જનાબે ખદીજા સ.અ. – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ

પ્રથમ ભાગ

જ.ખદીજા સ.અ.નો મઝહબ પ્રત્યેની કુરબાનીને આ રીતે ટુકમાં કહી શકાય.

. નાણાકીય મદદ

જ.ખદીજા સ.અ.એ જરાપણ ખચકાટ કર્યા વગર પોતાની સંપૂણ દૌલતને રસુલે અકરમ (સ.અ.વ.)ને આપી દીધી. આપ સ.અ.એ ક્યારેય તેના બદલામાં રસુલે અકરમ સ.અ.વ. પાસે માંગણી કરી ન હતી અને ક્યારેય રસુલે અકરમ સ.અ.વ.ના નિર્ણયોમાં દખલગીરી કરી ન હતી પરંતુ હમેશા તેણીએ આપ સ.અ.વ.ને તેમના દરેક કાર્યોમાં મદદ કરી હતી. ઇતિહાસમાં ક્યારેય એ નોધવામાં આવ્યું નથી કે તેણી સ.અ. એ આપ સ.અ.વ.ને તોછ્ડાયથી વાત કરી હોય, તેની દૌલતના બારામાં અથવા તો ગુસ્સામાં આપ સ.અ.વ. ને પોતાની દૌલતની યાદ અપાવી હોય.

કોઈપણ શખ્સ એ વાતનો ઇન્કાર ન કરી શકે કે ઇસ્લામની તબ્લીગના કાર્યોમાં જ.ખદીજા સ.અ.ની દૌલત વપરાયેલી ના હોય. આ જ કારણે વિખ્યાત માલેકી આલીમ મોહમ્મદ બીન ઇલામોવી દાવો કરે છે કે:

“ઇસ્લામ સ્થાપિત થયો  છે અલી અ.સ.ની તલવાર વડે (બહાદુરી વડે) અને જ.ખદીજા સ.અ.ની દૌલત વડે.”

(મનાકીબે ખદીજતુલ કુબરા પેજ ૩)

રસુલે અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું: “મને કોઈ દૌલતથી એવો ફાયદો નથી પહોચ્યો કે જેવી જ.ખદીજા સ.અ.ની દૌલત વડે.”

જ.ખદીજા સ.અ. ના જીવનની નોંધપાત્ર બાબત એ છે કે અઢળક દૌલત હોવા છતાં તેમણે કોઈ દિવસ દૌલત હોવાનો દેખાવો કરેલ નથી.

. રુહાની આધાર

જયારે પવિત્ર પયગંબર સ.અ.વ. ઈસ્લામને ફેલાવવાનું કાર્ય શરુ કર્યું ત્યારે તેમના વિરોધ થયો. ત્યારે તેમના પર તેમના નઝદીકના લોકો દ્વારા રુહાની હુમલા  જેમકે (દીવાના, જાદુગર –મઆઝલ્લાહ વગેરે ) અને શારીરિક હુમલા જેમકે (આર્થિક બહિષ્કાર, પથ્થરોથી મારવા વગેરે). આ ભયાનક સ્થિતિમાં જ.ખદીજા સ.અ. તેમને સાથ અને હુંફ આપી હતી અને આપના લીધે રસુલે અકરમ સ.અ.વ. ફરીથી દુશ્મનોનો સામનો કરવા તૈયાર થઇ જતા હતા. જ.ખદીજા સ.અ.ની તરફથી મળતી હુંફ ને  લીધે ઈસ્લામને ફેલાવવામાં મદદ મળતી હતી. જ.ખદીજા સ.અ. ફક્ત દુન્યવી જીવનમાં જ સાથીદાર ન હતા બલ્કે તેઓ તેમની રુહાની જીવનમાં પણ મદદગાર હતા. આમ જ.ખદીજા સ.અ. ઈસ્લામને ફેલાવવામાં આપ સ.અ.વ.ના સહાયક હતા.

. વિચારક તરીકે મદદ

ઈતિહાસમાં અસંખ્ય પ્રસંગો મળે છે કે જેમાં જ.ખદીજા સ.અ. વિકટ પરિસ્થિતિઓમાં રસુલે અકરમ સ.અ.વ.ની વિચાર વિમર્શ દ્વારા મદદ કરતાં હતા. આ પ્રકારની મદદ એ રસુલે અકરમ સ.અ.વ.ની સમક્ષ આપ સ.અ.નો મરતબો અને તેમના ઈમાનનો દરજજો દર્શાવે છે.

