સમાજના અમૂક તબક્કાઓ વડે વિચિત્ર અને વાહિયાત માંગણીઓ ઉઠાવવામાં આવે છે કે આગળ વધવાનો ફકત એક જ રસ્તો છે અને તે મુસલમાનોમાં ઇત્તેહાદ (એકતા) છે.
કયા સુધી આવા ઇત્તેહાદના નારાઓ વાજબી ગણાય?
જવાબ:
અલબત્ત અમો માનીએ છીએ કે મુસલમાનોમાં ઇત્તેહાદ મહત્વનો છે, સાથો સાથ એ વધુ મહત્ત્વનું છે કે આ ઇત્તેહાદ સચ્ચાઈ ઉપર આધારિત હોય. જે ઇત્તેહાદ જુઠાણા ઉપર ઘડી કાઢવામાં આવ્યો હોય તે નબળો છે અને કરોળિયાના જાળાની જેમ પડી જશે.
“અને નિસંશય નબળામાં નબળું ઘર કરોળીયાનું જ હોય છે જો તેઓ સમજી શકે તો.”
(સુરએ અન્કબુત (29): આયત 41)
જુઠાણા ઉપર ઇત્તેહાદ એહલેબૈત (અ.મુ.સ.)ની ઈચ્છાઓ વિરૂધ્ધ છે:
ઘણી બધી હદીસો છે જ્યાં અઈમ્મા (અ.મુ.સ.)એ નિર્દેશ કર્યો છે ઇત્તેહાદ કેવો હોવો જોઈએ અને કેવો ન હોવો જોઈએ.
અમો અહિં એક પ્રસંગ વર્ણવીએ જ્યાં ઇત્તેહાદ શકય નથી:
ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે: જ્યારે લોકો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત પછી મસ્જીદમાં જમા થયા, અમીરૂલ મોઅમેનીન (અ.સ.) (જેઓ ત્યાં હાજર હતા) તેઓએ આ આયતની મોટા અવાજે તિલાવત કરી:
الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ أَضَلَّ أَعْمَالَهُمْ
“જે લોકો ઈમાન લાવ્યા નથી અને (લોકોને) અલ્લાહના માર્ગથી અટકાવ્યા છે તેમના કાર્યો તે (અલ્લાહ) રદ કરી નાખશે.”
(સુરએ મોહમ્મદ (47): 1)
ઈબ્ને અબ્બાસે પુછયું: અય અબલ હસન, તમે શા માટે આમ પઢયા?
અમીરૂલ મોઅમેનીન (અ.સ.): મેં કુરઆનની એક આયતની તિલાવત કરી છે.
ઈબ્ને અબ્બાસ: બેશક તમે મુસલમાનોને હુકમ દેવા માટે આ આયત પડી છે.
અમીરૂલ મોઅમેનીન (અ.સ.): હા, બેશક અલ્લાહ તેની કિતાબમાં કહે છે:
وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا
“અને રસુલ તમને જે કાંઈ આપે તે લો; અને જેનાથી તમને મના કરે તેનાથી અટકો.”
(સુરએ હશ્ર (59): 7)
અમીરૂલ મોઅમેનીન (અ.સ.): ‘શું તમે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વિરૂધ્ધ ગવાહી આપો છો કે આપ (સ.અ.વ.)એ તમને ફરમાવ્યું હતું કે ફલાણા અને ફલાણાને ખલીફા તરીકે લેજો?’
ઈબ્ને અબ્બાસ: મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને તમારા સિવાય બીજા કોઈની (ખિલાફત માટે) ભલામણ કરતા નથી સાંભળ્યા.
અમીરૂલ મોઅમેનીન (અ.સ.): ‘તો પછી શા માટે તમે મારી બયઅત ન કરી?
ઈબ્ને અબ્બાસ: લોકો તેના (અબુબકર) ઉપર એકમત થયા તેથી હું તેમની સાથે હતો.
અમીરૂલ મોઅમેનીન (અ.સ.): જેવી રીતે વાછરડાના લોકો વાછરડા (ની પૂજા) ઉપર એકમત હતા (બની ઈસરાઈલના બનાવમાં) આવી રીતે તેઓનું ઈમ્તેહાન થયું હતું. (પછી ઈમામ અ.સ. એ આ આયતતની તિલાવત કરી):
مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَاراً فَلَمَّا أَضَاءتْ مَا حَوْلَهُ ذَهَبَ اللّهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمَاتٍ لاَّ يُبْصِرُونَ
“તેમનો દાખલો તે (માણસ)ના જેવો છે કે જેણે આગ સળગાવી, પછી જ્યારે આગથી ચારેબાજુ (દેખાતું) અજવાળું થયું ત્યારે અલ્લાહે તેમની (આંખોની) રોશની લઈ લીધી અને તેમને એવા એક અંધકારમાં છોડી દીધા કે જેથી હવે તેમને કાંઈ પણ સૂજતું નથી.”
