બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
અસ્સલામો અલય્કે યા બીન્તે બિઝઅતે ખાતેમીન નબીય્યીન વ સય્યેદીલ મુરસલીન
ઈમામે વકત હ. સૈયદુશ્શોહદા ઈ. હુસૈન અ.સ. એ (એમના પર અમારી જાનો ફિદા થાય)એ પોતાના પુરા કાફલાને બે જૂથોમાં વહેંચી દીધો હતો. એક જૂથના ખંભે અસ્રે આશૂર સુધીની જવાબદારી હતી. જ્યારે બીજા જૂથની જવાબદારીઓનો આરંભ અસ્રે આશૂરથી શરૂ થતો હતો. બીજા જૂથની લગામ આપે પોતાની અને હ. અલી અ.સ.ની લખ્તે જીગર જ. ઝયનબે કુબરા સ.અ.ના હાથોમાં આપી. જો કે ઈ. હુસૈન અ.સ.ની પછી ઈમામતનો હોદ્દો હ. અલી ઈબ્નુલ હુસૈન ઝયનુલ આબેદીન અ.સ.ને મળેલ હતો તેમની નિગરાની નીચે આ જૂથને ઝુલ્મ અને અત્યાચારના મહેલ પર હુમલો કરવાનો હુકમ ફરમાવ્યો હતો.
કૂફા ઉપર હુસૈને મઝલુમ અ.સ.ના મઝલુમ જૂથનો (પહેલો જ) હુમલો એટલો જોરદાર અને અસરકારક હતો કે ઈબ્ને ઝિયાદ જેવા ઝિનાઝાદા ઝાલિમ સરમુખત્યારના પગ તળેથી જમીન સરકી જતી જણાઈ. કરબલાના મારેકાની આ બાહોશ બીબીએ કૂફાવાળાઓના સુતેલ અંતરાત્મા અને વેચાઈ ગયેલા દિમાગોને એવી રીતે હલબલાવી મુકયા કે બધા સફાળા જાગી ઉઠયા અને ઈબ્ને ઝિયાદ જેવા ઝાલિમ હાકિમ ખુદ પોતાના લગાવેલા સજાવેલા દરબારમાં ઝલીલ અને રૂસ્વા (બદનામ) થઇ ગયો અને એહલેબૈત અ.સ.ની અસીરીનો તમાશો જોવા આવેલા લોકો હ.ઈમામ હુસૈન(અ.સ)ના અઝાદાર બનીને ઉઠયા. કુફાના કાચનો મહેલ જેવો દરબાર હ. ઈ. હુસૈન અ.સ.ના અઝાખાના (ઈમામવાડા)માં ફેરવાઈ ગયો. અને વા હુસૈનાની આવાઝ થી આખું શહેર ગૂંજી ઉઠયું અને લોકોના આવા બદલાયેલા મિજાજ જોઈ ઈબ્ને ઝિયાદ ડરી ગયો અને તરતજ યઝીદ(લ.અ.)ને પત્ર લખી એહલે હરમ અ.સ.ને બોલાવી લેવા લખ્યું. આથી યઝીદે પણ તેમને મોકલી આપવા લખ્યું.
૧૮-૨૦ દિવસની અંદર આ મઝલુમોનો કાફલો બે-રિદાઈની તલવાર, મઝલુમિયતના તીર, ભૂખ-તરસના ભાલા, હથકડી બેડી અને લંગર રૂપી કોરડાના ઝુલ્મો સિતમ ઉઠાવતો આ કાફલો કૂફા અને શામના વચ્ચે આવતા શહેરો અને ગામડાંઓને ફતેહ કરતો કરતો અને પોતાની પાછળ સામાન્ય પ્રજાના આહ, રૂદન, ધ્રુસકા અને ફરિયાદોને છોડતો શામની તરફ આગળ વધતો જાય છે.
જ. સકીનાની એ ફરિયાદ કે “હાય કાકા! હું પ્યાસી છું!” સાંભળવાવાળાઓના દિલોને ચીરતી લોકોના દિલો દિમાગમાં ઊંડે સુધી ઊતરી જઈ એક વેદના છોડતી આગળ વધી જાય છે.
અહલેબૈત (અ.મુ.સ.) દમિશ્ક(શામ) પોહચ્યા
દમિશ્ક શહેરમાં દાખલ થતાં પહેલાં શહેરની બહાર કાફલાને રોકી દેવામાં આવે છે કે જેથી પુરી રીતે આઈનાબંદી (અરીસાનો શણગાર) કરવામાં આવે કે જેથી હ. રસુલે ખુદા સ.અ.વ. અને એમની પવિત્ર આલને એટલા હીણ કરી બતાવવામાં આવે અને લોકોની નજરમાં એટલા નીચા પાડવામાં આવે કે આપના રિસાલત અને ઈમામતના દાવા લોકોની નજરમાં એક કાલ્પનિક દંતકથા બનીને રહી જાય.
