શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દરેક સહાબા અઝમત માટે લાયક છે?

વાંચવાનો સમય: 7 મિનિટ

મુસલમાન બહુમતી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના બધા સહાબાઓને મહાન જાણે છે.

તેઓનો એવો દાવો છે કે બધા સહાબાઓને ઈસ્લામમાં ગર્વનું સ્થાન છે કારણકે તેઓએ સૌથી પહેલા રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જોયા, આપ (સ.અ.વ.) સાથે વર્ષો વિતાવ્યા, આપ (સ.અ.વ.)ના હાથો ઉપર ઈસ્લામ સ્વિકાર્યો, લડાઈઓમાં આપ (સ.અ.વ.)ની સાથે રહ્યા, વિગેરે.

જવાબ:

1) સહાબીની વ્યાખ્યા

2) બધા સહાબાઓ માટે ફકત એક જ અફઝલીય્યત

3) ‘જોવાઉપર મુસલમાનોનો વધુ પડતો ભાર

4) રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ન જોવા આપ (સ.અ.વ.)ને જોવા કરતા વધુ ફઝીલત ધરાવે છે

5) તો પછી શા માટે સહાબીય્યતની માંગણી, ગમે તેમ એક નબળી સિફત?

1) સહાબીની વ્યાખ્યા:

ઈસ્લામમાં સહાબીય્યતના અકીદાના બારામાં ઘણું બધું કહી શકાય છે. સહાબીની વ્યાખ્યા જોઈએ તો તે સારો અથવા ખરાબ, બાઈમાન અથવા બેઈમાન હોય શકે છે.

આ વાત કુરઆને કરીમની આ આયતથી સ્પષ્ટ થાય છે જેમાં હઝરત યુસુફ (અ.સ.)ના કૈદખાનાના કાફીર સહાબીઓને પણ સહાબીઓ કહેવામાં આવ્યા છે:

અય મારા કૈદખાનાના બે સાથીઓ…

(સુરએ યુસુફ-12, આયત 39)

કુરઆને કરીમ તો રસુલુલ્લાહ (સ.અ.વ.)ને પણ મક્કાના મુનાફીકોના સાથી કહે છે:

તમારો આ સાથી દિવાનો નથી.

(સુરએ તકવીર-81, આયત 22)

તેથી જેવી રીતે આ ઈલાહી આયતો બતાવે છે, એક કાફીર પણ ઈલાહી પયગમ્બરનો સાથી બની શકે છે અને એક ઈલાહી નબી પણ કાફીરોનો સાથી બની શકે છે. સહાબીય્યત એટલે ફકત એકબીજાની સાથે સમય પસાર કરવો, તેમાં વ્યક્તિની ઈમાન કે કુફ્રની કોઈ નિશાની નથી.

ઈતિહાસ એવા બનાવોથી ભર્યો પડયો છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓ, રસુલુલ્લાહ (સ.અ.વ.)નો વિરોધ કરવા, આપ (સ.અ.વ.)ની પત્નિઓ ઉપર ઝીનાનો આરોપ લગાવવા, મૈદાને જંગમાંથી ભાગી જવા, આપ (સ.અ.વ.)ને શહીદ કરવા માટે ભેગા થવા, વિગેરે બાબતો માટે મશ્હુર હતા.

આવી ગંભીર ભૂલો હોવા છતાં શા માટે મુસલમાનો સહાબીય્યત ઉપર આટલો ભાર મૂકે છે?

આ સવાલનો એક વિસ્તૃત જવાબ વિવિધ પાસાઓથી આપી શકાય છે પરંતુ દરેક પાસાઓને આ ટૂંકા લેખમાં આવરી લેવા શકય નથી. અહી અમુક પાસાઓનો અભ્યાસ કરીશું.

મુસલમાનોની દરમ્યાન સહાબીય્યતનું મહત્વ છે, પરંતુ ઈસ્લામ અને અલ્લાહની કિતાબ મુજબ નહિ. ઈસ્લામને તેના સિધ્ધાંતો મુજબ પારખવો જોઈએ ન કે મુસલમાનો મુજબ.

તેથી તે સહાબીઓના બારામાં શું કે જેમને પવિત્ર કુરઆને ફઝીલતવાળા અને વખાણપાત્ર કહ્યા છે?

