એહલેબૈત (અ.મુ.સ.)ના વિરોધીઓ અને તેઓના અનુયાયીઓ હંમેશા એહલેબૈત (અ.મુ.સ.) અને ખિલાફતના ગાસીબો વચ્ચે ખોટા વૈવાહિક સબંધો બતાવવા તત્પર હોય છે જેથી એમ સાબીત કરે કે એહલેબૈત (અ.મુ.સ.) ન ફકત તેઓથી ખુશ હતા પરંતુ તેઓને હકીકી પેશ્વા તરીકેની સત્તાને પણ માનતા હતા.
જવાબ:
એહલેબૈત (અ.મુ.સ.) તેઓનો હક્ક છીનવી લેનારથી રાજી અને ખુશ હતા અને તેઓની અવલાદની તેમની સાથે શાદી કરાવવાનુ સ્વીકાર્યું એવા મંતવ્યમાં કોઈ સચ્ચાઈ નથી.
જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) એ પોતાની દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની શાદી હક્ક છીનવી લેનારાઓ સાથે ન કરી, તો પછી આપ (સ.અ.વ.)ના ફરઝંદો (અ.મુ.સ.) નો તેઓના શાદીના પ્રસ્તાવને કબુલ કરવાનો સવાલ જ નથી આવતો.
જ્યારે અઈમ્મા (અ.મુ.સ.)ને પોતાની અવલાદના નામો પણ હક્ક છીનવી લેનારાઓના નામો ઉપરથી રાખવા ન્હોતા ગમતા તો પછી સબંધો સ્થાપવાનો સવાલ જ કયાં આવે?
એક રસપ્રદ બનાવમાં આપણે જોઈએ કેવી રીતે વકતના હાકીમ એ મઅસુમ ઈમામ (અ.સ.) પાસે શાદીનો પ્રસ્તાવ આવ્યો અને કેવી રીતે ઈમામ (અ.સ.)એ તેને મનાઈ કરી.
ઈમામ હસન (અ.સ.) યઝીદના શાદીના પ્રસ્તાવને ઠુકરાવે છે:
નકલ કરવામાં આવે છે કે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની શહાદત પછી મોઆવીયાએ ગેરકાયદેસર સત્તા કબ્જે કરી અને તમામ મુસ્લીમ પ્રદેશો ઉપર હાકીમ બની બેઠો.
તેણે મરવાન દ્વારા, જેની તાજેતરમાં જ મદીનાના ગવર્નર તરીકે નિમણુંક થઈ હતી, એક પત્ર લખ્યો જેમાં અબ્દુલ્લાહ ઈબ્ને જઅફરની દુખ્તર (અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ભત્રીજી) નો હાથ પોતાના દીકરા સાથે માંગ્યો હતો. મોઆવીયાના પત્રમાં હતું કે તે ગમે તેટલી મહેર આપવા તૈયાર છે જે પણ દિકરીના પિતા નક્કી કરે અને કર્ઝ તરીકે ગમે તેટલી રકમ ભરપાઈ કરશે. વધુ મહત્વનું તેણે જોયું કે શાદી બની હાશીમ અને બની ઉમય્યા વચ્ચે સમાધાનનું સબબ છે.
મરવાને જ્યારે પ્રસ્તાવનો પત્ર મળ્યો તે અબ્દુલ્લાહ ઈબ્ને જાઅફર પાસે આવ્યો.
અબ્દુલ્લાહ ઈબ્ને જઅફરે કહ્યું: મારી દુખ્તર માટે યોગ્ય પાત્રની પસંદગી ઈમામ હસન ઈબ્ને અલી (અ.સ.) કરશે, તેથી તમે તેમને રજુઆત કરી શકો છો.
મરવાન ઈમામ હસન (અ.સ.) પાસે આવ્યો અને અબ્દુલ્લાહની દુખ્તર માટે પ્રસ્તાવ મુકયો.
