હઝરત અલી (અ.સ.)ના દુશ્મનો પણ આપ (અ.સ.)ના ફઝાએલ અને કમાલાતનો સ્વિકાર કરનારા હતા પરંતુ…

વાંચવાનો સમય: 9 મિનિટ

અમીરૂલ મોઅમેનીન ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત, વિસાયત, ખિલાફત અને ઈમામતનું એઅલાન રસુલે અકરમ (સ.અ.વ.)એ ઈસ્લામની શરૂઆતથી જ જુદા જુદા તરીકા અને સંકેતો વડે કર્યા કર્યુ હતુ પરંતુ અંતિમ અને છેવટનું એઅલાન આખરી હજના પ્રસંગે ખુદાના હુકમથી મક્કાથી મદિના પરત ફરતી વેળા જોઅફા નામના સ્થળે કર્યું. આ પ્રસંગનું વિગતવાર વર્ણન બધીજ ઈસ્લામીક ઈતિહાસની કિતાબોમાં અને કુરઆને કરીમની તફસીરોમાં મૌજુદ છે. આ લેખમાં આપણો મકસદ અલી (અ.સ.)ના ફઝાએલ, મનાકીબ, વિસાયત અને વિલાયતની ચર્ચા કરવાનો નથી પરંતુ આપણો વિષય હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના કટ્ટર દુશ્મન અમ્ર ઈબ્ને આસનો એક કસીદો છે કે જેમાં તેણે મોઆવિયાની ટીકા કરેલ છે અને અલી (અ.સ.)ની પ્રશંસા કરેલ છે અને અલી (અ.સ.) હિદાયતના ઈમામ હોવાનો સ્વિકાર કર્યો છે. ગદીરના પ્રસંગ બાદ આ પ્રસંગને ઘણા બધા અરબના શાએરોએ અને પ્રખ્યાત વિદ્વાનો અને લેખકોએ શેઅર (કલામ) સ્વરૂપે રજુ કરેલ છે.

ખાસ ધ્યાન આકર્ષિત કરતી બાબત એ છે કે જ્યાં અલી (અ.સ.)ના દોસ્તોએ મૌલાની શાનમાં અશ્આર કહી વખાણ કરેલ છે ત્યાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના કટ્ટર દુશ્મનોએ પણ પોતાના હુનરને પ્રદર્શિત કર્યુ છે અને પોતાના આ હુનર વડે આપ (અ.સ.)ની વિલાયતને સાચી ઠેરવી તેનો સ્વિકાર કર્યો છે.

આ શાએરોમાં અમ્ર ઈબ્ને આસનો એક પ્રખ્યાત કસીદો કે જે ‘કસીદએ જુલજુલીય્યહ’ના નામથી મશ્હુર છે. આ કસીદો અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શાનમાં અરબી ભાષાની પ્રખ્યાત કૃતિઓમાંથી એક કૃતિ માનવામાં આવે છે. અમ્ર ઈબ્ને આસે આ કસીદામાં 66 અશ્આર રચેલ છે.

મરહુમ શૈખ અબ્દુલ હુસૈન અમીની કે જેઓ અલ્લામા અમીની (અ.ર.)ના નામથી પ્રખ્યાત છે તેઓએ પોતાની મશ્હુર કિતાબ ‘અલ ગદીર ફીલ કિતાબે વલ સુન્નતે વલ અદબે’ના બીજા ભાગમાં આ બધાજ 66 અશ્આરને વર્ણવ્યા છે અને ત્યારબાદ તેની વિસ્તૃત ચર્ચા અને સમજણ રજુ કરેલ છે.

