શું નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી જાએઝ છે કે નહિ?
અગર નેક લોકોની કબ્રો પર મસ્જીદ બનાવવી જાએઝ છે, તો પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની યહુદીઓ અને ખ્રિસ્તીઓના બારામાં ફરમાવેલી હદીસનો અર્થ શું છે? કારણકે એક હદીસમાં નકલ થયું છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તે યહુદીઓ અને ખ્રિસ્તીઓ ઉપર લઅનત કરી છે જેઓએ તેમના નબીઓ (અ.મુ.સ.)ની કબ્રોને ઈબાદતની જગ્યા બનાવી છે. શું અલ્લાહના વલીઓની કબ્રોની નઝદીક મસ્જીદો બનાવવી આ હદીસમાં જે કાર્યો ઉપર લઅનત કરવામાં આવી છે તેના સમાન નથી?
જવાબ:
મુત્તકી અને નેકુકારોની કબ્ર પાસે મસ્જીદ બનાવવી ઈસ્લામના સામાન્ય સિધ્ધાંત મુજબ ઝર્રા બરાબર પણ મનાઈ નથી કારણકે અલ્લાહના દોસ્તોની કબ્રોની નઝદીક મસ્જીદ બનાવવાનો હેતુ અલ્લાહની ઈબાદત સિવાય કાંઈ નથી હોતો, જે એક બરકતનો સ્ત્રોત છે.
બીજા શબ્દોમાં કહીએ તો આવી જગ્યાઓ ઉપર મસ્જીદ બનાવવાનો હેતુ એ છે કે અલ્લાહના દોસ્તોની મઝારોની ઝિયારત કરનારાઓ પોતાની વાજીબ કાર્યો ઝિયારત કર્યા પહેલા અને પછી અંજામ આપી શકે. કારણકે, વહાબીઓની નઝદીક પણ ન તો કબ્રોની ઝિયારત કરવી હરામ છે અને ન તો ઝિયારત પહેલા કે પછી ઈબાદત કરવી હરામ છે. આવા સંજોગોમાં, અલ્લાહના દોસ્તોની કબ્રોની નઝદીક અલ્લાહની ઈબાદતના હેતુથી મસ્જીદો બનાવવી અને ઈલાહી ફરજો અંજામ આપવામાં મનાઈ નથી.
સૌપ્રથમ આપણે આ બાબતે કુરાને કરીમ તરફ રજુ થઈએ
અસ્હાબે કહફ (ગુફાના સાથીદારો)ના બનાવની ચર્ચા જોતા, કોઈપણ આસાનીથી એ નતીજો કાઢી શકે કે કબ્રો ઉપર મસ્જીદો બનાવવી પહેલાના મઝહબોમાં એક તાકીદભર્યું કાર્ય હતું, એક બનાવ કે જેને કુરઆને કરીમે ટીકા વગર વર્ણવ્યો છે.
જ્યારે ગુફાના અસ્હાબનો કિસ્સો લોકોમાં 309 વર્ષો પછી મશ્હુર થયો, લોકો તેમને માન મરતબો દેવાની બાબતે બે સમૂહોમાં વહેંચાઈ ગયા. એક સમૂહે કહ્યું: ચાલો આપણે તેમની કબ્રો ઉપર ઈમારત બનાવીએ જેથી આ કાર્યથી આપણે તેઓની યાદ, નામો અને નિશાનીઓને સાચવી શકાય. કુરઆને મજીદે તેઓની આ દ્રષ્ટિને આ શબ્દોમાં વર્ણવી છે:
અને તેઓએ કહ્યું: તેના ઉપર એક ઈમારત બનાવવમાં આવે.
બીજા સમૂહે કહ્યું: ચાલો આપણે તેઓની કબ્રો ઉપર મસ્જીદ બનાવીએ (ગુફામાં) અને આ કાર્યના ઝરીએ બરકત મેળવીએ.
કુરઆનની તફસીરકારો એકમત છે કે પહેલુ સુચન મુશ્રીકોનું હતું જ્યારે કે બીજું સચન મુવ્વહીદો (એક અલ્લાહમાં માનનારાઓ) અને ઈમાનવાળાઓનું હતું. તેથી કુરઆન જ્યારે આ બનાવ વર્ણવે છે ત્યારે કહે છે: જેઓ પોતાના કાર્યમાં કામ્યાબ થયા તેઓએ કહ્યું: બેશક અમો તેઓની કબ્રો ઉપર મસ્જીદ બનાવીશું.
