શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરને દરવાજો હતો?

વાંચવાનો સમય: 7 મિનિટ

પ્રસ્તાવના

  1. કુરઆને કરીમમાં દરવાજાઓ
  2. સુન્નત (હદીસ)માં દરવાજાઓ
  3. એહલેબય્ત (અ.મુ.સ.)ના દરવાજાઓ
  4. અબુબક્રનો સૌથી મોટો પસ્તાવો
  5. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની હદીસનો ખુલાસો

અમૂક કહેવાતા મુસલમાનો જેમાં તેઓ પણ શામેલ છે જેઓ એહલેબય્ત (અ.મુ.સ.)ની ફઝીલત કબુલ કરે છે તેઓ એવી શંકા પૈદા કરે છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરને દરવાજો ન હતો.

તેઓ એવો દાવો કરે છે કે ઈસ્લામની શરૂઆતના સમયગાળામાં લાકડાના દરવાજા ન હતા અને લોકો દરવાજાની જગ્યા ઉપર પરદા અથવા રજાઈ લગાડતા હતા. અમૂક લોકો પોતાના દાવાને પુરવાર કરવા માટે આ પ્રકારની હદીસો રજુ કરે છે:

હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે:

અને અમો એહલેબય્તે મોહમ્મદ (અ.મુ.સ.)ના ઘરોમાં ન તો છત હોય છે અને ન તો દરવાજાઓ.

તેઓ દાવો કરે છે કે જેમ ઘરમાં દરવાજા ન હતા તો એ કેવી રીતે શકય છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ને દરવાજા અને દિવાલ દરમ્યાન ઝખ્મી કરવામાં આવ્યા હોય?

કુરઆને કરીમમાં દરવાજાઓ:

તે સમયમાં દરવાજાઓ અને છતો ન હતી તે કહેવું ગુમરાહીભર્યું છે. કુરઆને કરીમ સ્પષ્ટપણે કહે છે કે ઘરોમાં દરવાજાઓ હોય છે અને તેને તાળું મારવું જોઈએ.

અ) નીચેની આયત દર્શાવે છે કે ઘરોમાં દરવાજાઓ હતા:

وَلَيْسَ الْبِرُّ بِأَنْ تَأْتُوا الْبُيُوْتَ مِنْ ظُهُوْرِهَا وَلٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقٰى وَأْتُوا الْبُيُوْتَ مِنْ أَبْوَابِهَا

અને તમે મકાનોમાં તેના પાછળના ભાગેથી દાખલ થાઓ તે નેકી નથી પરંતુ નેકી એ છે કે ગુનાહોથી બચીને ચાલવુંઅને મકાનોમાં દરવાજાઓથી દાખલ થાઓ.

(સુરએ બકરહ 2:189)

બ) આ આયત દર્શાવે છે કે દરવાજાઓની ચાવીઓ હતી:

مِنْ بُيُوْتِكُمْ أَوْ بُيُوْتِ آبَائِكُمْ…أَوْ مَا مَلَكْتُمْ مَفَاتِحَهُ أَوْ صَدِيْقِكُمْ ۚ لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَنْ تَأْكُلُوْا جَمِيْعًا أَوْ أَشْتَاتًا

“…તમારા ઘરોમાં અથવા તમારા બાપદાદાઓના ઘરોમાં… અથવા જે ઘરોની ચાવીઓ તમારા હાથમાં હોય તે ઘરોમાં અથવા તમારા મિત્રોના ઘરોમાંએમાં પણ તમારા માટે કાંઈ વાંધો નથી કે તમે ભેગા મળીને ખાઓ યા જુદા જુદા.

(સુરએ નૂર 24:61)

આ નિર્દેશ કરે છે દરવાજાઓ લાકડા / લોખંડના અથવા કોઈ ઘન પદાર્થના હતા જેને ચાવી વડે ખોલી શકાય. આ નિયમ મુજબ પરદા અને રજાઈ હોવાનો કહેવાતા મુસલમાનોના દાવાને રદ કરે છે.

સુન્નતમાં દરવાજાઓ:

અ) મુસલમાનોના ઘરોમાં દરવાજાઓ હતા.

ઉપરની આયતોના ટેકામાં નીચે મુજબ હદીસો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે તે ઝમાનામાં દરવાજાઓ હતો કે જેને ચાવી વડે ખોલવામાં આવતા હતા.

દુકૈન બીન સઈદ મુઝની કહે છે કે હું રસુલે ખુદા (સ.અ.વ.)ની બારગાહમાં હાજર થયો અને ખોરાક માટે વિનંતી છે. રસુલે ખુદા (સ.અ.વ.) એ ઉમરને કહ્યું: જાવ અને તેમને ખોરાક આપો. ઉમર અમને ઉપરના માળે લઈ ગયો પછી તેણે પોતાની કમરના પટ્ટામાંથી ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો.

