બધા મુસલમાનો તબર્રા કરે છે, ન ફકત શીઆઓ

વાંચવાનો સમય: 4 મિનિટ

પ્રસ્તાવના:

તબર્રાની બાબતે મુસલમાનોમાં બે મોટા મુખ્ય સમુહો છે. એક સમુહ તબર્રાને જડમુળમાંથી રદ કરે છે અને તેને વખોડે છે.

બીજો સમુહ તબર્રાને દીનના ભાગ તરીકે અમલ કરે છે અને બીજી ઈબાદતો જેમકે નમાઝો, રોઝા, હજ, વિગેરેની જેમ તબર્રા ઉપર અમલ કરવામાં પોતાનો સમય અને મહેનત નાખી તેના ઉપર અમલ કરવામાં કોશિશ કરે છે.

પહેલો સમુહ, યોગાનુયોગ જે બહુમતીમાં છે, માને છે કે તબર્રાની ઈસ્લામ સાથે કંઈ લેવા દેવા નથી અને અગર તે ઈસ્લામનો ભાગ હોત તો મુસલમાનો, ખાસ કરીને સહાબીઓ અને તાબેઈન (સહાબીઓની બીજી પેઢી) એ તેના ઉપર પહેલેથી અમલ કર્યો હોત.

અમે અહીં એક વાર્તાલાપ વર્ણવીએ છીએ જે આ સમુહની તબર્રા બાબતે બધી ખોટી માન્યતાને રદ કરે છે. તબર્રા માત્ર લઅનતનું નામ નથી, અલબત્ત લઅનત તેનો એક ભાગ છે. વધુ મહત્ત્વનું તબર્રા એટલે પોતાની જાતને કોઈનાથી દૂર કરવી. આવી રીતે દરેક મુસલમાનો, ત્યાં સુધી કે સરદારો અને આગળ પડતા સહાબીઓએ તબર્રા ઉપર અમલ કર્યો છે ચાહે તેઓ તેની અનુભૂતિ કરતા કે ન કરતા.

ઈમામ સાદિક (અ.સ.) સાબીત કરે છે કે તબર્રા દરેક મુસલમાનો અંજામ આપે છે:

આ વાર્તાલાપ મદીનામાં તે સમયે બન્યો જ્યારે મુસલમાન રાજા વલીદ, મરવાનની નસ્લમાંથી શામમાં કત્લ થયો. મોઅતઝેલાનો એક સમુહ મઝહબના બીજા સરદારો સાથે વલીદનો જાનશીન ચુંટવાની પ્રક્રિયાની ચર્ચા કરી રહ્યા હતા. આ સમુહમાં બીજા લોકો સાથે પ્રખ્યાત વ્યકિતઓનો પણ સમાવેશ હતો જેમકે અમ્ર ઈબ્ને ઓબૈદ, વાસીલ ઈબ્ને અતા, હફસ ઈબ્ને સાલીમ.

ઈમામ સાદિક (અ.સ.) પણ હાજર હતા.

જ્યારે ચર્ચા હદ કરતા વધી ગઈ અને કોઈ સચોટ પરિણામ ન આવ્યું તો એ નક્કી કરવામાં આવ્યું કે એક શખ્સ સમુહ તરફથી ઈમામ સાદિક (અ.સ.) સામે હવે પછીના ખલીફાની નિમણુંક બાબતે પ્રતિનિધિત્વ કરશે. સમુહે અમ્ર ઈબ્ને ઓબૈદની પ્રતિનિધિ તરીકે ચુંટણી કરી.

પોતાની દલીલો રજુ કર્યા બાદ અમ્ર ઈબ્ને ઓબૈદે મોહમ્મદ ઈબ્ને અબ્દિલ્લાહ ઈબ્ને હસન (ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ) નું નામ લાયક જાનશીન તરીકે આગળ કર્યું.

ઈમામ સાદિક (અ.સ.): શું તમો બધા અમ્ર ઈબ્ને ઓબૈદ સાથે સહમત છો?

લોકોએ અમ્રની ચુંટણીને માન્ય રાખી.

ઈમામ (અ.સ.) એ અલ્લાહની હમ્દ કરી અને રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉપર રહમતની દોઆ કરી અને ફરમાવ્યું: જ્યારે અલ્લાહની નાફરમાની કરવામાં આવે છે તો અમે દુ:ખી થઈએ છીએ અને જ્યારે અલ્લાહની ઈતાઅત કરવામાં આવે છે તો અમે ખુશ થઈએ છીએ. અય અમ્ર! મને જણાવો કે અગર આ ઉમ્મત કોઈપણ પ્રકારના ખુનામરકી વગર તેઓના કાર્યો તમારી ગરદનમાં નાખી દે અને તેઓના કાર્યોનો અધિકાર તમને આપી દે અને તમે જેને ચાહો તેને હાકીમ બનાવવા અધિકૃત કરે, તો તમે કોને સરદાર અથવા હાકીમ તરીકે નિયુકત કરશો?