મોઆવિયાનો પત્ર અમ્ર ઈબ્ને આસના નામે:

જ્યારે અમ્ર ઈબ્ને આસે મિસ્રનો હિસાબ કિતાબ (વેરો) ન મોકલ્યો ત્યારે મોઆવિયા બીન અબી સુફીયાને મિસ્રના ટેકસ (કર) બારામાં પૂછપરછ કરવા માટે અમ્ર ઈબ્ને આસને એક પત્ર લખ્યો કે જેનો વિષય આ પ્રમાણે છે:

‘મેં મિસ્રના ટેકસ (ખિરાજ) વિષે તને ઘણીવાર પત્રો લખ્યા પરંતુ તે આ પત્રોના જવાબ ન આપ્યા અને મારી નાફરમાની કરી. હવે હું તને છેલ્લીવાર પત્ર લખુ છું કે કોઈપણ પ્રકારનું મોડું કર્યા વગર જલ્દીથી મિસ્રનો ટેકસ (કર) મોકલી આપ. વસ્સલામ.’

અમ્ર ઈબ્ને આસનો જવાબ:

અમ્ર ઈબ્ને આસને આ વાત ખૂબજ ખરાબ લાગી અને તેણે આ કસીદો જવાબમાં લખીને મોકલ્યો કે જેમાં તેણે મોઆવિયાને ખૂબજ વખોડયો છે અને મોઆવિયાને તે બધાજ પ્રસંગોની યાદ દેહાની કરાવી છે કે જેમાં તેઓ બંનેએ મળીને હઝરત અલી (અ.સ.)ને ખિલાફતથી દુર રાખવાના કાવતરા કરેલા હતા. સાથોસાથ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના સાચા હોવાનો અને તેમની ફઝીલતોનો સ્વિકાર પણ કર્યો કે આપ (અ.સ.) જ હિદાયતના ઈમામ છે.

કસીદાનું નામ ‘જુલજુલીય્યહરાખવાનું કારણ:

આ કસીદાનો અંતિમ શબ્દ ‘અલ જુલ જુલ’છે અને આ કારણે આ કસીદાનું નામ ‘જુલજુલીય્યહ’રાખવામાં આવ્યું છે. ‘જુલજુલીય્યહ’નો અર્થ ‘ઘંટ’- ‘ઘુંઘરૂ’થાય છે અને ‘ખુબજ ખંતીલો’અને ‘સ્ફુર્તિવાળા’ના અર્થમાં પણ વપરાય છે.

આ કસીદાના તમામ શેર મોઆવિયાના ગાલ ઉપર જોરદાર તમાચાઓ છે. બધાજ અશ્આરનો શબ્દસ: તરજુમો કરવો એ અમારો મકસદ નથી. આથી અમે અહીં તેના તરજુમાનો ભાવાર્થ રજુ કરીએ છીએ કે જેથી મોઆવિયા અને અમ્ર ઈબ્ને આસના કાવતરા, ચાલબાજીઓ અને તે લોકોના ગંદા રાજકારણને લોકો સરળતાથી સમજી શકે. આ કસીદાનું ભાષાંતર માટે અમે અલ્લામા અમીની (અ.ર.)ની કિતાબ અલ ગદીરના ફારસી અનુવાદ ભાગ-3 માંથી કરેલ છે. આ કસીદાનો કાવ્યાત્મક અનુવાદ તેની શરહ (સમજુતી)ની સાથે 106 અશ્આર ઉપર આધારિત છે જેને મોહમ્મદ તકી વાહેદીએ કરેલ છે.

(અલ ગદીર, 3/207)

કસીદ એ જુલજુલીય્યહનો ભાવાર્થ:

  • અય મોઆવિયા! મારા વિષે અને તારા કામના વિષે નાદાન ન બન અને હકના રસ્તાથી એક કદમ પણ દુર ન થા.
  • શું તુ ભુલી ગયો છો કે તે દિવસે તે કેવી રીતે હુકુમતનો પોશાક પહેરી લીધો હતો અને મેં શામવાળાઓને કેવી રીતે છેતર્યા હતા?
  • કેવી રીતે લોકોના ટોળાને ટોળા તારી તરફ આવી ગયા હતા અને ગભરાયેલી ગાયની જેમ રોકકળ અને ફરિયાદ કરવા લાગ્યા હતા.
  • શું તુ ભુલી ગયો કે મેં એ લોકોને કહ્યું હતું કે તમારી વાજીબ નમાઝો મોઆવિયા વગર કબુલ નહીં થાય.
  • અને આ જ કારણે તે લોકોએ મઝહબને છોડી દીધો અને નમાઝની તરફ કંઈ ધ્યાન ન આપ્યું અને તે ડરેલા લોકોને જંગ માટે તૈયાર કર્યા.
  • એ દિવસને યાદ કરકે જ્યારે તું હિદાયતના ઈમામથી ફરી ગયો જ્યારે એમના લશ્કરમાં બહાદુર અને દિલેર ઈન્સાન મૌજુદ હતા!
  • તે કહ્યું હતુ કે શું હું મક્કાર અને ખરાબ આ લોકો સાથે કે જેઓ શાંત ગાય જેવા તકવા ધરાવનારા લોકોની સાથે જંગ કરવા જાવ?
  • મેં કહ્યું હતુ: હા, ઉભો થા અને જંગ કર, હું નિમ્નસ્તરના લોકોની જંગ જોઈશ ઉચ્ચસ્તરના લોકોની સાથે.
  • બસ, મારા કારણે તે લોકો વસીઓના સરદાર હઝરત અલી (અ.સ.)ની સાથે, એ નઅસલ (ઉસ્માન)ના ખૂનના બદલામાં જંગ કરી બેઠા
  • મેં તારા લશ્કરને ઉશ્કેર્યુ કે તેઓ મુસ્હફ (કુરઆને કરીમ)ને નેઝાઓ ઉપર બુલંદ કરે.[1]

અમ્રે આસ નગ્ન થઈ ગયો:

  • મેં તારા લશ્કરને શીખવાડયું કે પોતાના ગુપ્ત ભાગો ખોલી દે કે જેથી તે જવાન મર્દ તેઓને કત્લ કરવાથી પોતાનું ધ્યાન હટાવી લ્યે.[2]
  • આ પછી બગાવત કરનારાઓ એ હૈદરની વિરૂધ્ધ કયામ કર્ય (આ રીતે) લોકોને પ્રકાશિત મશાલ (હિદાયત) થી દુર રાખ્યા.
  • શું તુ ભુલી ગયો કે મેં અબુ મુસા અશ્અરીથી ‘દુમતુલ જન્દલ’માં કેવી રીતે વાતચીત કરી હતી.[3]
  • હું ખુબજ નરમ અંદાજમાં વાત કરૂ છું, જેથી સાંભળનાર લાલચમાં આવી જાય છે અને મારા ફરેબ (ચાલાકી)ના તીર તેના શરીરમાં ઘુસી જાય.
  • મેં હૈદરને ખિલાફતથી એવી રીતે દૂર કરી દીધા જેવી રીતે પગમાંથી પગરખાને કાઢી નાખવામાં આવે છે.
  • અને ખિલાફતને અંગુઠી(વિંટી)ની માફક તને પહેરાવી દીધી, જ્યારે કે તું પોતે ખિલાફતથી નાઉમ્મીદ થઈ ગયો હતો.
  • મેં તને પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ના ઉચ્ચ મિમ્બર ઉપર કોઈ પણ પ્રકારની જંગ અને તલ્વાર ચલાવ્યા વગર બેસાડી દીધો.
  • જો કે તું આ ઈઝઝતદાર હોદ્દાને લાયક ન હતો.
  • મેં ઈરાકના મુનાફીક લશ્કરને મોકલ્યુ કે જેના થકી તે ‘ઉત્તર’અને ‘દક્ષિણ’ને પોતાના કબ્જામાં લઈ લીધું.
  • એ હું હતો કે જેણે તાંરૂ નામ દુર દુરના સ્થળો સુધી પહોંચાડયું
  • અય કાળજુ ખાનારી હિન્દાના પુત્ર (મોઆવિયા) અગર તું મને નથી ઓળખતો તો એ મારા માટે ખૂબજ દુ:ખની વાત છે.
  • અગર હું તારો વજીર ન હોત તો લોકો કયારેય તાંરૂ અનુસરણ ન કરતે અને અગર હું ન હોત તો કયારેય લોકો તને ન સ્વિકારતે.
  • અગર હું ન હોત તો તું સ્ત્રીઓની જેમ ઘરમાં જ બેઠો રહેત અને કયારેય ઘરની બહાર ન નિકળત.
  • અય હિન્દાના પુત્ર! મેં અજ્ઞાનતા અને નાદાનીના કારણે શ્રેષ્ઠ ખબર નબએ અઝીમ (હઝરત અલી અ.સ.) અને ઈન્સાનોમાં શ્રેષ્ઠની સામે તારી મદદ કરી.
  • અને જ્યારે મેં તને લોકોનો સરદાર બનાવી દીધો ત્યારે આપણે પોતે ખૂબજ નીચા દરજ્જામાં ઉતરી ગયા અને અસફલે સાફેલીન (જહન્નમના છેલ્લા તબક્કા)માં પહોંચી ગયા.
  • જ્યારે કે આપણે હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) પાસેથી અલી (અ.સ.)ના ખુબજ ફઝાએલ અને કમાલાત સાંભળ્યા હતા.

