અમુક કહેવાતા મુસલમાનો શિયાઓ પર, પાયાવિહોણા અને વાહિયાત આરોપો મુકે છે તેઓના આરોપોમાંથી એક આરોપ એવો છે કે શિયાઓ માસુમ ઈમામો (અ.મુ.સ.)ના દરજ્જાને અતિશય વધારીને રજૂ કરે છે, ખાસ કરીને અમીરુલ મોમીનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વિષે તેઓ દાવો કરે છે કે શિયાઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને સહાબીઓ અને નબીઓ કરતા પણ ઉચ્ચ દરજ્જા પર ગણે છે, અને કેટલાક કટ્ટરપંથી મુસલમાનો શિયાઓ પર એવા ખોટા આરોપો મૂકે છે કે તેઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ)ને ખુદાઇનો દરજ્જો આપે છે અને આવા આરોપોના આધારે તેઓ શિયાઓને બેઈમાન – કાફિર અને મુશરીક (શિર્ક) હોવાનો પણ આરોપ લગાવે છે.
જવાબ
એવું લાગે છે કે આ આરોપો શિયાઓને કાફીર તરીકે ઓળખાવવાના અને આતંકવાદીઓને તેમનું લોહી વહેવડાવવાનું લાયસન્સ આપવાના એકમાત્ર હેતુથી ઘડવામાં આવ્યા હતા.
અધુરામાં પૂરુ આ આરોપો મુસલમાનોને ઘોર અંધકારમાં હોવાનું સ્પષ્ટપણે દેખાડે છે કારણકે તેઓ ખુદ પોતાની કિતાબો અને તેમના આલીમોના ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ) વિષેના મંતવ્યોથી જાણકાર નથી.
શિયાઓ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ)ની ફ્ઝીલત (શ્રેષ્ઠતા) સાબિત કરવા માટે ફક્ત પોતાની કિતાબોમાંથી હવાલા રજુ કરતા નથી.
સુર્યની રોશનીની જેમ, આપ(અ.સ)ના ફઝાએલ છુપાવી શકાતા નથી અને મુસલમાનોના સૌથી પૂર્વાગ્રહવાળાઓએ પણ પોતાની કિતાબોમાં તેમના ફઝાએલનો ઉલ્લેખ કર્યો છે.
અગર આ મુસલમાનોએ માત્ર આ કિતાબોને વાંચી લીધી હોતે તો તેઓએ પોતાને અને સમાજને ઘણી મુશ્કેલીમાંથી બચાવી લીધા હોતે કારણ કે આ આરોપ ફક્ત શિયાઓ પુરતા મર્યાદિત નથી રહેતા બલ્કે આ આરોપ તેઓના તે આલિમો કે જેમણે અલી બિન અબીતાલીબ (અ.સ) ના અદ્ભુત ફ્ઝાએલ નોંધ્યા છે તેના માટે પણ લાગુ પડશે.
આથી આ સવાલ કે જેનો જવાબ જરૂરી છે તે એ છે કે – શું અહલે તસન્નૂનના આલીમો જેવા કે એહમદ બિન હમ્બલ, ઇમામ શાફઇ,એહમદ બિન શોએબ અલ-નીસાઈ ને અલી બિન અબી તાલિબ (અ.સ)ના ફઝાએલ નોંધવા બદલ કાફિર ગણી શકાય?
જો તેઓને કાફિર ન ગણી શકાય, તો એહલે તસન્નૂનના હવાલાઓથી ફક્ત આ ફઝાએલો પુનરાવર્તિત કરવા માટે શિયાઓને કાફિર કેવી રીતે ગણી શકાય? જેવી રીતે આ મુસલમાનો દાવો કરે છે તેમ શિયાઓ આ ફઝાએલોનું સર્જન નથી કરી રહ્યા.
ઉદાહરણ માટે, અમે અલી બીન અબી તાલિબ (અ.સ)ના અમુક ફઝાએલોનો ઉલ્લેખ કર્યો છે. આમાંથી દરેકને અમો આગામી લેખોમાં એહલે તસન્નૂનના હવાલાઓથી વિસ્તારથી નોંધીશું .