અમ્ર ઈબ્ને ઓબૈદ: હું મુસલમાનોની શુરા (કમીટી)ની સ્થાપના કરીશ.

ઈમામ (અ.સ.): બધા મુસલમાનોની શુરા?

અમ્ર: હા.

ઈમામ (અ.સ.) : શું શુરામાં કાઝીઓ અને સમુદાયના શ્રેષ્ઠ લોકો હશે?

અમ્ર: હા.

ઈમામ (અ.સ.): કુરૈશ અને કુરૈશ સિવાયના? અરબો અને અરબો સિવાયના?

અમ્ર: હા.

ઈમામ (અ.સ.): મને જણાવો અય અમ્ર! શું તમે અબુબકર અને ઉમરથી તવલ્લા કરો છો કે તબર્રા?

અમ્ર: હું તેઓથી તવલ્લા કરું છું.

ઈમામ (અ.સ.): અય અમ્ર! અગર તમે અબુબકર અને ઉમરથી તબર્રા કરતા હોત તો જ તમને પરવાનગી આપવામાં આવત કે તમે તે રીતે (જે રીત તમે બયાન કરી કે શુરાની સ્થાપનાથી) જાનશીનની નિમણુંક કરો. એ સ્પષ્ટ થાય કે તમે અબુબકર અને ઉમરના વિરોધી છો અને તેઓથી તબર્રા કરો છો.

(ઈમામ અ.સ. અમ્ર ઈબ્ને ઓબૈદ તરફ ઈશારો કરીને ફરમાવે છે કે તમે તવલ્લાનો દાવો કર્યો છે પરંતુ હકીકતમાં તમે ઉમરથી તબર્રા કરો છો, તમારી શુરાની પસંદગી અને વ્યવસ્થા ઉમર કરતા ઘણીજ અલગ પ્રકારની છે.)

ઉમરે કોઈપણ જાતના અભિપ્રાય વગર અબુબકરની ખલીફા તરીકે નિયુકત કરી હતી અને તેની બયઅત કરી હતી.

પછી અબુબકરે પણ કોઈપણ પ્રકારના અભિપ્રાય વગર ખિલાફત ઉમરને સોંપી દીધી.

ઉમરે શુરાની સ્થાપના છ સભ્યો સાથે કરી અને તેમાં કોઈ અન્સાર (મદદગાર)નો સમાવેશ ન કર્યો. આ છ સિવાય તેણે કુરૈશને પણ બાકાત રાખ્યા. અને શુરામાં તેણે એવી શરતો રાખી કે જે ન તો તમે અથવા તમારા સાથીઓ તેનાથી રાજી છે.

અમ્ર: તેણે શું કર્યું હતું?

ઈમામ (અ.સ.): તેણે સોહૈબ (ઈબ્ને સીનાન ઈબ્ને માલીક)ને ત્રણ દિવસ સુધી નમાઝ પડાવા હુકમ કર્યો અને ફકત આ જ છ સભ્યો એકબીજાનો અભિપ્રાય લેશે. આ છ માં સાતમો અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર સિવાયે બીજું કોઈ નહિ હોય પરંતુ તેના તરફથી કોઈ મત લેવામાં નહિ આવે. તેના પછી ઉમરે મુહાજેરીન (હિજરતવાળાઓ) અને અન્સારો માટે આ મુજબની એક વસીય્યત બનાવી: ત્રણ દિવસ પસાર થાય અને આ છ લોકો એકબીજાના અભિપ્રાય લીધા પછી કોઈ એક સભ્યની બયઅત કરવા ઉપર સહમત ન થાય તો તે છ લોકોના માથા ઉતારી લેજો. અગર ત્રણ દિવસ પહેલા તેઓમાંથી ચાર કોઈ વ્યકિત ઉપર સહમત થાય અને બીજા બે તે ચારનો વિરોધ કરે તો વિરોધ કરનાર બે ના સરને ઉતારી લેજો.

અય અમ્ર! શું તમે અને તમારા સાથીઓ ઉમરના મત મુજબ મુસલમાનોમાં શુરાની સ્થાપનાથી સહમત છો?

તેઓએ કહ્યું: નહિ.

