વિલાયત અને બરાઅત

વાંચવાનો સમય: 5 મિનિટ

આ એક રસપ્રદ વાત છે કે કોઈ પણ વિષય ઉપર જોવા મળતા વિરોધાભાસ અને ઈખ્તેલાફ બન્નેને એક સાથે એક જ જગ્યાએ રાખીને કોઈ સકારાત્મક પાસાથી તેને વાસ્તવિકતાનો પોશાક પહેરાવી શકાતો નથી. ચાહે તે ગમે તે સ્વરૂપમાં હોય. જેમકે અદ્લ અને ઝુલ્મ, નેકી અને બદી વિગેરે… ઈસ્લામે તે બન્નેમાંથી કોઈ પણ એકજ બાબતને હકીકત અને વાસ્તવિકતાનો વિષય આપીને મહત્ત્વ અતા કર્યું છે. જેમકે અદ્લ પસંદનીય છે અને ઝુલ્મ એ અપ્રિય બાબત છે. તેવીજ રીતે નેકી એ વખાણવાલાયક બાબત છે અને બદી એ વખોડવા લાયક બાબત છે. પરંતુ મોહબ્બત અને નફરત આ બંને વિષયો અને બાબતો ઈસ્લામી અકીદાઓ, તઅલીમાત અને મઆરીફમાં શબ્દો અને અર્થ એમ બન્ને આધારે એકસમાન અને સમોવડીયો મરતબો અને હોદ્દો ધરાવે છે. આ ઈસ્લામનો એક સર્વ વ્યાપી કાયદો છે તથા ઈસ્લામી અકીદાઓનું મૂળ અને પાયો છે. તેમાં માન્યતા ધરાવ્યા વગર ન તો કોઈ ઈન્સાન મુસલમાન બની શકે છે અને ન તો કોઈ મુસલમાન, મોઅમીન બની શકે છે. ઈસ્લામી અકીદાઓમાં સૌપ્રથમ અને મહત્ત્વનો અકીદો તૌહીદનો છે. તેમાં પણ ‘લા એલાહ એટલે કે ‘કોઈ ખુદા નથી…’ શબ્દમાં નફરત અને બરાઅત જોવા મળે છે તેમજ ‘ઈલ્લલ્લાહ’(સિવાય એક અલ્લાહ) શબ્દમાં મોહબ્બત અને વિલાયત સમાએલી છે.

નુબુવ્વતના અકીદામાં ફકત અલ્લાહના રસુલ અને નબી હોવા સિવાય બીજી બધી બાબતોનો ઈન્કાર કરવામાં આવ્યો છે. પછી તે ‘રસુલુલ્લાહ’(અલ્લાહના રસુલ)ના રૂપમાં હોય કે પછી ‘વ મા મોહમ્મદુન ઈલ્લા રસુલ’ એટલે કે ‘મોહમ્મદ (સ.અ.વ.) કંઈ નથી સિવાય અલ્લાહના રસુલ’ના સ્વરૂપે હોય. તેમાં નબીને અલ્લાહના નબી કબુલ કરવાની સાથોસાથ બીજા કોઈ નુબુવ્વતના જુઠ્ઠા દાવેદાર સાથે મોહબ્બત તો દુરની વાત છે તે નબી હોવા સિવાય તેને કોઈ બીજા સંબંધના બહાને કબુલ કરવાને પણ અલ્લાહ પસંદ કરતો નથી.

