આયતે તત્હીર: એહલેબૈત(અ.મુ.સ.) કે રસુલ(સ.અ.વ.)ની પત્નિઓ (આયતે તત્હીરના વિશ્લેષણમાં આગળ)

વાંચવાનો સમય: 4 મિનિટ

રસુલ(સ.અ.વ.)ની પત્નિઓ અને બુઝુર્ગ સહાબીઓની રિવાયતોથી એ સ્પષ્ટ છે કે સુરએ અહઝાબ-આયત 33 માં એહલેબૈત(અ.મુ.સ.)થી મુરાદ અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) છે. પ્રખ્યાત સુન્ની અને શીઆ આલીમોએ આ હકીકતને પોતાની કિતાબોમાં નોંધી છે.

અલબત્ત અમુક ફસાદ પસંદ તત્વો પોતાના છુપા હેતુઓ માટે આ સ્પષ્ટ માન્યતાને પડકારે છે. તેઓ કહે છે કે સુરએ અહઝાબ-33, આયત 33 માં એહલેબૈતથી મુરાદ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની પત્નિઓ છે.

શંકા-1: પત્નિઓની તરફેણમાં ઈક્રમાની રિવાયત:

જવાબ: જેઓ એમ કહે છે કે સુરએ અહઝાબ-33, આયત 33 માં એહલેબૈતથી મુરાદ રસુલ(સ.અ.વ.)ની પત્નિઓ છે તેઓ પોતાના અભિપ્રાય આપી રહ્યા છે. આ બાબતે રસુલ(સ.અ.વ.)ની કોઈ હદીસ, બનાવ કે ઐતિહાસીક સંદર્ભ રજુ નથી કરી શકતા. તેઓની માન્યતા મુખ્યત્વે ઈક્રમાની રિવાયતની આજુબાજુ ફરે છે કે જેણે ઈબ્ને અબ્બાસના હવાલાથી બયાન કર્યું છે. અલબત્ત, જેમ કે આપણે જોઈશુ કે ઈક્રમાએ પોતાનો અંગત અભિપ્રાય વ્યકત કર્યો છે કે જે પવિત્ર કુરઆનની તફસીર કરવાનો આધાર ન બની શકે. જેઓ એહલેબૈત(અ.મુ.સ.)ને અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) તરીકે લે છે તેઓ પોતાના અંગત અભિપ્રાય અથવા ધૂનમાં નથી કરતા બલ્કે તે રસુલ(સ.અ.વ.)ના એલાનના આધારે કરે છે કે જે ખુદ પત્નિઓ અને બુઝુર્ગ સહાબીઓ દ્વારા બયાન કરવામાં આવ્યું છે. જેઓ એહલેબૈતને પત્નિઓ તરીકે લે છે તેઓ યા તો રસુલ(સ.અ.વ.)ના આ ફરમાનથી અજાણ છે અથવા તો જાણી જોઈને તેની અવગણના કરે છે.

અગર ઈક્રમા એ ઈમાનદારી સાથે ઈબ્ને અબ્બાસથી નકલ કર્યું છે તો પછી તે રિવાયતોને કેવી રીતે સમજાવશે કે જે ઈબ્ને અબ્બાસના હવાલાથી છે અને તેમાં તેમણે સ્પષ્ટ રીતે બયાન કર્યું છે કે એહલેબૈત(અ.મુ.સ.)થી મુરાદ અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) અને આને તેઓની સૌથી મોટી ફઝીલત ગણે છે? ઈબ્ને અબ્બાસની અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.)નું એહલેબૈત હોવાની તરફેણમાં રિવાયતો તફસીરે સીયુતિ, મુસ્નદે એહમદ, ખસાએસે નિસાઈ, મુહીબુદ્દીન તબરીની રિયાઝુન્નઝરાહ, હૈસમીની મજમઉઝ ઝવાએદમાં નોંધવામાં આવી છે. તદઉપરાંત ઈક્રમાની રસુલ(સ.અ.વ.)ના એહલેબૈત અલી(અ.સ.), ફાતેમા(સ.અ.) અને તેમના ફરઝંદો પ્રત્યે અદાવત પ્રખ્યાત છે. આનો અર્થ એમ થાય કે ઈક્રમાનો અભિપ્રાય યા તો અજ્ઞાનતાના કારણે ઠપકા પાત્ર હોય શકે અથવા તો અદાવતના કારણે, ખાસ કરીને ત્યારે જ્યારે તેના મુજબ પત્નિઓ એહલેબૈત છે અને ઈબ્ને અબ્બાસ ઈક્રમાના મુળ સ્ત્રોત, જેમણે પોતે બનાવો નકલ કર્યા છે જેમાં પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ સાચા એહલેબૈત(અ.મુ.સ.)ના બારામાં કોઈ શંકા બાકી નથી રાખી.

