શું અલ્લાહ સિવાય બીજા કોઈને પુકારવું શીર્ક છે?

વાંચવાનો સમય: 6 મિનિટ

અગરચે આ હકીકત છે કે મોટા ભાગના મુસલમાન એ મત રાખે છે કે અલ્લાહના નિયુકત કરેલ ખાસ બંદાઓ પાસે શફાઅત વસીલો માંગવુ એ અલ્લાહની ખુશીનો સબબ છે, પણ મુસ્લીમોનો એક ફિરકો ચુસ્ત રીતે એવું મને છે કે આ શિર્ક છે. આ મુસલમાનો દાવો કરે છે કે અલ્લાહ સિવાય બીજા કોઈને પુકારવું એ શીર્કની બરોબર છે, કારણકે શિર્ક એટલે અલ્લાહ સિવાય અન્યને પુકારવું અને દોઆ માંગવી એ ઈબાદત છે તેથી અલ્લાહ સિવાય કોઈ પાસે માંગવું એ ઈબાદત છે. પુકારવું એ દોઆ બરાબર છે અને દોઆ કારણકે બંદગી છે બીજાને પુકારવું તેની બંદગી સમાન છે. તેઓ પોતાના દાવાના પુરાવા રૂપે કુરઆને કરીમની નીચે પ્રમાણેની આયતો બતાવે છે.

અ. અને તેના કરતા વધારે ગુમરાહ કોણ હશે જે અલ્લાહને છોડીને એવાઓને પોકારે કે જે કયામત સુધી તેને જવાબ જ ન આપે અને તેઓ તેના પોકારવાવાળાઓથી બેખબર પણ રહે.” (સુરએ અહકાફ-૪૬, આયત નં. ૫)

બ. અને જેને તમે તેના સિવાય પોકારો છો તેને ખજુરના ઠળીયાની ચામડી જેટલો પણ અધીકાર નથી.” (સુરએ ફાતીર-૩૫, આયત નં. ૧૩)

ક. અગર તમે તેમને પોકારશો તો તેઓ તમારૂ પોકારવું સાંભળશે નહિં અને કદાચને સાંભળી લેશે તો પણ તમને કાંઈ જવાબ આપશે નહિં અને કયામતના દિવસે તમારા તેમને શરીક બનાવવાનો ઈન્કાર કરી દેશે.” (સુરએ ફાતીર-૩૫, આયત નં. ૧૪)

આ મુસલમાનોના મત પ્રમાણે ઉપરની આયતો પછી અલ્લાહ સિવાયનાને પુકારવાનો કોઈજ અવકાશ બાકી રહેતો નથી અને કુરઆને પણ આવા કાર્યની સખત ટીકા કરી છે.

તેઓ આ હદે માને છે કે રસુલ સ.અ.વ. ને પોકારવું પણ જાએઝ નથી કારણકે રસુલ સ.અ.વ. પોતે કબુલે છે કે

કહો હું મારા નફસ માટે કોઈ ફાયદો કે નુકસાનનો અધિકાર નથી ધરાવતો સિવાય કે જે અલ્લાહ ચાહે.” (સુરએ અઅરાફ-૭, આયત નં. ૧૮૮)

જવાબ ૧. અલ્લાહ સિવાયના ને પોકારવું શીર્ક નથી. અલ્લાહ સિવાયના ને પોકારવું ત્યારેજ શીર્ક છે જ્યારે પોકરવામાં આવતી વસ્તુ અ. અલ્લાહ દ્વારા નિયુકત ન હોય અને બ. તેની ઈબાદત કરવામાં આવે. બધી ઉપરોકત કુરઆની આયતો જે આ મુસલમાનો લાવે છે, જેમાં અલ્લાહ સિવાયના ને પોકારવાની ટીકા કરવામાં આવે છે, તે આ સંદર્ભમાં આવે છે. પવિત્ર કુરઆન બુતો, સૂર્ય, ચંદ્ર, વિગેરેને પોકારવાની ટીકા કરે છે કે જેમને લોકોએ પોતાના ખુદા તરીકે લઈ લીધા છે અને આ રીતે પોકારવું શીર્કજ છે. પરંતુ એવો કોઈ ફેંસલો નથી કે જે બધા પ્રકારના માંગવાને શીર્ક કરાર દે. બીજી કેવી રીતે આ મુસલમાનો કુરઆનની આયતોને સમજાવે છે:

