શું આપણે એહલેબૈત (અ.મુ.સ.) પાસે તેમની શહાદત પછી માંગી શકીએ છીએ?

વાંચવાનો સમય: 7 મિનિટ

શંકા:

          અમૂક કહેવાતા મુસલમાનો ઈલાહી હસ્તીઓને વસીલા (માધ્યમ) બનાવીને માંગવાનો વિરોધ કરે છે. તેઓની મુળ વાત એ છે કે આપણે ફકત અલ્લાહ પાસે જ માંગવું જોઈએ. પછી તેઓ ઈચ્છા ન હોવા છતાં પોતે જ કબુલ કરે છે કે આપણે ઈલાહી હસ્તીઓ જેવી કે રસુલુલ્લાહ (સ.અ.વ.) અને તેમના વારસદારો (અ.મુ.સ.), શહીદો, આલીમો, વિગેરેના માધ્યમથી પણ માંગી શકીએ છીએ, પરંતુ એક શર્ત સાથે કે આપણે ત્યારે જ માંગી શકીએ જ્યારે તેઓ હયાત હોય અને તેમની વફાત બાદ માંગી ન શકાય. તેઓના માનવા મુજબ, એક મૃત અને જમીનની અંદર દફનાવેલ વ્યક્તિમાં જીવ નથી હોતો જેવી રીતે જમીન અને પત્થર હયાત વ્યક્તિની મદદ માટે તેની ફરિયાદ અને દોઆઓને નથી સાંભળતી. તેથી ‘મૃત અને જીવવગરના’ પાસે માંગવું પથ્થર પાસે માંગવા બરાબર છે અને આવું કરનારને તૌહીદમાં કાઢીને શીર્ક તરફ લઈ જાય છે.

જવાબ:

          અગર અલ્લાહ સિવાય બીજા પાસે માંગવુ શીર્ક છે જેનો તેઓ દાવો કરે છે, તો પછી એમાં શું ફેર પડે કે વ્યક્તિ હયાત છે કે વફાત પામી ગઈ છે? બન્ને સ્થિતિમાં શીર્ક હોવું જોઈએ. અગર હયાત વ્યકિત પાસે માંગવું જાએઝ છે તો પછી વફાત પામેલી વ્યક્તિ માટે પણ જાએઝ હોવું જોઈએ, ખાસ કરીને ત્યારે કે જ્યારે વ્યક્તિની શફાઅત તેના હયાત હોવા કે વફાત પામવા સાથે સંબધિત, નથી બલ્કે તે વ્યક્તિનો અલ્લાહની નઝદીક જે દરજ્જો છે તેનાથી સંબંધિત છે. અલ્લાહની નઝદીક વ્યક્તિનો દરજ્જો હંમેશાનો છે, તેનો સબંધ મૌત કે હયાત સાથે નથી.

1) એહલેબૈત (.મુ..)નો ઉચ્ચ દરજ્જો કાયમી છે

2) મુસલમાનો મૌત બાદ પણ હયાત હોય છે

3) એહલેબૈત (.મુ..) દરેક વસ્તુના વિનાશ બાદ પણ બાકી રહેશે

4) પત્થરો પણ જીવ વગરના નથી હોતા

5) વસીલાનો સબંધ અલ્લાહની સત્તા અને રહમત સાથે છે

1) એહલેબૈત (અ.મુ.સ.)નો ઉચ્ચ દરજ્જો કાયમી છે:

એહલેબૈત (અ.મુ.સ.)એ અલ્લાહની નઝદીક હંમેશા એક ઉચ્ચ મકામ મેળવ્યો છે, તેઓ આ દુનિયામાં જાહેરી સ્વરૂપમાં આવ્યા એ પહેલા પણ. જ્યારથી મખ્લુકને પૈદા કરવામાં આવી, ઘણા બધા અંબીયા (અ.મુ.સ.) મુસીબતોમાં અલ્લાહ પાસે એહલેબૈત (અ.મુ.સ.)ના વાસ્તાથી દોઆ કરતા અને તેઓની દોઆ કબુલ થતી.