(સોનને અબી દાઉદ, ભાગ-2, પા. 527, હ. 5240)

આપણી ઝમાનાના પ્રખ્યાત સલફી શૈખ નાસીરૂદ્દીન અલ-અલબાની તેમની કિતાબ સહીહ વ ઝઈફ સોનને અબી દાઉદ, હ. 5238 માં આ હદીસને ભરોસાપાત્રતાને માન્ય રાખી છે.

તેવીજ રીતે મુસ્લીમ એ તેની સહીહમાં એ નોંધ્યું છે કે ઈસ્લામની શરૂઆતના ઝમાનામાં મુસલમાનોના ઘરોમાં દરવાજાઓ હતા. જેમકે એક અહેવાલમાં અબુ હામીદ કહે છે: રસુલે ખુદા (સ.અ.વ.) એ અમને હુકમ કર્યો કે પાણીના વાસણોને ખુણામાં રાખીએ અને રાત્રે દરવાજાઓને તાળુ મારીએ.

(સહીહ મુસ્લીમ, ભાગ-3, પા. 1593, હ. 2010)

બ) રસુલે ખુદા (સ.અ.વ.)ના ઘરનો દરવાજો:

ઈબ્ને કસીર દમીશ્કી, ઈબ્ને તયમીયાના પ્રખ્યાત શાર્ગીદ રસુલે ખુદા (સ.અ.વ.)ના ઘરના દરવાજા બાબતે હસને બસરીથી નકલ કરે છે કે ‘રસુલે ખુદા (સ.અ.વ.)ના ઘરના ઓરડાઓ જુનીપર (ઝાડનું નામ) ઝાડની ડાળીઓથી બનાવવામાં આવેલ હતા. તારીખે બુખારીમાં નકલ કરવામાં આવ્યું છે કે રસુલે ખુદા (સ.અ.વ.) ના ઘરના દરવાજાને આંગળીઓ અને નખો વડે ખટખટાવવામાં આવતો, જે સાબીત કરે છે કે ખટખટાવવા માટે કોઈ કડી ન હતી.

(અલ બીદાયા વ અલ નિહાયા, ભાગ-3, પા. 221)

આંગળીઓથી ખટખટાવવું એ તરફ નિર્દેશ કરે છે કે દરવાજાનો પદાર્થ ઘન હતો અને ચાદર ન હતી જેમકે મુસલમાનો બયાન કરે છે.

ક) અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ઘરનો દરવાજો:

બન્ને ફીર્કાના ઘણા બધા આલીમોએ તે પ્રખ્યાત બનાવનું વર્ણન કર્યું છે કે જ્યારે અલ્લાહ તરફથી હુકમ આવ્યો કે મસ્જીદમાં ખુલતા તમામ દરવાજાઓ બંધ કરી દેવામાં આવે સિવાય રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના દરવાજાઓ.

અગર ઘરોને યોગ્ય દરવાજાઓ ન હતા કે જેને ખોલવામાં અથવા બંધ કરવામાં આવતે તો આવો ઈલાહી હુકમ અર્થહીન હતો, જેની અપેક્ષા અલ્લાહ હકીમ પાસે ન રાખી શકાય.

તેથી જેઓ દરવાજો હોવાનું નકારે છે તો તેઓ (નઉઝોબીલ્લાહ) અલ્લાહ ઉપર હકીમ ન હોવાનો આરોપ લગાડે છે.

સાથોસાથ, એવી પણ ઘણી હદીસો છે જે દર્શાવે છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ઘરને દરવાજો હતો.

જેમકે,  હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના શાદીના વર્ણનમાં આ નકલ થયું છે: રસુલે ખુદા (સ.અ.વ.) એ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને બોલાવ્યા અને અલી (અ.સ.) માટે તેજ દોઆઓ ફરમાવી જે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) માટે ફરમાવી હતી… આ દોઆ પછી રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉભા થયા અને દરવાજો બંધ કર્યો.

  • (અલ મુસન્નફ, ભાગ-5, પા. 489, અબુ બક્ર અબ્દુલ રઝઝાક બીન હમ્મામ સનાની (વફાત 211 હી.સ.) બુખારી અને મુસ્લીમના શિક્ષક)

ડ) આયેશાના ઘરનો દરવાજો:

બુખારીએ લખ્યું છે કે આયેશાના ઘરનો દરવાજો જુનીપર ઝાડના લાકડાથી અથવા સાગના લાકડાથી બનેલો હતો.