જ્યારે તમે આગળને આગળ નાસી જતા હતા અને પાછા વળીને પણ કોઈને જોતા ન હતા અને પાછળથી રસુલ તમને પોકારી રહ્યા હતા.” (સુરએ આલે ઈમરાન, આયત નં. ૧૫૩)

શું રસુલ સ.અ.વ. નું આ આયતમાં મદદ માટે “પોકારવું” શીર્ક છે? આખર તો રસુલ સ.અ.વ. સહાબીઓને પોકારી રહ્યા હતા કે જે ભાગી રહ્યા હતા, બેહતર તો એ હતું કે એકલા રહીને અલ્લાહને પોકારતે.

અથવા સુરએ નૂરની ૪૮ મી આયત ઉપર ધ્યાન આપો:

અને જ્યારે તેમને અલ્લાહ તથા તેના રસુલ તરફ પોકારવામાં આવે છે એટલા માટે કે તે તેમની વચ્ચે નિર્ણય કરે તો તેમાથી એક ટોળું મુખ ફેરવી લે છે.

અગર “પોકારવું” માત્ર અલ્લાહ માટેજ હોય તો પછી શા માટે આ આયત; રસુલનો અલ્લાહ સાથે ઝીક્ર કરે છે? શું એ શીર્ક નથી કે રસુલ સ.અ.વ. તરફ પોકારવામાં આવે?

બલ્કે આ તો શ્રેષ્ઠ પ્રકારની તવહીદ અને ઈબાદત છે. જે લોકો રસુલને પોકારવાથી પરહેઝ કરે છે, તેને શીર્ક સમજે છે તો પછી તેઓ આ આયત તેમાંથી છે જેઓ તવહીદ અને ઈબાદતથી વિમુખ થઇ ગયા. માત્ર અલ્લાહને પોકારવું છે, પરંતુ તવહીદનું એક પાસું માત્ર: મુસલમાનો જે માત્ર અલ્લાહને પોકારવાનું મહત્વ આપે છે અને તેને તવહીદનું ઉચ્ચ પાસુ ગણે છે તેઓ મૂળ મુદ્દો ચૂકી ગયા છે.

અલ્લાહને હંમેશા પુકારવું એ તવહીદનો એક પાસો / ભાગ છે.

જ્યારે કે તવહીદ એ વ્યાપક વિચાર છે અને તેને સંબંધિત ઘણા પાસા છે. જેવા કે બધાજ ઇલાહી હુકમોની ઈતાઅત કરવી (જેમાં વસીલાનું સન્માન કરવું), શુક્રગઝારી, તશ્બીહનો ઈન્કાર (અલ્લાહ સાથે અન્યની સરખામણીનો) હાથ, પગ શરીર હોવાનો વિચાર ધરાવવો વિગેરે. નહીંતર તેઓ કેવી રીતે આ આયતને સમજાવી શકશે જેમાં લોકોની તેમની તવહીદની માન્યતા છતાં ટીકા કરી છે?:

અને મનુષ્ય પર જ્યારે કોઈ આફત આવી પડે છે ત્યારે પોતાના પાલનહાર તરફ રજુ થઈ પોકારવા લાગે છે પછી જ્યારે તે તેને પોતાના તરફથી કોઈ નેઅમત અર્પણ કરે છે ત્યારે જે વાતને માટે તે પ્રથમ તેની પાસે દોઆ માંગતો હતો તે વીસરી જઈને અલ્લાહના માટે બરોબરીઓ બનાવવા મંડી જાય છે કે જેથી બીજા લોકોને સરળ માર્ગથી રખડાવે.” (સુરએ ઝુમર-૩૯, આયત નં. ૮)

