૧. પહેલાના નબીઓ (અ.મુ.સ.) નું ઈલ્મે ગય્બ.
નીચે અમોએ અમુક એવા પ્રસંગો રજુ કરીએ છીએ જેમાં નબીઓ (અ.મુ.સ.) ને ઈલ્મે ગય્બ મળ્યું હતું, અને અમારી આ યાદી ખરેખર સંપૂર્ણ થાય એમ નથી.
(૧) હ.. આદમ (અ.સ.)
“પછી આદમે તેના પરવરદિગાર તરફથી (દોઆ માંગવામાં) થોડાક વાક્યો શીખી લીધા જેથી (અલ્લાહે) તેની તૌબા કબુલ કરી; બેશક, તે મહાન તૌબા કબુલ કરનાર અને દયા કરનાર છે.”
(સુ. બકરહ. ૨ આયત- ૩૭)
આ ખાસ નામો હતા, જે અલ્લાહે તેની રેહમતથી હ. આદમ (અ.સ.) ને જણાવ્યા. સીયુતી પોતાની કિતાબ અલદુરૂલ અલ-મન્સુર, ભાગ ૧ પા. ૫૮ માં લખે છે કે આ નામોમાં હ. મોહમ્મદ (સ.અ.વ.)નું નામ પણ હતું જેના માધ્યમથી (વસીલા) થી અલ્લાહે હ. આદમ (અ.સ.) ને માફ કર્યા હતા.
(૨) હ.નૂહ (અ.સ.)
અને અમારી રૂબરૂ તથા અમારી આજ્ઞા પ્રમાણે (એક) વહાણ બનાવ અને જેઓએ ઝુલ્મ કર્યો છે તેમના સંબંધમાં મારી પાસે કાંઈ કેહતો નહિ; નિ:સંશય તેમને ડૂબાડી દેવામાં આવશે.”
(સુ. હુદ. ૧૧ આયત- ૩૭)
હ.નૂહ (અ.સ.) ને અલ્લાહે અઝાબની જાણકારી આપી. તેને (હ. નૂહ.(અ.સ.) ને) ખબર હતી કે કોણ ડૂબી જશે. ત્યાં સુધી કે તેને એ પણ ખબર હતી કે તેનો પોતાનો દીકરો બચવાનો નથી.
“તેણે જવાબ આપ્યો કે હુ હમણાંજ (કોઈ ઉંચા) પહાડ પર આશ્રય લઈ લઈશ તે મને પાણીથી બચાવી લેશે; (નુહે) ફરમાવ્યું કે આજના દિવસે અલ્લાહના હુકમ (અઝાબ) થી બચાવનાર કોઈ નથી સિવાય કે જેના પર તે રહેમ કરે; અને (પછી એક મહાન) મોજું બંને (બાપ બેટા) ની વચ્ચે આવી ગયું, જેથી તે ડૂબી જનારાઓ માંહેનો થઇ ગયો.”
(સુ. હુદ. ૧૧ આયત- ૪૩)
(૩) હ. ખીઝર (અ.સ.)
સૂરએ કહ્ફ (૧૮) આયત ૬૫ થી ૮૨ માં ત્રણ પ્રસંગો એ વાત તરફ ઈશારો કરે છે કે હ.ખીઝર.(અ.સ.) ને એવું ઈલ્મે ગય્બ આપવામાં આવ્યું હતું જે હ.મુસા (અ.સ.) ને પાસે પણ ન હતું.
આ પ્રસંગ પરથી એ વાત સાબિત થાય છે કે હ.ખીઝર.(અ.સ.) ને ફક્ત બનાવો બનવાનું જ ઈલ્મ નહિ, બલ્કે આ બનાવો ક્યા કારણોના લીધે બન્યા તેનું પણ ઈલ્મે ગય્બ હતું. હ.ખીઝર (અ.સ.) એ હ.મુસા .(અ.સ.) સાથે ના કરાર ના કારણે આ ઈલ્મ જાહેર કર્યું ન હતું.
(૪) હ. લુત (અ.સ.)
હ. લુત (અ.સ.) ને અલ્લાહે અઝાબની જાણકારી આપી અને તે પણ જણાવ્યું કે જે લોકો (હ.લુત .(અ.સ.) ના પત્ની)નો ઇન્કાર કરનારા હશે તેઓ નાશ પામશે.
(૫) હ. ઈબ્રાહીમ (અ.સ.)
