસ બીજા સ્ત્રોતોમાં તેનાથી પણ વધારે સ્પષ્ટતા સાથે નોંધવામાં આવી છે અને એહલે સુન્નતના સ્ત્રોતોમાં પણ આ પ્રકારની રિવાયતોના નમુનાઓ મૌજુદ છે કે એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયતની સ્પષ્ટતાની જવાબદારી આં હઝરત (સ.અ.વ.)ને સોંપવામાં આવી હતી.

મર્હુમ ઈબ્ને તાઉસ (ર.અ.)એ પણ આ પ્રકારની હદીસોને તફસીરની કિતાબ ‘અબુલ અબ્બાસ બિન અકદા’(આ કિતાબનો જવાબ અપ્રાપ્ય છે)થી નોંધ્યા પછી લખે છે કે: ઈબ્ને અકદાએ અસંખ્ય સનદોની સાથે આ અર્થને નોંધ્યો છે.

જો કે ઈમામ જઅફર સાદિક (અ.સ.)નો જવાબ સર્વશ્રેષ્ઠ મુનાઝરા (જેદાલે એહસન)ની બુનિયાદ ઉપર કાએમ છે. એટલે કે વિરોધપક્ષ પણ જેને કબુલ કરે તેને આપે વિરોધ અને દલીલની પ્રસ્તાવના કરાર દીધી છે. એટલા માટે કે લોકો તે વાતને કબુલ કરે છે અને માને છે કે નમાઝના બધાજ એહકામો અને બીજા હુકમોનું વર્ણન કુરઆનમાં તો છે પરંતુ તેની સમજૂતી અને સ્પષ્ટતા કરવામાં નથી આવી. બલ્કે તે કામ આં હઝરત (સ.અ.વ.)ને સોંપવામાં આવ્યું છે અને આં હઝરત (સ.અ.વ.)એ તેની શરતો, સિમાઓ તેમજ બીજી ખાસીયતો બયાન ફરમાવી છે. અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ના નામો અને તેમની વિલાયતનો મસઅલો પણ એવોજ છે કે અગર રાવી તેને પછી સવાલ કરે અને ઈમામ (અ.સ.)ને પુછે કે ખુદાવંદે આલમે તેની સમજૂતી અને સ્પષ્ટતાની જવાબદારી હઝરત ખત્મી મરતબત (સ.અ.વ.)ને કેમ સોંપી છે? તો ઈમામ (અ.સ.)નો જવાબ સર્વશ્રેષ્ઠ મુનાઝરા (જેદાલે એહસન)ની બુનિયાદ ઉપર કંઈક બીજા સ્વરૂપમાં જોવા મળત.

તેનું એક બીજું કારણ પણ છે:

જો કે આ સ્પષ્ટતાની સામે એ સવાલ પોતાની જગ્યાએ બાકી રહી જાય છે કે જ્યારે લોકો કુરઆનના દરેક હુકમોની સમજૂતી અને સ્પષ્ટતા માટે આં હઝરત (સ.અ.વ.)ને સવાલ કરવામાં કોઈ તકલીફનો અનુભવ કરતા નથી તો પછી વિલાયતના હુકમની સમજૂતી અને સ્પષ્ટતા માટે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને સવાલ કરવામાં શું અડચણો આવે છે!!?? તેની પણ એક ઐતિહાસીક ભૂમિકા છે કે જેની તરફ વિગતવાર ઈશારો કરવા જતા આપણા વિષય અને સંશોધનથી ફરી જવાનું કારણ બનશે. પરંતુ તે બારામાં એક મહત્ત્વની હકીકત તરફ ઈશારો કરીએ કે જેનાથી એ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે ખુદાવંદે આલમે કુરઆને કરીમમાં એહલેબૈત (અ.મુ.સ.)ના નામોની સ્પષ્ટતા શા માટે નથી ફરમાવી?