બસ, જ્યારે મનુષ્ય ઉપર કોઈ સંકટ આવી પડે છે ત્યારે તે અમારાથી દોઆ માંગવા લાગી જાય છે, પછી જ્યારે અમે તેને અમારા તરફથી કોઈ નેઅમત આપીએ છીએ ત્યારે કહી દે છે કે એ તો મને મારા જ્ઞાનના પ્રતાપે સાંપડી છે. વાસ્તવમાં આ તો એક પરીક્ષા છે પણ તેઓ માંહેના ઘણાખરા જાણતા નથી.” (સુરએ ઝુમર-૩૯, આયત નં. ૪૮)

આ પુરવાર કરે છે કે દરેક “પોકારવું” શીર્ક નથી. પરંતુ ત્યારેજ શીર્ક છે જ્યારે અલ્લાહ સીવાય બીજાને ખુદા સમજીને પોકાર કરવામાં આવે.

૨. અલ્લાહ સિવાય અન્યની ઈતાઅત કરવી શીર્ક નથી.

મુસલમાનોની એ દલીલ “પોકારવું” (દોઆ) ઈબાદત છે અને અલ્લાહ સિવાયના-ને પોકારવું શીર્ક છે અલ્લાહની ઈતાઅત ઈબાદત છે અને આથી બીજા કોઈની ઈતાઅત પણ શીર્ક ગણાવી જોઈએ. પવિત્ર કુરઆન આ વાત બે જગ્યાએ સ્પષ્ટ કરે છે.

શું તે તેને જોયો કે જેણે પોતાની મનોવાસનાને પોતાનો ખુદા બનાવી રાખ્યો છે, તો શું તું તેનો નિગેહબાન થઈ શકે છે?” (સુરએ ફુરકાન-૨૫, આયત નં. ૪૩)

શું તે તે માણસની સ્થિતિ ઉપર વિચાર કર્યો કે જેણે પોતાની વાસનાઓને પોતાના ખુદા બનાવી દીધા.” (સુરએ જાસીયાહ-૪૫, આયત નં. ૨૩)

આ આયતોમાં પોતાની ઈચ્છાઓની ઈતાઅતને શીર્ક ગણવામાં આવ્યું છે કારણકે ઈતાઅત એ બંદગી છે અને બંદગી માત્ર અલ્લાહ માટેજ છે અને તેના સિવાય કોઈ માટે નથી. તો હવે કુરઆનની આ આયતોને કઈ રીતે સમજીશુ?

અય ઇમાન લાવનાર! ઈતાઅત કરો અલ્લાહની અને તેના રસુલની અને ઉલીલ અમ્રની.” (સુરએ નિસા-૪, આયત નં. ૫૯)

આ અને આવી બીજી આયતોમાં લોકોને રસુલ, માં-બાપ, વિગેરેની ઈતાઅત માટે પ્રોત્સાહિત કરી ખુદ અલ્લાહ દ્વારા શીર્ક તરફ ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું કહેવાય કારણકે અલ્લાહ સિવાયનાની ઈતાઅત તરફ બોલાવવામાં આવ્યું છે. આનો જવાબ શોધવો મુશ્કેલ નથી. આ આયતો શીર્ક તરફ નથી બોલાવતી પરંતુ અલ્લાહની ઈતાઅતનું માધ્યમ બને છે હંમેશા માટેની કામ્યાબીની તરફ આમંત્રણ આપે છે.

૩. અલ્લાહ સિવાય અન્યની મદદ કરવી શીર્ક નથી.

જેવી રીતે અલ્લાહને પોકારવું અને તેની ઈતાઅત કરવી તેની બંદગી છે તેવીજ રીતે તેની મદદ કરવી પણ તેની બંદગી છે. કુરઆન કહે છે:

અય ઈમાન લાવનારાઓ! અગર તમે અલ્લાહની મદદ કરશો તો તે તમારી મદદ કરશે અને તમારા પગ અડગ કરશે.” (સુરએ મોહમ્મદ-૪૭, આયત નં. ૭)

અને ખચીતજ અલ્લાહ તેની મદદ કરશે જે તેની મદદ કરે છે.” (સુરએ હજ-૨૨, આયત નં. ૪૦)

અલ્લાહ (અને તેના મકસદ)ની મદદ કરવી બંદગી છે માટે આ બંદગી અલ્લાહ તરફ હોવી જોઈએ કારણકે બીજાની મદદ કરવી શીર્ક થશે તો હવે કુરઆનની એ બધી આયતો જે લોકોને રસુલો અને મોઅમીનોની મદદ માટે કહે છે તે બધી શીર્ક તરફ ખુલ્લી દાવત છે.