(અલ અદબ અલ મુફરરદ, ભાગ-1, પા. 272)

એહલેબય્ત (અ.મુ.સ.)નો દરવાજો

ઘણી બધી રિવાયતો છે જે સ્પષ્ટપણે વર્ણવે છે કે એહલેબય્ત (અ.મુ.સ.)ના ઘરને દરવાજો હતો.

અમે અહિંયા બે મશહુર બનાવોનું વર્ણન કરીએ છીએ.

અ) રસુલે ખુદા (સ.અ.વ.) એહલેબય્ત (અ.મુ.સ.)ના ઘરના દરવાજા ઉપર થોભવું.

انس بن مالك: ان رسول‏ اللّه صلّى اللّه عليه و آله كان يمر بباب فاطمة إذا خرج إلى صلاة الفجر و يقول:الصلاة يا أهل بيتي انما يريد اللّه، الآية.

અનસ બીન માલીક  રસુલે ખુદા (સ.અ.વ.)નો ગુલામ નકલ કરે છે કે રસુલે ખુદા (સ.અ.વ.) ફજરના સમયે જનાબે ફાતેમા (સ.અ.)ના દરવાજા પાસેથી પસાર થતા અને ફરમાવતા – તમારા ઉપર સલામ થાય! અય મારા એહલેબય્ત (અ.મુ.સ.), અલ્લાહનો બસ એજ ઈરાદો છે કે તમારાથી દરેક નજાસતોથી દૂર રાખે, અય એહલેબય્ત (અ.મુ.સ.)! અને તમને એવા પાક રાખે જેવા પાક રાખવાનો હક્ક છે.

(અલ એહતેજાજ, ભાગ-2, પા. 515)

બ) ગરીબયતીમ અને કૈદીનું દરવાજા ઉપર થોભવું:

સુરએ ઈન્સાન (76)ની આઠમી આયતના અનુસંધાનમાં રિવાયતો છે કે સતત ત્રણ દિવસ, જરૂરતમંદ (મીસ્કીન), યતીમ અને કૈદી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દરવાજા પાસે ઉભા રહ્યા:

إِذْ وَقَفَ عَلَى الْبَابِ مِسْكِينٌ‏ وَ قَالَ: السَّلَامُ عَلَيْكُمْ يَا أَهْلَ بَيْتِ مُحَمَّدٍ، مِسْكِينٌ مِنْ مَسَاكِينِ الْمُسْلِمِينَ أَطْعِمُونِي أَطْعَمْكُمُ اللَّهُ مِنْ طَعَامِ الْجَنَّةوَقَفَ عَلَى الْبَابِ سَائِلٌ وَ قَالَ: السَّلَامُ عَلَيْكُمْ يَا أَهْلَ بَيْتِ مُحَمَّد

જ્યારે જરૂરતમંદ દરવાજા ઉપર થોભ્યો અને કહ્યું: તમારા ઉપર સલામ થાય એ મોહમ્મદ (સ.અ.વ.)ના એહલેબય્ત! મુસલમાન જરૂરતમંદોમાંથી એક જરૂરતમંદ છું મને જમાડોઅલ્લાહ તમને જન્નતના ખાણોમાંથી જમાડશે. માંગવાવાળો દરવાજે થોભ્યો અને કહ્યું: તમારા ઉપર સલામ થાય એ મોહમ્મદ (સ.અ.વ.)ના એહલેબય્ત…”

(અલ્લામા મજલીસી અ.ર.ની ઝાદુલ મઆદ, પા. 227)

આવાજ ભાવાર્થની રિવાયતો નીચેની કિતાબોમાં નોંધાયેલ છે.

નૂરૂસ સકલૈન સુરએ ઈન્સાનની તફસીર હેઠળ,  અલી અસતરાબાદીની તઅવીલ અલ આયાત અલ ઝાહીરાહ ફી ફઝાએલ અલ    ઈતરત અલ તાહેરાહ

એ રિવાયતો ઉપર ધ્યાન આપો જે સ્પષ્ટપણે એહલેબય્ત (અ.મુ.સ.)ના ઘરના દરવાજાની ઓળખાણ કરાવે છે. અગર કોઈ દરવાજો ન હતો તો શબ્દ  (عَلَى الْبَابِ) નો અર્થ ‘દરવાજા ઉપર’ નકલ કરવામાં ન આવ્યો હોત.