આ સિલસિલામાં એ હકીકતને નઝરઅંદાજ કરી શકાતી નથી કે કુરઆને કરીમમાં એહલેબૈત (અ.મુ.સ.)ના નામોની સ્પષ્ટતા ન હોવાની બીજી હિકમતોમાંથી એક હિકમત અને કારણ આ મુસલમાન ઉમ્મતનું ઈમ્તેહાન અને કસોટી કરવી પણ હતી કે જે આવનારી પેઢીઓનું ભવિષ્ય ધરાવે છે. પરંતુ આ અર્થની સ્પષ્ટતા કરવા માટે અમૂક બાબતો તરફ ઈશારો કરવો જરૂરી છે.

અ) ખુદાવંદે આલમે તમામ લોકો અને ઈન્સાનોને વ્યક્તિગત રીતે અને તમામ ઉમ્મતોનું સમૂહોમાં ઈમ્તેહાન લીધું છે. જેના બારામાં કુરઆને કરીમની અસંખ્ય આયતો દલાલત કરે છે.

બ) લોકો અને ઉમ્મતોના ઈમ્તેહાનની પધ્ધતિ ખુદાએ અલગ અલગ કરાર દીધી છે. અમૂક લોકોને સુકી માટી વડે કે જેમાં રૂહ ફૂંકવામાં આવી જેમકે ફરિશ્તાઓનું ઈમ્તેહાન (સુરએ હજ્ર), અમૂક લોકોનું શનિવારના દિવસે માછલીઓનો શિકાર નહિ કરવાની પાબંદી લગાવવા વડે ઈમ્તેહાન લેવામાં આવ્યું કે તે દિવસે નહેરના કિનારે માછલી પુષ્કળ પ્રમાણમાં આવતી હતી. આ ઈમ્તેહાન યહુદીઓનું હતું.  અથવા તો મક્કાની ઉમ્મતનું બિનઉપજાવ અને બંજર જમીન ઉપર પથ્થરોનું ઘર (ખાનએ કાબા)ની હજ કરવાના હુકમથી ઈમ્તેહાન લેવામાં આવ્યું.  અથવા લોકોની જાન અને માલની કમી અને ભુખ તથા ખૌફ વડે ઈમ્તેહાન લેવામાં આવ્યું.

ક) ખુદાવંદે આલમે આ ઉમ્મતનું ઈમ્તેહાન લેવા માટે પોતાની સુન્નત અને ઈમ્તેહાનમાંથી એક ઈમ્તેહાન એ કરાર દીધું કે તેઓ આં હઝરત (સ.અ.વ.)ની કેવી ઈતાઅત અને અનુસરણ કરે છે… અને અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ ઉમ્મતને આ પ્રકારના ઈમ્તેહાનમાં કરાર દેવા માટે અને એ કે તેઓ તે ઈમ્તેહાનથી છટકી જવા માટે બહાનુ ન શોધે તેની પ્રસ્તાવના પણ આ રીતે કરાર દીધી:

1) હઝરત ખત્મી મરતબત (સ.અ.વ.)ની અઝીમુશ્શાન મન્ઝેલત અને અઝમતને ઓળખાવી અને તેના માટે કુરઆને કરીમમાં ફરમાવ્યું કે

لَا تَرْفَعُوْا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوْا لَهٗ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَنْ تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُوْنَ .إِنَّ الَّذِيْنَ يَغُضُّوْنَ أَصْوَاتَهُمْ عِنْدَ رَسُوْلِ اللهِ أُوْلٰئِكَ الَّذِيْنَ امْتَحَنَ اللهُ قُلُوْبَهُمْ لِلتَّقْوٰى ۚ لَهُمْ مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيْمٌ

“તમારી અવાજોને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની અવાજ કરતા વધારે ઉંચી ન કરો અને જેવી રીતે તમે લોકો એકબીજાથી મોટા અવાજે વાત કરો છો તેવી રીતે તેમની સાથે વાત ન કરો. નહિંતર તમારા આમાલ નાબુદ થઈ જશે અને તમે તે સમજતા નથી અને તે લોકો જેઓ રસુલ (સ.અ.વ.)ની પાસે પોતાની અવાજોને ઉંચી નથી કરતા તે તે લોકો છે કે જેઓના દિલોનું ખુદાવંદે આલમે તકવા વડે ઈમ્તેહાન લીધું છે અને તેઓના માટે મગ્ફેરત અને મહાન અજ્ર કરાર દીધું છે.”