કેવી રીતે કોઈ અલ્લાહની મદદ કરે છે?

કારણકે અલ્લાહ કોઇ દેખાતી વસ્તુ નથી માટે આ કઈ રીતે શક્ય છે કે આવી આયતો જે મુસલમાનો અને મોઅમીનોને અલ્લાહની મદદ કરવા કહે છે તેના ઉપર અમલ કરવો? જવાબ સરળ છે: અલ્લાહ દ્વારા નિયુકત હસ્તીઓ જેમકે ઈલાહી દલીલો (રસુલો અને ઈમામો) અને બીજી દલીલો જેવી કે મોઅમીનો, માં-બાપ, સગા-વહાલા, મઝલુમો વગેરેની મદદ દ્વારા. આ એ વસીલા છે જેમની મદદ કરનાર અલ્લાહની અને પોતાની મદદ કરે છે અને અલ્લાહની મદદનો હકદાર બને છે, જેનું વચન સુરએ હજ્જ ૨૨:૪૦ માં આપવામાં આવ્યું છે.

૪. અલ્લાહ સિવાય બીજાથી મોહબ્બત શીર્ક નથી.

અલ્લાહથી મોહબ્બત એ બંદગી છે અને તવહીદ માંગ એ છે કે સઘળી બંદગી અલ્લાહ માટેજ હોય. દા.ત. કુરઆન ઘણી જગ્યાએ અલ્લાહથી મોહબ્બતના સંદર્ભમાં કહે છે.

અને માણસોમાં થોડા એવા છે જેમણે અલ્લાહ સિવાય બીજાને મઅબુદ માન્યા છે જેમનાંથી તેઓ એટલીજ મોહબ્બત કરે છે જેટલી અલ્લાહથી અને જે લોકો ઈમાન લાવ્યા છે તેઓ અલ્લાહથી મોહબ્બત કરવામાં વધારે મજબુત હોય છે.” (સુરએ બકરહ-૨, આયત નં. ૧૬૫)

કહો, અગર તમે અલ્લાહથી મોહબ્બત કરો છો તો મારૂં અનુસરણ કરો. અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે અને તમારી ભૂલોને માફ કરી દેશે અને અલ્લાહ માફ કરનાર, દયાળું છે.” (સુરએ આલે ઈમરાન-૩, આયત નં. ૩૧)

અગર તવહીદ એટલે બધીજ બંદગી માત્ર અલ્લાહ માટેજ હોય, એટલે સુધી કે મોહબ્બત પણ, તો એ સંખ્યાબંધ આયતો સમજાશે જે મુસલમાનોને અને મોઅમીનોને ઉત્સાહ અપાવે છે કે પયગમ્બરો, વસીઓ, મોઅમીનોને, માં-બાપને અને આખી માનવજાતથી મોહબ્બત કરો. શું આ હસ્તીઓથી મોહબ્બત કરવી શીર્ક છે?

પાછુ સુરએ બકરહ ની ૧૬૫ મી આયતનું અવલોકન કરીએ. અને માણસોમાંથી થોડા એવા છે જેમણે અલ્લાહ સિવાય બીજાને મઅબુદ તરીકે લીધા છે જેમનાથી તેઓ એટલીજ મોહબ્બત કરે છે જેટલી અલ્લાહથી અને જે લોકો ઈમાન લાવ્યા છે તેઓ અલ્લાહથી મોહબ્બત કરવામાં વધારે મજબુત હોય છે.