અલ્લાહે હ.ઈબ્રાહીમ (અ.સ.) ને હ.લુત (અ.સ.)ની કૌમ પર અઝાબ મોકલવાની જાણકારી આપી.
અલ્લાહે તેમને (હ.ઈબ્રાહીમ.(અ.સ.) ને) અને તેમની પત્ની ને એક પુત્ર (હ. ઈસા અ.સ.) ની વિલાદતની ખુશખબર આપી.
“ત્યારે તેમણે કહ્યું કે તું ભય ન પામ, અમે બેશક લૂતની કૌમ તરફ (અઝાબ આપવા માટે) મોકલવામાં આવ્યા છીએ. અને તે (ઈબ્રાહીમ) ની પત્ની (ત્યાં) ઉભેલી હતી તેણી એજ વખતે રજવસ્લા થઈ ગઈ, પછી અમોએ તેણીને ઇસ્હાક (પુત્ર)ની ખુશખબર આપી અને ઇસ્હાક પછી યાકુબની.”
(સુ. હુદ. ૧૧ આયત- ૭૦-૭૧)
(૬) હ. મુસા (અ.સ.)
સૂરએ કહ્ફમાં હ. ખીઝર.(અ.સ.)એ હ.મુસા.(અ.સ.)ને ત્રણ બનાવોની સંપૂર્ણ વિગતો આપી. હાલાકે હ.મુસા.(અ.સ.) આ માહિતીના અનુસંધાને મૂળભૂત માહિતી મેળવનાર સ્ત્રોત ન હતા. પરંતુ આ જાણકારી ઈલ્મ ગય્બ જ હતી કારણ કે આ ભવિષ્યના બનાવોની જાણકારી હતી જે બીજા લોકો પાસે ન હતી.
હ.મુસા.(અ.સ.) ને અલ્લાહ દ્વારા મોઅજીઝાનું ઈલ્મ આપવામાં આવ્યું હતું જેના વડે તેમને પોતાની લાકડી (અસા) ને અજગરમાં માં પરિવર્તિત કરી, હાથમાંથી નુર નીકળવું અને ફીરઓન અને તેના દરબારીઓ ઉપર એવો પ્રભાવ પાડ્યો કે જે જાદુગરો સામે તેઓના વિજયનું કારણ બન્યો.
“ફરમાવ્યું કે હે મુસા! તે (લાઠીને ભૂમિ પર) નાખી દે. આથી તેણે તે (લાઠી ભૂમિ પર) નાખતાજ એક દોડતો સાપ બની ગયો. ફરમાવ્યું (મુસા!) તેણે ઊંચકી લે અને (મુદ્દલ) ડર નહિ; અમે તેણે હમણાંજ તેણી પહેલી હાલત પર ફેરવી દઈશું. અને તારા હાથ તારી બગલમાં દબાવી લે કે જે (બહાર કાઢતા) સાફ પ્રકાશિત બની ખામી રહિત નીકળશે: જે (અમારા તરફની) બીજી નિશાની (બનશે).”
(સુ. તાહા . ૨૦ આયત- ૧૯-૨૨)
“જેથી અમોએ તેણે કહ્યું, ડર નહિ, નિ:સંશય તુંજ સર્વોપરી થશે. અને તારા જમણા હાથમાં જે છે તે ઝમીન પર નાખી દે કે જેથી તેમણે જે કાંઈ બનાવ્યું છે તેને તે હડપ કરી જશે, જે તેમણે કર્યું છે તે માત્ર જાદુગરનો પ્રપંચ છે અને જાદુગર જ્યાં પણ જાય ત્યાં સફળ થતો નથી.”
(સુ. તાહા . ૨૦ આયત- ૬૮-૬૯)
“પછી જ્યારે બંને ટોળાઓએ એકમેકને દીઠા ત્યારે મુસાના સાથીઓ (ભયભીત બની) બોલી ઉઠ્યા કે (હાય!) ખરેજ આપણા પર (શત્રુઓ) આવી પહોચ્યાં. (મુસાએ) ફરમાવ્યું, હરગીઝ તેમ નહિ થાય, નિ:સંશય મારો પરવરદિગાર મારી સાથે છે, તે તરતજ મને (મુક્તિનો) માર્ગ દેખાડી દેશે.”
(સુ. શોઅરા. ૨૬ આયત- ૬૧-૬૨)
(૭) હ. યાકૂબ (અ.સ.)