ગદીરના એઅલાનની કબુલાત:

  • જે દિવસે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તે ગદીરે ખુમમાં મીમ્બર ઉપર ગયા અને ખુદાના હુકમને લોકો સુધી પહોંચાડયો તે સમયે કોઈ પણ કાફલો તેના ઘર સુધી પહોંચ્યો ન હતો.
  • એમણે અલી (અ.સ.)ના હાથને પોતાના હાથમાં લીધો અને બધાને બતાવીને મોટા અવાજે ખુદાના હુકમને લોકો સુધી પહોંચાડયો.
  • અય લોકો! શું હું તમારા ઉપર તમારા કરતા વધારે અધિકાર નથી ધરાવતો અને તમારા ઉપર બિનશરતી વિલાયત નથી ધરાવતો? બધાએ કહ્યું: હા અય રસુલુલ્લાહ (સ.અ.વ.) આપ જે ચાહો તે કરો.
  • ખુદાવંદે આલમની તરફથી આં હઝરત (સ.અ.વ.) એ લોકો ઉપર હુકુમતને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)થી મખ્સુસ કરી અને ફકત તેઓજ પોતાની ખિલાફતને જેને ચાહે તેને આપી શકે છે.
  • ફરમાવ્યું: જેનો હું મૌલા છું, આજથી આ અલી (અ.સ.) તેઓના સૌથી શ્રેષ્ઠ મૌલા છે.
  • પછી દોઆ કરી: અય ઝુલજલાલ! એમના દોસ્તોને દોસ્ત રાખ અને પોતાના પયગમ્બર (સ.અ.વ.)ના ભાઈના દુશ્મનોને દુશ્મન રાખ.
  • અય લોકો! મારી ઈતરતના બારામાં તમે જે વચન અને વાયદો કર્યો છે તેને હરગીઝ ન તોડશો, કારણ કે જે કોઈ વચનભંગ કરશે તે કયામતના દિવસે મારા સુધી નહીં પહોંચી શકશે.
  • અને જ્યારે તારા શૈખ (અબુબક્ર અને ઉમર)એ જોયું કે હૈદરની વિલાયત અને ખિલાફતના વચન અને કરારની મજબુત ગાંઠ ખુલી નથી શકતી તો બખ્ખીન બખ્ખીન (મુબારક થાય, મુબારક થાય) વડે આપ (અલી અ.સ.)ને મુબારકબાદી આપી.
  • રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: અલી તમારા વલી (સરપરસ્ત) છે અને તમારા ઉપર વાજીબ છે કે તમે તેની સુરક્ષા કરો અને જેવી રીતે મારી સાથે વ્યવહાર રાખતા હતા તેવી જ રીતે તેમની સાથે પણ વ્યવહાર રાખજો.

