શું વસીલો ચાહવો એ ઇસ્લામમાં જરૂરી છે?

વાંચવાનો સમય: 3 મિનિટ

વસીલો (માધ્યમ) અને તવસ્સુલ (માધ્યમ દ્વારા અલ્લાહ પાસે આજીજી કરવી) એ પ્રચલિત રીવાજ છે કે જે આપણે કુરઆન અને સુન્નાહમાં પામીએ છીએ,એ છતા પણ અમુક ધર્માધ લોકોથી આપણે વિરોધોનો સામનો કરવો પડે છે.

શંકા:- દાખલા તરીકે શા માટે આપણે એહલેબૈત અ.સ ના વસીલાથી માંગવું જોઈએ જ્યારે કે અલ્લાહ ઈન્સાનની ધોરી નસ કરતા પણ વધારે નજીક છે.દિલોમાં શું છે, તે બાબતને તે વધારે જાણે છે તો પછી આપણે સીધે સીધા અલ્લાહ પાસેથી જ માંગવું જોઈએ.

જવાબ:- ઇસ્લામી માન્યતાનો સ્ત્રોત પવિત્ર કુરઆન અને સુન્નહ (હદીસ) છે.અગર અલ્લાહની કિતાબમાંથી એક માત્ર આયત કોઈ બાબતને સ્પષ્ટ કરે તો તે બાબતની યોગ્યતાની સાબિતી  માટે પુરતું છે આ માન્યતા અને આ હુકમ નો વિરોધ કરવો એ કુફ્ર કરવા સમાન છે જેને પરિણામે કોઈ વ્યક્તિ ઇસ્લામની બહાર નીકળી જાય છે.

. કુરઆન માં વસીલો:-

“વસીલા” પારિભાષિક શબ્દ કુરઆનમાં એક નહિ પણ બે વાર આવ્યો છે અલ્લાહ ફરમાવે છે કે

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ

“હે ઇમાન લાવનારાઓ! અલ્લાહનો ભય રાખો અને તેના સુધી (પહોંચવા)નો આધાર શોધો તથા તેના માર્ગમાં અંતઃકરણ પૂર્વક પ્રયત્ન કરો કે જેથી તમે સફળતા મેળવો.”

(સુ.માએદાહ -૩૫)

ફરી તે વસીલાનો ઉલ્લેખ કરે છે

أُولَـٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا

“તેઓ જેમને પોકારે છે તેઓ પોતે (અલ્લાહના નિકટ બંદા હોવા છતાં) પોતાના પરવરદિગાર સુધી પહોંચવા માટે વસીલો (સાધન) બનાવવા તેઓમાંથી (અલ્લાહની સાથે) કોણ વધુ નિકટ (સબંધ ધરાવે) છે તેને શોધે છે અને તેની કૃપાના ઉમેદવાર છે અને તેના અઝાબથી ડરતા રહે છે; બેશક તારા પરવરદિગારનો અઝાબ ડરવા જેવીજ વસ્તુ છે.”

(સુ.બની ઇસરાઇલ-૫૭)

સ્પષ્ટ રીતે વસીલા વડે અલ્લાહની નઝ્દીકી ચાહવી એ ઇસ્લામી પરંપરા છે.અને વાસ્તવમાં તે દરેક મોમીનોને અલ્લાહનો હુકમ છે. આથી આયતોની મૌજુદગીમાં વસીલાને નકારતી વિચારધારા રજુ કરવી એ કુરાનના ઇન્કારમાં પરિણમે છે.

.અલ્લાહ ધોરી નસથી વધારે નજીક છે અને ભેદોનો જાણનાર છે.

જેવીરીતે કે અમુક મુસલમાનો દલીલ કરેછે કે અલ્લાહ ધોરી નસ કરતા પણ વધારે નજીક હોવાથી વસીલાની જરૂર નથી ચાલો આપણે આ અને આના જેવી બીજી આયતોને વિસ્તૃત રીતે તપાસીએ.

અલ્લાહ ફરમાવે છે તે માણસથી એકદમ (ખુબજ) વધારે નજીક છે

وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهِ نَفْسُهُ ۖ وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْ حَبْلِ الْوَرِيدِ

“અને બેશક મનુષ્યને અમોએ જ પેદા કર્યો છે, અને તેનું મન જે કાંઇ સૂચવે તે અમે જાણીએ છીએ, અને અમે તેની ધોરી નસ કરતાંય વધારે પાસે છીએ.”