ઈતિહાસ ગવાહ છે કે અસ્હાબે કહફના ઝાહેર થવાનો ઝમાનો શીર્ક ઉપર તૌહીદના વિજયનો ઝમાનો હતો. તેમના પછી મુશ્રીક શાસકો અને તેમના અનુગામીઓની નિશાનીઓનો નાશ કરવામાં આવી કે જેઓ મુર્તીપુજા તરફ બોલાવતા હતા. સ્વાભાવિક છે કે આ વિજયી સમૂહ એ જ મુવ્વહીદો છે. ખાસ કરીને તેઓના સુચનનો સંદર્ભ કે મસ્જીદનું બનાવવું અલ્લાહની ઈબાદત માટે છે, જે ખુદ સાબીતી છે કે જેઓએ સુચન કર્યું તેઓ મુવ્વહીદ હતા અને નમાઝ પઢતા હતા.
અગર અલ્લાહના દોસ્તોની કબ્રો ઉપર મસ્જીદ બનાવવી હકીકતમાં શીર્કનું કાર્ય હોત તો પછી શા માટે મોવ્વહીદોએ આવું સુચન કર્યું? શા માટે કુરઆને મજીદે વખોડયા વગર નકલ કર્યું? શું કુરઆનનું કોઈ વસ્તુનું ખામોશી સાથે બયાન કરવું પરવાનગીની દલીલ નથી? શું એ યોગ્ય છે કે અલ્લાહ એક સમૂહ તરફથી શિર્કના કાર્યને ઝાહેર કે છુપી રીતે વખોડયા વગર બયાન કરે? આ કાર્ય એ વલણ બતાવે છે જે દુનિયાના મોવ્વહીદો દરમિયાન પ્રચલિત હતું અને આ એક પ્રકારનો આદર હતો અથવા દફન થયેલાઓ પાસેથી બરકત મેળવવાનું માધ્યમ. વહાબીઓ હદીસોથી દલીલ આપવા પહેલા અગર કુરઆનથી દલીલ રજુ કરતે તો યોગ્ય હતું અને પછી હદીસો તરફ જતે.
હવે આપણે તેઓની દલીલોની ચર્ચા અને પૃથ્થકરણ કરીશું.
અલ્લાહના દોસ્તોની કબ્રો ઉપર મસ્જિદોની તામીરની મનાઈના બારામાં વહાબીઓની દલીલ:
આ સમુહે સંખ્યાબંધ હદીસોના આધારે અવલિયા એ ઇલાહીની કબ્રો એ સાબિત કરવાની કોશિશ કરી છે કે આ સમુહે સંખ્યાબંધ હદીસોના આધારે અવલિયાએ ઈલાહીની કબ્રોની નઝદીક મસ્જીદોની તામીર કરવાની મનાઈ હોવાનું સાબીત કરવાની કોશિશ કરી છે. આપણે તે દરેકનું અહીંયા પૃથ્થકરણ કરીશું.
બુખારીએ તેમની સહીહમાં કબ્રો ઉપર મસ્જીદોની તામીરનું ટીકાપાત્ર હોવાના બારામાં પ્રકરણ લઈ આવ્યા છે અને તેમાં અત્રે બે હદીસ રજુ કરીએ છીએ:
જ્યારે હસન ઈબ્ને હસન ઈબ્ને અલીનો ઈન્તેકાલ થઈ ગયો. તેમની પત્નિએ તેમની કબ્ર ઉપર એક ખૈમો બનાવ્યો અને એક વર્ષ પછી હટાવી દીધો. તેઓએ કોઈને રડતા સાંભળ્યા: અને શું તેઓએ જોયું શું તેઓએ ગુમાવ્યું છે? બીજો અવાજે જવાબ આપ્યો: નહિં, તેઓએ આ જગ્યાને વિરાન કરી નાખી અને બદલી નાખી.
અલ્લાહ ઈસાઈઓ અને યહુદીઓને પોતાની રહમતથી દૂર રાખે! તેઓએ પોતાના નબીઓની કબ્રો ઉપર મસ્જીદો બનાવી છે. આયેશા કહે છે: અને એ ડર ન હોત કે તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રને મસ્જીદ તરીકે લેશે, મુસલમાનો આપ (સ.અ.વ.)ની કબ્રને અગ્રણી બનાવી દેતે અને આપ (સ.અ.વ.)ની કબ્ર ફરતે કોઈ અવરોધ ન બનાવતે સિવાય એ કે હું ડરુ છું કે આ કબ્ર મસ્જીદ તરીકે બને.
મુસ્લીમ તેઓની સહીહમાં આ હદીસને થોડા તફાવત સાથે નકલ કરે છે, તેથી અમે અહીં ફકત એક લખાણ રજુ કરીએ છે.
