શા માટે શિયાઓ ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્રની માટી પર સજદો અદા કરે છે?

વાંચવાનો સમય: 4 મિનિટ

કરબલા કે જ્યાં ઈમામ હુસૈન (અ.સ)ના રોઝા મુબારક છે તેની માટી પર સજદો કરવાની શિયાઓની પ્રણાલી પર શંકાખોરો દ્વારા ઘણા પ્રશ્નો અને શંકાઓ ઉભી કરવામાં આવે છે. આ શંકાઓને શિર્કના આરોપોથી લઇ ગુલુવ (અતિશયોક્તિ)ના આરોપો સુધી લઇ જવામાં આવે છે.

શિયાઓ શા માટે મોટા ભાગના મુસલમાનો કે જેઓ માને છે કે સજદો કાર્પેટ,પાઘડી નું કપડું,અને તેની જેવા પદાર્થો પર જાએઝ છે,તેની બિલકુલ વિરુદ્ધ તારણ પર પહોચ્યા?

 

જવાબ:

  1. શિયા ફિકહમાં સકલૈનની ભૂમિકા

શિયાઓ તેની ફીકહના આધારે કે જે પવિત્ર કુરાન અને માસૂમ ઈમામો (અ.મુ.સ.)ના હુકમો મુજબ છે અને તે મુજબ તેનો અકીદો છે કે સજદો ફક્ત ઝમીન, પથ્થર, લાકડા અને તેના જેવી ચીજો પર જ જાએઝ છે. બીજા શબ્દોમાં કહીએ તો, જે કંઈપણ વસ્તુ જે પહેરવામાં આવે છે (મલબૂસ) અથવા ખાવામાં આવે છે (મકૂલ) તેની ઉપર કોઈપણ સંજોગોમાં સજદો હરામ છે.શિયાઓ અહલેબૈત (અ.મુ.સ.) ની હદીસોનું પાલન કરે છે જેને હદીસ એ સકલૈન ધ્વારા પવિત્ર કુરાનની સમાન જાહેર કરવામાં આવી છે.

 

  • સહીહ મુસ્લિમ ભાગ. 4 પેજ 1873,હદીસ ૨૪૦૬, કિતાબ ફૈઝાન અલ-સહાબા પ્રકરણ- 4 બાબ ફઝાએલે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.).

 

  1. અહલેબૈત (.મુ.સ.) પ્રમાણે સહીહ સજદો

 

અહલેબૈત (અ.મુ.સ.) એ માત્ર ઝમીન અને તેના  બિન-ઉપયોગી -ઉત્પાદનો જેમ કે પથ્થર, ટાઇલ્સ, પાંદડા, લાકડા વગેરે પર સજદાને જાએઝ ગણ્યો છે.

કપડા, કાર્પેટ, પાઘડીનું કપડું વગેરે પર એહલેબૈત (અ.મુ.સ.)ના હુકમ મુજબ સજદો જાએઝ નથી.

આ વિષય પરની ઘણી બધી રીવાય્તોમાંથી અમે અમે એક સ્પષ્ટ રિવાયત રજુ કરીએ છીએ.

હિશામ બિન હકમ કહે છે – મેં ઇમામ સાદિક (અ.સ.)ને પૂછ્યું: સજદો કઈ ચીજો પર જાએઝ છે?

આપ (અ.સ.) એ જવાબ આપ્યો, “સજદો બીજી કોઈ ચીજ પર જાએઝ નથી સિવાય કે ઝમીન પર અથવા જે કઈ ઝમીન માંથી ઊગે છે અને તેનો ઉપયોગ પહેરવામાં અથવા ખાવામાં કરવામાં નો આવતો હોય તેના પર”

મેં ઈમામ (અ.સ.)ને પૂછ્યું: મારી જાન આપના પર કુરબાન, આનું કારણ શું છે?