  • અલ કાફી, ભાગ-5, પા. 23
  • તેહઝીબ અલ એહકામ, ભાગ-6, પા. 148
  • વસાએલુશ્શીઆ, ભાગ-15, પા. 41
  • મીરઅતુલ ઓકુલ, ભાગ-18, પા. 348
  • અલ એહતેજાજ, ભાગ-2, પા. 362-363

ઉપરની ચર્ચાથી ઘણા બધા દિલચસ્પ મુદ્દાઓ જાહેર થાય છે જેમાંથી અમુકની અહિં ચર્ચા કરીએ છીએ:

1) તબર્રા અને તવલ્લાના અકીદાને મોટે ભાગે સરખો સમજવામાં નથી આવ્યો. મુસલમાનો સામાન્ય રીતે તવલ્લા માટે મોહબ્બત અને તબર્રા માટે નફરતનો અર્થ લેતા હોય છે. અબલત્ત્ આ પણ હકીકત છે પરંતુ વધુ યોગ્ય સંબંધ સાથે રહેવા અને દૂર થવાના અર્થમાં છે. તબર્રાનો શાબ્દીક અર્થ છે ‘તબાઅદ’ એટલે કે દૂર થવું અથવા છોડી દેવું (લેસાનુલ અરબ, ભાગ-1, પા. 356)

2) તબર્રા અથવા સહાબીઓથી દૂરી રાખવી તે મુસલામાનોમાં સામાન્ય હતું. ફકત કોઈ તેઓને આના તરફ ઈશારો કરવાવાળું જોઈતું હતું. જેમકે ઈબ્રાહીમ (અ.સ.) એ નાસ્તિકોને તેઓની મૂર્તિ તોડીને તેઓ પાસે કબુલ કરાવ્યું: પછી તેઓએ પોતાની તરફ રુખ કર્યો અને કહ્યું: બેશક તમે પોતેજ અન્યાયી છો. (સુરએ અંબીયા-21, આ. 64)

3) પોતાની જાતને દૂર રાખીને વ્યકિત પોતાનો અણગમો જાહેર કરે છે. આ દૂરી જેણે તબર્રા કહેવાય છે, તે યા તો કહેવાતા ખલીફાઓ, સહાબીઓ અને પત્નિઓના ખોટા કાર્યો અથવા ખોટા ફેંસલાઓના કારણે છે. એક વ્યકિત આવી હસ્તીઓ સાથે મોહબ્બતનો દાવો (તવલ્લા) કરી શકે છે પરંતુ હકીકતમાં તે તબર્રા કરી રહ્યો છે, એ હકીકત જેની તરફ ઈમામ સાદિક (અ.સ.) એ અબુબકર અને ઉમરના ચાહનારાઓને ઈશારો કર્યો.

4) ઉમરે પણ અબુબકરની જેમ સીધી નિમણુંકના બદલે શુરા બનાવીને અબુબકરથી તબર્રા કર્યો. તેવીજ રીતે મોઆવીયાએ યઝીદને પોતાની ઝીંદગીમાં જ પોતાનો જાનશીન બનાવીને અબુબકર અને ઉમર બન્નેથી તબર્રા કર્યો, એ હકીકત જે આયેશાએ મોઆવીયાને યાદ દેવરાવી હતી.

5) ઉમરે અગર જરુર જણાય તો શુરાના બધા સભ્યોને કત્લ કરવાનો હુકમ આપ્યો. એ સમયે જ્યારે શીઆઓને સહાબીઓની ટીકા કરવાના બદલામાં વખોડવામાં આવે છે ત્યારે મુસલમાનો ઉમરના સહાબીઓ પ્રત્યેના વલણ તરફ ધ્યાન ધરવું જોઈએ. તેણે આકસ્મિકપણે સહાબીઓના ખૂનની પરવાનગી આપી જેમા રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ભાઈ અને તેમના હકીકી જાનશીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પણ શામીલ હતા. મુસલમાનોને કત્લ કરવા તે તેઓની ટીકા કરવા કરતા વધુ ખરાબ છે. શીઆઓની પહેલા ઉમરને વખોડવાની જરુર છે.

6) મુસલમાનો ઘણી વખત ઉમરના શુરાનો બચાવ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીમાંથી અમુક પ્રસંગો બતાવી કરવા ચાહતા હોય છે. પહેલી અને અગત્યની વાત, રસુલુલ્લાહ (સ.અ.વ.) એ કાયદાની બાબતે અને નબી (સ.અ.વ.)ના જાનશીનની નિમણુંક માટે કયારેય સલાહકાર પરિષદની રચના નથી કરી. બીજું, અગર આપણે દલીલ માટે એમ માની પણ લઈએ કે ખિલાફત શુરાની બાબત હતી તો પછી શુરાના સભ્યોનો વિસ્તાર વિશાળ હોવા જોઈએ જેમાં તમામ મુસલમાનોનો સમાવેશ થાય જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની રવીશ હતી અને અમ્ર ઈબ્ને ઓબૈદ અને બધા મુસલમાનોએ પણ માન્ય રાખી હતી. મુસલમાનોમાંથી અમુકને ચુંટી ઉમરે મુહાજેરીન, અન્સાર અને બીજા કબીલાના લોકોને પ્રતિનિધિત્વ કરવાનો મૌકો ન આપ્યો અને આ રીતે તેણે રસુલુલ્લાહ (સ.અ.વ.)થી તબર્રા કરી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*