ધ્યાન રાખજો! તમારી પહેલાના લોકોએ તેઓના નબીઓ અને મુત્તકી લોકોની કબ્રોને મસ્જીદો તરીકે લીધી હતી. ધ્યાન રાખજો! કયારેય કબ્રોને મસ્જીદ તરીકે ન લેતા. હું તમને આની મનાઈ કરું છું.
ઉમ્મે હબીબાહ અથવા ઉમ્મે સલમા (રસુલુલ્લાહ સ.અ.વ.ની પત્નિઓ)થી નકલ છે કે એબેસીનીયા દેશમાં જ્યારે તેઓ એક સમુહ સાથે હિજરત કરી રહ્યા હતા, તેઓએ એક અલ્લાહના નબી (અ.સ.)ની ચિત્ર (છબી) જોઈ. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: આ તે લોકો છે કે જ્યારે તેઓમાંથી કોઈ મુત્તકી શખ્સ ઈન્તેકાલ કરે છે તો તેઓ તેમની કબ્ર ઉપર મસ્જીદ બનાવે છે અને તેમનું ચિત્ર બનાવે છે. કયામતના દિવસે તેઓ અલ્લાહની નઝદીક સૌથી ખરાબ લોકોમાંથી હશે.
નિસાઈ તેમની સોનનમાં લોકોની કબ્રો ઉપર દીવાઓ કરવા સહીહ ન હોવાના બારામાં પ્રકારણ લાવ્યા છે, તેઓ ઈબ્ને અબ્બાસથી નકલ કરે છે:
રસુલે ખુદા (સ.અ.વ.) એ તે ઔરતો ઉપર લઅનત કરી છે જેઓ લોકોની કબ્રો ઉપર જાય છે અને ત્યાં મસ્જીદો બનાવે છે અને તેઓ ઉપર દીવાઓ કરે છે.
ઈબ્ને તયમીયા, આવી પ્રકારના અકીદાઓનો સ્થાપક (મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ, આવા અકીદાઓનો વકીલ) ઉપરની હદીસોનું વિચિત્ર અર્થઘટન કરીને એ તારણ કાઢે છે કે અવલીયાએ ઈલાહીની કબ્રોની નઝદીક અથવા કબ્રો ઉપર મસ્જીદ બનાવવાની તદ્દન મનાઈ છે.
ફરી ઈબ્ને તયમીયા લખે છે કે આપણા આલીમો કહે છે કે કબ્રની નઝદીક મસ્જીદ બનાવવાની તદ્દન મનાઈ છે.
અવલીયાએ ઈલાહીની કબ્રોની નઝદીક નમાઝો અને દોઆઓ કરવા બાબતે:
વહાબીઓ તરફથી કબ્રો ઉપર ઈમારત બનાવવાની મનાઈની દલીલોને બયાન કર્યા પછી તેઓ તરફથી આ બાબતે જે શંકાઓ ફેલાવી છે તેના આપણે જવાબો આપીશું.
વહાબી કિતાબોમાં જે બાબતો ઉપર ચર્ચા થયેલ છે તેમાંથી અવલીયાએ ઈલાહીની કબ્રો ઉપર નમાઝો પઢવા અને દોઆઓ કરવાનો મુદ્દો પ્રકાશિત છે.
આ અકીદાનો સ્થાપક તેના એક લખાણમાં આ શીર્ષક “ઝિયારતુલ કોબુર” (કબ્રોની મુલાકાત) નીચે લખે છે:
ભૂતકાળના કોઈપણ સરદારોએ એમ નથી કહ્યું કે કબ્રોની નઝદીક નમાઝો પઢવાની તાકીદ છે. બલ્કે, દરેક એકમત છે કે મસ્જીદોમાં અને ઘરોમાં નમાઝ પઢવી તે નેક લોકોની કબ્રોની નઝદીક નમાઝ પઢવા કરતા બહેતર છે.
એહલે તસન્નુંન સહીતના ઈસ્લામી વિધ્વાનોએ વહાબીના આ અજીબ વલણનો વિરોધ કર્યો છે. મદીનાના વિધ્વાનોને સંબોધીને એક જવાબમાં જણાવ્યું છે કે:
તે પ્રખ્યાત છે કે દોઆઓના સમયે અંબીયા (અ.મુ.સ.)ની કબ્રો તરફ મુતવ્વજેહ થવાની મનાઈ છે પરંતુ ભરોસાપાત્ર કિતાબોમાં આ બાબતે કોઈ મનાઈ કરવામાં આવી નથી કારણકે દિશાઓમાં શ્રેષ્ઠ દિશા કિબ્લો છે.