હ.યાકૂબ (અ.સ.)ને ખબર હતી કે હ. યુસુફ.(અ.સ.)એ જોયેલું સ્વપ્ન તેમની (હ.યુસુફ.અ.સ.) અને તેમના ભાઈઓ વચ્ચેની તકરારને વધારી દેશે અને આ કારણે હ.યુસુફ.(અ.સ.) મુસીબતમાં મુકાશે. હ.યાકૂબ (અ.સ.)ને પેહલેથી જ અલ્લાહે જણાવ્યું હતું કે તે(અલ્લાહ) તેમની અઘરી પરીક્ષા લેશે કારણકે તેમણે એક ભૂખ્યા મોઅમીનને સાંભળ્યો ન હતો. હ.યુસુફ.(અ.સ.) નો સંપૂર્ણ કિસ્સો એ હ.યાકૂબ.(અ.સ.) ની પરીક્ષા હતી.
હ.યાકૂબ અ.સ. ને ખબર હતી કે તેમના પુત્રો ના દાવાથી વિપરીત હ.યુસુફ.(અ.સ.) જીવતા છે. તેમને સૌથી પેહલા વરુએ જાણ કરી (જેના પર હ.યુસુફ.(અ.સ.) ને ફાડી ખાવાનો આરોપ મુકવામાં આવ્યોં હતો) અને તેઓ હ.યુસુફ.(અ.સ.) ની ખુશ્બુ પણ મેહસુસ કરી રહ્યા હતા.
જ્યારે તેમના પુત્રોએ હ. યાકુબ (અ.સ.) ને હ. યુસુફ.(અ.સ.) ના મૃત્યુના સમાચાર વિષે મેણા-ટોણા માર્યા ત્યારે તેમણે (હ.યાકૂબ.અ.સ.એ) તેઓને યાદ કરાવ્યું કે તેમની પાસે ઈલ્મે ગય્બ છે.
“નિ:સંશય હુ અલ્લાહના તરફથી તે કાંઈ જાણું છુ કે જે તમે નથી જાણતા”
(સુ. યુસુફ. ૧૨ આયત- ૯૬)
આ સૌથી વધારે યકીન ધરાવતો પુરાવો છે કે ઈલ્મ ગય્બ અલ્લાહ દ્વારા અતા કરવામાં આવ્યું હતું અને કોઈ પણ શંકા કરવાવાળા પાસે આ સ્પષ્ટ આયતનો કોઈ જવાબ નથી. અને આવી સ્પષ્ટ આયત પછી ઈલ્મે ગય્બ નો ઇન્કાર કરવો એ ખુલ્લુ કુફ્ર છે.
(૮) હ.યુસુફ (અ.સ.)
હ.યુસુફ.(અ.સ.) સ્વપ્નો ની તાબીર વિષે સારી રીતે પરિચિત હતા. તેઓ ખુદ કહે છે :
“અય મારા પરવરદિગાર! તે મને (તારી) હુકુમતમાંથી ભાગ આપ્યો અને મને સ્વપ્નફળનું કેટલુંક જ્ઞાન શીખવ્યું.”
(સુ. યુસુફ ૧૨ આયત- ૧૦૧)
આ ઈલ્મ વડે તેમણે (હ.યુસુફ.અ.સ.એ) સુરએ યુસુફ માં બે પ્રસંગો પર સ્વપ્નો ની તાબીર બયાન કરી હતી.
“અય મારા કૈદખાનાના બંને સાથીઓ! તમારામાંનો એક તો પોતાના માલિકને શરાબ પીવડાવશે; રહ્યો બીજો તો તેને ફાંસીએ લટકાવવામાં આવશે, પછી તેનું માથું (ભેજુ) પક્ષીઓ (ચાંચો મારી મારીને) ખાશે: તે મામલો કે જેના વિષે તમે બંને (સ્વપ્નફળ) પૂછતા હતા તે અલ્લાહ તરફથી નક્કી થઈ ચુક્યો.”
(સુ. યુસુફ ૧૨ આયત-૪૧)
બીજા પ્રસંગમાં તેમણે(હ.યુસુફ.(અ.સ.)એ) રાજા ના સ્વપ્ન ની તાબીર બયાન કરી કે જે તેના રાજ્ય માં કોઈ જાણતું ન હતું.