(સુ.કાફ -૧૬)

-સર્વજ્ઞ અલ્લાહથી માણસના દિલની કોઈ વાત છુપી નથી

وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّـهِ فَإِذَا أُوذِيَ فِي اللَّـهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللَّـهِ وَلَئِن جَاءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ اللَّـهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ

અને લોકોમાંથી કોઇ કોઇ એવા પણ છે જે (મોંઢેથી તો) કહે છે કે અમે અલ્લાહ પર ઇમાન લઇ આવ્યા, પણ જ્યારે અલ્લાહની રાહમાં તેને કાંઇ કષ્ટ પહોંચે છે તો તે કષ્ટને અલ્લાહના અઝાબ સમાન ગણે છે; અને (અય રસૂલ!) જ્યારે તારા પરવરદિગાર તરફથી (તારી પાસે) કોઇ મદદ પહોંચે છે ત્યારે તે સઘળાને સઘળા જ આ અવશ્ય કહેશે કે અમે તો તમારીજ સાથે હતા; (પણ) શું અલ્લાહ દુનિયાવાળાઓના અંતઃકરણોમાં જે કાંઇ છે તેનાથી માહિતગાર નથી?

(સુ.અનકબુત-૧૦)

આ આયતો અલ્લાહની સત્તા અને કુદરતને દર્શાવે છે તે ઇલાહી તૌહીદથી સંબંધિત છે. આ આયતો વસીલાનો ઇનકાર નથી કરતી નહીતર ઇન્સાનની રૂહ કબ્ઝ કરવા માટે,ઇન્સાનની ધોરી નસથી પણ વધારે નજીક રહેલ અલ્લાહને ફરીશ્તાને નીમવા પડે? (સુ.સજદા-૧૧)

શું ધોરી નસથી વધારે નજીક રહેલ અલ્લાહ પોતે રૂહ કબ્ઝ ન કરી શકે? અથવા શા માટે અલ્લાહ કે જે ઇન્સાનનાં દિલોમાં રહેલા તમામ ભેદો નો જાણનાર છે તે ઇન્સાનને પોતાની હાજત માટે દોઆ કરવાનો હુકમ આપે છે? દોઆ કર્યા વગર અલ્લાહ શું લોકોની હાજત પૂરી ન કરી શકે?

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

“અને તમારા પરવરદિગારે ફરમાવ્યું છે કે તમે મનેજ પોકારો, હું તમને જરૂર ઉત્તર આપીશ; નિસંશય તે લોકો કે જેઓ મારી ઇબાદત કરવાથી અકડે છે તેઓ નજીકમાં જ ઝલીલ થઇ જહન્નમમાં દાખલ થશે.”

(સુ.ગાફીર-૬૦)

અલ્લાહ લોકોની હાજતોને જાણે છે અને તેને દોઆ કે ઈબાદત વગર પુર્ણ કરી શકે છે. ઈબાદતનો હુકમ માણસની કસોટી માટે છે. એ માટે કે તેસમર્પિત થાય છે કે ઉધ્ધત બને છે?

. વસીલોએક કસોટી

અલ્લાહ શક્તિશાળી એને કોઈની જરૂરત નથી એને ઈન્સાનની દોઆ અને ઇબાદતની જરૂરત નથી આપણી ઈબાદત અલ્લાહને કોઈ ફાયદો નથી પહોચાડતી ઉલટું તે ઇન્સાનના ફાયદા માટે છે એજ રીતે વસીલાનો હુકમ એ શંકાખોરો ના કહેવા મુજબ અલ્લાહની કુદરતમાં કોઈ ખામી નથી દર્શાવતો. પરંતુ તે માણસની કસોટી માટે છે શું તે અલ્લાહ દ્વારા નિમણુક થયેલ વસીલા એટલે કે એહલેબૈત અ.સ ને સ્વીકારે છે? અથવા એવું કહીને ઉધ્ધત બને છે કે ઈન્સાને સીધે સીધું અલ્લાહ પાસે જ માંગવું જોઇએ.

સ્પષ્ટ રીતેજ વસીલાને નકારવાના તેમના ઉત્સાહમાં તેમણે કુરઆનની આયતો ને ધ્યાનમાં જ ન લીધી! એ આયતો કે જે અકીદાના એક પહેલુંને સાબિત કરી રહી છે તેનું અકીદાના બીજા પહેલુંના ખંડન કરવા માટે ખોટું અર્થઘટન કરવામાં આવે છે આખી ચર્ચાની હકીકત એ છે કે અકીદાના આ બંને પહેલું સાચા છે અને બંને એકબીજાથી કોઈપણ રીતે વિરોધાભાસ નથી.

Be the first to comment

Leave a Reply