(સુરએ બકરહ (2): 17)
- તફસીરે નુરૂસ્સકલૈનમાં તફસીરે કુમ્મી (અલી ઈબ્ને ઈબ્રાહીમ અલ કુમ્મી)માંથી સુરએ હશ્ર (59): આયત 7 ની તફસીર હેઠળ આ મુજબ વર્ણન થયેલ છે.
ઉપરોક્ત તેમજ બીજી ઘણીબધી હદીસો સ્પષ્ટપણે બતાવે છે કે આપણે કુરઆને કરીમ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હુકમોની વિરૂધ્ધ એકમત ન થઈ શકીએ. અગર આપણે ઇત્તેહાદ કરવો છે તો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હુકમોને માનવા જોઈએ અને આપ(સ.અ.વ.)એ મનાઈ કરેલ કાર્યોથી દૂર રહેવું જોઈએ જે રીતે સુરએ હશ્ર (59): આયત 7 માં ઈશારો થયો છે.
આપણે અમૂક વર્ગના મુસલમાનોની તદર્થ અને વિચિત્ર માંગણીઓને તાબે થઇને ઇત્તેહાદ ન કરી શકીએ, કારણકે આપણને રસુલુલ્લાહ (સ.અ.વ.)થી વધુ કોઈની વાત પ્રિય નથી.
માનવજાતથી ઇત્તેહાદ:
ન ફકત મુસલમાનો સાથે, બલ્કે તેથી પણ આગળ મુળભુત તબક્કે ઇત્તેહાદ જરૂરી છે. આપણી પાસે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના જીવનના ઘણા બધા પ્રસંગો છે જેમાં આપ (સ.અ.વ.)એ કાફીરો અને મદીનાના યહુદીઓની સાથે સામાન બાબતો ઉપર સુલેહ અને શાંતી કરાર કર્યા છે. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) નહજુલ બલાગાહમાં એલાન કરે છે કે ઓછામાં ઓછો સંબંધ જેનો આદર થવો જોઈએ તે માનવતાનો સંબંધ છે. આ આપણા માટે લોકો સાથે જોડાવવા માટે પુરતુ છે.
જ્યારે દેખીતી રીતે દેખાતો ઇત્તેહાદ હકીકતમાં ઇત્તેહાદ નથી:
અમુક લોકો ખોટી રીતે દાવો કરે છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને જનાબે ઝહરા (સ.અ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત પછી ચૂપ થઈ ગયા હતા અને આ બતાવે છે કે તેઓ મદીનાના બનાવોથી સહમત હતા. આ વિષયને ઘણી બધી કિતાબો અને ચર્ચાઓ વડે આસાનીથી રદ કરી શકાય છે. ઈબ્ને તયમીયા પણ કબુલ કરે છે કે હઝરત ઝહરા (સ.અ.) શૈખૈન સાથે છેલ્લી ઘડી સુધી વાત પણ ન કરી અને આપ (સ.અ.)ની દફન વીધી રાત્રીના અંધકારમાં એ હેતુથી હતી કે અનિચ્છનીય લોકોને તેમની દફન વીધીથી દૂર રાખી શકાય.
અગાઉની હદીસ જે ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ વર્ણવેલ છે તે સ્પષ્ટપણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું ખિલાફત સામેના વિરોધ અને પોતાના પિતરાઈ ઈબ્ને અબ્બાસથી નારાઝગી બતાવે છે. જેથી તે દાવાઓ પાછળ કોઈ સત્ય નથી કે આપ (અ.સ.) ચૂપ હતા.
અલબત્ત, અગર ઇત્તેહાદના કારણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ખલીફાઓ સાથે શાંત રહ્યા તો પછી,
- શા માટે આપ (અ.સ.) ત્રણ જંગો કરી જેના પરિણામે હજારો મુસલમાનોનું ખૂન વહયું.
- શા માટે ઇત્તેહાદ ઉપર જંગને અગ્રતા આપી?
- અને ફરી ત્રણ જંગો બાદ ઈમામ હસન (અ.સ.) એ સુલેહ કરી
- શા માટે ઈમામ હુસૈન (અ.સ.)એ જંગ કરી.
- અગર દરેક સમયે ઇત્તેહાદ જરૂરી છે તો શા માટે અઈમ્મા (અ.મુ.સ.) તેના ઉપર બાકી નથી રહ્યા?
તેવીજ રીતે આજે પણ જે મુસલમાનો ઇત્તેહાદને પ્રોત્સાહન આપે છે અમૂક અંશે બીજા મુસલમાન દેશો સાથે જંગો કરી છે. દા.ત. ઉસ્માની રાજ્ય અને સલફીઓ વચ્ચે જંગ અને ઈરાન-ઈરાકની આઠ વર્ષની જંગ. આ જંગોમાં લાખોની સંખ્યામાં મુસલમાનો કત્લ થયા છે તેથી આપણે તેના ઉપર ઢાંકપિછોડો નથી કરી શકતા જેવી રીતે મુસલમાનો જમલ, નહેરવાન, સીફફીન અને કરબલા ઉપર ઢાંકપિછોડો કરે છે.
