શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ હતું ? (ભાગ – ૧)

વાંચવાનો સમય: 4 મિનિટ

મુસલમાનોનો એક સમૂહ અલ્લાહની મખ્લુક પાસે ઈલ્મે ગય્બ હોવાનો ઇન્કાર કરે છે. તેઓ દાવો કરે છે કે, ઈલ્મે ગય્બ ફક્ત અલ્લાહ પાસેજ છે અને અલ્લાહ સિવાય કોઈપણ વ્યક્તિ ઈલ્મે ગય્બ ધરાવતું નથી.
આ વાત ને સાબિત કરવા માટે તેઓ કુરઆન ની અમુક આયતો રજુ કરે છે જેમકે:
“બેશક કયામત (ના દિવસ)ની જાણ અલ્લાહ પાસેજ છે અને વરસાદ વરસાવે છે અને ગર્ભસ્થાનોમાં શું છે તે પણ તેજ જાણે છે અને કોઈ શખ્સ આ નથી જાણતો કે તે કાલે શું કમાણી કરશે અને ન કોઈ શખ્સ આ જાણે છે કે તે કઈ ભૂમિમાં મરશે. બેશક અલ્લાહ મોટો જાણનાર (અને માહિતગાર) છે.”
(સુ. લુકમાન ૩૧, આયત ૩૪)
“તે અલ્લાહ એજ છે કે જેના સિવાય કોઈ મઅબુદ નથી, તે છુપી તથા જાહેર (વાતો)નો જાણકાર છે (અને) એજ દયાળુ (અને) દયાવાન છે.”(સુ. હશ્ર ૫૯, આયત ૨૨)
તેઓ થોડા વધારે આગળ વધીને રસુલ (સ.અ.વ.) ને ઈલ્મે ગય્બ હાંસિલ કરવામાં નિ:સહાય દેખાડવા માટે કુરઆનની આ આયતો રજુ કરે છે.
“(અય રસુલ!) તું કહે કે હું પણ તમારાજ જેવો એક મનુષ્ય છું.”(સુ. કહ્ફ ૧૮, આયત ૧૧૦)
“(અય રસુલ!) તું કહે કે હું તમને એમ તો નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખઝાના છે અને ન એમ (કહું છું) કે હું અદ્રશ્ય (વાતો) નું જ્ઞાન ધરાવું છું અને તમને ન આ કહું છું કે નિસંશય હું એક ફરિશ્તો છું. હું તો માત્ર જે મારી તરફ વહી કરવામાં આવે છે તેનેજ અનુસં છું. તું કહે કે શું આંધળો અને દેખતો સમાન હોય છે? શું તમે એટલુંયે વિચારતા નથી?” (સુ. અનઆમ ૦૬, આયત ૫૦)
“(અય રસુલ!) તું કહે કે હું મારી (પોતાની) ઝાત માટે પણ ન કોઈ પ્રકારના લાભનો અધિકાર ધરાવું છું ન કોઈ નુકસાનનો સિવાય કે જે અલ્લાહને માન્ય હોય અને જો હું છુપી વાતો જાણતો હોત તો હું મારા માટે ઘણું ભેગું કરી લેતે અને બુરાઈ તો મને અડકતે પણ નહિ; હું એ લોકો માટે કે જેઓ ઈમાન ધરાવે છે માત્ર (અઝાબથી) ડરાવનારો અને (જ્ન્નતની) ખુશખબર આપનારો છું.”(સુ. આઅરાફ ૦૭, આયત ૧૮૮)
થોડા મુસલમાનો કે જેઓ પોતાના બીજા દાવાઓને સાબિત કરવા માટે કુરઆનની અમૂક આયતોનો સહારો લે છે. તેવીજ રીતે તેઓ પોતાની આ વાતને પણ સાબિત કરવા માટે કુરઆન અને હદીસને સરખી રીતે સમજ્યા વગર કુરઆનની અમૂક ચુંટી કાઢેલી આયતો રજુ કરે છે. અગર જો કોઈ મુસલમાન તેઓના આ દાવાને સ્વીકારી લે, તો તેણે પવિત્ર કુરઆન અને હદીસનો અસ્વીકાર કર્યો ગણાશે કે જેમાં અસંખ્ય પુરાવાઓ હાજર છે કે ઈલ્મે ગય્બ ન તો ફક્ત રસુલ (સ.અ.વ.)ને આપવામાં આવ્યું હતું પરંતુ એક સામાન્ય ઇન્સાન, ત્યાં સુધી કે નાના બાળકોને અને જાનવરોને પણ આપવામાં આવ્યું હતું.
ઈલ્મે ગય્બની સાબિતીઓ:
(અ) કુરઆનને કરીમમાંથી
(બ) સુન્નત (હદીસ)માંથી

