ઝીયારતે અરબઇનની વિશિષ્ટતા

વાંચવાનો સમય: 2 મિનિટ

એહલેબય્ત (અ.મુ.સ.)ની તાઅલીમાતમાં બુઝુર્ગોની કબ્રોની ઝીયારત કરવાનું એક ખાસ મહત્વ છે. કુરબતન એલલલ્લાહની નિય્યતથી પાક હસ્તીઓની કબ્રો ઉપર જવું મઝહબે શિયામાં સારા (ઉમદા) કાર્ય ગણવામાં આવે છે.આજ કારણ છે કે અઈમ્મા (અ.મુ.સ)ની ઝીયારતની ખૂબજ વધારે તાકીદ કરવામાં આવી છે. અને આ અમલનો ખૂબજ વધારે સવાબ વર્ણવવામાં આવ્યો છે. એહલેબય્તે અત્હાર (અ.મુ.સ.)ની કબ્રોની ઝીયારતનો સવાબ અમુક  રીવાયતોમાં બીજી મહત્વની ઇબાદતોથી ઘણો વધારે ગણો વર્ણવવામાં આવ્યો છે. ખાસ કરીને ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્ર મુબારકની ઝીયારતનો સવાબ ઘણી હજ્જો અને ઉમરાહથી વધારે નોંધવામાં આવ્યો છે.રીવાયતોમાંથી એ પણ જાણવા મળે  છે કે અમુક દિવસોમાં સિબ્તે અસગર ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત વર્ષના બીજા દિવસોની ઝીયારત કરતા વધારે મહત્વ ધરાવે છે. આ ખાસ દિવસોમાં અરબઇનનો દિવસ પણ શામેલ છે.છેલ્લા ઘણા વર્ષોથી એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈમામ હુસૈન અ.સ.ના ચેહલુમ(ચાલીસમા) ઉપર લાખોની સંખ્યામાં મઝ્લુમે કરબલાના ચાહવાવાળા અકીદતનો ઈઝહાર કરીને નજ્ફથી કરબલાનો સફર પગપાળા ચાલીને કરે છે.આ મોટા મજમામાં પુરુષ,સ્ત્રી,જવાન,બચ્ચાઓ,બુઢા બધી વયના લોકો મૌજુદ હોય છે. ઝીયારતે અરબઇનની એક વિશિષ્ટતા એ છે કે આટલો મોટો મજ્મો દુન્યાની કોઈ જગ્યાએ એક સમયે ભેગો થતો નથી.

ઝીયારતે અરબઇનની એક વિશિષ્ટતા અને ફઝીલત ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની આ રિવાયત ઉપરથી સ્પષ્ટરીતે જાહેર થાય છે.જેમાં આપ (અ.સ.)એ ફરમાવ્યું મોઅમીનની પાંચ નિશાનીઓ છે.પેહલી દરરોજ એકાવન (૫૧) રકાત નમાઝ પઢે ,બીજું ઝીયારતે અરબઇન પઢે, ત્રીજું જમણા હાથમાં વીટી પેહરે,ચોથું માટી ઉપર સજદો કરે ,અને પાંચમું ઉચા અવાજથી બિસ્મિલ્લાહ પઢે (નમાઝમાં સુરે હમ્દ અને બીજા સુરાની શરૂઆતમાં)

(મફાતીહુલ જીનાન: ઝીયારતે અરબઇન)

આ રીવાયતમાં ઝીયારતે અરબઇનને મોઅમીનની પાંચ નિશાનીઓમાંથી બીજી નિશાનીમાં શુમાર કરવામાં આવ્યો છે. ધ્યાનમાં લેવા જેવું છે કે અઈમ્માએ માસૂમીન (અ.મુ.સ.)એ પોતાના શિયાઓને ખાસ કરીને ઈમામ હુસૈન (અ.સ.)ની ઝીયારતની તાકીદ કરી છે. અમુક રીવાયતમાં વીસ(૨૦) હજ્જનો સવાબ નોંધવામાં આવ્યો છે તો અમુકમાં એશી(૮૦) હજ્જનો સવાબ નોંધવામાં આવ્યો છે. ઝીયારતે અરબઇનની વિશિષ્ટતા એ છે કે આ દિવસની ઝીયારતને કોઈ શખ્સને ‘મોઅમીન’ હોવાની નિશાની બતાવવામાં આવી છે. આથી જયારે કોઈ શખ્સ આ દિવસે  સૈયદદુશોહદા (અ.સ)ની ઝીયારત કરે છે તો તે ખુબ વધારે સવાબ હાસીલ કરવાની  સાથે સાથે અલ્લાહની બારગાહથી મોઅમીન હોવાની સનદ પણ હાસીલ કરે છે.  કદાચ આજ કારણ હતું કે ઈમામ સાદિક (અ.સ.)એ અરબઈનના આદર અને સન્માનની  તાકીદ કરતા પોતાના નજીકના સહાબી જનાબ સફ્વાન ઇબ્ને મેહરાન જમ્માલને ઝીયારતે અરબઇન શીખવાડી.જેની શરૂઆત આ શબ્દથી થાય છે.

اٙلسّٙلاٙمُ عٙلیٰ وٙلِیِّ اللّٰہِ وٙ حٙبِیْبِہِ

(મીસ્બાહુલ મુતહજ્જીદ શેખ તુસી પાના.૭૮૮-૭૮૯)

મર્હુમ શેખ અબ્બાસ કુમ્મી(ર.અ.)એ પોતાની કિતાબ મફાતીહુલ જીનાનમાં અરબઇનના દિવસની ઝીયારતના વિષે જુમલાઓની સાથે સાથે એક વધારે જુમલાનો ઝીક્ર કર્યો છે.ઝીયારતના આ જુમલાને ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્રે મુબારકના સૌથી પેહલા ઝાએર અને રસુલે ઈસ્લામ (સ.અ.વ.)ના બુઝુર્ગ સહાબી જનાબ જાબીર બિન અબ્દુલ્લાહ અન્સારીએ પડયા હતા. .શેખ અબ્બાસ કુમ્મી (ર.અ.)એ આ ઝીયારતને સંપૂર્ણપણે ૧૫ રજબની ખાસ ઝીયારતમાં નકલ કર્યું છે. જેના શરૂઆતના જુમલા આ છે:

السلام علیکم یا آل الله

ઇતિહાસની દ્રષ્ટિએ સૌથી પેહલા જે ઝીયારત કબ્રે સય્ય્દુશશોહદા (અ.સ) ઉપર પઢવામાં આવી તે અરબઇનના દિવસની ઝીયારત હતી.જે જનાબ જાબીર અને તેમના સાથી અતાએ પઢી હતી.ત્યારથી આજ સુધી જમાનો ગુજરતો ગયો એકથી એક બાદશાહોએ હુકુમતો કરી અને પોતાની મુજબ ઝીયારતે ઈમામ હુસૈન (અ.સ.) ઉપર પાબંદી લગાડી. પરતું ૬૧ હિજ્રીના અરબઇનના  દિવસે જે આ કબ્રે શોહ્દાએ કરબલા (અ.સ.)ની ઝીયારતનો સિલસિલો શરુ કરવામાં આવ્યો હતો જે આજ સુધી ચાલુ છે.

Be the first to comment

Leave a Reply