એવી જ રીતે અજ્રે રિસાલતની માંગણીમાં કુરઆને કરીમે ‘ઈલ્લલ મોવદ્દત’ કહીને આલે મોહમ્મદથી મોહબ્બત અને મોવદ્દતને મખ્સુસ કરી દીધી અને તેમના સિવાય બીજા કોઈની મોહબ્બત અને મોવદ્દતને પસંદ કરી નથી. આ બન્ને સર્વ વ્યાપી સિધ્ધાંતો એકબીજાથી સંબંધિત અને જોડાએલા છે. તે બન્ને એકબીજા માટે જરૂરી અને આવશ્યક છે. એહલેબૈત (અ.મુ.સ.) સાથે મોહબ્બત અને મોવદ્દતનો અકીદો દીનદારીનું મૂળ અને પાયો છે તેમજ ખુદા, તેના રસુલ અને આલે રસુલના દુશ્મનોથી નફરત અને બરાઅત વગર મોહબ્બત અને વિલાયત પણ અધુરી અને અપૂર્ણ છે. વિલાયત અને બરાઅત એ બે પાંખો છે કે જેના વડે બંદો ખુદાની બારગાહમાં કુરબતની મંઝિલો સુધી પહોંચે છે. વિલાયત એટલે કે અલ્લાહ, તેના રસુલ અને તેમના એહલેબૈતે તાહેરીન (અ.મુ.સ.)ની સાથે મોહબ્બત ધરાવવાની સાથોસાથ તેમને પોતાના હાકીમ, વલી અને પોતાના ઉપર પોતા કરતા વધારે હક્ક તેમને પ્રાપ્ત છે તેમ કબુલ કરીને તેમના તમામ ફરમાનો અને હુકમો ઉપર ઈમાન અને ખુલુસની સાથે અમલ કરવો છે અને બરાઅત એટલે કે અલ્લાહ, તેના રસુલ અને તેમના એહલેબૈતે તાહેરીન (અ.મુ.સ.)ના દુશ્મનોથી કંઈપણ લેવા-દેવું ન હોવું, ઝબાનથી તેમનાથી અલગ અને જુદા હોવાનો એકરાર કરવો અને અમલી સ્વરૂપે તેઓના દીન, બંધારણ અને રિત-રિવાજોથી દુરી અને બેઝારી ઈખ્તેયાર કરવી છે.

વિલાયત અને બરાઅતના અકીદાનું મહત્ત્વ અને તેનો મરતબો કોઈ પણ દીર્ધ દ્રષ્ટિ ધરાવનાર, બુધ્ધીજીવી અને ઈલ્મ ધરાવનાર ઈન્સાનથી છુપો નથી અને ન તો તેને કોઈ નજર અંદાજ કરી શકે છે. ઈસ્લામી સ્ત્રોતો અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની પવિત્ર રિવાયતોમાં તેનુ ખૂબજ વિગતવાર વર્ણન જોવા મળે છે. આ બન્ને જવાબદારીઓ (તવલ્લા અને તબર્રા નેક બંદા, મુત્તકી અને સાચા મોઅમીનની રૂહ છે. તેના વગર નેક અમલ, તકવા અને ઈમાનની કોઈ કિંમત નથી. કારણ કે તેનો સીધો જ સંબંધ અલ્લાહ તઆલા, તેની ખુશ્નુદી અને તેના હુકમના પાલન કરવા સાથે છે. આ અમલ કંઈ ઈન્સાનના વ્યક્તિગત દિલના સુકુન અથવા કોઈ સાથેની દુશ્મની ઉપર આધારિત નથી. આપણે જેવી રીતે નમાઝ, રોઝા, હજ અને બીજી જવાબદારીઓ અંજામ આપીએ છીએ અને તે બધા કાર્યો અંજામ આપવા પાછળનો આપણો હેતુ અલ્લાહ તઆલાના હુકમને બજાવી લાવવો, તેની ખુશ્નુદી અને પરવરદિગારની કુરબત સિવાય બીજું કંઈ હોતુ નથી તેવી જ રીતે એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બત અને તેમના દુશ્મનોથી નફરત અને બરાઅતનું મૂળ પરવરદિગારના હુકમની ઈતાઅત છે અને તેનો મકસદ ખુદાની ખુશ્નુદી પ્રાપ્ત કરવી હોય છે. તેના પછી અજ્ર અને સવાબ તથા શ્રેષ્ઠ બદલા અને ઈન્આમની ઉમ્મીદ કાયમ કરવામાં આવે છે.

ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)એ પોતાના ચાહનારાઓને એમજ ફરમાવ્યું કે:

જ્યારે અમો એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બત અને અમારા દુશ્મનોથી દુશ્મનીની બુનિયાદ દુનિયાની લાલચ અને કોઈ વ્યક્તિગત બુગ્ઝ કે દુશ્મનીના આધારે ન હોય (બલ્કે તે ખુદાના હુકમના પાલન અને પરવરદિગારની કુરબત પ્રાપ્ત કરવા માટે હોય) તો કયામતના દિવસે તમારી આંખો પ્રકાશિત હશે અને તમારા દિલોને ચૈન હશે, મલાએકા તમારું સ્વાગત કરશે અને તમો અલ્લાહના રસુલ (સ.અ.વ.), હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), હસન (અ.સ.), હુસૈન (અ.સ.) અને અલી ઈબ્ને હુસૈન (અ.સ.)ની સાથે ઉઠાવવામાં આવશો.’

શીઆ અકીદાઓમાં એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયતનો અકીદો, બરાઅત વગર અને બરાઅતનો અકીદો, એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને મોહબ્બત વગર અધુરો અને અપૂર્ણ છે. પરંતુ અમૂક મસ્લેહત પસંદ વિચારશ્રેણીઓ ઈસ્લામી તઅલીમાત અને એહલેબૈત (અ.મુ.સ.)ના મઆરીફથી અજાણ તથા બિન અનુભવી લેખકો અને તકરીર કરનારાઓ મુસલમાનોમાં એક નવો માહોલ પૈદા કરવાની કોશિશો કરી રહ્યા છે. તેમજ પોતાની આદતો, શોખ અને પધ્ધતિ મુજબ એહલેબૈત (અ.મુ.સ.)ના મઝહબના ઉસુલો અને અકીદાઓને રજુ કરી રહ્યા છે. તેઓની તબ્લીગથી એ સ્પષ્ટ થાય છે કે શીઆ મઝહબમાં વિલાયત અને બરાઅતના અકીદાનું કોઈ સ્થાન જ નથી. તેઓ ઈસ્લામી શરૂઆતના મુસલમાનોની દરમ્યાન જોવા મળતા વિરોધાભાસને વિરોધાભાસ સમજતા જ નથી.