ઉપરોકત આયત આં હઝરત (સ.અ.વ.)ની કદ્ર અને મન્ઝેલત સમજાવવા માટે દરેક મુસલમાન માટે પુરતી છે અને તેમાં કોઈ પણ પ્રકારની શંકા કે શરત જોવા મળતી નથી. એટલે કે આટલા અઝીમુશ્શાન પયગમ્બર (સ.અ.વ.) છે કે ખુદાવંદે આલમને તે હરગીઝ પસંદ નથી કે કોઈ પણ તેમની સામે ઉંચી અવાજમાં વાત કરે. હવે એ વાત સમજમાં આવી જવી જોઈએ કે જ્યારે ફકત ઉંચી અવાજમાં વાત કરવાથી બધા આમાલ બરબાદ થઈ શકતા હોય તો જે તેમની વાતને રદ કરી દે, જે આં હઝરત (સ.અ.વ.)ની ચર્ચા અને તેમની વાતોમાં શંકા પૈદા કરે તો શું તેની પાસે ઈમાન અને અમલ નામની કોઈ વસ્તુ બાકી હોય શકે છે?

2) ફકત હઝરત પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના હુકમની સામે તસ્લીમ થવા માટે આ આયત નાઝીલ ફરમાવી:

مَا كَانَ لِأَهْلِ الْمَدِيْنَةِ وَمَنْ حَوْلَهُمْ مِّنَ الْأَعْرَابِ أَنْ يَتَخَلَّفُوْا عَنْ رَّسُوْلِ اللّهِ وَلَا يَرْغَبُوْا بِأَنْفُسِهِمْ عَنْ نَّفْسِهِ

“મદીનાના લોકો અને તે અરબો કે જે મદીનાની આસપાસમાં રહે છે હરગીઝ તેઓ અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની વિરૂધ્ધતા કરવાનો હક્ક નથી ધરાવતા અને ન તો તેઓ તેમનાથી મોઢું ફેરવી લેવાનો ઈખ્તેયાર ધરાવે છે અને ન તો તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમલ કરી શકે છે.”

બલ્કે બીજી એક આયતમાં ખુદાવંદે આલમ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની સમક્ષ દિલથી તસ્લીમ થવાને અને સાચા દિલથી એકરાર કરવાને ઈમાનની નિશાની કરાર ફરમાવે છે.

فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُوْنَ حَتّٰى يُحَكِّمُوْكَ فِيْمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوْا فِيْ أَنْفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوْا تَسْلِيْمًا

“બસ હરગીઝ એવું નથી કે તમારા પરવરદિગારની કસમ! તે લોકો ત્યાં સુધી મોઅમીન નથી થઈ શકતા જ્યાં સુધી તેઓ આપને પોતાના વ્યવહારોમાં પોતાના હાકીમ ન કરાર દે અને જે વસ્તુના બારામાં આપે હુકમ દીધો છે તેના સંબંધિત પોતાના દિલોમાં કંઈપણ ખચકાટ ન અનુભવે અને આપની સામે તસ્લીમ થાય.”

આ ઉપરાંત કુરઆને કરીમમાં બીજી પણ આયતો છે જેમાં આં હઝરત (સ.અ.વ.)ની ઈતાઅત અને અનુસરણના બારામાં ખુદાવંદે આલમે કોઈ પણ પ્રકારની શરત વગર સ્પષ્ટ રીતે ફરમાન જારી કર્યું છે.

وَمَا آتَاكُمُ الرَّسُوْلُ فَخُذُوْهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانْتَهُوْا

“અને જે કંઈ રસુલ તમને અતા કરે તે લઈ લો અને જેનાથી મનાઈ ફરમાવે તેનાથી રોકાય જાવ.”

ત્યારબાદ સુરએ નિસાની આયતમાં કુલ્લી રીતે એઅલાન કરી દીધું કે રસુલ (સ.અ.વ.)નું અનુસરણ એ ખુદાનું અનુસરણ છે.

مَّن يُطِعِ الرَّسُوْلَ فَقَدْ أَطَاعَ اللّهَ

“જે રસુલ (સ.અ.વ.)નું અનુસરણ કરે જાણે તેણે અલ્લાહનું અનુસરણ કર્યું.”