અબુબક્રનો સૌથી મોટો પસ્તાવો:

વિરોધીઓની ભરોસાપાત્ર રિવાયતો નકલ થઈ છે કે જ્યારે અબુબક્ર મરણ પથારીએ હતો, અબ્દુલ રહેમાન ઈબ્ન ઔફ તેની મુલાકાતે ગયો. તેના ખબર-અંતર પૂછયા પછી ઈબ્ને ઔફ અબુબક્રના ચહેરા ઉપર દેખાતી મોટી પરેશાનીનું કારણ પૂછયું: તેણે જવાબ આપ્યો: હું નવ કારણોના લીધે પરેશાન છું. ત્રણ ચીઝો એવી મેં કરી જેને મારે ન કરવી જોઈતી હતી, ત્રણ ચીજો એવી છે જે મેં ન કરી પણ મારી કરવી જોઈતી હતી અને ત્રણ ચીઝો જે મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ન પૂછી જે મારી પુછવી જોઈતી હતી. આમાંથી જે પહેલી ચીઝનું તેણે વર્ણન કર્યું છે તે છે ‘મારે જનાબે ઝહરા (સ.અ.)ના ઘરની બેહુરમતી ન કરવી જોઈતી હતી. ભલે પછી તેઓએ મારા સાથે જંગ કરવા ઉપર દરવાજાને તાળુ માર્યું હોત.

(અબુ ઓબૈદ અલ કાસીમ ઈબ્ને સાલમ અલ ખુઝાઈની કિતાબ અલ અમ્વાલ, વફાત 224 હી.સ., પા. 524, હ. 351, તારીખે તબરી, ભાગ-2, પા. 619, ભાગ-3, પા. 430, ઝહબીની સેયર આલામ અલ નુબાલા, ભાગ-28, પા. 17 અબુબક્રના જીવનચરિત્રમાં, ઝહબીએ તારીખ અલ ઈસ્લામ, ભાગ-3, પા. 118, ઈબ્ને અબદો રબીઆ અંદલુસીએ અકદ અલ ફરીદ, ભાગ-1, પા. 29 અને પા. 51, અલ તબરાનીએ અલ મોજમ અલ કબીરમાં ભાગ-1, પા. 62, ઝીયા અલ મકદેસીએ અલ અહાદીસ અલ મુખ્તરાહ, હ. 12 (તેની હેઠળ તે લખે છે કે હાઝા હદીસનુન હસનુન અન અબી બક્ર), ઈબ્ને અબીલ હદીદએ શર્હ નહજ, ભાગ-6, પા. 51 અને ભાગ 20, પા. 24, સુયુતિએ મુસ્નદો ફાતેમા (સ.અ.), પા. 34 અને બીજા ઘણાબધા સંદર્ભો)

તેથી આપણે જોયુ કે ગુનેહગાર પોતે ગુનાહને સ્વીકારે છે અને દરવાજાના મૌજુદ હોવાને કબુલ કરે છે પરંતુ તેને અનુયાયીઓ તેને નિર્દોષ સાબિત કરવાની કોશિશ કરે છે. કમનસીબે, આજે આવા અમૂક અનુયાયીઓ એહલેબય્ત (અ.મુ.સ.)ના માનનારા હોવાનો દાવો કરે છે અને શીઆઓના પેશ ઈમામ પણ છે. અલ્લાહ આપણને આખરી ઝમાનાના (ફીત્ના) ખરાબીઓથી સુરક્ષિત રાખે.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની હદીસનો ખુલાસો:

ઘરોને દરવાજા ન હોવાનું સાબિત કરવા માટે જે હદીસને રજુ કરવામાં આવે છે તો તેના માટે વાંચકોએ જાણવું જોઈએ કે તે એક લાંબી હદીસ છે અને તે હદીસ ઘરોમાં દરવાજા સાથે કોઈ સબંધ નથી ધરાવતી. બલ્કે તે એહલેબય્ત (અ.મુ.સ.)ની પરિસ્થિતિ અને તેમની સાદી જીવનશૈલીના બારામાં છે કે તેઓએ બીજા ધનિક અરબોની જેમ મોભાદાર કપડા અને ભવ્ય મહેલોમાં રહેવાથી પોતાની જાતને દૂર રાખતા હતા. આ હદીસ બીજા મુસલમાનોની વિરુધ્ધ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત દર્શાવે છે. આ કહેવાતા મુસલમાનોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલાને જુઠલાવવાના બદઈરાદાની સાથે અનુકુળતા પ્રમાણે હદીસનો એક ભાગ લઈ રજુ કરેલ છે.