નબી આદમ (અ.સ.):

પછી આદમ (..) પોતાના પરવરદિગાર પાસેથી થોડા શબ્દો શીખી લીધા જેથી તેમની તૌબા કબૂલ કરીબેશક તે મહાન તૌબા કબૂલ કરનાર અને દયા કરનાર છે.”

          આદમ (અ.સ.)ની તર્કે અવલા એહલેબૈત (અ.મુ.સ.)ની શફાઅત (માધ્યમ)થી માફ કરવામાં આવી, તેઓના આ દુનિયામાં જાહેરી સ્વરૂપમાં આવવાની સદીઓ પહેલા. એહલેબૈત (અ.મુ.સ.)ની શફાઅત વગર તેઓને માફી ન મળત. અલબત્તા, એહલેબૈત (અ.મુ.સ.) વગર તેઓને, આ જમીન, સુરજ, ચાંદ, અર્શ, ખુરશી, આસ્માનો, વિગેરેને પૈદા પણ ન કરત.

 • હાફીઝ જલાલુદ્દીન અબ્દુલ રહમાન ઈબ્ને અબુ બક્ર અલ સુયુતીની અદ્દુર્રૂલ મન્સુરમાં આ આયતની તફસીર હેઠળ, ભા. 1, પા. 58-60
 • ઈબ્ને મગાઝલીની અલ મનાકીબ, પા. 63
 • અલ તબરાનીની અલ મોઅજમ અલ સગીર
 • હાકીમ નેશાપુરીની અલ મુસ્તદરક
 • અબુ નઈમ ઈસ્ફહાનીની હિલ્યઉલ અવલીયા
 • સોનને બૈહકી
 • ઈબ્ને અસાકીરની તારીખે દમીશ્ક
 • શૈખુલ ઈસ્લામ હમવીનીની ફરાએદુસ્સીમતૈન ફી ફઝાએલે મુર્તઝા વ બતુલ વ સીબતૈન

          અગર એહલેબૈત (અ.મુ.સ.) પાસે માંગવુ ઈલાહી અંબીયા (અ.મુ.સ.) માટે જાએઝ હતું, તે પણ એહલેબૈત (અ.મુ.સ.)ના જાહેરી સ્વરૂપ પહેલા, તો પછી તેમને આ દુનિયામાંથી ચાલી જવા પછી વસીલો બનાવવામાં શું વાંધો છે?

આ કહેવાતા મુસલમાનો વિરોધ કરે છે કે એક વખત તેઓ વફાત પામે પછી તેઓ પાસે શફાઅત કરવાનો અધિકાર રહેતો નથી.

આપણે આ મુસલમાનોને પુછીએ: તેઓ પાસે નબી આદમ (અ.સ.)ની શફાઅત કરવાની સત્તા કયાંથી આવી જ્યારે કે તેઓનું જાહેરી સ્વરૂપ જ ન હતું? આ એજ સત્તા છે જેના વડે તેઓ તેમની વફાત બાદ પણ શફાઅત કરવામાં મદદરૂપ છે.

આ આપણને મક્કાના મુનાફીકોનો વિરોધ અને અલ્લાહનો તેમને જવાબ યાદ અપાવે છે.

અને તે અમારા માટે દાખલો આપવા લાગે છે અને પોતાની પૈદાઈશ ભૂલી જાય છેઅને કહેવા લાગે છે કે માટી થઈ ગએલી સ્થિતિવાળા હાડકાંઓને કોણ સજીવન કરી દેશેતમે કહો કે તેમને એજ સજીવન કરી દેશે કે જેણે તેમને પ્રથમ વાર પૈદા કર્યાઅને તે દરેક વસ્તુના સર્જનથી સંપૂર્ણ વાકેફ છે.”

          (સુરએ યાસીન-36, આ. 78-79)

અગર એહલેબૈત (અ.મુ.સ.)નો વસીલો પહેલા મદદરૂપ હતો, તો તે ફરી વખત મદદરૂપ થઈ શકે છે. બલ્કે બીજી વાર મદદ તો આસાન છે જેમકે કુરઆન કહે છે:

અને તે છે જે સૃષ્ટિને પ્રથમ નિર્માણ કરે છેપછી પણ તેને પુનનિર્માણ કરશેઅને તેના માટે તદ્દન સહેલુ છે.”