ઈમામ હસન (અ.સ.) એ ફરમાવ્યું: તમે બની હાશીમ અને બની ઉમય્યામાંથી જેને પણ લાયક સમજો બોલાવો અને પછી પ્રસ્તાવ મુકો.
મરવાને તેમ કર્યું. જ્યારે તેઓ બધા જમા થઈ ગયા, તે ઉભો થયો અને અલ્લાહના વખાણ કર્યા બાદ કહ્યું:
મોઆવીયાએ મને હુકમ કર્યો છે કે હું અબ્દુલ્લાહ ઈબ્ને જઅફરની દુખ્તર ઝયનબ માટે તેના દિકરા યઝીદ ઈબ્ને મોઆવીયાનો આ શરતોએ પ્રસ્તાવ રજુ કરૂ:
1) પિતા દ્વારા જે મહેર નક્કી કરવામાં આવે તે અમે બિનશરતી સ્વિકારશુ.
2) અમે પિતાના કર્ઝને ભરપાઈ કરી આપીશું, ચાહે ગમે તેટલી રકમ હોય.
3) આ શાદી બની હાશીમ અને બની ઉમય્યા વચ્ચે સમાધાનનું સબબ બનશે.
4) યઝીદ ઈબ્ને મોઆવીયાની કોઈ સરખામણી નથી. અલ્લાહની કસમ! તમે યઝીદ સાથે શાદીથી જોડાઈને વધુ ઈઝઝતદાર બનશો એના કરતા કે યઝીદ તમારી સાથે જોડાઈને બનશે.
5) યઝીદ એ છે કે જેની બરકતથી વરસાદ તલબ કરવામાં આવે છે.
પછી તે ચૂપ થઈ ગયો અને પોતાની જગ્યાએ બેસી ગયો.
ત્યાર પછી, ઈમામ હસન (અ.સ.) અલ્લાહની હમ્દો સના કર્યા પછી મરવાનને જવાબ આપ્યો:
1) જ્યાં સુધી મહેરનો સવાલ છે અમો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખાનદાનની દુખ્તરની મહેર નક્કી કરવામાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતની મર્યાદાથી આગળ નથી વધતા.
2) તેમના પિતાના કર્ઝની અદાએગી બાબત, અમારી ઔરતો કયારે પિતા માટે કર્ઝનું સબબ બને છે જેથી આવી માંગણી પ્રસ્તાવનો ભાગ બને?
3) બની હાશીમ અને બની ઉમય્યા વચ્ચે સમાધાન બાબતે:
فَإِنَّا عَادَيْنَاكُمْ لِلهِ وَ فِي اللهِ فَلَا نُصَالِحُكُمْ لِلدُّنْيَا
‘પછી બેશક અમારી તમારી સાથેની દુશ્મની અલ્લાહ ખાતર છે અને અલ્લાહના રસ્તામાં છે તેથી અમો તમારી સાથે આ દુનિયા (શાદી) માટે સમાધાન નહિ કરીએ.’
4) તમારો એ દાવો કે અમો (બની હાશીમ) યઝીદના વજુદથી વધુ ઈઝઝતદાર થશું એના કરતા કે યઝીદ (બની ઉમય્યા) અમારા વજુદથી ઈઝઝતદાર થાય, અમો કહીએ છીએ કે અગર ખિલાફતનો દરજ્જો નબુવ્વતના દરજ્જા કરતા મહાન હોય (જો કે તે નથી) તો પછી યઝીદ અમારા માટે ઈઝઝત અને ફખ્રનું સબબ બનશે પરંતુ અગર નબુવ્વતનો દરજ્જો ખિલાફતના દરજ્જા કરતા વધુ હોય (જો કે બેશક તે છે) તો પછી અમો યઝીદ માટે ઈઝઝત અને ફખ્રનું સબબ બનીશું.