ઇમામ (અ.સ.) એ જવાબ આપ્યો, “કારણ કે સજદો માત્ર અલ્લાહ માટે છે અને અલ્લાહ સમક્ષ વીનમ્રતા માટે છે; તેથી, ખાદ્ય અને પહેરી શકાય તેવી વસ્તુઓ પર સજદો કરવો યોગ્ય નથી કારણ કે દુનિયાની મોહબ્બતવાળા ખાદ્ય અને પહેરી શકાય તેવી વસ્તુઓના ગુલામ છે. એવો વ્યક્તિ કે જે ફક્ત સર્વશક્તિમાન અલ્લાહનેજ સંપૂર્ણ રીતે સજદો કરે છે, તેની માટે તેના કપાળ પર એવી વસ્તુ રાખવી યોગ્ય નથી કે જેના દ્વારા હુબ્બે દુનિયાવાળાઓને છેતરવામાં આવ્યા હોય.

વસાએલ અલ-શિયા ભાગ. 5 પા ૩૪૩,હદીસ ૧.

 

  1. શું કરબલાની માટી પર સજદો કરવો વાજીબ છે?

 

શિયાઓ કરબલાની માટી પર સજદાને ફરજિયાત (વાજીબ) માનતા નથી. બલ્કે, તેઓ માને છે કે કરબલાની પવિત્ર અને શુદ્ધ માટી પર સજદો કરવાની ખૂબ ભલામણ (મુસ્તહબ) કરવામાં આવે છે . પવિત્ર પયગંબર (સ.અ.વ.) તેમજ આપની પવિત્ર આલની હદીસોનું આ જ તારણ છે.

આ વિષય પર અલ્લામા અમીની (ર.અ.) કહે છે: અમે (શિયાઓ) ઈમામ હુસૈન (અ.સ.)ના રોઝા મુબારક (કરબલા)ની માટી માંથી વિવિધ કદના ટુકડાઓ કોતરીએ છીએ અને સજદા દરમિયાન કપાળ તેના પર રાખીએ છીએ. આ એ જ સુન્નત છે જે એહલે તસન્નુંન ફિકહના આલીમ (ફ્કીહ) અને ખલીફાઓના અનુયાયી મસરૂક ઇબને અજદાહ દ્વારા અંજામ આપવામાં આવે છે. તેઓ હંમેશા મદીનાની માટીનો ટુકડો (સમુદ્રયાત્રા દરમિયાન) લઈ જવાની કાળજી રાખતા અને તેના પર સજદો કરતા.

(અલ-તબકાત અલ-કુબ્રા ભાગ 6 પા 79)

શું આપણે કહી શકીએ કે મદીનાના એક આલીમ, ફકીહ અને સુન્નતના શિક્ષક એક બિદઅત ગુઝાર હતા અને તેમનું કાર્ય અયોગ્ય હતું?

 

  • અલ્લામા અમીની (ર.અ.) ની અલ-સુજુદ અલા અલ-તુર્બાહ અલ-હુસૈનીયા પા ૬૬

 

અલ્લામા શેખ કાશીફ અલ-ગેતા (રહે.) આ સંદર્ભમાં કહે છે:

ઇમામ હુસૈન (અ.સ.)ના રોઝા મુબારકની માટી પર સજદા કરવા પાછળ કદાચ શિયાઓનો હેતુ એ છે કે બીજી દરેક માટી અને કાર્પેટની સરખામણીમાં તે સૌથી શુદ્ધ અને પવિત્ર માટી છે. ઉચ્ચ ઉદ્દેશ્ય એ છે કે જ્યારે કોઈ ઈબાદત ગુઝાર નમાઝમાં તેનું કપાળ આ માટી પર ટેકવે છે, ત્યારે તે ઇમામ હુસૈન (અ.સ.) અને તેમના પરિવારની શુજાઅત અને કુરબાનીને યાદ કરીને પોતાની ઇબાદતને શણગારે છે અને તેનાથી તેની માન્યતા અને ઝુલ્મ સામે સંઘર્ષ વધુ મજબૂત બની જાય છે.