શંકા-2: પહેલા અને પછીની આયતો પત્નિઓના બારામાં છે:

જવાબ: વિરોધીઓ કહે છે કે સુરએ અહઝાબ-33, આ. 33 માં એહલેબૈતથી મુરાદ પત્નિઓ છે ન કે અલી(અ.સ.), ફાતેમા(સ.અ.) અને તેમના ફરઝંદો. તેના ટેકામાં આ આયતની પહેલાની અને પછીની આયતો રજુ કરે છે. આ દલીલ ત્યારે યોગ્ય ગણાત કે જયારે આ આયતમાં સંદર્ભ અને વાકયરચનામાં એકરૂપતા જોવા મળતી. પરંતુ સ્પષ્ટ રીતે આ બન્ને બાબતોની સુસંગતતાનો અભાવ છે જે હકીકત તલબ કરનારને બતાવે છે કે આ જાહેર ઉપરાંત કોઈ સમજૂતિ પણ હોવી જોઈએ.

આયતે તત્હીરની આગળ અને પાછળની આયતોમાં પત્નિઓને સંબોધવામાં આવી છે, બલ્કે અમૂક સમયે તો તેણીઓને ખરાબ કૃત્યોથી ચેતવવામાં આવી છે અને તેણીઓને જાહેલીય્યતના ઝમાનાના રિવાજો તરફ ફરી જવાની મનાઈ કરવામાં આવી છે. આ આયતે તત્હીરમાં જે લહેજો વપરાયો છે તેની સાથે સુસંગત નથી જ્યાં અલ્લાહ એહલેબૈત(અ.મુ.સ.) સાથે પોતાની સંપૂર્ણ ખુશ્નુદી જાહેર કરે છે અને તેઓને અપવિત્રતાથી પાકો પાકીઝા રાખવાનો વાયદો કરે છે.

 

એ સ્પષ્ટ છે કે પત્નિઓ અપવિત્રતાથી પાક ન હતી અને ન તો શારીરિક રીતે (માસીક, વિગેરે) અને ન તો રૂહાની રીતે (અમૂક પત્નિઓ જેમકે ઉમ્મે હબીબા બિન્તે અબી સુફીયાન કે જેણીએ બુતપરસ્તી પછી ઈસ્લામનો અંગીકાર કર્યો).

તદઉપરાંત આયતોમાં સંબોધનનો લહેજો પણ બદલાયેલો છે. પહેલી આયતોમાં ‘અય રસુલ(સ.અ.વ.)ની પત્નિઓ’થી સંબોધવામાં આવ્યું છે તથા તેના પછીની આયતમાં ‘અય એહલેબૈત’ બતાવે છે કે જે આયતોની અંદર અલગ અલગ હસ્તીઓથી સંબોધન કરવામાં આવી રહ્યું છે.

આશ્ચર્યજનક રીતે આયતે તત્હીર માટેની વાકય રચના અગાઉની અને પછીની આયતો સાથે સુસંગત નથી. જ્યારે બધી જગ્યાએ સ્ત્રી વાચકનો સીગો વાપર્યો છે ત્યારે સુરએ અહઝાબની 33 મી આયતમાં પુરૂષ વાચકનો સીગો વાપર્યો છે જે વાંચકોને બતાવે છે કે આ ખાસ આયતમાં સંબોધન પહેલાની અને પછીની આયતો મુજબ નથી.