૧.અલી બિન અબી તાલિબ (અ.સ.) અને તેમના શિયાઓ તમામ ઈન્સાનોમાં શ્રેષ્ઠ છે – જે તેમનો ઇન્કાર કરે છે તે કાફીર છે
૨.અલી બીન અબી તાલિબ (અ.સ.) સહાબીઑ કરતાં શ્રેષ્ઠ છે
૩.નબી આદમ (અ.સ.)ને અલી બિન અબી તાલિબ (અ.સ) અને બીજા માસૂમ ઈમામો
(અ. સ)ના વસીલા થકી માફી મળી હતી.
૪.પવિત્ર પયગંબર (સ.અ.વ.) અને અલી બીન અબી તાલિબ (અ.સ.) એક જ વૃક્ષમાંથી પૈદા કરવામાં આવ્યા છે;બીજા તમામ લોકોનું સર્જન અન્ય વૃક્ષોમાંથી થયું છે
૫.પવિત્ર પયગંબર (સ.અ.વ.) અને અલી બીન અબી તાલિબ (અ.સ.)નુ સર્જન એક જ નૂર થયું છે.
૬.અલી બીન અબી તાલિબ (અ.સ.)એ ઇસ્લામ સ્વીકારનાર સૌપ્રથમ હતા – અને પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની જેમ ક્યારેય મૂર્તિઓની પૂજા કરી ન હતી.
૭.અલી બીન અબી તાલિબ (અ.સ.) પયગંબર (સ.અ.વ.)ના સંબંધમાં તેવા હતા જેમ હારૂનનો સબંધ મૂસા (અ.સ)સાથે હતો -અલી બીન અબી તાલિબ (અ.સ) સિવાય કોઈ પણ પયગંબર (સ.અ.વ.)ના ભાઈ હોવાનો દાવો કરી શક્યું નહીં.
૮. અલી બીન અબી તાલિબ (અ.સ.)ને અસંખ્ય પ્રસંગોએ પયગમ્બર (સ.અ.વ.) દ્વારા વારસ (વારિસ), વારસદાર (વસી), મંત્રી (વઝીર), માસ્ટર (વલી) અને નેતા (ઇમામ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
૯. અલી બીન અબી તાલિબ (અ.સ.) મુસ્લિમ ઉમ્મતના અલ-સિદ્દીક અલ-અકબર અને અલ-ફારૂક છે; તે અમીરુલ મોઅમેંનીન છે અને આ લકબો અલી બિન અબી તાલિબ (અ.સ) માટે છે અને તેમના સિવાય આ લક્બોનો દાવો કરનાર જુઠ્ઠો છે.
૧૦.અલી બીન અબી તાલિબ (અ.સ.) હક સાથે છે અને હક અલી (અ.સ.) સાથે છે.
અને આ સિવાય પણ ઘણા બધા ફઝાએલ છે જે અગર બધા જીન્ન અને ઇન્સાન ભેગા મળીને ગણવા ચાહે કે પેન અને કાગળ લઈને લખવા ચાહે તો તેના કરતા પણ ઘણા વધુ આપના ફઝાએલ છે.
આ ફઝાએલો સહીહ-બુખારી, સહીહ-મુસ્લિમ, સુનાન-એ-નેસાઈ જેવી અત્યંત પ્રતિષ્ઠિત અહલે તસન્નૂનની કિતાબોમાં સ્પષ્ટપણે નોંધાએલ છે અને અહેમદ બીન હમબલ,શાફઇ જેવા સર્વોચ્ચ અહલે તસન્નૂનના આલીમો અને તેની જેવા સલફી આલીમો જેમ કે નાસિર અલ્બાની(સલાફીઓની હદીસોના સ્વઘોષિત શિક્ષક) દ્વારા સ્વીકારવામાં આવે છે.
આ પછી, શિયાઓ દ્વારા આ ફઝાએલોની ઇજાદ કરવાનો (ઘડી કાઢવાનો) કોઈ પ્રશ્ન નથી. તેના બદલે, આ કેટલાક કહેવાતા મુસલમાનો દ્વારા કરાયેલો દાવો છે અને આ હકીકતનો તેમની પાસે કોઈ જવાબ નથી કે તેમના પોતાના બુઝુર્ગો અને ઉસ્તાદોએ તેમની કિતાબોમાં અલી બીન અબી તાલિબ (અ.સ)ના અસાધારણ ફઝાએલો નોંધયા છે.