સમય પસાર થતા આ મુદ્દો મનાઈથી વધી શીર્કનો રંગ ચડી ગયો. આજે પણ, તેઓ દરમ્યાન આ મુદ્દાને શીર્કનો રંગ લાગેલો છે અને તે અંજામ આપનારને મુશ્રીક ગણવામાં આવે છે.
આપણે તે જાણી લેવું જોઈએ કે સામાન્ય રીતે જ્યારે પણ કોઈપણ વ્યકિતની કબ્ર પાસે તેની ઈબાદત કરવાની નિય્યતથી નમાઝ પડે અથવા તેને પોતાના કિબ્લા તરીકે લે તો બેશક આવું કૃત્ય શીર્ક છે. પરંતુ આ ઝમીન ઉપર કોઈપણ મુસલમાન એવો નથી જેણે અંબીયા (અ.મુ.સ.) અથવા અવલીયાએ ઈલાહીની કબ્રો પાસે આવું કૃત્યુ હોય. તે ન તો તેમની ઈબાદત કરે છે અને ન તો તેઓને પોતાના કિબ્લા તરીકે લે છે.
તેથી, શીર્કનો વિચાર કલ્પનાથી વધીને બીજું કંઈ નથી. મુસલમાનોનો અવલીયાએ ઈલાહીની કબ્રોની નઝદીક નમાઝો અને દોઆઓ પઢવાનો હેતુ તેજ બરકતો મેળવવાનો છે જેવી તે જગ્યાની બરકત જ્યાં અલ્લાહના ચહીતા (રસુલુલ્લાહ સ.અ.વ.)ને કબ્રે મુબારક છે.
તેઓ વિચારે છે કે જેવી રીતે તે જગ્યા જ્યાં તે વ્યકિત છે જે અલ્લાહની નઝદીક એક મહાન દરજ્જો ધરાવે છે પરિણામે, તેઓના અમલનો બદલો વધુ મળશે.
હવે, એ જરુરી છે કે આપણે તે બાબતે ચર્ચા કરીએ કે શું કોઈ મુત્તકી અને નેક વ્યકિતના કોઈ જગ્યા ઉપર દફન થવાથી શું તે જગ્યાનો દરજ્જા વધી જાય છે કે નહિં?
જવાબ:
અગર આ હુકમ કુરઆન અને સુન્નતથી સાબીત થઈ જાય તો પછી સ્વાભાવીક છે કે દીનના સરદારોની કબ્રો ઉપર નમાઝો અને દોઆઓ પઢવાની ફઝીલત વધી જશે. નહિંતર કોઈ તે માન્ય નહિ રાખે અને અને તેને નાજાએઝ હોવાનું એલાન કરશે. અલબત્ત્, તેવી ઘણી બધી જગ્યા છે કે જ્યાં નમાઝો અને દોઆઓ પઢવાની પરવાનગી છે એમ છતાં કે તે જગ્યાઓને કોઈ ખાસ ફઝીલત નથી.
હવે ચાલો આપણે આપણી ચર્ચાને તે હકીકત પુરતી સીમિત રાખીએ કે શું અવલીયાએ ઈલાહીની કબ્રોને કોઈ ખાસ ફઝીલત હાસીલ છે કે નહિ, અને શું આના માટે આપણી પાસે કુરઆન અને સુન્નતથી કોઈ દલીલ છે.
આ હકીકતને નીચે દશર્વિેલ આયતોથી સમજી શકાય છે:
1) ‘અસ્હાબે કહફ’ના બારામાં મુવ્વહેદોના સમુહે કહ્યું:
ચાલો, આપણે તેઓની કબ્રો ઉપર મસ્જીદ બનાવીએ.
તેઓની કબ્રો ઉપર મસ્જીદ બનાવવાનો બીજોકોઈ હેતુ ન હતો સિવાય કે તેઓની વાજીબ કાર્યો અને નમાઝો તથા દોઆઓ પડે. તેઓ એ મતના હતા કે જ્યારે આ ઝમીનમાં અલ્લાહના ચહીતા બંદાઓના શરીરો છે, તે એક ખાસ મંઝેલત અને ફઝીલત ધરાવે છે અને તેઓ તેના દ્વારા બરકતો અને વધુ બદલો મેળવશે.
કુરઆને કરીમ જ્યારે મુવ્વહેદોથી આવો અકીદો નકલ કરે છે ખામોશ છે. અગર આ કૃત્ય સહીહ ન હોત, નિરર્થક અને અર્થહિન હોત તો બેશક કુરઆને મજીદ આના ઉપર ખામોશ ન રહ્યું હોત. તેણે એક યા બીજી રીતે જરુર તેની ટીકા કરી હોત. તે ખામોશીની સાથે પસાર ન થઈ જાય કારણકે ખામોશી સહમતીનો સ્પષ્ટ સંકેત છે.