અમ્રે આસે પોતાને અને મોઆવિયાને જહન્નમી કરાર દીધા:

  • આપણે આપણા આમાલ અને ચારિત્ર્યના લીધે જહન્નમના સૌથી નીચલા તબક્કામાં જશું.
  • કયામતના દિવસે ઉસ્માનનું ખુન આપણને નજાત નહિ અપાવે અને કયામતનો દિવસ આપણી શરમિંદગીનો દિવસ હશે.
  • અને કાલે કયામતના દિવસે અલી (અ.સ.) ખુદા અને તેના રસુલ (સ.અ.વ.)ના ઝરીયે ઈઝઝતના ખુબજ ઉંચા દરજ્જા ઉપર હશે અને તે દિવસે તે આપણા દુશ્મન હશે.
  • તે દિવસે ખુદાવંદે મોતઆલ એ બધીજ કરણીનો હિસાબ લેશે જે થઈ હતી અને તે બધીજ બાબતોમાં આપણે હકથી દુર અને બાતિલની સાથે હશું.
  • તે દિવસે હકીકતના ચેહરાથી નકાબ હટી જશે અને આપણી પાસે કોઈપણ બહાનુ નહિ રહે. વાય થાય આપણા ઉપર, એ દિવસે શું થશે?
  • અય હિન્દાના પુત્ર (મોઆવિયા) આગાહ થઈ જા! કે તે જે મારી સાથે વચન અને કરાર કર્યો હતો, તેના ઉપર અમલ ન કર્યો અને આ રીતે તે જન્નતને વેચી દીધી.
  • આખેરતની બેશુમાર નેઅમતોને છોડીને દુનિયાની સામાન્ય ચીજોને મેળવવા માટે તે આખેરતને ગુમાવી દીધી.
  • તે જોયું કે લોકો તારી આજુબાજુ એકઠા થઈ ગયા છે અને હુકુમત તારા માટે તૈયાર છે, એવી હુકુમત કે જે બીજાઓથી તારા સુધી પહોંચી છે તો તું જાણી લ્યે કે આ હુકુમત મજબુત નહિ હોય.
  • તાંરૂ ઉદાહરણ એવા શિકારી જેવું છે કે જે જાળ ફેંકે છે અને ઈન્સાનોને છેતરે છે અને પ્યાસાઓને પાણીની નહેરથી દૂર કરે છે.

સિફફીનની હારનો સ્વિકાર:

  • જાણે કે તે જંગે સિફફીનની એ ખૌફનાક ‘લય્લતુલ હરીર’ને ભુલાવી દીધી.
  • તે દિવસે તું એટલો બધો કમઝોર થઈ ગયો હતો કે એક બહાદુર અને દિલેર મર્દના ખૌફના કારણે શાહમૃગની જેમ તારો પાયજામો ખરાબ થઈ ગયો હતો.
  • જે સમયે તે તારા ગુમરાહ લશ્કરને વિખેરી નાખ્યું ત્યારે તું એ રીતે ડરી રહ્યો હતો કે જાણે ભુખ્યો સિંહ તને હલાક કરી દેશે.
  • તું ખુબજ મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો અને વિશાળ મૈદાન તને એકદમ નાનુ દેખાઈ રહ્યું હતું.
  • તે મને પુછયું હતું અય અમ્ર! તાકતવર સિપાહીની ચુંગલમાંથી કયાં ભાગી જાવ?
  • અય અમ્ર! તેના સિવાય કોઈ ઉપાય નથી કે તું એમના હુમલાઓની સામે કોઈ પ્રપંચથી કામ લ્યે. કંઈક કામ કર માં દીલ પરેશાન છે.
  • તે સમયે જ્યારે તારી હુકુમત તેની પુર્ણતાએ પહોંચી હતી ત્યારે તે મને વાયદો કર્યો હતો કે જે હોદ્દો અને સ્થાન તને મળશે તેમાંથી અર્ધુ મને આપીશ.
  • હું પણ જલ્દીથી ઉભો થયો અને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની સામે મેં મારા કપડા ઉતારી નાખ્યા અને મારી શર્મગાહને જાહેર કરી દીધી. (નોંધ: આગળ તેની વિગત આવી ચૂકી છે).
  • શર્મના લીધે તેમણે (અલી અ.સ.એ) પોતાનો ચહેરો છુપાવી દીધો અને મને કત્લ ન કર્યો. આ એવી ચીજ છે કે જ્યાં સુધી તારી અક્કલ પહોંચી નથી શકતી.
  • પરંતુ તું દિલેર અને શૂરવીર મર્દના ખૌફના લીધે નેતરની જેમ ધ્રુજી રહ્યો હતો.
  • જ્યારે તને હુકુમત મળી ગઈ હુકુમતની લાકડી તારા હાથમાં આવી ગઈ.
  • ત્યારે તે બીજાઓને તો માલ-મત્ત્ાા અને હોદ્દાઓ આપીને નવાજ્યા પરંતુ મને એક દાણાની બરાબર પણ ન આપ્યું.
  • મીસ્રની હુકુમત અબ્દુલ મલીકને આપી દીધી અને આ રીતે તે મારા ઉપર ઝુલ્મ કર્યો.
  • જો કે તને આ મિસ્રની હુકુમતની લાલચ છે પરંતુ હવે તે મારા હાથમાં છે. જેથી તુ સમજી લે કે પથ્થરો ખાનાર પંખી ગરૂડના ચુંગલમાંથી નિકળી ગયુ છે અને આ હુકુમત તારા હાથોમાંથી ચાલી ગઈ છે.
  • અગર મિસ્રની હુકુમતની ભલાઈ ચાહતો હો અને તેના ટેકસ (કર)ને માફ નહિ કર તો હું જંગ માટે તૈયાર છું અને તને ખૌફમાં નાખી દઈશ.
  • ફૌજ અને લશ્કર, તીર અને તલ્વાર તથા મોટા નેઝાઓની સાથે તૈયાર છું.
  • હું તારા ઘમંડના પર્દાને ફાડી નાખીશ અને સુઈ રહેલા દરેક ગમઝદા ઈન્સાનો (તે યતીમો કે જેઓના પિતા તારા કારણે કત્લ થયા)ને જગાડી દઈશ અને તેઓને તારી વિરૂધ્ધ ઉભા કરી દઈશ.

અમ્રે આસે મોઆવિયાને કહ્યું: તું અમીરૂલ મોઅમેનીન નથી.

  • તું મોઅમીનો ઉપર હુકુમત અને ખિલાફત કરવાથી ખુબજ દુર છો.
  • હુકુમતમાં થોડોક એવો પણ તારો હક નથી અને તારી અગાઉના તારા બાપ-દાદાઓને પણ તે હક ન હતો.
  • અય મોઆવિયા! તારી અને અલી (અ.સ.)ની દરમ્યાન શું સામ્યતા હોય શકે છે? અલી (અ.સ.) એક ધારદાર અને કત્લ કરનારી તલ્વાર છે અને તું એક કાટી ગયેલા દાંતરડાની જેમ છે.
  • અલી (અ.સ.) કે જેઓ આસ્માનના સિતારા છે. તેઓ કયાં અને તું કયાં? તું એક રેતી સિવાય કંઈ નથી.
  • અય મોઆવિયા! અગર હુકુમતના બારામાં તું તારી ઉમ્મીદો સુધી પહોંચી ગયો તો તેનું કારણ એ હતુ કે ઝિલ્લતની ઘંટડી મારા ગળામાં બંધાયેલી હતી અને જાણી લ્યે કે મારી ગરદનમાં એવી ઘંટડી છે કે અગર હું મારી ગરદન હલાવીશ તો આ ઘંટડી વાગવા લાગશે.