રિવાયતોમાં પણ આ વાસ્તવિકતાનું સમર્થન કરવામાં આવ્યું છે. મર્હુમ કુલૈની (અ.ર.)એ કિતાબે કાફીમાં અત્તફવીઝો એલા રસુલીલ્લાહે વ એલલ અઈમ્મતે ફી અમ્રીદ્દીને વિષય હેઠળ એક આખું પ્રકરણ નોંધ્યું છે.

તેમાં તેમણે સહીહ સનદોની સાથે 10 હદીસોની નોંધ કરી છે. ટૂંકમાં ચર્ચાનું તારણ એ છે કે ખુદાવંદે આલમે પોતાના પયગમ્બર (સ.અ.વ.)ને સૌથી શ્રેષ્ઠ સિફતો અને કમાલાતથી સુસજ્જ કરીને કમાલની મંઝીલ સુધી પહોંચાડી દીધા છે અને પછી લોકોના કાર્યિેને તેમને સોંપી દીધા છે. જેથી તે જાણી શકે કે લોકો તેમનું અનુસરણ કેવી રીતે કરે છે.

ઝોરારા ઈમામ બાકીર (અ.સ.) અને ઈમામ સાદિક (અ.સ.)થી નોંધ કરે છે કે: ખુદાવંદે આલમે અમ્ર અને ખલ્કને પોતાના હબીબને હવાલે કરી દીધા છે કે જેથી એ જુએ કે લોકો કેવી રીતે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નું અનુસરણ કરે છે. ત્યારબાદ ઈમામ (અ.સ.)એ કુરઆને કરીમની આયતની તિલાવત ફરમાવી: “જે કંઈ પયગમ્બર તમને આપે તે લઈ લો અને જે વસ્તુથી મનાઈ ફરમાવે તેનાથી રોકાય જાવ.”

3) ખુદ આં હઝરત (સ.અ.વ.)એ પોતાની સુન્નત અને સિરતનું અનુસરણ કરવાની તાકીદ ફરમાવી છે અને દરેક ઝમાનામાં કુરઆનથી સંબંધિત પોતાની બયાન કરેલી તફસીર અને સમજૂતીથી જોડાએલા રહેવાની અને તેનું અનુસરણ કરવાનો હુકમ આપ્યો છે. તેમજ ઉમ્મતમાં વિરોધાભાસ પૈદા થશે તેવી આગાહી પણ કરી છે તેમજ નાફરમાની અને વિરોધ કરવાથી ડરાવ્યા પણ છે.

સાચી સનદ સાથે નમુના સ્વરૂપે એક રિવાયત રજુ કરવામાં આવી રહી છે કે જેમાં આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું કે નજીકમાંજ એવા લોકો આવશે જે સત્તાની ખુરશી ઉપર બેઠા હશે અને જ્યારે તેઓની દરમ્યાન મારી હદીસ બયાન કરવામાં આવશે તો તેઓ કહેશે કે અમારી દરમ્યાન ખુદાની કિતાબ પુરતી છે. તેમાંથી જે હલાલ છે તેને હલાલ અને તેમાં જે હરામ છે તેને હું હરામ કરાર દઉ છું. (પછી પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું) આગાહ થઈ જાવ! જે ચીઝો અલ્લાહના રસુલ (સ.અ.વ.)એ હરામ કરાર દીધી છે તે એજ ચીઝો છે જેને ખુદાએ પણ હરામ કરાર દીધી છે.