(સુરએ રૂમ-30, આ. 27)

અગર તેઓ પ્રથમ વખત માટે વસીલા હોય તો પછી ફરી વખત વસીલા બનવું તો વધુ સહેલુ છે.

2) મુસલમાનો મૌત બાદ પણ હયાત હોય છે:

અમૂક મુસલમાનો છે તેમની મૌત બાદ પણ હયાત છે. અલ્લાહ તબારક વ તઆલાએ કુરઆને કરીમમાં બે સમૂહોની ઓળખાણ આપી છે જેઓ આજ સુધી હયાત છે અને જ્યાં સુધી અલ્લાહ ચાહશે હયાત રહેશે.

1) શહીદો તેમની શહાદત બાદ હયાત હોય છે:

અને જે લોકો અલ્લાહની રાહમનાં માર્યા ગયા છે તેમને હરગિઝ મરણ પામેલા સમજો નહિબલ્કે તેઓ પોતાના પરવરદિગાર પાસે જીવતા હોઈ રોઝી મેળવે છે.”

(સુરએ આલે ઈમરાન-3, આ. 169)

2) જેઓએ અલ્લાહની રાહમાં હિજરત કરી તેઓ પણ મૌત બાદ હયાત છે:

જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરીપછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયાતો તેમને અલ્લાહ અવશ્ય ઉત્ત્મ રોઝી અર્પણ કરશેઅને અલ્લાહ બેહતર રોઝી આપનાર છે.”

(સુરએ હજ્જ-22, આ. 58)

એહલેબૈત (અ.મુ.સ.) માંથી દરેક અલ્લાહની રાહમાં શહીદ કરવામાં આવ્યા અને આ એક બિનવિવાદીય બાબત છે. સાથો સાથ રસુલુલ્લાહ (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) હિજરત કરનારાઓમાં સૌ પ્રથમ હતા. તેથી કુરઆને કરીમની બન્ને આયતો શહીદો અને હિજરત કરનારાઓ મુજબ આ હસ્તીઓ હયાત છે.

તેથી, એમ કહેવું કે મુર્દામાં પત્થરો મુજબ જીવ હોતો નથી કુરઆને કરીમની વિરૂધ્ધ છે અને જે કોઈ અલ્લાહની કિતાબમાં વિરોધાભાસ કરે તેણે બીજાને મુશ્રીક કહેવા પહેલા પોતાના ઈમાનની ચકાસણી કરવી જોઈએ.

ન ફકત એહલેબૈત (અ.મુ.સ.) જેવી મહાન હસ્તીઓ અથવા અઈમ્મા (અ.મુ.સ.)ના સહાબીઓ અથવા માનનીય આલીમો બલ્કે પોતાના માં-બાપ પણ મુશ્કેલીમાં વસીલો છે. ઘણી બધી હદીસો છે જે તાકીદ કરે છે કે મુશ્કેલીઓમાં પોતાના માં-બાપની કબ્રોને વસીલા તરીકે લ્યો.

3) એહલેબૈત (અ.મુ.સ.) દરેક વસ્તુના વિનાશ બાદ પણ બાકી રહેશે:

કુરઆને કરીમની બે આયતો છે જે સ્પષ્ટપણે બતાવે છે કે દરેક વસ્તુના વિનાશ પછી એક વસ્તુ બાકી રહેશે.

દરેક વસ્તુ કે જે જમીન ઉપર છે તે નાશ પામનાર છે અને ફકત તારા પરવરદિગારની પ્રભાવશાળી અને મહેરબાન જાત બાકી રહેનાર.”

(સુરએ રહેમાન-55, આ. 26-27)

“…દરેક વસ્તુ વિનાશ પામશે સિવાય કે તે…”

(સુરએ કસસ-28, આ. 88)

આ આયતોની તફસીરમાં આપણને ઘણી હદીસો મળશે કે وجه الله એહલેબૈત (અ.મુ.સ.) છે.