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રેહલત પછી બનેલા બનાવોને તેઓ ન ફકત સામાન્ય રીતે રજુ કરે છે બલ્કે તેનો ઝિક્ર કરવા ઉપર પણ પાબંદી લગાવે છે. તેમજ એમ કહેતા જોવા મળે છે કે ઈસ્લામની શરૂઆતમાં અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)નો અમૂક સહાબીઓ સાથેનો વિરોધાભાસ ‘મિત્રતાનો વિરોધાભાસ’અને ‘મઝબુત સંબંધો’ના સ્વરૂપમાં હતો. અગર તે વિરોધાભાસ ‘મિત્રતાનો વિરોધાભાસ’હતો તો કોઈ એમ પણ જણાવે કે હકીકી વિરોધાભાસ કોને કહેવાય!!!??? ખાતેમુન નબીય્યીન (સ.અ.વ.)ના જનાઝાને સહાબીઓ એકલા મુકીને ચાલ્યા ગયા, રસુલે અકરમ (સ.અ.વ.)ના તમામ ફરમાનોથી મોહ ફેરવીને રસુલ (સ.અ.વ.)ના ભાઈ અને જમાઈ તેમજ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના જીગરના ટુકડાને ફરીયાદ કરતા છોડી દીધા. આજ સુધી એવું કયાંય પણ ન તો સાંભળ્યું છે કે ન તો જોવા મળ્યું છે કે મોહબ્બતમાં કોઈ કોઈના ગળામાં દોરડું બાંધીને, તેને ખેંચીને અને ઢસડીને લઈ જાય. શું તલ્વારોના છાંયામાં બયઅતની માંગણી કરવી એ પણ મિત્રતાના સંબંધના આધારે હતી!!! રસુલે અકરમ (સ.અ.વ.)ની પ્યારી દુખ્તર જનાબે ઝહરા (સ.અ.)નું ઘર કે જેમાં હસનૈન કરીમૈન (અ.મુ.સ.) મૌજુદ હતા તે ઘરને સળગાવવાની કોશિશ પણ ગાઢ સંબંધોના આધારે જ હતી!? રસુલ (સ.અ.વ.)ના જીગરના ટુકડા ઉપર સળગતો દરવાજો ફેંકવો, પાંસળીઓનું તોડવું અને તેમના મુબારક શિકમ ઉપર વાર કરવો, જનાબે મોહસીન (અ.સ.)ની શહાદત, જનાબે સૈયદા (સ.અ.)નું તેઓ સાથે ઝીંદગીભર વાત ન કરવું, ખલીફાને સલામનો જવાબ ન આપવો તેમજ તેઓથી નારાજ રહીને દુનિયાથી જવું, અલી (અ.સ.)નું નહજુલ બલાગાહમાં પોતાનો મઝલુમ હોવાનું એઅલાન કરવું તથા તેઓ દ્વારા પોતાના હક્કને છીનવી લેવાની ફરીયાદ કરવી અને પોતાના હક્ક છીનવાઈ ગયો હોવાની જાહેરાત કરવી શું આ બધી બાબતો મિત્રતા અને ગાઢ સંબંધોના આધારે હતી? અગર આ બધી બાબતોને સારા અને ગાઢ સંબંધો કહેવામાં આવતા હોય તો કોઈ ખુદાના વાસ્તે વિરોધાભાસનો અર્થ પણ જણાવી દે. નહિંતર પરિસ્થિતિ એવી સર્જાશે કે લોકો રસુલે ખુદા (સ.અ.વ.) અને મક્કાના કાફીરો દરમ્યાનના વિરોધાભાસને પણ મિત્રતાનો વિરોધાભાસ જણાવવા લાગશે. તેમજ શયતાનનો સજદો કરવાના ઈન્કારને પણ અલ્લાહ સાથેના સારા અને ગાઢ સંબંધોના આધારે દર્શાવવા લાગશે.

હકીકત એ છે કે જ્યાં સુધી વિલાયત અને બરાઅતનો અકીદો મજબુત નહી હોય હક્ક અને બાતિલની ઓળખ થઈ શકશે નહી. આથી અલ્લાહ તઆલા, તેના રસુલ અને આલે રસુલ (અ.મુ.સ.) ઉપર ઈમાન લાવવાની સાથોસાથ તેઓ સમક્ષ સાચા અર્થમાં તસ્લીમ થઈ જવું જોઈએ. તેમાંજ ઈન્સાનોની ભલાઈ અને કામ્યાબી છે. કારણકે વિલાયત અને બરાઅત આ બન્ને અકીદાઓ જ ઈન્સાનને કામ્યાબી સુધી પહોંચાડે છે અને ઈન્સાનોની હિદાયત અને માર્ગદર્શન કરે છે. આ બન્ને જવાબદારીઓજ ઉમ્મતે મુસ્લેમાની નજાત અને કામ્યાબીનું કારણ પણ છે અને હક્ક તથા બાતિલની દરમ્યાન તફાવત કરનારું સર્વશ્રેષ્ઠ માધ્યમ પણ છે.

અલ્લાહ તઆલા હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમની પવિત્ર આલની મોહબ્બત અને તેમના દુશ્મનોથી બરાઅત અને બેઝારીને જીંદગીના અંતિમ શ્ર્વાસ સુધી બાકી રાખે અને કયામતના દિવસે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના માનનારાઓમાં આપણને કરાર દે. ઈલાહી આમીન.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*