આ આયતો સ્પષ્ટ કરે છે કે અલ્લાહ સિવાય બીજાથી મોહબ્બત કરવી શીર્ક નથી માત્ર તેમને બંદગી માટે લેવા શીર્ક છે. આનું તારણ એ છે કે અલ્લાહ સિવાયનાને વસીલા તરીકે પોકારવું, મોહબ્બત કરવી, મદદ કરવી, ઈતાઅત કરવી અને શીર્કના ખાડામાં પડવું નથી જો એ હસ્તી (અ) અલ્લાહ દ્વારા નિયુકત હોય અને (બ) તેની બંદગી ન કરવામાં આવે. હકીકતમાં આ એ માધ્યમો છે જેમના દ્વારા અલ્લાહને પોકારવામાં આવે છે, મોહબ્બત કરવામાં આવે છે અને તેની ઈતાઅત કરવામાં આવે છે.

આ અકીદાને એ આયાતો દ્વારા વધુ સ્પષ્ટ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે એ તદ્દન અશક્ય છે કે અલ્લાહની ઈબાદત વસીલા વગર કરવામાં આવે. નીચેની આયતો વાંચો:

કોણ છે કે જે અલ્લાહને કર્ઝે હસના આપે કે જેથી એ તેમના માટે તેને બમણું કરી દે અને એના માટે શ્રેષ્ઠ બદલો હશે.” (સુરએ હદીદ-૫૭, આયત નં. ૧૧)

એ હકીકત છે કે અલ્લાહને એની મખ્લુક પાસેથી કર્ઝની જરૂરત નથી. કોઈના માટે એ કેવી રીતે પણ શકય છે કે તે અલ્લાહને રૂબરૂ કર્ઝ આપે? અગર કોઇ આને સદકા, ઝકાત અને ખુમ્સ માટે પ્રેરણા આપતી આયત સાબીત કરે તો પણ ટે સમજાવતી નથી કે વ્યક્તિ કયા અને કેવી રીતે સદકો, ઝકાત, ખુમ્સ સીધું અલ્લાહને આપે.

આનો જવાબ સરળ છે, આ આયત ઉપર અમલ માત્ર એની મખ્લુકને કર્ઝ આપીનેજ કરી શકીએ છીએ. આ એ માધ્યમો છે જેના દ્વારા અલ્લાહની ખુશી અને માલમાં વધારો પામી શકાય છે. અહિંયા એ વાત નોંધપાત્ર છે કે અહિંયા “વસીલો” જરૂરતમંદ માણસ છે, જે નિસંશય મઅસુમ નથી. તો પછી પવિત્ર પયગમ્બર સ.અ.વ. અને ઈમામો અ.સ. કે જે ભૂલરહિત અને અલ્લાહની શ્રેષ્ઠ મખ્લુક છે તેમના માટે શું કહી શકાય? તો પછી તેમને વસીલો બનાવીને અલ્લાહથી કેટલા નઝદીક થઈ શકાય છે તે વિચારી પણ શકતું નથી. એવા અસંખ્ય કિસ્સાઓ છે જેમાં માણસનું બંદગી શબ્દનું ખોટું વિશ્લેષણ કરી અલ્લાહ સિવાય અન્ય માટે કરવામાં આવતા કાર્યને શિર્ક ગણવામાં આવ્યું છે, પરંતુ ટે શિર્ક નથી કારણકે આપણે જોયું કે ખુદ અલ્લાહે લોકોને આવા કાર્ય પયગમ્બરો, ઈમામો, મોઅમીનો, માં-બાપ, સગા વહાલા, વિગેરેના માટે કરવા માટે આમંત્રણ આપ્યું છે. અને કોઈપણ અલ્લાહના હુકમ સાથે શીર્ક ન જોડી શકે. શીર્ક ત્યારે છે જ્યારે આવા કાર્યો જેવા કે પોકારવુ, ઈતાઅત, મદદ, મોહબ્બત, વિગેરે કોઈને ખુદા માનીને કરવામાં આવે અથવા પછી એમના માટે કરવામાં આવે જેને ખુદાએ નિયુકત કરેલા નથી.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*