 “પવિત્ર પયગંબર સ.અ.વ. ને જ.ખદીજા સ.અ. થી રાહત મળતી અને રસુલે ખુદા(સ.અ.વ.) જ.ખદીજા (સ.અ.)ની સાથે ઇસ્લામની અગત્યની બાબતોની ચર્ચા કરતા.”

(બેહારુલ અન્વાર, ભાગ ૧૬, પેજ ૧૦)

.અલ્લાહનો તોહફો

અલ્લાહ (ત.વ.ત.)એ ખુબજ કિંમતી તોહ્ફો જ.ખદીજા સ.અ.ને આપ્યો હતો. આ તોહ્ફો જ.ઝેહરા સ.અ.ની વિલાદતના રૂપે આપને મળ્યો હતો. અલ્લાહે આ તોહ્ફો આપવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી. આ તોહ્ફો આપવા માટે અલ્લાહે રસુલે અકરમ સ.અ.વ.ને મેઅરાજ કરાવી હતી અને જન્નતનું ફળ આપ્યું હતું. રસુલે અકરમ સ.અ.વ. એ આ તોહ્ફો જ.ખદીજા સ.અ.ને સુપ્રત કર્યો હતો. જયારે જ.ઝેહરા સ.અ.ની વિલાદત નઝદીક આવી ત્યારે આપ સ.અ. એ કુરૈશની ઔરતોને મદદ માટે બોલાવી હતી પરંતુ તેણીઓએ તેમની મદદ કરવાની મનાઈ કરી હતી એટલા માટે કે આપ સ.અ.એ એક યતીમની સાથે શાદી કરી હતી.

એ સમય ૪ સ્ત્રીઓ તેમના રૂમમાં દાખલ થઇ હતી અને તેણીઓએ પોતાની ઓળખ આપી જેમકે

  1. જ.સારા સ.અ.– જ.ઈબ્રાહીમ અ.સ.ની પત્ની,
  2. જ.આસીયા સ.અ.- ફિરઓનના પત્ની,
  3. જ.મરયમ સ.અ.- જ.ઇસા અ.સ.ની માતા અને
  4. જ.કુલસુમ સ.અ.- જ.મુસા અ.સ. ના બહેન

તેણીઓએ કહ્યું: “અલ્લાહે અમને તમારી મદદ કરવા માટે મોકલ્યા છે અને અમે દીકરીના ખુશખબર

લાવ્યા છે. અલ્લાહે આ દીકરીના વંશમાં અઢળક રેહમતો મૂકી છે.”

(આમલી એ સદુક (અ.ર.) પેજ ૪૭૦)

અલ્લાહ તરફથી મળેલ અમુલ્ય તોહ્ફાથી જ.ખદીજા સ.અ. ખુશ થયા અને અલ્લાહનો શુક્ર બજાવી લાવ્યા. જયારે પેલી હઠેલી સ્ત્રીઓએ આપ સ.અ.ની મદદ કરવાનો ઇન્કાર કર્યો ત્યારે અલ્લાહે જન્ન્તમાંથી ૪ ઔરતોને મદદ માટે મોકલ્યા કે જેના બારમાં અલ્લાહ સુ.વ.ત.નો ઈરશાદ છે કે

અગર તમે અલ્લાહની મદદ કરશો તો તે તમારી મદદ કરશે.”

(સુ. મોહમ્મદ ૪૭-૭)

. હસદનો ભોગ

મહાન હસ્તીઓ શારીરિક અને માનસિક હુમલાઓનો તો ભોગ બનતા જ હોય છે આ સાથોસાથ તેઓ હસદનો પણ ભોગ બનતા હોય છે. જ.ખદીજા સ.અ. રસુલે અકરમ સ.અ. ની પત્નીઓમાં એક અસમાન્ય દરજ્જો ધરાવતા હતા. જેના લીધે રસુલે અકરમ સ.અ.વ.ની અમુક પત્નીઓના દ્વારા આપ સ.અ. હસદનો ભોગ બન્યા. તેણીઓ અમુક કાર્યો દ્વારા આ હસદને પ્રદર્શિત કરતી જેમકે મેણા-ટોણા, દુ:ખ લાગે તેવી વાતો કેહવી વગેરે. આના જવાબમાં રસુલે અકરમ સ.અ.વ. આ ટીકા ટિપ્પણીને રદ બાતલ કરતા અને જ.ખદીજા સ.અ.ના વખાણ કરતા કે જેથી હસદ ઓછી થાય.

