જનાબે ફાતેમા (સ.અ.)ની ઈસ્મતની અલ્લાહ દ્વારા ઝમાનત લેવામાં આવી છે, કહેવાતા ખલીફાઓ દ્વારા પડકાર

વાંચવાનો સમય: 5 મિનિટ

ખિલાફતને ગસબ કરી જનારાઓનાં સૌથી મોટા અને ન બક્ષી શકાય તેવા ગુનાહોમાંથી એક ગુનોહ એ છે કે તેઓએ રસુલે ખુદા (સ.અ.વ.)ના દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઈસ્મત ઉપર આરોપ મુકયો છે. તેઓએ આપ (સ.અ.)ની ફદકની મિલ્કત ઉપરનો અધિકાર ન તો ભેટ તરીકે અને ન તો વારસા તરીકે આપ્યો. આપ (સ.અ.)નો દરજ્જો અને આપનો રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથેના સંબંધની કોઈ પરવા ન કરી. તેથી પણ વધારે અલ્લાહની નઝરમાં આપ (સ.અ.)ની ફઝીલત અને કુરઆને એલાન કરેલ આપ (સ.અ.)ની મન્ઝેલતનો પણ વિચાર ન કર્યો. આમ કરવાથી કહેવાતા ખલીફાઓએ દુનિયા અને આખેરતમાં ફકત પોતાની બરબાદી હાસીલ કરવામાં સફળતા મેળવી છે.

કહેવાતા ખલીફાઓના બારામાં અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ બતાવ્યું છે કે ફદકની બાબતે જનાબે ફાતેમા (સ.અ.)ની માંગણીનો ઈન્કાર કરી તેઓ કેવી રીતે ઈસ્લામનાં દાયરાથી બહાર નીકળી ગયા છે.

તેઓએ ઈસ્લામીક શરીઅતના સામાન્ય ફેંસલો કરવા બાબતે પણ પોતાને ગેરલાયક ઠરાવ્યા. અહિંયા એ સવાલ થાય કે કેવી રીતે તેઓ ઈલાહી હોદ્દા અને  ખિલાફતની જગ્યા ઉપર બેસવા આવ્યા. અલબત્ત, જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) એ કહેવાતા ખલીફાઓને ખુલ્લા પાડયા કે જેઓએ આ ખિલાફત તેમની જેવા દુન્યાવી લાલચુઓની મદદથી મેળવી હતી કે જેઓને રસુલે ખુદા (સ.અ.વ.)ની આલ પ્રત્યે તિવ્ર અદાવત અને નફરત હતી.

અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (..) તો ખલીફાઓ સાથે મુકાબલો:

એક લાંબી હદીસમાં ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

…..બીજા દિવસે મુહાજેરીનો અને અન્સારોથી ઘેરાયેલ અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ની મસ્જીદમાં પ્રથમ ખલીફા  પાસે આવ્યા.

આપ (અ.સ.) એ માંગણી કરી: શા માટે તે જનાબે ફાતેમા (સ.અ.)ને તેમના પિતા રસુલુલ્લાહ (સ.અ.વ.)નો વારસો આપવાની મનાઈ કરી, કે જે આપ (સ.અ.વ.) એ આપની ઝિંદગીમાં જ જનાબે ફાતેમા (સ.અ.)ને આપી દીધો હતો?

પ્રથમ ખલીફા: ફદક જંગના માલમાંથી છે અને તે દરેક મુસલમાનો સાથે સંકળાયેલ છે. તેથી, અગર જનાબે ફાતેમા (સ.અ.) ગવાહો લાવે કે આપ (સ.અ.)ને તે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ  તેમની વ્યકિતગત મિલ્કત તરીકે આપેલ છે, તો અમે તેમને આપી દઈશું, નહિંતર તેના ઉપર તેમનો કોઈ અધિકાર નથી.

અમીરુલ મોઅમેનીન (અ.સ.):

તે મુસલમાનોમાં અમારી બાબતે અલ્લાહના હુકમની વિરુધ્ધ ફેંસલો કર્યો છે.

પ્રથમ ખલીફા : એવું નથી.

અમીરુલ મોઅમેનીન (અ.સ.): અગર કોઈ મિલ્કત કોઈ મુસલમાનના કબજામાં હોય અને હું દાવો કરું કે તે મારી મિલ્કત છે, તો પછી તું કોની પાસે ગવાહો માંગીશ?

પ્રથમ ખલીફા : હું તમારી પાસે તમારા દાવાના ટેકામાં બે ગવાહો માંગીશ (કે તે મિલ્કત તમારી છે અને બીજા મુસલમાનની નથી).