અંત:

આ 66 અશ્આરમાંથી દરેક અશ્આરના બારામાં એક વિસ્તૃત લખાણ લખી શકાય છે. અમ્રે આસ અને મોઆવિયાએ અલી (અ.સ.)ની વિરૂધ્ધ જેટલા પ્રપંચો કર્યા હતા તે બધાનો ઉલ્લેખ અમ્રે આસે સ્પષ્ટ શબ્દોમાં કરી દીધો છે. પરંતુ અફસોસ છે તે લોકો ઉપર કે જેઓ હકીકતને જાણીને પણ અજાણ બને છે.

મૂળભુત કિતાબો અને સ્ત્રોતો:

આ કસીદો નીચે દર્શાવેલ કિતાબોમાં નકલ થએલો છે.

૧) ખુદ આના બે નુસ્ખા સ્વતંત્ર રીતે પ્રકાશિત થયા છે અને મિસ્રની લાઈબ્રેરીમાં મૌજુદ છે. આ લાઈબ્રેરીની કિતાબોની સુચી ઘણા બધા ભાગોમાં મૌજુદ છે. તેના ભાગ 4, પાના નં 314 ઉપર આ પ્રકાશનનું નામ મૌજુદ છે.

૨) ઈબ્ને અબીલ હદીદે શરહે નહજુલ બલાગાહમાં ભાગ-2, પાના નં. 522 ઉપર તેના અમૂક અશ્આર લખ્યા છે અને લખ્યું છે કે મેં આ પંકિતઓને અબી ઝકરિયા યહ્યા બીન અલી ખતીબ તબરીઝી (વફાત 502 હિજરી)ના લખાણમાં જોયા.

૩) શૈખ મોહમ્મદ અઝહરીએ કિતાબ ‘મુગ્નેયુલ લબીબ’ની શરહ, ભાગ-1, પાના નં. 82 માં બધીજ પંકિતઓને ‘તારીખે ઈશ્હાક’થી નકલ કરેલ છે.

૪) ઝનુઝીની કિતાબ ‘રીયાઝુલ જન્નહ’માં રોવ્ઝએ દુવ્વુમમાં આ સંપૂર્ણ કસીદાને લખવામાં આવ્યો છે.

દુનિયા હકીકતોને જેટલી છુપાવવા માંગે છુપાવી લ્યે પરંતુ એ સમય જરૂર આવશે જ્યારે ગદીરી મૌલાના સાચા વંશજ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ઝુહુર ફરમાવશે અને હકીકતોને છુપાવનારાઓને તેના અંજામ સુધી પહોંચાડશે.

 

[1] નિર્દેશ દાસ્તાને હકમય્નની તરફ છે.

[2] જંગે સિફફીનમાં એક વાર અમ્રે આસ અલી (અ.સ.)ની સામે આવી ગયો અને જ્યારે તેણે અનુભવ્યુ કે તે અલી (અ.સ.)ના હાથે માર્યો જશે તો બચવા માટે તેણે પોતાને જમીન ઉપર પછાડી દીધો અને પોતાના ગુપ્ત ભાગને (શર્મગાહ)ને ખોલી નાખી અને તેની આ યુકિતને લીધે તે મૌતથી બચી ગયો. (શરહે નહજુલ બલાગાહ, ઈબ્ને અબીલ હદીદ 2/110) સિફફીનમાં જ આવો જ એક પ્રસંગ બસર બીન ઈરતાતના બારામાં નકલ થયેલ છે).