અમો અહિંયા ફકત બે હદીસો ટાંકીએ છીએ:

અબ્દુલ સલામ બિન સાલેહ અલ હિરવી (અબુ સલ્ત તરીકે પ્રખ્યાત) કહે છે: મેં ઈમામ અલી ઈબ્ને મુસા રેઝા (અ.સ.)ને સવાલ કર્યો: “અય રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદ! આ વાકય لا إله إلا الله  પઢવાનો સવાબ અલ્લાહના ચહેરાને જોવા બરાબર છે. આનો શું મતલબ છે?”

આપ (અ.સ.)એ ફરમાવ્યું: “અય અબા સલ્ત! જે કોઈ અલ્લાહના ચહેરો મખ્લુકના ચહેરા જેવો વર્ણવે છે તે મુશ્રીક છે. અલબત્તા અલ્લાહનો ચહેરો તેના અંબીયા (અ.મુ.સ.) છે, તેના રસુલો અને તેની હુજ્જતો છે. તેઓના ઝરીએ માણસ અલ્લાહ તરફ, તેના દીનની તરફ અને તેની મઅરેફત તરફ રજુ થાય છે. જેમકે અલ્લાહ કહે છે: “દરેક વસ્તુ કે જે જમીન ઉપર છે તે નાશ પામનાર છે અને ફકત તારા પરવરદિગારની પ્રભાવશાળી અને મહેરબાન જાત બાકી રહેનાર.”

 • ઓયુને અખ્બારે રેઝા (અ.સ.), ભા. 1, પા. 115

હારીસ બિન મુગીરાહ કહે છે અમો અબુ અબ્દીલ્લાહ ઈમામ સાદિક (અ.સ.) સાથે હતા જ્યારે એક શખ્સે ઈમામ (અ.સ.)ને અલ્લાહના આ વાકય

દરેક વસ્તુ વિનાશ પામશે સિવાય કે તે

 (સુરએ કસસ-28, 88)

ના બારામાં સવાલ કર્યો. ઈમામ (અ.સ.)એ તેને પુછયું: ‘તમે આના બારામાં શું કહો છો?’ મેં કહ્યું: તેઓ કહે છે કે દરેક વસ્તુ વિનાશ પામશે સિવાય તેનો ચહેરો.’ આપ (અ.સ.)એ ફરમાવ્યું: ‘અલ્લાહના વખાણ થાય. બેશક તેઓએ એક ખુબજ ગંભીર દાવો કર્યો છે. આનો અર્થ ફકત એ થાય કે દરેક વસ્તુ વિનાશ પામનાર છે સિવાય તેનો ચહેરો કે જેના દ્વારા તેના તરફ રજુ થવામાં આવે છે તે અમો એહલેબૈત (અ.મુ.સ.) છીએ, કે જે અલ્લાહના ચહેરા છીએ જેના વડે તેના તરફ રજુ થવાય છે.’

 • બસાએરૂદ દરજાત, ભા. 1, પા. 65

4) પત્થરો પણ જીવ વગરના નથી હોતા:

જેઓ એવો દાવો કરે છે કે મુર્દાઓમાં જીવ નથી હોતો જેમકે પત્થર તેઓએ પહેલા ‘નિર્જીવ’ બાબતે ઈસ્લામી અકીદાનો અભ્યાસ કરવો જોઈએ જેમકે કુરઆનની રોશનીમાં પત્થરો.

 1. i) કુરઆનમાં પત્થરો:

પત્થરો નિર્જીવ નથી હોતા; બલ્કે તેઓ તૌહીદથી છલોછલ અને આસમાનો અને જમીનની દરેક વસ્તુ સાથે સતત અલ્લાહના વખાણ કરી રહ્યા છે.

જે કાંઈ આસમાનો અને જમીનમાં છે અલ્લાહના વખાણ કરી રહ્યા છે.”

(સુરએ હદીદ-57, આ. 1)

પરંતુ આપણે તેના વખાણ સુધી નથી પહોંચી શકતા અને તેને નિર્જીવ સમજીએ છીએ.

સાતેય આકાશ અને આખી સૃષ્ટિ તથા જે કાંઈ તેમાં છે તેની પવિત્રતાઈ ગાય છે અને એક પણ વસ્તુ એવી નથી કે જે તેના વખાણના ગુણગાન ગાતી હોય પણ તમે તેની તસ્બીહને સમજતા નથીનિ:સંશય તે મહા સહનશીલ અને મહા ક્ષમાવાન છે.”