“અને (મિસ્ રના) બાદશાહે કહ્યુ કે નિ:સંશય મેં (સ્વપ્નામાં) સાત મોટી તાજી દીથી ગાયો દીઠી જેમને સાત દુબળી પાતળી ગયો ખાઈ જાય છે; અને સાત લીલાચમ કન્સલા દીઠા અને બીજા (સાત) સૂકાં (જે તેમને વીંટળાઈ વળ્યા છે); અય દરબારના સરદારો! અગર તમે સ્વપ્નફળ આપી શકતા હો તો મારા આ સ્વપ્નાનું સ્વપ્નફળ આપો.”
(સુ. યુસુફ ૧૨ આયત-૪૩)
આ તે પેહલા સ્વપ્ન નો ભાગ છે જેનું વર્ણન સુરએ યુસુફ ની આયત ૪ ની શરૂઆતમાં કરવામાં આવ્યું છે.
“જયારે યુસુફે પોતાના પિતાને કહ્યું કે હે મારા પિતા! અગિયાર તારા અને સૂર્ય તથા ચંદ્રને (સ્વપ્નમાં) દીઠા. મેં તેમણે સિજદો કરતા દીઠા.”
(સુ. યુસુફ ૧૨ આયત-૪)
તે (હ.યુસુફ.(અ.સ.)) જાણતા હતા કે હ.યાકૂબ.(અ.સ.) ની આંખ ની રોશની પાછી આવી જશે.
“લ્યો મારું આ પહેરણ લઇ જાઓ અને તે મારા બાપના મોઢાં પર નાખી દેજો જેથી તે દેખતો થઈ જશે, અને (પછી) તમારા સઘળા કુટુંબને મારી પાસે લઈ આવજો.”
(સુ. યુસુફ ૧૨ આયત-93)
(૯) હ.સુલેયમાન (અ.સ.)
હ. સુલેયમાનને અલ્લાહે ઘણી બધી નેઅમતો અને ખાસ ઈલ્મ આપ્યું હતું.
“અને સુલેયમાન દાઉદનો વારસ થયો અને કહ્યું કે હે લોકો! અમને (પશુ) પક્ષીઓની ભાષા શીખવવામાં આવી છે; અને અમને દરેક વસ્તુ (નેઅમત) આપવામાં આવી છે. નિ:સંશય એજ તો ખુલ્લી કૃપા છે.”
(સુ. નમલ ૨૭ આયત-૧૬)
સ્પષ્ટ રીતે તેમને (હ.સુલેયમાન.(અ.સ.)ને) એક ખાસ પ્રકાર નું ઈલ્મ આપવામાં આવ્યું હતું અને તેમના પર ખાસ મહેરબાની કરવામાં આવી હતી કે જે બીજા કોઈ ને માટે ન હતી.
(૧૦) હ.આસીફ બિન બર્ખીયા (અ.સ.)
જયારે હ.સુલેયમાન.(અ.સ.) એ પોતાના દરબારીઓને બિલ્કીસનો તખ્ત લાવવાનો પડકાર આપ્યો ત્યારે હ. આસીફ બિન બર્ખીયા.(અ.સ.) કે જેમને ઈલ્મે કિતાબ (ઈલ્મ ગય્બ) હાસિલ હતું તેમને આ પડકાર ને સ્વીકારી ને બિલ્કીસનો તખ્ત પલક (આંખ) ના જપ્કારા માં ત્યાં લઇ આવ્યા. ત્યાં સુધી કે દરબાર માં બેઠેલા જીન કે જેણે પણ બિલ્કીસનો તખ્ત લાવવા નો પડકાર જીલ્યો હતો તેની પાસે પણ આ ખાસ ઈલ્મ (ઈલ્મ ગય્બ) હતું.
“જીન્નોમાંથી એક રાક્ષસ બોલ્યો કે તું તારા સ્થાનેથી ઉઠે (અર્થાત દરબાર બરખાસ્ત થાય) તે પહેલા હું તારી પાસે લઇ આવીશ; અને તે (કામ) માટે હું નિસંશય સમર્થ અને વિશ્વાસને પાત્ર છું. અને તે શખ્સ કે જેને (આકાશી) કિતાબનું થોડુંક જ્ઞાન હતું તેણે અરજ જરી કે હું તે (સિહાંસન) તારી પલક ઝબકે તે અગાઉ લઈ આવીશ.”
(સુ. નમ્લ ૨૭ આયત-૩૯/૪૦)
(૧૧) હ.ઈસા (અ.સ.)
એવી ઘણી બધી આયતો છે જે સાબિત કરે છે કે હ.ઈસા.(અ.સ.) પાસે પેહલેથીજ ઈલ્મે ગય્બ હતું.