ચાલો આપણે પહેલા તે હદીસનો અભ્યાસ કરીએ જેથી સમજવામાં આસાની રહે. તે ખુબજ લાંબી હદીસ હોવાથી આપણે અહીં ફકત તે ભાગને રજુ કરીએ છીએ જે આપણી ચર્ચાને સંબંધિત છે.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:

રસુલે ખુદા (સ.અ.વ.) લોકો સાથે ખુબજ માયાળુ હતા. આપ (સ.અ.વ.) તેઓને જમાડતા અને તેઓને ખુશ કરતા જ્યારે તેઓ ઈસ્લામ લઈ આવ્યા અને તેઓના પાછા ફરી જવાની સંભાવના હતી. આપ (સ.અ.વ.) એ તેઓને લીબાસજાજમબિસ્તર આપ્યું એ છતાં કે અમો એહલેબય્ત (અ.મુ.સ.)ના છત અને દરવાજા વગરના ઘરોમાં રહેતા હતા. અમારા ઘરની દિવાલો ખજુરના ઝાડની ડાળીઓ અને તેના પાંદડાઓથી બનેલી હતી. અમારી પાસે ન તો કોઈ જાજમ હતી અને ન તો ધાબળા. અમારામાંથી ઘણા એક જોડ કપડા વચ્ચે નમાઝ પઢવા માટે વારા રાખતા. અમે લાંબા સમય સુધી ભૂખ્યા રહેતા. રસુલ (સ.અ.વ.) એ અમને મળેલ ઈલાહી હક્ક ખુમ્સ (પાંચમો ભાગ) પણ બીજાઓને આપી દેતા અને અરબોની તેના વડે મદદ કરતા.

કોઈપણ નિષ્પક્ષ વાંચક એ નતીજો કાઢશે કે ખરેખર આ હદીસ વૈભવી જીવનથી એહલેબય્ત (અ.મુ.સ.)ની ફઝીલત અને તેમની સાદી જીવનશૈલીના બારામાં છે અને તેઓ ઉડાવપણાથી દૂર રહેતા.

પરંતુ અમૂક બદઈરાદાવાળા લોકો પોતાના મકસદ અનુરૂપ અર્થ કાઢે છે જેથી એહલેબય્ત (અ.મુ.સ.) ની ફઝીલતને રદ કરી શકે.

શું કોઈ વિચારી શકે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની દુખ્તરનું ઘર દરવાજા અને છત વગરનું હોય શકે કે જેથી પસાર થનાર લોકોની નિગાહ તે ઘરના લોકો ઉપર પડે? શું રસુલ (સ.અ.વ.) પોતાની દુખ્તર, જન્નતની સ્ત્રીઓની સરદાર માટે આની પરવાનગી આપે, કે જેમના હિજાબ અને હયાનો ન તો આ દુનિયામાં અને ન તો કયામતના દિવસે કોઈ મુકાબલો કરી શકે છે. ઉપરાંત, અગર આપણે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) માટે આવા ઘરને કબુલ કરીએ તો પછી આપણે રસુલે ખુદા (સ.અ.વ.)ના ઘર માટે પણ કબુલ કરવું પડશે કારણકે રસુલુલ્લાહ (સ.અ.વ.) એહલેબય્ત (અ.મુ.સ.) કરતા ઉચ્ચ ઉદાહરણરૂપ છે. શું રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમની પત્નિઓ આવા ઘરોમાં રહી શકે છે?

આ હદીસનું લખાણ એમ સ્પષ્ટતા કરે છે કે એહલેબય્ત (અ.મુ.સ.)ના ઘરોમાં બીજા મુસલમાનોની જેમ ખુબ સારી સુવિધાઓ ન હતી. તેઓના ઘરોમાં દરવાજાઓ, છત અને દિવાલો હતી. જો કે તે ઘરો ફકત જીવન નિર્વાહ પૂરતાજ હતા ન કે બીજા સહાબીઓની જેમ સારા અને ભવ્ય બાંધકામ ધરાવતા હતા. તેવીજ રીતે જેવી રીતે તેમનો લીબાસ પણ નમાઝ પઢવા તથા બીજા વાજીબાતો અદા કરવા પૂરતોજ હતો ન કે દેખાવ માટે.

ફરી, આ હદીસ ફકત બીજા સહાબીઓની ઉપર એહલેબય્ત (અ.મુ.સ.)ની ફઝીલત તરફ નિર્દેશ કરે છે. તેથી આ હદીસ તેઓ માટેજ ફટકાર છે જેઓ એહલેબય્ત (અ.મુ.સ.)ની ફઝીલતને રદ કરવા માંગે છે.

બદઈરાદો ધરાવનાર લોકો  માટે હદીસોમાંથી પોતાની અનુકુળતા પ્રમાણેનો અર્થવાળા ટુકડા કાઢવાની કોઈ કમી નથી.

 

Be the first to comment

Leave a Reply