હદીસે-કિસાઅ તે સ્વિકૃત હકીકતોમાંથી એક હકીકત છે જેનો ઈન્કાર તેજ કરી શકે જે ઈસ્લામીક હકીકતો અને મઅરીફના અભ્યાસથી અજાણ છે. કોઈ ચીઝને બિનભરોસાપાત્ર અને ખોટી ત્યારેજ કહી શકાય જ્યારે :-
૧. પ્રથમ તેનું ઈસ્લામીક હકીકતો અને મઆરીફના ખજાનામાં તેનું કોઈ વર્ણન ન હોય.
૨. બીજું હદીસવેત્તા અને મોહકેક્કીન તેમજ હદીસના રાવિઓ, વિ. એ તેને સમર્થન આપ્યુ ન હોય અને તેની સનદ અને ભરોસાપાત્રતાને રદ્દ કરી હોય.
૩. ત્રીજું તેના અર્થો અને સમજણ ઈસ્લામ અને કુરઆનની હકીકતો અને મઆરીફ અને ઈસ્લામી સમજણ અને અકીદાઓની વિરૂધ્ધ હોય.
પરંતુ અગર ઉપરની કોઈ વાતો ન જોવામાં આવે બલ્કે તેનું વર્ણન ઈસ્લામીક મઆરીફ અને હકીકતોમાં જોવા મળે, રેજાલના આલીમો, મોહક્કેકીન અને હદીસવેત્તાઓ વિ. એ તેને ટેકો આપ્યો હોય અને તેનો સનદો અને સ્ત્રોતને ભરોસાપાત્ર હોવાનું પણ કબુલ કર્યુ હોય તો પછી તેના અસ્વિકારનું કોઈ કારણ રહેતું નથી સિવાય કે કોઈ ખાસ સ્વાર્થ અને અંગત દુશ્મની હોય. આ બાબત કોઈ પ્રસ્તાવના વિનાજ અમે મશહુર હદીસે કિસાઅની સનદને નીચે પ્રમાણે રજુ કરવાની ખુશનસીબી હાસીલ કરી રહ્યા છીએ જેથી તેની સ્વિકૃત સાબિત થયેલ હકીકત અને ભરોસાપાત્ર હોવામાં કોઈ શક બાકી ન રહે.
શેખ અબ્દુલ્લાહ બહેરાની “મઆલીમ” કિતાબના લેખક લખે છે:-
મેં શેખ જલીલ સૈયદ હાશીમ બહેરાનીના મુબારક લખાણમાં જોયું છે કે તેમણે શેખ જલીલ સૈયદ માજીદ બહેરાનીથી, તેમણે શેખ હસન ઈબ્ને ઝતનુલ આબેદીન શહીદે સાનીથી, તેમણે શેખ મુકદ્દસે અર્દબેલીથી, તેમણે શેખ અલી બિન અબ્દુલ આલી કરકીથી, તેમણે શેખ અલી બિન હિલાલ જઝાએરીથી, તેમણે શેખ અહેમદ બિન ફહદે હિલ્લીથી, તેમણે શેખ અલી બિન ખાઝીન હાએરીથી, તેમણે શેખ ઝીયાઉદ્દીન અલી શહીદે અવ્વલના ફરઝંદથી, તેમણે પોતાના વાલીદે બુર્ઝુગવાર (શહીદે અવ્વલથી), તેમણે ફખરૂલ મોહક્કેકીન (અલ્લામા હીલ્લીના ફરઝંદ) થી, તેમણે પોતાના વાલીદે બુર્ઝુગવાર (આયતુલ્લાહ) અલ્લામા હિલ્લીથી, તેમણે પોતાના શિક્ષક મોહક્કીક અવ્વલથી, તેમણે શેખ ઈબ્ને નુમા હિલ્લીથી, તેમણે શેખ મોહમ્મદ ઈબ્ને ઈદરીસ હિલ્લીથી, તેમણે ઈબ્ને હમઝા તુસી સાકીબુલ મનાકીબના લેખકથી, તેમણે શેખ જલીલ મોહમ્મદ બિન શહેરે આશુબથી, તેમણે તબરેસી “એહતેજાજ” ના લેખકથી, તેમણે શેખ જલીલ હસન બિન મોહમ્મદ બિન હસન તુસીથી, તેમને પોતાના વાલીદે બુર્ઝુગવાર શેખ અત્તાઈફ તુસીથી, તેમણે શેખે મુફીદથી, તેમણે ઈબ્ને કૌલ્વયહ કુમ્મીથી, તેમણે શેખે કુલૈનીથી, તેમણે અલી બિન ઈબ્રાહીમથી, તેમણે પોતાના પિતા ઇબ્રાહીમ બિન હાશિમથી, તેમણે એહમ બિન મોહમ્મદ ઈબ્ને અબી નસ્ર બઝનતીથી, તેમણે કાસિમ બિન યહ્યા બિન જીલા કુફીથી, તેમણે અબુ બસીર પાસેથી, તેમણે અબાન બિન તગલીબથી, તેમણે જાબીર બિન યઝીદ જોઅફીથી અને તેમણે જાબીર બીન અબ્દુલ્લાહે અન્સારી (ર.