આયેશા કહે છે કે: રસુલે અકરમ સ.અ.વ. હંમેશા જ.ખદીજા સ.અ.ને યાદ કરતા.  તેઓ હંમેશા તેણીના વખાણ કરતા અને તેની મહાનતને યાદ કરતા. એક દિવસ મારાથી નિયંત્રણ ન રહ્યું અને મેં આપ સ.અ.પર ટીકા – ટિપ્પણી કરી કે અલ્લાહે તમને ઘણીબધી સારી પત્નીઓથી નવાજ્યા છે.

જયારે રસુલે અકરમ (સ.અ.વ.) આ સાભળ્યું તો તેઓ ગુસ્સે થયા અને કહ્યું: “અલ્લાહની કસમ! અલ્લાહે આપ જ.ખદીજા સ.અ. કરતા વધારે સારી પત્ની મને આપી નથી. આપ સ.અ. ત્યારે મારી પર ઈમાન લાવ્યા કે જયારે બીજા બધા ઈમાન લાવ્યા ન હતા. તેણીએ મારી સચ્ચાઈની ગવાહી આપી હતી જયારે બીજા લોકો મારો ઇન્કાર કરતા હતા. તેણીએ મને ત્યારે પોતાની દૌલત આપી જયારે લોકોએ મને તેનાથી વંચિત રાખ્યો હતો. અલ્લાહે મને આપ સ.અ.ના દ્વારા ઔલાદોની બક્ષીસ આપી જયારે બીજાઓને આ બક્ષિશ નથી આપી.”

(અસદ અલ-ગાબ્બાહ, ભાગ ૫, પેજ ૪૩૬)

પછી આયેશાએ કહ્યું કે મેં નક્કી કરી લીધું કે “અલ્લાહની કસમ! હું આપ સ.અ.ને યાદ નહિ કરું સિવાય કે હસદ વડે.”

(તઝકેરાહ અલ-ખવાસ, પેજ-૩૦૩)

. રસુલે અકરમ સ... દ્વારા આપ ..ને માન અને સન્માન

જ્યાં સુધી જ.ખદીજા સ.અ. જીવંત હતા ત્યાં સુધી રસુલે અકરમ સ.અ.વ. એ જ.ખદીજા સ.અ.ના માન ખાતર બીજા લગ્ન કર્યા ન હતા. આપે બીજા લગ્ન આપ સ.અ.ની વફાત પછી કર્યા હતા. આપ સ.અ.વ. હમેશા આપને માન અને સન્માનથી યાદ કરતા. આપ એ હદ સુધી એમને માન આપતા કે ક્યારેય આપ જ.ખદીજા સ.અ.ની દોસ્તોને(સ્ત્રીઓ) ભૂલ્યા ન હતા અને જયારે આપ સ.અ.વ. કુરબાની કરાવતા તો કુરબાનીનું ગોશ્ત જ.ખદીજા સ.અ.ના દોસ્તોને મોકલાવતા.

અનસ બિન માલિક વર્ણવે છે કે જયારે પણ રસુલે અકરમ સ.અ.વ. કોઈ તોહ્ફો સ્વીકારતા તો તેઓ કેહતા: જાવ અને આ તોહ્ફો ફલાણા વ્યક્તિને આપી આવો કારણકે તેણી જ.ખદીજા સ.અ.ની દોસ્ત હતી અને જ.ખદીજા તેણીને ચાહતા હતા.

આપણે તેમના ફઝાએલને વર્ણવી ચુક્યા છે. અહીં અમુક પ્રસંગોને બયાન કરી રહ્યા છે.