5) તમારો એ દાવો કે યઝીદની બરકતથી આસ્માનમાંથી વરસાદ તલબ કરવામાં આવે છે તો પછી આ દરજ્જો ફકત હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની એહલેબૈત (અ.મુ.સ.) માટે છે. તેઓના વસીલાથી વરસાદને આસ્માનમાંથી તલબ કરવામાં આવે છે.
આ બાબતે અમારા માટે ફાયદાકારક એ છે કે અબ્દુલ્લાહની દુખ્તરની શાદી અબ્દુલ્લાહના સબંધી કાસીમ ઈબ્ને મોહમ્મદ ઈબ્ને જઅફર સાથે કરીએ અને અમો આ નિર્ણય તરફ આગળ વધીશું…
મરવાને કહ્યું: અય બની હાશીમ! શું આવી રીતે તમો અમારી સામોસામ આવી અને શબ્દ દર શબ્દથી રદ કરો છો અને જાહેરમાં અમારા પ્રસ્તાવનો ઈન્કાર કરો છો?
ઈમામ હસન (અ.સ.) એ ફરમાવ્યું: હા! અમારા બધા જવાબો તારા શબ્દોને રદ કરનારા છે.
મરવાન આ શબ્દોથી નિરાશ થઇ ગયો અને મોઆવીયાને બનાવ અંગે જાણ કરી.
મોઆવીયાએ કહ્યું: આપણે તેમને પ્રસ્તાવ કર્યો પરંતુ તેઓએ નકારાત્મક જવાબ આપ્યો. અગર તેઓ આપણને પ્રસ્તાવ કરતે તો ચોક્કસ આપણે હકારાત્મક જવાબ આપતે.
- બેહારૂલ અન્વાર, ભાગ-44, પા. 119-120, હ. 13, પ્રકરણ 107
આ બનાવ એ હકીકત તરફ ઈશારો કરે છે કે એહલેબૈત (અ.મુ.સ.) એ કયારેય કોઈ ખલીફા, દુશ્મનો અને એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનો તરફથી શાદીના પ્રસ્તાવને કબુલ નથી કર્યો.
1) ન ફકત તેઓની પોતાની દુખ્તરો, બલ્કે એહલેબૈત (અ.મુ.સ.)એ તેઓના સબંધીઓની દુખ્તરો અને બની હાશીમમાંથી કોઈના માટેના પ્રસ્તાવને પણ રદ કર્યો છે.
2) તેથી અગર ઈમામ હસન (અ.સ.) અબ્દુલ્લાહ ઈબ્ને જઅફરની દુખ્તરની શાદી યઝીદ સાથે કરવાના તરફેણમાં નથી તો પછી અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ પોતાની દુખ્તર ઉમ્મે કુલસુમની શાદી હક્ક છીનવી લેનાર સાથે કર્યા હોવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી?
3) મોઆવીયાનો દાવો કે તે બની હાશીમ સાથે સબંધો સ્થાપવા માંગે છે તે ફકત કપટ છે. તે ફકત ઈસ્લામી દુનિયામાં બતાવવા માંગતો હતો કે બની હાશીમ / એહલેબૈત (અ.મુ.સ.) તેની સાથે છે અને તેની સત્તાને કબુલ કરી લીધી છે. આજે, આજ વસ્તુ દુશ્મનો ઉમરના જનાબે ઉમ્મે કુલસુમ બિન્તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથેના કહેવાતા નિકાહના બારામાં કહી રહ્યા છે કે એહલેબૈત (અ.મુ.સ.) ઉમરથી ખુશ હતા અને તેના ખિલાફતના હક્કને સ્વિકારી લીધું હતું (મઆઝલ્લાહ).
4) અગર મોઆવીયા અને યઝીદ બની હાશીમ સાથે સબંધો સ્થાપવા ખાલીસ હોતે તો એહલેબૈત (અ.મુ.સ.)ને વારંવાર ત્રાસ ન ગુજારતે, ખાસ કરીને જે કરબલાના ઝુલ્મોથી જાહેર થાય છે.