શંકા-3: એહલેબૈતથી મુરાદ જનાબે ઈબ્રાહીમ(અ.સ.)ની પત્નિ:

જવાબ: જેઓ એહલેબૈતને પત્નિઓ જાણે છે તેઓ દલીલ તરીકે સુરએ હુદ-11, આયત નં. 73 રજુ કરે છે કે રસુલ(સ.અ.વ.)ની પત્નિની ફઝીલત છે જે તેણીને એહલેબૈતનો ભાગ બનાવે છે.

અહીં એ નોંધવુ જરૂરી છે કે આ સામાન્ય ચર્ચા નથી કે શું પયગમ્બરોની પત્નિઓ તેમના એહલેબૈતનો હિસ્સો છે કે નહિ.

તેજ રીતે અમો સુરએ તેહરીમ-66, આ. 10 ની ચર્ચા કરવામાં પણ રસ નથી ધરાવતા કે જેમાં અલ્લાહે નૂહ(અ.સ.) અને લૂત(અ.સ.) જેવા પયગમ્બરોની પત્નિઓની ટીકા કરી છે જે સ્પષ્ટપણે જાહેર કરે છે કે પત્નિઓ સામાન્ય રીતે એહલેબૈત નથી અને અગર છે તો પછી એહલેબૈત હોવાના કારણે તેમની આપોઆપ કોઈ ફઝીલત નથી.

અહિં, અમે ખાસ કરીને સુરએ અહઝાબ-33 ની 33 મી આયતની ચર્ચા કરવા ઈચ્છીએ છીએ કે જેથી આપણે જાણીએ કે આ આયતમાં એહલેબૈતથી મુરાદ પત્નિઓ છે કે નહિ.

આ વિષય ઉપર સામાન્ય વર્ણન કોઈ ખાસ વર્ણનને નકારવા માટે ઉપયોગ નથી કરી શકાતો. દા.ત. અલ્લાહે સુરએ અહઝાબ-33 ની છઠ્ઠી આયતમાં રસુલ(સ.અ.વ.)ની પત્નિઓને મોઅમીનોની માં ‘ઉમ્મુલ મોઅમેનીન’ તરીકે સંબોધન કર્યું છે.

કુરઆનમાં બીજી જગ્યાએ સુરએ મુજાદેલાહ-58 ની બીજી આયતમાં અલ્લાહ માં ને ‘જેણે તેઓને જન્મ આપ્યો’ તરીકે વર્ણન કરે છે.

તેથી કોઈ સુરએ મુજાદેલાહ-58: 2 માં ‘માં’ ના સામાન્ય વર્ણનને સુરએ અહઝાબ-33: 6 ના ખાસ વર્ણનને ખંડન કરવા માટે ઉપયોગ ન કરી શકે અને એવો દાવો ન કરી શકે કે જ્યારે પત્નિઓએ બધા મોઅમીનોને જન્મ નથી આપ્યો તેથી તેઓને “માં” કહેવા માટે યોગ્ય નથી. પત્નિઓ એવી રીતે ખાસ ઉમ્મુલ મોઅમેનીન છે કે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) બાદ મુસલમાનો તેણીઓ સાથે શાદી ન કરે. “માં” નું સામાન્ય વર્ણન કે જે જન્મ આપે તે તેની જગ્યાએ બરાબર છે. તેથી તે શકય છે કે આયેશા કે જેણીએ કોઈ એક મોઅમીનને જન્મ નથી આપ્યો તેથી “માં” તરીકેની સામાન્ય યોગ્યતામાં નિષ્ફળ છે પરંતુ એક ખાસ યોગ્યતાના કારણે હજુ પણ મોઅમીનોની “મા” છે. તેવી જ રીતે શકય છે કે સામાન્ય વર્ણન મુજબ આયેશા પયગમ્બર(સ.અ.વ.)ના એહલેબૈતમાં શામીલ હોય અને સુરએ અહઝાબ-33 આયત 33, આયતે તત્હીરના ખાસ વર્ણન મુજબ તેણીનો શુમાર એહલેબૈતમાંથી નથી થતો.