નમાઝમાં સજદો એ સૌથી મહત્વપૂર્ણ ક્રિયા છે અને હદીસોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે સજદા દરમિયાન બંદો અલ્લાહથી સૌથી વધારે નઝદિક હોય છે . તેથી,એવી પવિત્ર માટી પર કપાળ ટેકવવું યોગ્ય છે કે જે અલ્લાહની રાહમાં પોતાનું જીવન કુરબાન કરનાર વ્યક્તિઑની યાદ અપાવે છે . આમ ઈબાદત ગુઝારની રૂહને સંપૂર્ણપણે અલગ અનુભવ થશે જેનાથી તે વિનમ્ર બનશે  અને તેના પરિણામે તેની રૂહ ઉચ્ચ દરજ્જા પર પહોંચશે  અને આ હલ્કી દુનિયા અને તેની લૌકિક શણગારની કિંમત તેને અર્થહીન લાગશે . આ કરબલાની પવિત્ર માટી પર સજદો કરવાનો ઉદ્દેશ્ય આ હોઈ શકે છે. તેવી જ રીતે, હદીસોમાં તે વર્ણવવામાં આવ્યું છે કે સજદો સાત આકાશના પડદાને વીંધે છે. હકીકતમાં  સજદો એ આ દુનિયાથી આસમાની દુનિયામાં  દુનિયાઑના પરવરદિગારની નજીક બલંદી અને ઉચ્ચતાનું પ્રતીક છે.

 

  • અલ્લામા શેખ જાફર કાશિફ અલ-ગેતા (રહે.) ની અલ-અર્ઝ વ અલ-તુર્બાહ અલ-હુસૈનીયાહ પા. 24

 

કરબલાની પવિત્ર માટીની શ્રેષ્ઠતા,અસર,અને રહમતોની  બરાબરી કોઈપણ ઝમીનની માટી સાથે નથી થઇ શકતી કરબલાની માટી જન્નતનો એક ભાગ છે. અલ્લાહ, સર્વશક્તિમાને   ઇમામ હુસૈન (અ.સ.)ની  અલ્લાહની રાહમાં અઝીમ કુરબાનીના આદર અને સન્માનના કારણે તેમની માટીને બરકતો, ઉચ્ચતા  અને શફાથી સુશોભિત કરી છે.

 

જેવી રીતે આપણે ઝિયારતે આશુરામાં પડીએ છીએ: ‘અય અલ્લાહ, મને ઇમામ હુસૈન (અ.સ.)ના વસીલાથી આ દુનિયા અને આખેરતમાં ઈઝઝત અતા કર’, આપણે કહી શકીએ કે ઇમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર માટી પર નિયમિત સજદો કરવાથી આપણને આ દુનિયા અને આખેરતમાં આદર અને સન્માન અતા થશે.

 

  1. કરબલાની માટી પર સજદો

 

કરબલાની માટી પર સજદાનું મહત્વ અને નમાઝી પર તેની અસર વિષે અસંખ્ય હદીસો જોવા મળે છે

ઈમામ સાદિક (અ.સ.) પાસે પીળી થેલી હતી જેમાં તેઓ ઈમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર કબ્રની માટીને રાખતા હતા . જ્યારે પણ આપ (અ.સ) નમાઝ પઢતા ત્યારે તેઓ તે માટીને સજદાની જગ્યા પર મૂકતા અને તેની પર સજદો બજાવી લાવતા.

આપ(અ. સ) એ ફરમાવ્યું , “ઇમામ હુસૈન (અ.સ.)ની કબ્રની માટી પર સજદો સાત પડદાને વીંધી નાખે છે એટલે કે તે સાતમા આસમાન સુધી લઈ જાય છે અને નમાઝો કબૂલ થાય છે.”

વસાએલ અલ-શિયા ભાગ 5 પા. 366 હદીસ 3