5) શીઆઓના દુશ્મનો એહલેબૈત (અ.મુ.સ.)ને વસીલા તરીકે સ્વીકારવામાં વાંધો ઉઠાવે છે પરંતુ અહિંયા આપણે જોઈએ છીએ કે મોઆવીયા પોતાના દિકરા યઝીદને વસીલો ગણાવે છે કે જેના દ્વારા વરસાદ તલબ કરવામાં આવે છે. તેથી હકીકત એ છે કે દુશ્મનોને વસીલા બાબતે તકરાર કે વાંધો નથી પરંતુ તેઓને એહલેબૈત (અ.મુ.સ.) પ્રત્યેનો વસીલો નથી ગમતો. અગર યઝીદને વસીલા તરીકે લેવામાં આવે તો તેઓને કોઈ વાંધો નથી.
6) એહલેબૈત (અ.મુ.સ.) એવા વસીલા છે કે જેના દ્વારા નેઅમતો જેમકે વરસાદ તલબ કરવામાં આવે. તે બન્ને ફીર્કાઓ દ્વારા સ્વિકારેલ હકીકત છે. સાથોસાથ, તેમનો એ દરજ્જો છે જેના થકી નેઅમતો આવે છે તેથી ફર્ક નથી પડતો ચાહે તેઓ હયાત હોય કે શહીદ થઈ ગયા હોય, કારણકે દરજ્જો હંમેશનો હોય છે અને તેને હયાત અને મૌત સાથે સબંધ નથી હોતો. શું હઝરત યુસુફ (અ.સ.)ના ‘નિર્જીવ’ લિબાસે હઝરત યઅકુબ (અ.સ.)ની આંખોને શીફા ન અપાવી? શું ‘નિર્જીવ’ પથ્થર હજરે અસ્વદ હજ્જ અને મુસલમાનોના વાયદાની ગવાહી નથી આપતો?
7) ઈમામ હસન (અ.સ.) સ્પષ્ટ છે કે દુનિયા ખાતર આપ (અ.સ.)ને ઈસ્લામના દુશ્મનોથી કોઈ સબંધ સ્થાપવો નથી. આ ઈમામ હસન (અ.સ.)ના અમૂક શીઆઓ માટે સ્પષ્ટ સંદેશો છે કે જેઓ દુન્યવી ફાયદાઓ માટે ન ફકત મોઆવીયાને માનનારાઓ સાથે સબંધ સ્થાપવા તત્પર હોય છે પરંતુ સાથોસાથ હાસ્યસ્પદ રીતે તેઓ સાથે વૈચારીક એકતા હોવાનું પણ માને છે. જ્યારે કે ઈમામ હસન (અ.સ.) એ કયારેય આવો ખોટો ઇતેહાદ નથી કર્યો, તો પછી કેવી રીતે તેમના શીઆઓ તેની મેળવવાની તમન્ના રાખી શકે અથવા આવા વિચારને પણ બહાલી આપી શકે?
8) ઈમામ હસન (અ.સ.) શાદીના પ્રસ્તાવને ઠુકરાવીને શીઆઓને જીવનસાથી પસંદગી માટે રસ્તો બતાવ્યો છે. શાદી માટે સૌથી મહત્વની બાબત જે ધ્યાનમાં રાખવી જોઈએ તે આખેરત છે, ન કે દુન્યવી હોદ્દો. જીવનસાથીની પસંદગી માટે એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બત સૌથી પહેલું માપદંડ હોવું જોઈએ. શીઆઓ કયારેય એવા લોકો સાથે સબંધ ન સ્થાપે જેઓએ એહલેબૈત (અ.મુ.સ.)નો ઈન્કાર કર્યો અને બીજાઓને પોતાના પેશ્વા તરીકે લીધા હોય.
Be the first to comment