ઈતિહાસમાં ગદીરે ખુમ એક એવી રોશન (સ્પષ્ટ) હકીકત છે કે અગર બુગ્ઝ રાખનાર લોકો તેને મિટાવવા ચાહે તો મિટાવી નહી શકે. ૧૮ ઝીલ્હજ્જ, હિજરી સન ૧૦, એ દિવસ કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની રેહલતનું તેમજ તેમના બાદ તેમના ૧૨ જાનશીનોનું જાહેરી એલાન કર્યું અને ૧૨ જાનશીનોની સમગ્ર મુસલમાન ઉમ્મતને ઓળખાણ કરાવી. તે દિવસે બધા જ અલી (અ.સ.)ની બિલાફસ્લ ખિલાફત, તાજપોશી અને આપ (અ.સ.)ની ઈમામતના હોદ્દા ઉપર નિમણુંકની પ્રશંસામાં શેઅર પઢી રહ્યા હતા. જ્યારે અમુક લોકો ‘મુબારકબાદી’ આપવા આગળ આવ્યા, બીજાઓ જેમકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના મશ્હુર શાયર હસ્સાન બિન સાબિતે અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની શાનમાં અશ્આર કહ્યા.
‘જેનો જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) મૌલા છે’ ના એલાને મુનાફીકોના ષડયંત્રને તોડી નાખ્યું.
ગદીર એવી હકીકત છે કે જે મશ્હુર અને પ્રખ્યાત મુસલમાન આલિમોએ પોતાની કિતાબોમાં નોંધી છે. આ એ દિવસ છે કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને તેમના બાદ હિદાયત અને ઇમામતના સિલસિલાના બારામાં સવાલ કરવામાં આવ્યો તો આપ (સ.અ.વ.)એ ઇલાહી હુકમ અનુસાર જવાબમાં હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની લોકો માટે ઈમામ, હાદી અને સરદાર તરીકે નિમણુંક કરી. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ આ પહેલા ઘણા બધા બનાવોમાં હઝરત અલી (અ.સ)ની પોતાના પછી ઈમામ તરીકે નિમણુંક કરેલી હતી. અલી (અ.સ.)ની ઇમામત અને વિલાયતની દલીલ કુરઆને કરીમની વિવિધ આયતો અને રસુલ (સ.અ.વ.)ની હદીસોથી સાબિત છે. પવિત્ર કુરઆનની ૫૦૦ કરતા વધારે આયતો અલી (અ.સ.)ની શાનમાં નાઝીલ થઈ છે. કોઈ પણ વિષય ઉપર કિતાબોમાં આટલી હદીસો લખવામાં નથી આવી જેટલા પ્રમાણમાં આ વિષય ઉપર હદીસો લખવામાં આવી છે.
અમુક લોકો એવું માને છે કે અગર શીઆઓ અલી (અ.સ.)ની ઇમામત અને વિલાયત બાબતે જે આયતો અને હદીસો રજુ કરે છે તે અગર સાચી હોય તો પછી શા માટે અલી (અ.સ.)એ પોતાની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની જાનશીની માટે આ દલીલો આપ (સ.અ.વ.)ની રેહલત બાદ રજુ ન કરી જેથી આપ (અ.સ.)ની ખિલાફત તરીકે હક્કાનીય્યત સાબિત કરી શકે. તેથી આ સાબિત કરે છે કે યા તો આ હદીસો અલી (અ.સ.)ની નઝરમાં કોઈ મહત્વ નથી ધરાવતી અથવા તો આપ (અ.સ.) અબુબક્રની ખિલાફતના હોદ્દા માટે પસંદગીથી સંતુષ્ઠ છે. આના જવાબમાં એ કહેવું યોગ્ય ગણાશે કે આ વિષય ઉપર સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો છે અને અમે તે હદીસો રજુ કરીએ છે કે જે ખુદ અલી (અ.સ.)એ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની રેહલત પછી પોતાની ઇમામતને સાબિત કરવા માટે પુરાવા તરીકે રજુ કરી છે અને આ હદીસો એહલે સુન્નતની કિતાબોમાં પણ વર્ણન થયેલી છે.