શીમ્ર(લ.અ)થી વાતચીત (સંવાદ)
શહેરમાં દાખલ થવાની રજા મળે છે. શિમ્રે લઈન આગળ વધીને આ હુસૈની કાફેલાની સિપેહ સાલારહ સાનીએ ઝહરા સ.અ.ને કહે છે, ઝયનબ સ.અ. તમારે આ જ રીતે ઉઘાડા માથે અમીરૂલ મોઅમેનીન યઝીદ (લઅનતુલ્લાહ)ના દરબારમાં આવવું પડશે. આયનાઓથી શણગારેલા બજારમાંથી (તમાશો જોનારાઓની વચ્ચેથી) પસાર થવું પડશે. જ. ઝયનબ સ.અ. વિનંતી કરે છે છે: અય શિમ્ર (લઈન)! ચાલવા માટે તો હું તૈયાર છું… પણ તું રસુલે ખુદા સ.અ.વ. અને તેમની પવિત્ર આલની હુરમતનો તો જરા ખ્યાલ કર! આ શહેર ઈસ્લામી સલ્તનતનું પાટનગર છે. ગૈર ઈસ્લામી દેશોના એલચીઓ અને (અન્ય) અધિકારીઓ પણ એ દરબારમાં હશે. અમો આલે મોહમ્મદ સ.અ.ને (આ રીતે ઉઘાડા માથે) કૈદીની હાલતમાં જોઈને તે લોકો હ. રસુલે ખુદા સ.અ.વ. અને ઈસ્લામની બાબત શું કલ્પના કરશે? એનો તો તું જરા વિચાર કર! તું (ફકત) અમારા માટે ચાદરોની વ્યવસ્થા કરી દે તો ઝયનબ કાફેલા સાથે (દરબારમાં) ચાલશે.
શિમ્રે લઈન એ જોઈને કે આ કાફલો તદ્દન બેબસ અને મઝલુમ છે (અને તેના તરફથી કોઈ કંઇ બોલનાર નથી) એમ જાણીને કહ્યું, “અય અલી અ.સ.ની બેટી! દરબારમાં ચાલવું કે ન ચાલવું અને કેવી રીતે ચાલવું તેનો ફેંસલો કરવાનો અધિકાર આજે તમારા હાથમાં નથી. તેનો અધિકાર ફકત અમીરૂલ મોઅમેનીન યઝીદ (લઈન)ના હુકમ પર છે”.
હવે જ. ઝયનબ સ.અ.એ તેવર બદલ્યા. રગોમાં જ. સૈયદા સ.અ.નું દુધ જોશ મારવા લાગ્યું. ચહેરા પર અલી અ.સ.ના જલાલ (રોબ)ના નિશાન ઉપસવા લાગ્યા. ટટ્ટાર થઈને બોલ્યા: “ઝાલિમ! તું નબીઝાદીઓને મજબુર અને લાચાર સમજે છે? તું જો હમણા જ પુરી કૌમને અઝાબે ઈલાહીના કહેરનો કોળિયો બનાવી દઉ છું.” આટલું કહી જ. ઝયનબ સ.અ. પોતાના કાફલાને સંબોધી બોલ્યા ઉમ્મે કુલ્સુમ! રૂકય્યા! ઉમ્મે ફરવા! સકીના! આવો, મારી નજીક આવો! હું આ બેહયા અને ઝુલમગાર કૌમ માટે બદદોઆ કરૂ છું. તમે સૌ આમીન કહો. પણ અચાનક વિચાર આવ્યો કે અબુ અબ્દુલ્લાહ (હ.ઈ.હુસૈન અ.સ.)ની ઈજાઝત વગર આવું મહત્વનું અને મોટું પગલું કેમ ઉઠાવાય?
આમ વિચારી એ નેઝા તરફ જોયું જેના પર મા જાયા (ભાઈ)નું કપાયેલું સર હતું. તો જોયું કે આંખોમાંથી આંસુ વહી વહીને ગાલો પર ઉતરી રહ્યા હતા. જ ઝયનબ સ.અ. તડપી ઉઠ્યા. અવાજ આપી અય અબુ અબ્દિલ્લાહ! અય મારા મા જાયા! હુસૈન અ.સ.! શું કોઇ (નવી) મુસીબત આવી છે?
કપાએલા સરમાંથી અવાજ આવ્યો, “ફાતેમા સ.અ.ની વારસ અને બદદોઆ (તો તો અય બહેન) બધી કુરબાનીઓ વ્યર્થ જશે. મહેનતો પર પાણી ફરી વળશે અને શામ પરનો તમારો હુમલો નિષ્ફળ જશે. યઝીદ (લઈન)નો ઝુલ્મ અદાલત (ન્યાય)માં ખપી જશે અને ઈતિહાસના પાનાઓ પર આપણી કુરબાનીઓનો રંગ જ ફકત પીળો નહી પડે આ (જેહાદને) બે સત્તા વાંચ્છુઓની આપસી ટક્કર અને સત્તાજંગ માની લેવામાં આવશે. ઝયનબ સ.અ. ઉઠો, જાવ અને લીલા મહેલ પર ભરપુર હુમલો કરો અને ઉમવી સલ્તનતના પાયા હચમચાવી દો! જાઓ બહેન, જાઓ! ચાલો! હું પણ તમારી સાથે જ છું.”
Be the first to comment