(સુરએ બની ઈસ્રાઈલ-17, આ. 44)

અગર અલ્લાહ સર્વશક્તિમાન ચાહે તો તે આ પત્થરોને એવી અજાએબીવાળા બનાવી દે કે જે દિમાગને દિગમૂઢ બનાવી દે, જાણે કે સમગ્ર ઉમ્મતની તરસને બુજાવી દે.

અને જ્યારે મૂસા (..) પોતાની કૌમ માટે પાણી માંગ્યું ત્યારે અમોએ કહ્યું કે પત્થર ઉપર તમારી લાકડી મારોતેમાંથી બાર ઝરણાં ફુટી નીકળ્યાઅને દરેક સમૂહે પોતપોતાની પીવાની જગ્યા ઓળખી કાઢી…”

(સુરએ બકરહ-2, આ. 60)

અલબત્તા, અલ્લાહે પત્થરો અને ખડકના એટલા બધા વખાણ કર્યા છે કે માણસ પણ આ કહેવાતા ‘નિર્જીવ’ની સામે દરજ્જામાં નીચો ગણાય છે.

          “તે બાદ તે તમારા દિલો પાછા સખત થઈ ગયા છેવટે તે પત્થર જેવા થયા અથવા તેથી પણ વધારે સખત; અને નિસંશય પત્થરોમાંથી કેટલાક એવા હોય છે કે જેમાંથી પાણીના ઝરણા ફૂટી નીકળે છે અને નિસંશય તેમાંથી કેટલાક એવા હોય છે કે જે ફાટી જાય છે પછી તેમાંથી પાણી નીકળે છે અને નિસંશય તેમાંથી કેટલાક એવા પણ હોય છે કે અલ્લાહના ભયથી ધૃજીને નીચે પડે છે અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ અજાણ નથી.”

(સુરએ બકરહ-1, આ. 74)

 1. ii) હદીસોમાં પત્થરો:

અગર અલ્લાહ અઝઝ વ જલ્લ ચાહે તો તે પત્થરોને મુશ્કેલીઓના સમયે વસીલો બનાવે અને મુસલમાનોને હુકમ આપવામાં આવ્યો છે કે તે અલ્લાહની મખ્લુકને વસીલા તરીકે લે પછી ભલે ચાહે તે એક પત્થર પણ કેમ ન હોય.

અબુલ હસન અલ દાઈ બીન નવફલ અલ સલમી કહે છે: મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ફરમાવતા સાંભળ્યા છીએ કે: “બેશક અલ્લાહે પોતાની રહમતથી, પોતાની રહમત માટે અને પોતાની રહેમત વડે મખ્લુકને પૈદા કરી. અને આ મખ્લુક લોકોની હાજતોને પુરી કરે છે. તો પછી જે કોઈ પોતાની હાજતોને તેમના દ્વારા પુરી કરી શકે તો તેને કરવી જોઈએ.”

 • બેહારૂલ અન્વાર, ભા. 53, પા. 254

ઈમામ હસન બિન અલી અલ અસ્કરી (અ.સ.) ફરમાવે છે: સારો અભિપ્રાય રાખો ભલે પછી તે એક પત્થર જ કેમ ન હોય. અલ્લાહ તે પત્થર વડે તેનાથી બુરાઈને દુર કરી દેશે અને તેના વડે તમારૂ રિઝક તલબ કરો. મેં આશ્ર્ચર્ય સાથે પુછયું: અલ્લાહ આપની મદદ કરે! ચાહે એક પત્થર વડે? આપ (અ.સ.)એ ફરમાવ્યું: શું તમે હજરે અસ્વદ નથી જોયો?

 • બેહારૂલ અન્વાર, ભા. 53, પા. 254

iii) હજરે અસ્વદ:

મસ્જીદે હરામમાં હજરે અસ્વદ (કાળા પત્થર)ના બારામાં કંઈ કહેવાની જરૂર નથી. તે મુસલમાનોને ફાયદો પહોંચાડે છે અને તેમના વાયદાઓને કબુલ કરે છે. તો પછી જે કોઈ એવો દાવો કરે કે તે પત્થર ન તો ફાયદો પહોંચાડે છે અને ન તો નુકશાન તો તેણે કુફ્ર કર્યુ કારણ કે તેના ફાયદા અને મહત્વની ઘણી બધી હદીસો મૌજુદ છે.