૧. હ.જીબ્રઇલ રસુલે અકરમ સ.અ.વ.ની ખિદમતમાં આવ્યા અને કહ્યું: “એય મોહમ્મદ (સ.અ.વ.)! ખદીજા સ.અ. તમારી બારગાહમાં આવે છે અને તમે આપ સ.અ.ને  અલ્લાહના સલામ આપો અને તેણીને ખુશખબર આપો કે અલ્લાહે આપ સ.અ.ના માટે જન્નતમાં એક ઘર બનાવ્યું છે કે જ્યાં દુઃખ અને દર્દ નહિ હોય.”

(તઝકેરહ અલ ખવાસ ,પેજ ૩૦૨)

૨. પવિત્ર પયગંબર સ.અ.વ. એ જ.ખદીજા સ.અ.ને કહ્યું: “ખદીજા (સ.અ.)!બેશક અલ્લાહ દિવસમાં ઘણીવાર મહાન ફરિશ્તા કરતા પોતાના પર ગર્વ મેહસૂસ કરે છે તમારે લીધે.”

(બેહારુલ અન્વાર, ભાગ ૧૬, પેજ ૭૮)

ઘણી બધી આ પ્રકારની હદીસો છે કે જે અલ્લાહ સુ.વ.ત. અને રસુલે અકરમ સ.અ.વ.ની સમક્ષ જ.ખદીજા સ.અ.ની ફઝીલતોને દર્શાવે છે.

સારાંશ

રસુલે અકરમ સ.અ.વ.ના પ્રયત્નોને લીધે ઇસ્લામ કબુલ કરવામાં લોકોનો વધારો થયો. એવીજ રીતે કાફીરો દ્વારા આપ સ.અ.વ. પર ઝુલ્મોમાં પણ વધારો થયો. સામાજિક અને આર્થિક બહિષ્કારના લીધે લોકોએ જ.અબુ તાલિબ અ.સ. ના પાસે આશરો લેવો પડયો. તકલીફો દિવસે ને દિવસે વધતી જતી હતી. તે સમયે લોકોના સમૂહ સાથે વાતો કરવા માટે પણ પ્રતિબંધ હતો. આ પરિસ્થિતિ રસુલે અકરમ સ.અ.વ.ની બેઅસત સુધી શરુ રહી. આ તકલીફ ભરેલા સમયગાળામાં મુસલમાનોનું અસ્તિત્વ જ.ખદીજા સ.અ.ની દૌલત વડે અને જ.અબુ તાલિબ અ.સ.ની મદદ ના લીધે બાકી રહ્યું.

તે સમયે ઇસ્લામ અને પવિત્ર પયગંબર સ.અ.વ. એ બે દુ:ખદાયક પ્રસંગો જ.અબુ તાલિબ અ.સ.અને જ.ખદીજા સ.અ.ની વફાતના લીધે પીછેહઠ કરવી પડી. આ ઘટના રસુલે અકરમ સ.અ.વ.ના માટે ખુબજ દર્દનાક હતી અને તેમણે આ વર્ષને “આમૂલ હુઝ્ન” (ગમનું વર્ષ) જાહેર કર્યું.

છેલ્લી ૧૪ સદીઓથી ઘણા લોકોના માટે આપણે સાંભળીએ છીએ કે તેઓએ ઇસ્લામની મદદ કરી પરંતુ જ.ખદીજા સ.અ.ના કરતા કોઈપણ વધારે અનુકરણીય નથી.

આ છતાંપણ સલફિઓએ જન્ન્તુલ મોઅલ્લામાં તેમની કબ્રને જમીનદોસ્ત કરી નાખી કે જે “તૌહિદના સંરક્ષક” હતા અને તેવી જ રીતે તેમની ઔલાદોની કબ્ર કે જે જન્નતુલ બકિઅમાં આવેલી છે. આપ લોકોની યાદ એ લોકોના દિલોમાં હંમેશા તાજી જ રેહશે કે જે લોકોના દિલોમાં ઇસ્લામ અને પવિત્ર પયગંબર સ.અ.વ. ના પ્રત્યે  દર્દ છે.

આપણે એ દિવસોની રાહ જોઈ રહ્યા છીએ કે તેમના દીકરા – હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અલ-અસ્કરી અ.સ.નો ઝુહુર થાય અને તેઓ તેમનો અને તેમની ઔલાદના ઝુલ્મનો બદલો લે. (ઇ.આમીન)

Be the first to comment

Leave a Reply