2) કુરઆને કરીમમાં અલ્લાહે તબારક વ તઆલાએ પોતાના બંદાઓને જનાબે ઈબ્રાહીમ (અ.સ.)ની જગ્યા (મકામે ઈબ્રાહીમ, એ જગ્યા જ્યાં આપ (અ.સ.) નમાઝ પઢતા હતા) ઉપર નમાઝ પઢવાનો હુકમ આપ્યો છે.
وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ
અને ઈબ્રાહીમ (અ.સ.)ની ઉભા રહેવાની જગ્યાને નમાઝોની જગ્યા તરીકે લ્યો.
(સુરએ બકરહ-2, આયત નં. 125)
અગર તમે આ આયત કોઈને બતાવશો તે કંઈ નહિ સમજે સિવાય કે તે હકીકત કે જ્યારથી નબી ઈબ્રાહીમ (અ.સ.) તે જગ્યાએ ઉભા રહ્યા અને મોટે ભાગે અલ્લાહની ઈબાદત કરી, તે ખાસ મંઝેલત અને ફઝીલત ધરાવે છે. તેની બરકતો અને મહત્ત્વથી અલ્લાહે મુસલમાનોને તે જગ્યા ઉપર નમાઝ પઢવા અને ત્યાંથી બરકત હાસીલ કરવા હુકમ કર્યો છે.
તે જગ્યા જ્યાં ઈબ્રાહીમ (અ.સ.) ઉભા રહે તે વખાણ અને ફઝીલતનું કારણ બને. તો શું તે જગ્યાઓ જ્યાં અલ્લાહની રાહમાં શહીદ થયેલના અને કરીમ લોકોના જીસ્મો દફન છે તે જગ્યા સન્માન અને ગર્વનું કારણ નથી? શું તે સ્વાભાવીક નથી કે આવી જગ્યાઓ બીજી જગ્યાઓ કરતા વધારે ફઝીલત ધરાવે છે? શું આવી જગ્યાઓ ઉપર દોઆઓ વધુ કબુલ થવાને પાત્ર નથી?
એ વાત સાચી છે કે આ આયત નબી ઈબ્રાહીમ (અ.સ.)ને લગતી છે પરંતુ શું આપણે તેને એક સામાન્ય સિધ્ધાંત તરીકે ન લઈ શકીએ?
૩) મન્સુરે દવાનકીએ ઈમામ માલીક (એહલે તસનુન ફીકહ માંહેના એક આગેવાન)ને એક વાર્તાલાપમાં કે જે મસ્જીદે નબવીમાં થયો હતો, પુછયું: શું દોઆઓ કરતી વખતે મારે કિબ્લા રુખ ઉભું રહેવું જોઈએ કે મારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દફનની જગ્યા તરફ રુખ કરવો જોઈએ? માલીકે જવાબ આપ્યો: શા માટે તમે તમારા પિતા રસુલુલ્લાહ (સ.અ.વ.)થી મોઢું ફેરવી રહ્યા છો? આપ (સ.અ.વ.) તમારી અને તમારા દાદા આદમ (અ.સ.)ની શફાઅત કરનાર છે. અલબત્ત, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્ર તરફ રુખ કરો અને તેમના દ્વારા શફાઅત મેળવો.
આ ચર્ચાથી એ સ્પષ્ટ છે કે લોકો અને મોટાભાગના શરુઆતના એહલે તસનુનના આલીમોની નઝદીક રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્ર મુબારકની નઝદીક દોઆઓ કરવામાં કોઈ વાંધો નથી. મન્સુરનો માલીક સાથેનો વાર્તાલાપ બે વસ્તુ દરમ્યાન અફઝલ વસ્તુના બારામાં હતો અને માલીકે જવાબ આપ્યો કબ્ર તરફ રુખ કરવો જાણે કે કીબ્લા તરફ રુખ કરવો છે.
રસુલુલ્લાહ (સ.અ.વ.)ની મેઅરાજની હદીસોનો અભ્યાસ કરતા આ હકીકત વધુ સ્પષ્ટ થશે. કારણકે મેઅરાજની હદીસોમાં, એ આવ્યું છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તયબહા, સીનાના પહાડ, જેવી જગ્યાઓ ઉપર નમાઝો પઢી છે. જનાબે જીબ્રઈલ (અ.સ.) એ પુછયું: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! શું તમને યાદ છે કે તમે કયા નમાઝ પઢી છે? તે જનાબે ઈસા (અ.સ.)ની વિલાદતની જગ્યા છે.
