જયારે મુસલમાનો વાત કરે કે શું ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હકીકી જાનશીન હતા, તો તેઓએ પહેલા બન્ને ઇમામો (અ.સ.)ની ફઝીલતની ચર્ચા તેઓના વિરોધીઓ સાથે કરવી જોઈએ, જેથી સ્પષ્ટ થઈ જાય કે મુસલમાન ઉમ્મતની ઇમામત કરવા માટે કોણ વધારે લાયક હતું.
આપણે ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ની ફક્ત એક મૂળભૂત ફઝીલતનો અભ્યાસ કરશું કે જે તેમના વાલેદા તરફથી તેમના વંશના બારામાં છે.
જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) વાલેદા છે:
ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ના દુશ્મનો પણ કબુલ કરે છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જેવા વાલેદા હોવાના સબબે કોઈ પણ મુસલમાન તેઓ ઉપર ફઝીલતનો દાવો નથી કરી શકતું.
મોઆવીયાની કબુલાત:
યઝીદનો બાપ મોઆવીયા એક બેઠકમાં કે જેમાં ઈમામ હસન (અ.સ.), ઈમામ હુસૈન (અ.સ.), અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ, ફઝલ ઇબ્ને અબ્બાસ અને અબ્દુલ્લાહ ઇબ્ને જઅફર હાજર હતા કબુલ કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સબબ છે હસનૈન (અ.મુ.સ.)ની બીજાઓ ઉપરની ફઝીલત માટે.
મોઆવીયાએ અબ્દુલ્લાહ ઇબ્ને જઅફરને કે જેઓ ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ.)ના પિતરાઈ ભાઈ હતા કહ્યું: તમે હસન અને હુસૈનની કેટલી ઇઝ્ઝત કરો છો? તેઓ તમારા કરતા અફઝલ નથી. અને તેઓના વાલીદ (અલી અ.સ.) તમારા વાલીદ (જઅફરે તૈય્યાર અ.સ.)થી અફઝલ નથી. અને અગર તેઓની વાલેદા ફાતેમા (સ.અ.), રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દુખ્તર ન હોત તો હું કહેત કે તમારી વાલેદા અસ્મા બીન્તે ઉમૈસ તેઓ કરતા અફઝલ છે.
- અલ ગદીર, ભા. ૧, પા. ૪૦૦-૪૦૨
- કિતાબુલ સુલૈમ, ભા. ૨, પા. ૮૩૪
- બેહારૂલ અન્વાર, ભા. ૩૩, પા. ૨૬૫ થી
જયારે મોઆવીયા કબુલ કરે છે કે ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ.) જનાબે ફાતેમાં ઝહરા (સ.અ.)ની નસ્લમાંથી હોવાના સબબે બધા કરતા અફઝલ છે જેમાં મોઆવીયા પણ શામિલ છે તો પછી તે કેવી રીતે ઈમામ હસન (અ.સ.) ઉપર સુલેહ બાબતે હુકુમતમાં ફઝીલતનો દાવો કરી શકે અને કેવી રીતે યઝીદ મોઆવીયાના જાનશીન હોવા બાબતે ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ફઝીલતનો દાવો કરી શકે?! ભલે તેઓ ખિલાફત ગસ્બ કરવામાં કામ્યાબ થયા છે તો પણ આજે કેવી રીતે મુસલમાનો તેઓ બન્ને ઝાલીમોની હસનૈન (અ.મુ.સ.) ઉપર ફઝીલતનો દાવો કરી શકે?
મરવાન ઇબ્ને હકમ કબુલે છે:
મરવાન ઇબ્ને હકમ, ઇસ્લામનો કટ્ટર દુશ્મન કે જેણે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ મદીનાથી તડીપાર કર્યો હતો એક વખત ઈમામ હુસૈન (અ.સ.)નો સામનો કરે છે:
અગર તમને એ ફઝીલત હાસિલ ન હોત કે તમે જનાબે ફાતેમા (સ.અ.)ના ફરઝંદ છો તો તમે અમારા ઉપર ફઝીલત હાસિલ ન કરી શકત.
- મનાકીબે આલે અબી તાલિબ (અ.સ.), ભા. ૪, પા. ૫૧
- અલ એહતેજાજ, ભા. ૨, પા. ૨૯૯
- મદીનતુલ મઆજીઝ, ભા. ૩, પા. ૪૯૭
- બેહારૂલ અન્વાર, ભા. ૪, પા. ૨૦૬
ફરી આ કબુલાતથી મરવાન અને તેની ઔલાદ બની મરવાન હુકુમત બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની નસ્લ ઉપર અફ્ઝલીય્યતનો દાવો નથી કરી શકતું.
યઝીદી લશ્કરનું કરબલામાં એકરાર:
તેવી જ રીતે કરબલાની જંગમાં ઈમામ હુસૈન (અ.સ.)એ એક ખુત્બો આપ્યો જેમાં આપ (અ.સ.)એ યઝીદી લશ્કર પાસેથી કબુલાત લીધી:
હું તમને અલ્લાહનો વાસ્તો આપી સવાલ કરૂ છું કે શું તમે જાણો છો કે મારા વાલેદા જનાબે ફાતેમા(સ.અ.) છે કે જે મોહમ્મદ(સ.અ.વ.)ની દુખ્તર છે?
તેઓએ: હા, અલ્લાહની કસમ!
- અલ લોહુફ, પા. ૮૬
તેથી કરબલાની જંગ યઝીદ અને તેના લશ્કર દ્વારા લડવામાં આવી, તેઓ સારી રીતે જાણતા હતા કે ઈમામ હુસૈન (અ.સ.) હુકુમત બાબતે બીજાઓ ઉપર ફઝીલત ધરાવતા હતા.
આ દુશ્મનોના અમૂક દાખલાઓ હતા કે જેમાં તેઓએ ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ.)ની હુકુમતમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના સીધા ફરઝંદ હોવાના સબબે ફઝીલતને કબુલ કરી. તેથી હુકુમત બાબતે તેઓનું ઇમામો (અ.મુ.સ.)ને પડકારવું એ છતા કે તેઓએ ઇમામો (અ.મુ.સ.)ની ફઝીલતોનો એકરાર કર્યો છે તે બતાવે છે કે તેઓ સત્તાના લાલચી હતા. આ મુસલમાન ઉમ્મત માટે સ્પષ્ટ નિશાની છે કે ઇમામો (અ.મુ.સ.) ઇઝ્ઝત અને એહ્તેરામને લાયક છે ખિલાફત માટે યોગ્ય છે.
Be the first to comment