(અ) કુરઆનને કરીમ:
નીચે આપેલી કુરઆનની આયતોને સમજીએ, તો આપણને ખ્યાલ આવશે કે અલ્લાહ તરફથી ઈલ્મે ગય્બ તેની મખ્લુકને પણ આપવામાં આવ્યું છે.
૧. મધમાખી
“અને તારા પરવરદિગારે મધમાખીને સુઝાડી દીધું કે તું પહાડોમાં તથા વૃક્ષોમાં અને તે (લોકો) જે ઉંચી ઉંચી ઈમારતો બાંધે છે તેમાં ઘર (મધપુડા) બનાવી લે.” (સુ. નહલ ૧૬, આયત ૬૮)
મધમાખીઓને પોતાના ઘરો બનાવવાની વહી મળે છે. એ સાબિત કરે છે કે તેઓને ઇલ્મ આપવામાં આવ્યું હતું.
૨. હ. સુલેમાન (અ.સ) અને કીડી
“અહીં સુધી કે જ્યારે તેઓ (એક દિવસે) કીડીઓની ખીણમાં પહોંચ્યા, ત્યારે એક કીડીએ કહ્યું કે અય કીડીઓ! તમે તમારા દરોમાં ઘુસી જાઓ કયાંક એમ ન થાય કે સુલયમાન તથા તેનું લશ્કર તમને કચડી નાખે અને તેમને (તેની) જાણ વટીક (પણ) થવા ન પામે.”(સુ. નમ્લ ૨૭, આયત ૧૮)
કીડીને આ વર્ણન કરવાની (અલ્લાહ તરફથી) વહી મળી હતી જે હ. સુલૈમાન (અ.સ.) માટે યાદદેહાની હતી. આ વાત ઉપરોક્ત આયત પછીની આયતથી સાબિત થાય છે. વળી હ. સુલૈમાન અને કીડી વચ્ચેની વાતચીતથી સાબિત થાય છે કે કીડીને ઈલ્મે ગય્બ અતા થયું હતું જેમાં હ. દાઉદ (અ.સ.)નું ખરું નામ પણ હતું કે જે હ. સુલૈમાન, તેમના દીકરા હોવા છતાં જાણતા ન હતા.
૩. હ. યુનુસ(અ.સ.) ને ગળી જવાવાળી માછલી
“પછી તેને એક માછલી ગળી ગઈ અને તે પોતાનેજ દોષ દેવા લાગ્યો. પણ જે તે કદાચને (અલ્લાહની) તસ્બીહ પઢનારાઓ માંહેનો ન હોત તો જે દિવસે સઘળા (લોકો) ઉઠાડવામાં આવશે તે દિવસ સુધી અવશ્ય માછલીના પેટમાં રહ્યો હોત.”(સુ. સફ્ફાત ૩૭, આયત ૧૪૨-૧૪૪)
આ આયત સાબિત કરે છે કે માછલી ને હ. યુનુસ.(અ.સ.)ને ગળી જવા માટે વહી આપવામાં આવી હતી અને ત્યાં સુધી પેટમાં રાખવાનું કહ્યું હતું કે જ્યાં સુધી તે (અલ્લાહને) યાદ કરવાવાળામાંનો ન થઈ જાય. આ પરથી સાબિત થાય છે કે યુનુસ (અ.સ.)ને ઇલ્મ આપવામાં આવ્યું હતું.
૪. ઝુલૈખાના કમરામાં રહેલું નાનું બાળક
“અને તેણીના કુટુંબમાંથી એક સાક્ષી આપનાર (બાળક) એ સાક્ષી આપી.”(સુ. યુસુફ ૧૨, આયત ૨૬)
ઝુલૈખાના રૂમમાં રહેલા બાળકને ઈલ્મે ગય્બની વહી આપવામાં આવી હતી અને ઇલાહી ન્યાયના આધારે કાયદો પસાર કરવામાં આવ્યો જેથી સાબિત થયું કે હ. યુસુફ (અ.સ.) મઅસુમ છે અને તેઓ ગુનાહથી સુરક્ષિત છે.
૫. હ. મુસા .અ.સ. ની માતા