આ રિવાયતો ઉપરથી એ તારણ કાઢી શકાય છે કે તે જગ્યાઓ જે નબીના શરીરના સંપર્કમાં છે ત્યાં નમાઝ પઢવી ફઝીલત અને ઉચ્ચતાનું સબબ છે. આ જગ્યામાં બરકત ઈસા (અ.સ.)ની વિલાદતના કારણે છે.
4) જનાબે હાજરા અને નબી ઈસ્માઈલ (અ.સ.), તેઓની અલ્લાહની રાહમાં એકલતાના સમયે સબ્રના કારણે એવો દરજ્જો પ્રાપ્ત કર્યો કે તેઓની પગના નિશાન ઈબાદતની જગ્યા બની ગઈ જેમકે સફા અને મરવાહ વચ્ચેનું અંતર. (5)
ઈબ્ને તયમીયાનો વિદ્યાર્થી કહે છે, અગર આ બન્ને હસ્તીઓના પગના પગલાઓના નિશાન, તેઓની અલ્લાહની રાહમાં સબ્ર અને ધીરજના કારણે એટલા બધા બાબરકત થઈ ગયા કે મુસલમાનોને એ જગ્યા ઉપર અલ્લાહની ઈબાદત કરવાનો અને ખુઝુઅ અને ખુશુઅની સાથે સઈ કરવાનો હુકમ કર્યો છે. તો પછી શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્ર મુબારક બાબરકત ન હોય શકે જ્યારે કે આપ (સ.અ.વ.) એ સમાજની સુધારણા માટે સબ્ર અને મક્કમતાની શ્રેષ્ઠ મંઝીલ ઉપર હતા? શા માટે નમાઝો અને દોઆઓ એ જગ્યાઓ ઉપર ન પડી શકાય જે જગ્યા આટલી ઉચ્ચ ફઝીલત અને ઉમદા છે?
5) અગર હકીકતમાં કબ્રની નઝદીક નમાઝો પડવી જાએઝ ન હોતે તો પછી શા માટે આયેશાએ એક સમયગાળા સુધી પોતાના રુમના ખુણામાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રની નઝદીક નમાઝો અને ઈબાદતોની બજાવી લાવી, જેમકે એહલે સુન્નત હઝરાતની માન્ય હદીસોમાં બયાન થયેલ છે?!!
આ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસ જે મુસલમાન હદીસવેત્તાઓએ બયાન કરી છે જેમાં અલ્લાહે યહુદીઓ અને ખ્રિસ્તીઓ ઉપર લઅનત કરી છે, જેઓએ પોતાના અંબીયાની કબ્રોને મસ્જીદ તરીકે લીધી છે(6) અને જેને વહાબી લોકોએ અવલીયાએ ઈલાહીની કબ્રોની નઝદીક નમાઝ ન પઢવાના પુરાવા તરીકે લીધી છે. હકીકતમાં આનો અર્થ એમ થાય છે કે તેઓ તેઓના અંબીયા (અ.મુ.સ.)ની કબ્રોને સજદો કરતા હતા અથવા તેઓની ઈબાદત કરતા હતા અથવા તેઓની કબ્રોને કીબ્લા તરીકે લેતા હતા.
દેખીતી રીતે આ દરેક કાર્યો ઈસ્લામીક શરીઅતનો ભંગ કરનાર છે. અગર હદીસનો અર્થ એમ થાય જેમ વહાબી હઝરાત અર્થઘટન કરે છે તો પછી શા માટે આયેશા, આ હદીસને નકલ કરનારે 50 વર્ષ સુધી તે રુમમાં રહીને અલ્લાહની ઈબાદત કરી?
6) અગર રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રને કોઈ ઈઝઝત અને ફલીલત ન હતી તો પછી શા માટે અબુબક્ર અને ઉમર એ આગ્રહ રાખતા હતા કે તેઓના શરીરો આપ (સ.અ.વ.)ની નઝદીક દફનાવવામાં આવે? શા માટે હસન ઈબ્ને અલી (અ.સ.)એ વસીય્યત કરી કે તેઓના શરીરને તેઓના નાનાની નઝદીક દફનાવવામાં આવે અને અગર દુશ્મનો રોકે તો પછી તેઓને બકીઅના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે?
આ હદીસને મુસલમાનોના કાર્યો સાથે શું સબંધ છે, જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રની નઝદીક કીબ્લા રુખ થઈને નમાઝ પડે છે, અલ્લાહની પાસેથી રહમત તલબ કરે છે જ્યારે કે તેનો હેતુ આ જગ્યાથી બરકત હાસીલ કરવાનો છે?