તેથી આ કહેવાતા મુસલમાનોએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને નઉઝોબિલ્લાહ નિર્જીવ કહેવા ઉપર ધ્યાન દેવું જોઈએ.

5) વસીલાનો સબંધ અલ્લાહની સત્તા અને રહમત સાથે છે:

આ કહેવાતા મુસલમાનો વસીલાની યોગ્યતાને રદ કરવાની કોશિશો કરે છે ખાસ કરીને તેઓની શહાદત બાદ. તેઓ સંપૂર્ણપણે એક મુદ્દા ભુલી ગયા છે કે તવસ્સુલ એ કંઈ વસીલાની શક્તિ નથી બલ્કે તે અલ્લાહ અઝઝ વ જલ્લની રહમતની વાત છે. વસીલાનો સબંધ તેના ધરાવનારના માન અને મરતબલાની સાથે છે ચાહે તે હયાત હોય કે શહીદ થઈ ગયા હોય અને એહલેબૈત (અ.મુ.સ.) જેવી રીતે આપણે જોયુ કે આપણી જેવી હલ્કી મખ્લુક તેમના ઉચ્ચ દરજ્જાની ચર્ચા કરવા માટે સક્ષમ નથી. અલ્લાહની નઝરમાં વસીલા થકી પત્થરોને પણ દરજ્જો મળે છે જેના વડે તે મખ્લુકાતની મદદ કરે છે.

તેથી, જેઓ એવો દાવો કરે છે કે આપણે વસીલા ફકત તેનાથી મેળવવો જોઈએ જેમાં ઝીંદગી અને શક્તિ હોય તેઓ ખોટા છે. બલ્કે અલ્લાહની પરવાનગીથી જાહેરી નિર્જીવ વસ્તુ પણ વસીલો બની શકે છે ભલે પછી તે એક પત્થર પણ કેમ ન હોય.

તેઓના વસીલા સામે ક્ષુલ્લક અને પાયાવિહોણા વાંધાઓથી આ કહેવાતા મુસલમાનો અલ્લાહની સત્તાની હદ્દો બાંધે છે અને જાહેર કરે છે કે તે શું કરી શકે છે અને શું નથી કરી શકતો. તેઓએ અલ્લાહની શક્તિમાં કુફ્ર કર્યો છે કુરઆને કરીમનો ઈન્કાર કર્યો છે કે જે વારંવાર ભારપૂર્વક કહે છે: ‘બેશક અલ્લાહ દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવે છે.’

વસીલામાં ખોટ ગોતવી તે અલ્લાહની અગણિત શક્તિ અને રહમતમાં ખોટ ગોતવા બરાબર છે. જ્યારે નબી મુસા (અ.સ.) પોતાના અપુરતા ઈલ્મના કારણે વારંવાર જનાબે ખીઝ્ર (અ.સ.)ના વાંક કાઢતા હતા, તે તેમને અંતે વસીલાથી દૂર લઈ ગયું.

તેથી એમ કહેવું કે રસુલુલ્લાહ (સ.અ.વ.) અથવા અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) વસીલા છે ત્યાં સુધી જ્યાં સુધી તેઓ હયાત છે અને તેમની શહાદત બાદ તેઓ પાસે કોઈ સત્તા નથી તે તદ્દન ખોટું છે. તેઓનું હયાત હોવું મુદ્દો નથી બલ્કે તેઓનો અલ્લાહની નઝદીક દરજ્જો તથા અલ્લાહની પરવાનગી અને રહમતથી તેઓ મુસલમાનો માટે વસીલા બને છે. જ્યાં સુધી આ સાચુ છે ત્યાં સુધી તેઓ કાયમી વસીલા છે, મખ્લુકાત પહેલા, મખ્લુકાત સાથે અને મખ્લુકાત પછી

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*