અ.) થી નકલ કર્યુ છે કે જ. જાબીર બિન અબ્દુલ્લાહે અન્સારી (ર.અ.) એ ફરમાવ્યું:
આ ઉપરાંત અહેકાકુલ હક્ક, જીલ્દ-૨, પેજ નં. ૫૫૫ માં પણ અવાલીમુલ ઉલુમ કિતાબ મકતબે સુલેમાનીય્યહ ્રની હાથથી લખેલ પ્રતમાં નકલ થઈ છે અને આ હદીસને રેજાલે ખબીરના પ્રખ્યાત હદીસવેત્તા શેખ ફખરૂદ્દીન તુરૈહી કે જેઓ “મજમઉલ બહરૈન” ના લેખક છે તેમની મુન્તખબ કિતાબ પેજ નં. ૨૫૯ માં વર્ણન કર્યુ છે. અને કિતાબ – “મુસ્નદે ફાતેમા ઝહરા” ના લેખક સૈયદ હુસૈન શૈખુલ ઈસ્લામ ફરમાવે છે કે મેં આ લખાણ (હદીસને) બધી સનદોની સાથે પોતાના માનનીય પિતા (ર.અ.) ના હાથોમાં જોયું છે જેને અલ્લામા મુજતહીદ આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન મરઅશી નજફી (મુદદ ઝિલ્લોહુ) એ તેમને મોકલ્યુ હતું અને તેને મહાન આલીમ ઝાહીદ અલ્હાજ શેખ મોહમ્મદ તકી બિન અલ્હાજ શેખ મોહમ્મદ બાકીર યઝદી બાફકી એ પોતાના રિસાલામાં નકલ કરી છે અને આલીમે જલીલ દયલમીએ પોતાની કિતાબ “ગોરર વ દોરર” માં અને આલીમે જલીલ અલ હુજ્જત ખાઝીન (ચાળ ધરાવનાર) રોઝએ શાહ અબ્દુલ અઝીમ હસની – શેખ મોહમ્મદ જવાદ અદ્દાઝી કુની એ પોતાની કિતાબ નુરૂલઆફાક (તહેરાન પ્રકાશન) માં નકલ કરી છે.
અને મહાન સાહિત્યકાર શેખ હુસૈન અલી આલે શેખે સુલૈમાન બેલાદી બહેરાની કહે છે:-
“આ મશ્હુર હદીસે કિસાઅને શેરના રૂપમાં મહાન સૈયદ મોહમ્મદ બિન અલ્લામા સૈયદ મહદી કઝવીની હિલ્લી નજફી (રીઝવાનુલ્લાહ તઆલા અલય્હે) લખી છે.
અને મર્હુમ મીર્ઝા યહ્યા મુદરરીસે ઈસ્ફેહાનીએ હદીસે કિસાઅના પ્રસંગને ફારસી ભાષામાં શેરના રૂપમાં લખી છે. શોખ ધરાવનારાઓ અને વધુ અભ્યાસ કરનારાઓને વિનંતી છે કે તેમના ઈલ્મમાં વધારો કરવા માટે કિતાબ “ફાતેમા ઝહરા-સુરૂરે દિલે-પયગમ્બર” લેખક અહેમદ રહમાની હમદાનીમાં અરબી અને ફારસી બન્ને શેર જોઈ શકે છે.
ખુદાવંદે આલમ આપણને બધાને અસ્હાબે કિસાઅની વિલાયત અને મહોબ્બત ઉપર કાએમ અને દાએમ રાખે અને તેમની આખરી કડી વલીએ નેઅમત હઝરત હુજ્જત (અ.સ.) ના પુરનુર ઝુહુરમાં જલ્દી કરે. આમીન રબ્બલ આલમીન.
Be the first to comment