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને વસીય્યત:
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના આખરી દિવસોમાં જ્યારે આપ (સ.અ.વ.) બીમારીના કારણે પથારીવશ હતા ત્યારે આપ (સ.અ.વ.)એ પોતાની દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને એહલેબય્ત (અ.મુ.સ.)ના ફઝાએલ બયાન કર્યા અને અલી (અ.સ.)ને સંબોધીને ફરમાવ્યું:
‘મારા ચહિતા ભાઈ! બેશક મારી પછી તમને કુરૈશના હાથોથી એ હદે સતાવવામાં આવશે કે તેઓ તમારા ઉપર ઝુલ્મ કરશે. અગર તમે મદદગાર પામો તો તમારી ઉપર ઝુલ્મ કરનાર સાથે જંગ કરજો. અગર તમે કોઈ મદદગાર અને સમર્થક ન પામો તો સબ્ર કરજો અને તમારા હાથોને જંગ કરવાથી રોકી રાખજો અને પોતાની ઝાતને નાશ ન થવા દેતા, કારણકે તમારી મંઝેલત મારી નઝદીક એવી જ છે જેવી હારૂન (અ.સ.)ની મુસા (અ.સ.) પાસે હતી અને તમારામાં હારૂન (અ.સ.)નું શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યારે તેમને પોતાના ભાઈ મુસા (અ.સ.)ને ફરમાવ્યું: ‘બેશક લોકોએ મને કમઝોર બનાવી દીધો અને મને મારી નાખવાની અણી ઉપર હતા.’ (સુરએ આઅરાફ, આયત ૧૫૦)
(કિતાબ સુલૈમ બિન કૈસ, હદીસ ૧, બેહારૂલ અન્વાર, ભા. ૨૮, પા. ૫૪)
આ વસીય્યત ઉપર અમલ કરતા અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ લોકો સમક્ષ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી અલગ અલગ પ્રકારે પોતાનો હક્ક બયાન કર્યો. આપ (અ.સ.)એ પોતાની દલીલો માટે આજ બધી આયતો અને દલીલો ઉપયોગ કર્યો કે જે અલ્લાહે આપ (અ.સ.)ની શાનમાં નાઝીલ કરી હતી અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ વર્ણવી હતી. આ અલી (અ.સ.)ની દલીલો એ હકીકતની સાબિતી છે કે આપ (અ.સ.)એ પોતાના ઈમામત અને ખિલાફતના હક્ક માટે બનતી કોશિશ કરી હતી કારણકે અલ્લાહ અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) મુજબ રસુલ (સ.અ.વ.)ની રેહલત પછી ફક્ત અલી (અ.સ.) જ લાયક હતા કે જે માનવજાત માટે હાદી અને સરદાર બની શકે. પરંતુ થોડા ભરોસાપાત્ર સહાબીઓને છોડીને દરેકે આપ (અ.સ.)ની દલીલોની અવગણના કરી. એક દલીલમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ‘હદીસે તૈર’ રજુ કરી.
‘હદીસે તૈર’ (حديث الطير)
અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી નકલ છે કે આપ (અ.સ.)એ લોકો સમક્ષ નીચેની દલીલ રજુ કરી:
“હું અલ્લાહની કસમ ખાવ છું! શું તમારાથી છે કોઈ કે જે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ને મારા કરતા વધારે ચહીતુ હોય? …હદીસે તૈર (પક્ષી)ના દિવસે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું: ‘અય અલ્લાહ! તારી સૌથી ચાહીતી મખ્લુકને મારી પાસે મોકલ કે જે આ પક્ષીનું ગોશ્ત મારી સાથે ખાઈ.’ અને પછી હું દાખલ થયો. પછી અલી (અ.સ.)એ ફરમાવ્યું: ‘અય અલ્લાહ! શું તારા રસુલ (સ.અ.વ.)ની નઝદીક મારા કરતા વધારે નઝદીક છે?’ બધા લોકોએ કહ્યું: ‘બેશક નહિ.’