7) રસુલુલ્લાહ (સ.અ.વ.)ની માનનીય દુખ્તર (સ.અ.) કે જેઓ માટે સીહાહે સિત્તામાં પણ છે કે આપ (સ.અ.)ની ખુશ્નુદી અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની ખુશ્નુદી છે અને આપ (સ.અ.)નો ગઝબ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)નો ગઝબ છે. આપ (સ.અ.) દર જુમ્આના આપના કાકા જનાબે હમઝા (અ.ર.)ની કબ્રની ઝિયારત કરતા, નમાઝ પડતા અને રુદન કરતા. ઈતિહાસમાં નીચેની હદીસ સ્પષ્ટ શબ્દો સાથે આવેલ છે:
જનાબે ફાતેમા (સ.અ.) પોતાના કાકા જનાબે હમઝા (અ.સ.)ની કબ્રની ઝિયારત દર જુમ્આના કરતા. આપ (સ.અ.) દોઆ કરતા અને ત્યાં રુદન કરતા.
આ દલીલો, મુસલમાનો દ્વારા કરવામાં આવતા અમલ પ્રમાણે જેઓ હંમેશા નમાઝ પડતા, બરકત મેળવતા અને અવલીયાએ ઈલાહી અને અંબીયા (અ.મુ.સ.)ની કબ્રોની નઝદીક દોઆઓ કરતા, સંકેત કરે છે કે તેઓ વધુ બરકત અને ફઝીલત ધરાવે છે. તેઓનો કોઈ હેતુ ન હતો સિવાય કે તે જગ્યાની ફઝીલતથી બરકત મેળવે અને તે જગ્યાઓ ઉપર અમલ બજાવી લાવે જ્યાં અલ્લાહની નઝર વધુ હોય છે.
હવે જ્યારે ઉપરનો વિષય સ્પષ્ટ થઈ ગયો છે, અગર આપણે દલીલ માટે એમ ધારી પણ લઈએ કે કુરઆનમાં અને હદીસમાં આવી જગ્યાઓની ખાસ ફઝીલતનો અને ત્યાં નમાઝો અને દોઆઓ કરવાનો કોઈ પુરાવો નથી મળતો, તેમ છતા એમ કેવી રીતે સાબીત કરી શકે કે ત્યાં નમાઝો અને દોઆઓની પાબંદી છે? શા માટે આ જગ્યાઓ સામાન્ય નિયમ મુજબ દરેક જગ્યા અલ્લાહની ઈબાદત માટે છે તેમ ગણવામાં નથી આવતી (8) અને મુસલમાનોને અવલીયાએ ઈલાહીની કબ્રોની નઝદીક ઈબાદત કરવાથી રોકવામાં આવે છે?
આપણે ઉપર પણ ચર્ચા કરેલ છે કે યહુદીઓ અને ખ્રિસ્તીઓ કે જેઓ પોતાના નબીઓની કબ્રોને મસ્જીદ તરીકે લેતા હતા તે હદીસોનો હેતુ શું છે. કોઈપણ સંજોગોમાં આ હદીસો કબ્રોની નઝદીક અલ્લાહ માટે કીબ્લા રુખ થઈને નમાઝો અને દોઆઓ કરવાની મનાઈ તરફ નિર્દેશ નથી કરતી.
કબ્રો ઉપર દિવા કરવા:
અવલીયાએ ઈલાહીની કબ્રો ઉપર દિવાઓ કરવાનો મુદ્દા, જે વહાબીઓ અને તેમના અનુયાયીઓ સખ્તી અને બળજબરીથી મનાઈ કરે છે, તે એટલો મહત્ત્વનો નથી. કારણકે, તેનું સંદર્ભ તે જ હદીસ છે જે સુનને નિસાઈમાં ઈબ્ને અબ્બાસના હવાલાથી નકલ થઈ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તે ઔરતો ઉપર લઅનત કરી છે જેઓ કબ્રોની ઝિયારત કરે, તેને મસ્જીદ તરીકે લે અને ત્યાં દિવાઓ કરે (9).
આ હદીસો જાહેરી રીતે ત્યાં લાગુ પડે જ્યાં દીવાઓનું કરવું કાફીરો અને દુનિયાના અન્ય મઝહબના માનનારાઓની જેમ કરવામાં આવે. પરંતુ અગર દીવાઓ કરવાનો હેતુ કુરઆને કરીમની તિલાવત માટે, દોઆઓ માટે, નમાઝો પડવા માટે અને અન્ય દીની કાર્યો અંજામ આપવા માટે હોય તો તેમાં શંકા વગર કોઈ મઝહબી સમસ્યા નથી. અલબત્ત્, આવી જગ્યાઓ ઉપર દીવાઓ કરવા, ખાસ કરીને ઉપરના પાક હેતુઓ માટે જે આ આયતને સ્પષ્ટ રીતે લાગુ પડે છે:
એકબીજાને નેકી અને તકવામાં મદદ કરો (10). આવી બાબતમાં, તે કેવી રીતે પ્રતિબંધિત હોય શકે?