ડ) ખુદાવંદે આલમે પોતાના રસુલ (સ.અ.વ.)ના આ અનુસરણમાં એહકામ, કાનૂનો અને તેમના દ્વારા બયાન કરવામાં આવેલી સમજૂતિ અને સ્પષ્ટતા દરમ્યાન કોઈ તફાવત રાખ્યો નથી. તેમજ કુરઆન અને રિવાયતોમાં પણ કોઈ પ્રકારની મયર્દિાઓ રાખી નથી. આ સંબંધમાં હુકમો અને કાનૂનો ચાહે તે અકીદાથી સંબંધ ધરાવતા હોય અથવા અકીદાથી સંબંધ ન ધરાવતા હોય તે બન્ને દરમ્યાન કોઈ તફાવત રાખ્યો નથી. આ આધારે કોઈ એક બહાનુ નથી કાઢી શકતું અને કહે કે ફલાણો મસઅલો અકીદાથી સંબંધીત છે (જેમકે ઈમામત અને વિલાયતનો મસઅલો કે જે શીઆ મઝહબના રૂકનનો એક ભાગ છે). એટલા માટે જરૂરી છે કે કુરઆનમાં તેને નસ્સના સ્વરૂપે બયાન કરવામાં આવે (અને એમ કહેવામાં આવે કે એમ ન હોવું જોઈએ કે તે જાહેરી આયતમાં સામાન્ય રીતે બયાન કરવામાં આવ્યું છે અને અલ્લાહના રસુલ (સ.અ.વ.)એ બીજા મસઅલાઓની જેમ તેની સ્પષ્ટતા અને છણાવટ કરવી જોઈએ!!) આ પ્રકારના બહાનાઓને શરીઅતના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રકારની જગ્યા આપવામાં આવી નથી. બલ્કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નું સંપૂર્ણ અનુસરણ અને ભરપૂર તાકીદ દરેક પ્રકારની શર્ત, મયર્દિા અને સરહદોને ખતમ કરી નાખે છે. ચર્ચાનું તારણ:

કુરઆનમાં અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ના નામોની સ્પષ્ટતા હોવાનો મસઅલો એ કંઈ આજની બાબત નથી. બલ્કે ખુદ અઈમ્મા (અ.મુ.સ.)ના ઝમાનામાં પણ આ પ્રકારના સવાલો થતા હતા. તે સવાલના જવાબમાં ત્રણ અલગ અલગ માન્યતાઓ જોવા મળે છે. આયતો અને રિવાયતોથી જે સનદો મળે છે તેની રોશનીમાં ત્રીજી માન્યતા કબુલ કરવાને લાયક અને યોગ્ય છે. જે નીચેની વાતો ઉપર આધારિત છે.

કુરઆને કરીમમાં ખાસ સિફતો અને સામાન્ય અર્થો સાથે અસંખ્ય વિષયો હેઠળ જેમકે ‘ઉલીલ અમ્ર, એહલે ઝિક્ર… વિગેરેની સાથે એહલેબૈત (અ.મુ.સ.)ની ઓળખાણ કરાવવામાં આવી છે. પરંતુ તેમના નામોની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આં હઝરત (સ.અ.વ.) ઉમ્મત માટે તેને બયાન કરનારા, તેની તફસીર કરનારા અને તેની સ્પષ્ટતા કરનારા છે. તેમજ તેની હિકમત એ હતી કે લોકોની હુઝુરે અકરમ (સ.અ.વ.)ની ઈતાઅત અને તેમના અનુસરણ વડે આલે મોહમ્મદ (અ.મુ.સ.)થી સંબંધિત હુકમો અને કાનૂનોના આધારે કસોટી કરવામાં આવે જ્યારે કે આં હઝરત (સ.અ.વ.)એ આ પૈગામને પહોંચાડવામાં કોઈ પ્રકારની કોતાહી અથવા તો લાપરવાહી નથી કરી. તેમ છતાં ઉમ્મત અગાઉની ઉમ્મતોની જેમ આ કસોટીમાં નાકામ થઈ.

આશ્ચર્યની વાત એ છે કે નમાઝના અરકાન, રોઝાની શરતો, ઝકાતનો નિસાબ અને હજનું વિગતવાર વર્ણન… આ તમામ વાતો તમામ મુસલમાનો હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની હદીસોથી પ્રાપ્ત કરે છે અને તેના ઉપર અમલ પણ કરે છે અને તે બાબત કોઈ સવાલ નથી કરતું. પરંતુ જ્યારે એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામત અને વિલાયતની વાત આવે છે તો આ પ્રકારના સવાલોની અંબાર લગાવે છે. જ્યારે કે બધા જાણે છે કે એહલેબૈત (અ.મુ.સ.)ના અનુસરણ વગર નજાત શકય જ નથી.

Be the first to comment

Leave a Reply