(તારીખે દમિશ્ક, ભા. ૪૨, પા. ૪૩૨, ખ્વારઝમીની મનાકીબ, પા. ૩૧૪)
આ હદીસ એહલે તસનુનની બીજી કિતાબોમાં પણ જોવા મળે છે. જેમકે
(ફરાએદુસ સીમ્તૈન, ભા. ૧, પા. ૨૦૯-૨૦૧૫)
આ બનાવના બારામાં બીજી એક હદીસમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે,
‘હબારી નામનું એક પક્ષી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને તોહફામાં આપવામાં આવ્યું હતું અને આપ (સ.અ.વ.)ના હાથમાં હતું. તે સમયે અનસ બિન માલિક દરવાન હતા. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ પોતાના હાથો અલ્લાહની બારગાહમાં બલંદ કર્યા અને દોઆ કરી: “અય અલ્લાહ! તારી સૌથી ચહીતી મખ્લુકને મોકલ કે જે મારી સાથે આ પક્ષીનું ગોશ્ત ખાઈ શકે.” તે સમયે અલી ઇબ્ને અલી તાલિબ (અ.સ.) આવ્યા અને દાખલ થવાની પરવાનગી માંગી. પરંતુ અનસ બિન માલિકે કહ્યું: “રસુલુલ્લાહ (સ.અ.વ.) અત્યારે વ્યસ્ત છે”. આ સાંભળી અલી (અ.સ.) ચાલ્યા ગયા. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ બીજી વખત દોઆ કરી અને અલી (અ.સ.) આવ્યા અને પરવાનગી માંગી. ફરી અનસ બિન માલિકે કહ્યું: ‘રસુલુલ્લાહ (સ.અ.વ.) અત્યારે વ્યસ્ત છે’ અને અલી (અ.સ.) પાછા ફર્યા. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ત્રીજી વખત દોઆ કરી અને અલી (અ.સ.) આવ્યા અને પરવાનગી માંગી. આ વખતે અનસ બિન માલિકે દાખલ થવા દીધા. જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને જોયા આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “અલ્લાહની કસમ! મારી નઝદીક આવો.” પછી અલી (અ.સ.)એ તેમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે ખાધું. જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ખત્મ કર્યું ત્યારે અલી (અ.સ.) ચાલ્યા ગયા. અનસ કહે છે, “હું અલી (અ.સ.)ની પાછળ ગયો અને તેમને કહ્યું “અય અબલ હસન! મને માફ કરી દો કારણકે મેં તમારી સાથે ગુનાહ કર્યો પરંતુ હું તમારા માટે એક ખુશખબરી લાવ્યો છું.” પછી અનસ જે કઈ રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું હતું તેની ત્રણ વખત તકરાર કરે છે. અલી (અ.સ.)એ અલ્લાહના વખાણ કર્યા, અનસ માટે ઇસ્તેગ્ફાર કર્યો અને તેનાથી રાઝી થયા કારણકે હું તેમના માટે ખુશખબરી લાવ્યો હતો.”
(તારીખે દમીશ્ક, ભા. ૪૨, પા. ૨૪૫)
આ હદીસ ન ફક્ત એ હકીકત સાબિત કરે છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની નઝદીક સૌથી વધારે ચહિતા છે બલ્કે અલી (અ.સ.)નું અલ્લાહ પાસે અનસ બિન માલિક માટે ઇસ્તેગ્ફાર કરવું બતાવે છે કે અગર કોઈ અલી (અ.સ.)ની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી નઝદીકી ઉપર શક કરે અથવા અજાણતા અગર તેઓ બન્નેને જુદા કરવાની કોશિશ કરે તો તે અલ્લાહના ગઝબને આમંત્રણ આપે છે. અગર આવું ન હોત તો અલી (અ.સ.) અનસ માટે ઇસ્તેગ્ફાર ન કરત.
એવી ઘણી બધી હદીસો છે કે જે સાબિત કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી અમીરૂલ મોઅમેનીન (અ.સ.) કરતા વધારે કોઈ નઝદીક નથી. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી આપ (અ.સ.)એ પોતાની રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નઝદીકી અને નિકટતાના આધારે લોકોને પોતાની ઇમામત અને ખિલાફત તરફ દઅવત આપી. પરંતુ લોકોએ તે હકીકત કબુલ ન કરી અને અલી (અ.સ.)ની બયઅત કરવાનો ઇન્કાર કરી દીધો. લોકોએ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના હુકમની પણ અવગણના કરી કે જેમાં આપ (સ.અ.વ.)એ હુકમ કર્યો હતો કે તેમના પછી અલી (અ.સ.) લોકો માટે ઈમામ, સરદાર અને હાદી છે. ઇબ્ને અબી લયલા અલ ગફ્ફારી નકલ કરે છે કે તેણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને ફરમાવતા સાંભળ્યા છે:
“બેશક મારી પછી અંધાધૂંધી ફેલાય હશે. જ્યારે આવું થાય ત્યારે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ને વળગી રહેજો કારણકે તેઓ (અ.સ.) મારા ઉપર સૌથી પહેલા ઈમાન લાવ્યા હતા અને કયામતના દિવસે મારી સાથે સૌથી પહેલા હાથ મેળવનાર હશે. તેઓ ઉમ્મતમાં સિદ્દીકે અકબર (સૌથી સાચા ઇન્સાન) અને ફારૂકે આઅઝમ (હક્ક અને બાતીલને પારખનાર) છે. તેઓ તમામ મોઅમીનોના સરદાર છે અને માલ એ મુનાફીકોનો સરદાર છે.’
(અલ ઈસાબાહ, ભા. ૧, પ્ર. ૧, પા. ૧૬૭)
તમામ વખાણ તેના માટે છે જેણે આપણને તેઓમાં શુમાર કર્યો કે જેઓ અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના બાદ અઈમ્મા (અ.મુ.સ.)ની વિલાયત સાથે મુતમસ્સિક રાખ્યા.
Be the first to comment