“પછી તેણી હેઠળથી તે (બાળકે) તેણીને પોકારી કહ્યું કે ઉદાસ ન થા, ખચિત જ તારા પરવરદિગારે તારા પગ તળે એક ઝરણું વહાવી દીધું છે. અને આ ખજૂરના થડને તારી તરફ હલાવ (જેથી) તાજી પાકેલી ખજુરો તારા પર ખરી પડશે. પછી (તે ખજુરો) ખા અને (આ ઝરણાનું પાણી પી અને (બાળકને જોઈ) આંખો ટાઢી કર. પછી જો કોઈ પૂછે) તો (તેને ઈશારાથી) કહી દેજે કે મેં દયાળુ અલ્લાહ માટે (મૌન રહેવાનો) રોઝો રાખ્યો છે. જેથી હું આજે કોઈ માણસ સાથે વાત નહિ કરું.”
(સુ. મરયમ ૧૯ આયત-૨૪/૨૫/૨૬)
ઉપર ની આયતો દેખાડે છે કે હ.ઈસા.(અ.સ.) કે હે હજી હમણાજ જન્મ્યા હતા તે પોતાની માતા ને દિલાસો આપે છે અને તેમને ખાવા અને પીવા વિષે જણાવે છે. અને એ વાત ની સુચના આપે છે કે અગર કોઈ પૂછે તો શું કરવું.
“તેટલામાં અલ્લાહના હુકમથી) તે (બાળક) બોલી ઉઠ્યો કે નિ:સંશય હું અલ્લાહનો એક બંદો છું, તેણે મને આ (ઈન્જીલ) કિતાબ અર્પણ કરી છે અને મને એક નબી બનાવ્યો છે. અને જ્યાં પણ હું હોઉં મને બરકતવાળો બનાવ્યો છે આને જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી મને નમાઝ (અદા કરવા)નો તથા ઝકાત (આપતા રહેવાનો હુકમ કર્યો છે. અને મને મારી માની સેવા કરનાર બનાવ્યો છે અને મને શિરજોર અને અભાગી બનાવતો નથી. અને મારા પર સલામ છે તે દિવસે કે જે દિવસે હું જનમ્યો અને તે દિવસે પણ હશે કે જે દિવસે હું મરણ પામીશ અને તે દિવસે પણ કે જે દિવસે (પાછો) સજીવન કરી ઉઠાડવામાં આવીશ. એવો હતો મરિયમનો પુત્ર ઇસા, (તેની) આ ખરી હકીકત છે કે જેના સંબંધમાં આ લોકો મતભેદ કરે છે.”
(સુ. મરયમ ૧૯ આયત- ૩૦ થી ૩૪)
આ આયતો સાબિત કરે છે કે હ.ઈસા.(અ.સ.) ને અલ્લાહ દ્વારા આ બધીજ જાણકારી આપવામાં આવી હતી.
“અને તમે તમારા ઘરોમાં જે કાંઈ સંગ્રહ કરો છો તેણી તમને જન કરી દઈશ; જો તમે મોમીન છો તો નિ:સંશય તેમાં તમારા માટે (મારી નબુવ્વતની) નિશાની મૌજૂદ છે.”
(સુ. આલેઇમરાન 3 આયત- ૪૯)
આ આયત પરથી એવું લાગે છે કે જાણે આ આયત શંકાશીલ મુસલમાનો કે જેઓ ઈલ્મે ગય્બનો ઇન્કાર કરે છે તેને જવાબ આપી રહી છે. તે વાત સ્પષ્ટ છે કે હ.ઈસા.(અ.સ.) પાસે ઈલ્મે ગય્બ હતું અને તેમણે લોકોને એ વાત ની જાણ કરી કે તેઓ શું જમ્યા હતા અને ઘરમાં કઈ વસ્તુઓને સંગ્રહ કરેલ છે. બેશક જે કોઈ હ.ઈસા.(અ.સ.)ના ઈલ્મે ગય્બનો ઇન્કાર કર્યો તેણે હ.ઈસા.(અ.સ.)ની નબુવ્વતનો પણ ઇન્કાર કર્યો કેહવાશે.
જેવી રીતે અલ્લાહ ફરમાવે છે :
“નિ:સંશય તેમાં તમારા માટે (મારી નબુવ્વતની) નિશાની મૌજૂદ છે.”
(સુ. આલેઇમરાન ૩, આયત- ૪૯)
Be the first to comment