હદીસોના નિષ્ણાંતોના સમુહે તેની બીજા દ્રષ્ટિકોણથી મનાઈની સ્પષ્ટતા કરી છે. સોનને નિસાઈના હાસીયામાં લખેલ છે કે તેની મનાઈ છે કારણ કે તે કોઈ ફાયદા વગર માલની બરબાદી છે. (11)
તેથી વહાબીઓનો મુસલમાનોને કબ્રો ઉપર મસ્જીદો બનાવવા, કબ્રો ઉપર દીવાઓ કરવા અથવા તેઓને નમાઝો તથા કબ્રોની નઝદીક દોઆઓ પડવાથી રોકવાના દાવા પાછળ કોઈ ઈસ્લામી પરવાનગી નથી તેથી રદ થવા પાત્ર છે. તેનાથી વિરુધ્ધ આવા જાએઝ કાર્યોને શીર્ક અને પ્રતિબંધીત કહીને તેઓ પોતે દીનમાં બિદઅત કરવાના ગુનાહમાં સપડાય ગયા છે.
સંદર્ભ:
1) કુરઆની કરીમની તફસીરો: અલ કશ્શાફ, મજમઉલ બયાન, નેશાપુરીની ગરાએબ અલ કુરઆન, જલાલૈન અને અલ મીઝાન જોઈ શકાય છે.
2) જારુલ્લાહ ઝમખ્શરી તેમની તફસીર અલ કશ્શાફમાં ઉપરની આયતની તફસીરમાં લખે છે: મુસલમાનોએ ત્યાં નમાઝો પડી અને તે જગ્યાથી બરકતો તલબ કરી. નેશાપુરી, તેમની તફસીરમાં આજ આયતની હેઠળ લખે છે: મુસલમાનોએ ત્યાં નમાઝ પડી અને આ જગ્યાઓથી બરકત તલબ કરી.
3) વફા અલ વફા ફી અખ્બારે દાર અલ મુસ્તફા, ભા. 4, પા. 1376
4) અબ્દ અલ રહમાન અલ સુયુતીની અલ ખસાએસ અલ કુબરા.
5) ઈબ્ને અલ કય્યુમની જલાઅલ અફહામ ફી અલ સલાહ વ અલ સલામ અલા ખૈર અલ અનામ, પા. 228
6) અલ્લાહે યહુદીઓ અને ખ્રિસ્તીઓ ઉપર લઅનત કરી છે, તેઓએ તેમના નબીઓ (અ.મુ.સ.)ની કબ્રોને ઈબાદતોની જગ્યા તરીકે લીધી. સુનને નિસાઈ, ભા. 4, પા. 96, બૈરુત પ્રકાશન.
7) સુનને બયહકી, ભા. 4, પા. 78, અલ હકીમની મુસ્તદરક, ભા. 1, પા. 377
8) જમીન મારા માટે મસ્જીદ અને પાક બનાવવામાં આવી છે, મુસ્નદે એહમદ, ભા. 2, પા. 222
9) રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તે ઔરત ઉપર લઅનત કરી છે કે કબ્રોની ઝિયારત કરે છે, તેને મસ્જીદો તરીકે લે છે અને ત્યાં દીવાઓ કરે છે. સુનને નિસાઈ, ભા. 3, પા. 77, પ્રકાશન: મીસ્ર અને ભા. 4, પા. 95, પ્રકાશન: બૈરુત, તયસીર અલ વુસુલ ઈલા જામેઆ અલ ઉસુલ, ભા. 4, પા. 210
10) સુઅએ માએદાહ (5): આયત 2
11) સુનને નિસાઈ, ભા. 3. પા. 77, પ્રકાશન: મિસ્ર અને ભા. 4, પા. 95, પ્રકાશન: બૈરુત, શર્હો જામેઆ અલ સગીર, ભા. 2, પા. 198 ને જોઈ શકાય છે.
આ લેખને મોહતરમા સમાનાહ ખાન એહમદલુએ તૈયાર કર્યો છે.
સ્ત્રોત: વર્લ્ડ એસેમ્બલી ઓફ શીઆ સ્ટડીઝ
Be the first to comment