“અને અમોએ મુસાની માં તરફ વહી કરી કે તું તે (મુસા) ને દુધ પીવડાવ પછી અગર તું તેના માટે ભય પામે તો તેને (પેટીમાં મુકી) સમુદ્રમાં નાખી દે અને તું તેના માટે ભય ન રાખજે અને ન તેના માટે દિલગીર થજે. નિ:સંશય અમે તેને તમારી પાસે પાછો મોકલી દેનાર અને તેને રસુલ માંહેનો પણ બનાવનાર છીએ.”
(સુ. કસસ. ૨૮, આયત ૦૭)
હ. મુસા. અ.સ.ના માતાને અલ્લાહે હ. મુસા (અ.સ.)ને નદીમાં નાખવાનો હુકમ આપ્યો, ત્યાંસુધી કે તેમને એ વાત પણ જણાવવામાં આવી કે આ બાળક એક રસૂલ છે અને તેને ભવિષ્યમાં તેની સાથે પાછો મેળવવામાં આવશે.
૬. જ. મરિયમ. સ.અ.
“તેણે કહ્યું, બેશક હું તો તારા રબ(પાલનહાર)નો એક સંદેશાવાહક છું અને હું તને એક પાક પુત્રની ખુશખબરી આપું છું.”(સુ. મરીયમ ૧૯, આયત ૧૯)
જ. મરિયમ (સ.અ.) ને તેમના પુત્રના જન્મની પહેલા પુત્રની વિલાદાતના ખુશખબર આપવામાં આવ્યા હતા. હકીકતમાં હઝરત ઈમરાન (અ.સ.) કે જે જ. મરિયમ (સ.અ.)ના પિતા છે તેમને હ. ઇસા (અ.સ.)ની વિલાદાતની ખુશખબર જ. મરિયમ (સ.અ.)ની વિલાદત પહેલા આપવામાં આવી હતી.
અત્યાર સુધી આપણે જોયું કે પ્રાણીઓ, બાળકો અને પયગમ્બરોની માતાઓને ઈલ્મે ગય્બ આપવામાં આવ્યું હતું. પયગમ્બરો (સ.અ.વ.) નો હોદ્દો આ બધા કરતા ઉચ્ચ કક્ષાનો છે તેથી તેમાં કોઈ જ નવાઈ નથી કે પયગમ્બરો (સ.અ.વ.) ને ઈલ્મે ગય્બ આપવામાં આવ્યું છે.
૭. બાલમ બિન બાઊર
“અને અગર અમે ચાહતે તો એજ (ચમત્કારોના) પ્રતાપે તેને ઉચ્ચ દરજ્જે પહોંચાડી દેતે પણ તે પંડેજ દુનિયા (ના મોહ પાશ)ને વળગી રહ્યો અને પોતાની મનોવાંચ્છનાને અનુસર્યો, માટે તેનો દાખલો (તે) કુતરાના દાખલા જેવો થઈ ગયો કે અગર તું તેના પર હુમલો કરે તો તે (તારી સામે) જીભ કાઢે અથવા તું તેને જતો કરે તો પણ જીણ કાઢે. આ તે લોકોનો દાખલો છે કે જેઓ અમારી આયતો જુઠલાવે છે માટે તું (અમારા) કિસ્સા વાંચી સંભળાવતો રહે કે કદાચને તેઓ ચિંતન કરે.”(સુ. આઅરાફ ૦૭, આયત ૧૭૬)
આ કિસ્સો બાલમ બિન બાઊરનો છે કે જે બની ઇસરાઈલનો એક આબીદ હતો જેના માટે એ વાત જાણીતી છે કે તેની પાસે એક ખાસ પ્રકારનું ઇલ્મ હતું. જોકે પછી તે ધીરે ધીરે કરતા ભટકી ગયો અને તેને પોતાના એ ખાસ ઇલ્મથી કોઈ ફાયદો ન થયો.
હકીકતમાં રસુલે ખુદા (સ.અ.વ.) જે કાંઈ મોઅજીઝા કર્યા હતા તે બધાજ મોઅજીઝાઓ એક ખાસ પ્રકારના ઇલ્મ વડે કર્યા હતા જે તેમને અલ્લાહ દ્વારા આપવામાં આવ્યું હતું તે બીજું કાંઈ નહિ પરંતુ ઈલ્મે ગય્બ છે જે બીજાઓને આ કક્ષાનું ઈલ્મ આપવામાં આવ્યું ન હતું.

Be the first to comment

Leave a Reply