[3] જંગે સિફફીન પછી અલી (અ.સ.) કુફા તરફ રવાના થઈ ગયા અને ત્યાંથી અબુ મુસા અશ્અરીને શરીહ બીન હાનીની આગેવાનીમાં 400 લોકોની સાથે ‘દુમતુલ જન્દલ’ની તરફ રવાના કર્યો અને અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસને પણ આ લોકોના જમાઅતના ઈમામ બનાવીને સાથે રવાના કર્યા આ મૌકા ઉપર મોઆવિયાએ ઉમરે આસને દુમતુલ જન્દલ રવાના કર્યો. ત્યાં પહોંચીને અમ્રે આસ અબુ મુસા અશ્અરીને ત્રણ દિવસ સુધી ન મળ્યો અને પછી આયોજનપૂર્વક મળ્યો. તેણે (અબુ મુસા અશ્અરીના) ખુબ વખાણ કર્યા અલગ અલગ પ્રકારના લકબો અને શિર્ષકો વડે તેને નવાઝયો અને આ રીતે અબુ મુસા તેની ચાલાકીમાં આવી ગયો. તેણે અમ્રે આસને પુછયું: તારી નજરમાં મુસલમાનોની સુધારણાનો રસ્તો શું છે? અમ્રે આસે કહ્યું: તુ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ખિલાફતથી દૂર કરી દે અને હું મોઆવિયાને દૂર કરી દઈશ અને પછી આપણે બન્ને અબ્દુલ્લાહ બીન ઉમર જેવી વ્યકિતને આ કાર્ય માટે પસંદ કરી લેશુ કે જે કોઈપણ ફિત્ના (ઝઘડામાં) હાજર ન હતો અને તેના હાથ કોઈપણ વ્યકિતના ખુનથી રંગાએલા નથી. અમ્રે આસની કસમો અને વાયદાઓ ઉપર અબુ મુસા અશ્અરીએ ભરોસો કરી લીધો અને પછી હકમય્ન જાહેર કરવા માટે ભેગા થયા. અમ્રે આસે પોતાની ચાલાકી વડે અબુ મુસા અશ્અરીને પોતાની વાત પહેલા રજુ કરવા માટે તૈયાર કરી લીધો અને અબુ મુસાને ત્યારબાદ ‘સામરીએ ઈરાકીયાન’નો લકબ મળ્યો. તેણે કહ્યું: ‘અય લોકો! અમે લોકોએ અમારા કાર્ય ઉપર ખુબજ વિચાર અને ચિંતન-મનન કર્યું અને આપસમાં સલાહ સુચન પછી ઉમ્મતની સુધારણા, હિદાયત, રક્ષણ અને એકતા માટે તથા ખૂન ખરાબાથી બચવા માટે એક રસ્તો કાઢયો છે અને એ રસ્તો એ છે કે હું અલી (અ.સ.)ને ખિલાફતથી દૂર કરૂ છું અને અમ્રે આસ મોઆવિયાને. મેં અલી (અ.સ.)ને ખિલાફતથી એવી રીતે દુર કર્યા કે જેવી રીતે આ અમામાને માથા ઉપરથી (પછી તેણે પોતાના અમામાને ઉતારી નાખ્યો) અને એવા શખ્સને ખિલાફત માટે પસંદ કરેલ છે કે જે રસુલે ખુદા (સ.અ.વ.)નો સહાબી છે અને તેના પિતા પણ પયગમ્બર (સ.અ.વ.)ના સહાબી હોવાનો ગર્વ ધરાવે છે અને તે શખ્સ અબ્દુલ્લાહ બીન ઉમર છે. (મનાકીબે શેહરે આશુબ 3/185) પછી અમ્રે આસ ઉભો થયો અને કહ્યું: અય લોકો! ચોક્કસ! અબુ મુસાએ અલી (અ.સ.)ને ખિલાફતથી દૂર કરી દીધા અને તે અલી (અ.સ.)ના મામલામાં બેહતર જાણે છે, આગાહ થઈ જાવ કે મેં પણ અલી (અ.સ.)ને ખિલાફતથી રદ કરી દીધા અને મોઆવિયાને પોતાના માટે અને તમારા માટે ખિલાફત માટે પસંદ કરી લીધા.’ અબુ મુસાએ જ્યારે આ સાંભળ્યું તો તેણે વિરોધ કર્યો અને અમ્રે આસને અપશબ્દો કહ્યા અને અમ્રે આસે પણ તેને અપશબ્દો કહ્યા અને આ રીતે હુકુમત એક મજાક અને મશ્કરી બનીને રહી ગઈ અને ત્યાર પછી ખુબ જ ફિત્નો પૈદા થયો.

Be the first to comment

Leave a Reply