પછી અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ માંગણી કરી: તો પછી શા માટે તું જનાબે ફાતેમા (સ.અ.) પાસે એ મિલ્કત બાબતે બે ગવાહો માંગો છો કે જે મિલ્કત પહેલેથીજ આપ (સ.અ.)ના કબજામાં છે અને આ મિલ્કત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝિંદગીમાં પણ અને તેમની શહાદત પછી પણ છે. શા માટે તું મુસલમાનો પાસે તેમના દાવા માટે ગવાહો નથી માંગતો જેવી રીતે તું મારી પાસે ગવાહ માંગો છો જ્યારે હું મિલ્કતનો દાવો કરુ જ્યારે કે તે કોઈ બીજાના કબજામાં હોય.

આ સાંભળી પ્રથમ ખલીફા કાંઈ જવાબ ન આપી શકયો અને ચૂપ થઈ ગયો.

પછી બીજા ખલીફાએ  કહ્યું: અય અલી! આવી વાતો ન કરો કારણ કે અમારી પાસે તમારા દાવાને રદ કરવાની ક્ષમતા નથી. અગર તમે આદીલ ગવાહો લાવશો તો અમે તમારો દાવો કબુલ રાખીશું, નહિં તો ફદક તમામ મુસલમાનોની મિલ્કત છે અને તમને અને જનાબે ફાતેમા (સ.અ.)ને તેના ઉપર કોઈ અધિકાર નથી.

પછી અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ ફરી વખત કહ્યું: શું તે કુરઆન વાંચ્યું છે?

પ્રથમ ખલીફાએ કહ્યું: હા.

અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ ફરમાવ્યું: તો પછી મને બતાવ કે કુરઆનની આ આયત કોની શાનમાં નાઝિલ થઈ છે:

અય એહલેબૈત (રસૂલ સ.અ.વ.ના ઘરવાળાઓ!) સિવાય તેના કાંઈજ નથી કે અલ્લાહ ચાહે છે કે તમારાથી દરેક પ્રકારની અપવિત્રતા દૂર રાખે અને તમને સંપૂર્ણ રીતે પાક પવિત્ર રાખે જેવી રેતી પાક રાખવાનો હક છે.

(સુરએ અહઝાબ, આયત નં. 33)

આ આયત અમારી શાનમાં નાઝિલ થઈ છે કે બીજા કોઈ માટે?

પ્રથમ ખલીફાએ કબુલ કર્યું કે તે તમારી શાનમાં નાઝિલ થઈ છે.

અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ ફરમાવ્યું: માની લે કે અમૂક લોકો ગવાહી આપે કે (નઉઝોબિલ્લાહ) જનાબે ફાતેમા (સ.અ.) એ ગુનાહ અંજામ આપ્યો છે, તો આપ (સ.અ.) માટે તું શું હુકમ આપીશ?

પ્રથમ ખલીફાએ કહ્યું: હું તેમને (નઉઝોબિલ્લાહ) અલ્લાહના હુકમ મુજબ સજા કરીશ જેવી રીતે હું અન્ય કોઈ ઔરતો માટે કરૂ.

અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ ફરમાવ્યું: તો પછી આ બાબતમાં તું અલ્લાહની નઝરમાં કાફીરો માંહેનો છો.

પ્રથમ ખલીફા: કેવી રીતે?

અમીરુલ મોઅમેનીન (અ.સ.): કારણ કે તે સુરએ અહઝાબ, આયત નં. 33 માં અલ્લાહ દ્વારા જનાબે ફાતેમા (સ.અ.)ની પાકીઝગીની ગવાહીને જુઠલાવી અને લોકોની ગવાહી ને કબુલ રાખી. આમ તે અલ્લાહ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હુકમને જુઠલાવ્યો. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ અલ્લાહના હુકમ ‘અય રસુલ (સ.અ.વ.)! તમે તમારા નજીકના સગાંવ્હાલાઓને તેમનો હક આપી દયો.’ (સુરએ રુમ-30, આયત નં. 38)થી ફદક જનાબે ફાતેમા (સ.અ.)ને ભેટમાં આપ્યો અને રસુલે ખુદા (સ.અ.વ.)ની હયાતમાં પણ તે જનાબે ફાતેમા (સ.અ.)ના કબજામાં હતો. તે અલ્લાહના આ હુકમનો ઈન્કાર કર્યો અને એવા રણવાસીની ગવાહી કબુલ કરી કે જે પોતાની એડી ઉપર પેશાબ કરે છે? તે જનાબે ફાતેમા (સ.અ.) પાસેથી ફદકને છીનવી લીધું અને એવો દાવો કરો છો કે તે તમામ મુસલમાનોના માલે ગનીમતમાંથી છે?!!

રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે કે ગવાહી દાવો કરનારે લાવી જોઈએ અને પ્રતિવાદી એ કસમ ખાવી જોવે. તે જનાબે ફાતેમા (સ.અ.) પાસે ગવાહો માંગીને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના શબ્દોનો ઈન્કાર કર્યો જ્યારે કે આપ (સ.અ.) પ્રતિવાદી છે. હકીકતમાં આપ (સ.અ.) એ કસમ ખાવી જોવે અને મુસલમાનો પાસે ગવાહો માંગવા જોઈએ જે જનાબે ફાતેમા (સ.અ.) ને પડકારવા ચાહે છે.

અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની રદ ન થનારી દલીલો સાંભળી હાજર લોકો કહેવાતા ખલીફાઓ સામે ગુસ્સે થયા અને તેઓ દરમ્યાન રાડ અને પડકાર પ્રગટયો અને અમૂકે કહ્યું: અલ્લાહની કસમ! અલી સાચુ બોલે છે.

આ બનાવ પછી અમીરુલ મોઅમેનીન (અ.સ.) પોતાના ઘરે પાછા ફર્યા.

  • બેહારુલ અન્વાર, ભાગ-29, પા. 130
  • અલી ઈબ્ને ઈબ્રાહીમ અલ કુમ્મી (ર.અ.)ની સુરએ રુમ-30, આયત નં. 38 ની તફસીર
  • અલ બુરહાન ફી તફસીર અલ કુરઆન, સુરએ રુમ-30, આયત નં. 38 ની તફસીર

ઉપર મુજબની કહેવાતા ખલીફાની ઉલટ તપાસમાં અમૂક રદ ન થનારી અને વિરોધ ન થનારો સારાંશ આ મુજબ છે:

1) કહેવાતા ખલીફાઓ અને તેમના અનુયાયીઓ પાસે ઈસ્લામી ફિકહનું સામાન્ય ઈલ્મ પણ ન હતું અને તેઓ દાવો કરનાર અને પ્રતિવાદી દરમ્યાન એક સામાન્ય મિલ્કતની બાબતને ઉકેલવા માટે પણ સક્ષમ ન હતા અને ગુંચવણમાં હતા. આટલી દલીલ તે સાબિત કરવા પૂરતી છે કે તેઓનો સહાબી હોવાના આધારે ખિલાફતનો અધિકાર ખોટો છે.

2) તેઓએ જનાબે ફાતેમા (સ.અ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના બીજા મઅસુમો માટે નાઝિલ થયેલી કુરઆનની સુરએ અહઝાબની 33 મી આયતનો ઈન્કાર કર્યો છે અથવા તેઓએ તે કબુલ રાખ્યું પરંતુ આ વિવાદમાં લાગુ કરવાનો ઈન્કાર કર્યો. યહુદીઓની જેમ તેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને પોતાના ફરઝંદની જેમ ઓળખી લીધા અને તેમને આવકારવા મદીના હિજરત પણ કરી પરંતુ જ્યારે આપ (સ.અ.વ.) મદીનામાં આવ્યા તો આપ (સ.અ.વ.)નો ઈન્કાર કર્યો.

3) અગર ઈજમાઅ મુસલમાનો માટે એટલું મહત્ત્વ ધરાવે છે તો પછી લોકોના ઈજમાઅથી ફદક બાબતે અમીરુલ મોઅમેનીન (અ.સ.) કહેવાતા ખલીફા ઉપર ગાલીબ આવી ગયા હતા. ઈજમાઅથી ફદક જનાબે ફાતેમા (સ.અ.)ની માલીકીનું છે.

4) અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફદક બાબતે દલીલની સામે કહેવાતા ખલીફાઓ પાસે તલ્વાર અને ભાડુતી ગુંડાઓ સિવાય કંઈ ન હતું.

5) જ્યારે તેઓ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની દલીલોનો જવાબ ન આપી શકયા અને સુરએ અહઝાબ (33):33 મુજબ જનાબે ફાતેમા (સ.અ.)ના દરજ્જાને સ્વીકારી ન શકયા ત્યારે તેઓ પાસે ફકત એક જ રસ્તો બાકી રહ્યો. તેઓએ જૂઠ ઘડી કાઢયું અને તેને રસુલે ખુદા (સ.અ.વ.) સાથે જોડી દીધું કે: ‘અમો નબીઓ કોઈનો વારસો લેતા નથી અને ન તો કોઈને વારસો આપીએ છીએ.’ થોડાક હજાર દિરહમોમાં તેઓએ ત્રણેય બાબતો જૂઠી બતાવી, અલ્લાહ (ત.વ.ત.)ને સૂરએ અહઝાબમાં, રસુલે ખુદા (સ.અ.વ.)ને વારસાની બાબતમાં અને જનાબે ફાતેમા (સ.અ.)ને ફદકના બાબતે. અગર આ જુઠ પછી પણ કોઈ માટે શકય છે કે તે મુસલમાન બાકી રહે અને તેથી વધારે ખરાબ કે ખિલાફતનો દાવો કરે અને ખોટું સમર્થન ઉભું કરે તો અલબત્ત, મુસલમાનો વિરોધીઓ અને આતંકવાદીઓની અસરમાં છે જેને ઈસ્લામ સાથે કંઈ લેવા દેવા નથી.

Be the first to comment

Leave a Reply