તેથી ઇત્તેહાદ ત્યાં સુધી યોગ્ય છે જ્યાં સુધી તે બન્ને પક્ષોના સામાન્ય મકસદો હાસીલ થાય છે. નહીતો ઇત્તેહાદ ફકત એક મૃગજળ છે.
ઇત્તેહાદ કેવી રીતે બનાવટી હોય:
અઈમ્મા (અ.મુ.સ.) ત્યાં સુધી ઇત્તેહાદ જાળવી રાખતા જ્યાં સુધી પવિત્ર કુરઆન અને સહીહ સુન્નતની સાથે સુસંગત હોય. જ્યારે તે દીનના આ બન્ને પાયાઓની વિરૂધ્ધ જતું તો તેઓ ઇત્તેહાદને છોડી દેતા હતા.
આજના ઝમાનામાં અગાઉના ઝમાના મુજબ અગર આપણે મુસલમાનો સાથે ઇત્તેહાદ કરવો છે તો પછી તે બાબતોમાં હોવો જોઈએ જેમાં મોટા ભાગના ફીર્કાઓ એકમત હોય. આ બાબતોમાં સમાવેશ થશે:
1) શહાદતૈન (બે ગવાહીઓ)
2) કુરઆન જે આપણી દરમ્યાન છે કારણકે આપણને બધાને હુકમ કરવામાં આવ્યો છે તે જે રીતે છે તેવીજ રીતે તેને લેવામાં આવે.
3) હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), કેમકે તેમના દરજ્જા બાબતે (ઈજમાઅ) એકમત છે.
4) ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) કારણકે બધા માને છે કે તેઓ (અ.મુ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.
5) ઈમામ હુસૈન (અ.સ.)ના નવ ફરઝંદો કારણકે બધા કબુલ કરે છે કે તેઓ (અ.મુ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદ છે.
6) જનાબે ઝહરા (સ.અ.) કારણકે આપ (સ.અ.) જન્નતની સ્ત્રીઓના સરદાર છે.
7) સહાબીઓ જેમકે સલમાને મોહમ્મદી (ર.અ.), અબુઝર (ર.અ.), મીકદાદ (ર.અ.) કારણકે તેમના બાબતે એકમત છે.
8) પત્નિઓ જેમકે ઉમ્મુલ મોઅમેનીન ખદીજા (સ.અ.), ઉમ્મે સલમા (ર.અ.) જેઓએ પત્નિઓ બાબતના અલ્લાહના હુકમોની ફરમાબરદારી કરી.
9) પોતાને કાફીરો અને મુનાફીકોથી દૂર રાખવા જેમકે કુરઆનને હુકમ કર્યો છે.
ઇત્તેહાદથી ઝુહુરમાં જલ્દી થશે:
ઝમાનાના ઈમામ, ઈમામ મહદી (અ.ત.ફ.શ.)એ એહલેબૈત (અ.મુ.સ.)ના ચાહવાવાળાઓથી ઇત્તેહાદની ઈચ્છા સર્વથી વધારે સ્પષ્ટપણે જાહેર કરી છે. અલબત્ત અગર ઇત્તેહાદ હોત તો ઈમામ મહદી (અ.ત.ફ.શ.)નો ઝુહુર જલ્દી થઈ ગયો હતો જેમકે ખુદ આપ (અ.ત.ફ.શ.) ફરમાવે છે:
وَ لَوْ أَنَّ أَشْيَاعَنَا وَفَّقَهُمُ اللهُ لِطَاعَتِهِ عَلَى اجْتِمَاعٍ مِنَ الْقُلُوبِ فِي الْوَفَاءِ بِالْعَهْدِ عَلَيْهِمْ لَمَا تَأَخَّرَ عَنْهُمُ الْيُمْنُ بِلِقَائِنَا وَ لَتَعَجَّلَتْ لَهُمُ السَّعَادَةُ بِمُشَاهَدَتِنَا عَلَى حَقِّ الْمَعْرِفَةِ وَ صِدْقِهَا مِنْهُمْ بِنَا
‘અને અગર અમારા શીઆઓ (અલ્લાહ તેઓને ઈતાઅતની તૌફીક અતા કરે) અમારી સાથે કરેલા વાયદાને પાળવામાં એક દીલ હોત તો અમારી બાબરકત મુલાકાતમાં મોડુ ન થાત અને તેઓ માઅરેફત અને સચ્ચાઈની સાથે અમારા દિદારની ખુશનસીબી જલ્દી પામતે.’
Be the first to comment