ઈબ્ને કસીર, ઈબ્ને તૈમીયાનો એક વિદ્યાર્થી કે જેણે આ જ રીતે તફસીર કરી છે. (ભાગ-6, પા. 370) જેમાં તેણે આયેશાની બધી ફઝીલતો બયાન કર્યા પછી એ નતીજો કાઢયો કે ગમે તે હોય પણ તેણી તે એહલેબૈત(અ.મુ.સ.)માં શામીલ નથી કે જેનું સુરએ અહઝાબ-33, આયત 33 માં સંબોધન કરવામાં આવ્યું છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની રિવાયત મુજબ અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) આ ફઝીલત માટે સૌથી વધારે લાયક છે.

ન ફકત પત્નિઓ પરંતુ રસુલ(સ.અ.વ.)ના એહલેબૈતના સામાન્ય વર્ણનમાં બીજા લોકોને ગણવામાં આવ્યા છે. અબ્બાસ, અકીલ અને જઅફર (જનાબે અબુ તાલિબ અ.સ.ના ફરઝંદો)ને એહલેબૈત તરીકે સંબોધવામાં આવ્યા છે કારણ કે સદકો તેમના તથા તેમના ફરઝંદો ઉપર હરામ હતો. પરંતુ તેઓ પણ અહીં સુરએ અહઝાબ 33, આ. 33 ના વર્ણનમાં એહલેબૈત તરીકે લાયક નથી.

જંગે ખંદક (અહઝાબ)ના સમયે જ્યારે બન્ને મુહાજીર અને અન્સાર ખંદકના તરફદાર જનાબે સલમાને ફારસી(અ.ર.) માટે જગડતા હતા અને બન્ને સમુહ એવો દાવો કરી રહ્યો હતો કે સલમાન અમારામાંથી છે ત્યારે રસુલ(સ.અ.વ.) દાખલ થયા અને ગર્વથી ફરમાવ્યું કે સલમાન ન તો મોહાજીરમાંથી છે ન તો અન્સારમાંથી બલ્કે જનાબે સલમાન એહલેબૈતમાંથી છે. જનાબે સલમાન એક મહાન સહાબી હતા કે જેમનું ઈમાન બીજાઓ માટે નમુનારૂપ હતુ, તેમ છતાં તેઓ સુરએ અહઝાબ-33, આ. 33 માં સંબોધન કરાયેલ એહલેબૈત માટે લાયક નથી.

આ બતાવે છે કે એહલેબૈત (સામાન્ય વર્ણનમાં છે ન કે સુરએ અહઝાબ-33, આ. 33 ના ખાસ વર્ણનમાં) ફકત રસુલ(સ.અ.વ.)ના રિશ્તેદારો (પત્નિઓ, સગાવ્હાલાઓ, વિગેરે) પુરતુ મર્યાદિત નથી બલ્કે કોઈપણ મુસલમાન જે કુરઆન અને સુન્નત મુજબ પોતાની ઝીંદગી વિતાવે છે તે એહલેબૈતમાંથી બની શકે છે. હકીકત એ છે કે ઈન્સાન ભલે ગમે તેટલો તકવા અને ઈમાન મેળવી લે પરંતુ તે સુરએ અહઝાબ-33, આ. 33 માંના એહલેબૈત થવાને લાયક નથી બની શકતો. તે ફઝીલત ફકત અને ફકત અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) પૂરતી મર્યાદિત છે.

અને તેના ઉપર રહમત નાઝીલ થાય જે હિદાયતને અનૂસરે છે!

Be the first to comment

Leave a Reply