જેમકે કુરઆને કરીમમાં કોઈ વિરોધાભાસ નથી, કે એક જગ્યાએ સહાબીઓના વખાણ કરે અને બીજી જગ્યાએ તેમને ઠપકો આપે. તે સ્પષ્ટ છે કે આ વખાણ અને ઠપકાની પાછળ સહાબીય્યત હોવા ઉપરાંત કોઈ બીજી બાબત છે. આ બાબત ઉપર પવિત્ર કુરઆને પોતે જ રોશની નાખે છે અને તે છે તકવા.

‘…બેશક તમારામાં અલ્લાહની નઝદીક સૌથી વધારે માનનીય તે છે કે સૌથી વધારે મુત્તકી છે…

(સુરએ હોજરાત-49, આયત 13)

બીજા બધા ઈન્સાનોની જેમ મુત્તકી સહાબીઓ પવિત્ર કુરઆનમાં પોતાને અલ્લાહ તઆલા દ્વારા વખાણને પાત્ર અને મુત્તકી સિવાયના પોતાને ઠપકાપાત્ર પામે છે. આથી મુલ્યાંકન માટે તકવા માપદંડ છે, ન કે સહાબીય્યત.

2) બધા સહાબાઓ માટે ફકત એક જ અફઝલીય્યત:

કહેવાતી દરેક ‘અફઝલીય્યત’માં ફકત એક જ ફઝીલત જે સહાબાઓને હાંસીલ છે તે છે તેઓને અલ્લાહ તઆલા દ્વારા આંખો આપવામાં આવી. જ્યારે ઘણું બધું કહેવાય છે ત્યારે સહાબીઓની એહલે તસન્નુન મુજબ મુળ ‘ફઝીલત’ ફકત એક જ ચીઝ છે કે તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ‘જોઈ’ શકતા હતા.

3) જોવાઉપર મુસલમાનોનો વધુ પડતો ભાર:

આ મુસલમાનોને જોવા બાબતે લત લાગી છે. તેઓ એવું માને છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જોવા તેમને કયારેય ન જોવા કરતા બહેતર છે. તે જ સમયે તેઓ માને છે કે આપ (સ.અ.વ.) એ સામાન્ય વ્યક્તિ હતા. તો પછી એક સામાન્ય ઈન્સાનને જોવાની શું ફઝીલત? સ્પષ્ટપણે, આ ફકત પોતાના માપદંડ ઉપર સહાબીઓને નમુના બનાવવા છે, બેશક જે બિનજરૂરી અને અર્થહીન છે.

તેવી જ રીતે, આ સમૂહ માને છે કે કયામતના દિવસે આપણે અલ્લાહને જોઈ શકીશું.

(સહીહ બુખારી, ભાગ – 6, બુક –  60, હ. 105, બુક –  65, હ. 4581)

આ મુસલમાનો માટે ગૈબ ઉપર ઈમાનના અકીદાની કોઈ કિંમત જ નથી.

જ્યારે કે આપણે જોઈએ છીએ કે પવિત્ર કુરઆન અને હદીસો, તે બાબતોમાં માને છે કે જે આપણે જોઈ નથી, બલ્કે તે હકીકતમાં ઈમાનની નિશાની છે.

પવિત્ર કુરઆન સુરએ બકરહની શરૂઆતમાં સ્પષ્ટપણે એલાન કરે છે:

આ કિતાબ, જેમાં કોઈ શક નથી, તેઓ માટે હિદાયત છે જેઓ મુત્તકી છે અને ગૈબ ઉપર ઈમાન રાખે છે…

(સુરએ બકરહ-2, આયત 2-3)

રસુલુલ્લાહ (સ.અ.વ.)ને મુનાફીકો સાથે જે સૌથી મોટો અવરોધનો સામનો કરવો પડયો તે તેઓને આખેરત ઉપર સંમત કરવા બાબત હતો. મક્કાવાસીઓએ આપ (સ.અ.વ.)ની નબુવ્વતની સાબિતી માટે આખેરત જોવાની માંગણી કરી જેમકે જન્નત, જહન્નમ, પાછા ઉઠાવવાની પ્રક્રિયા.

મુસલમાનો આ મુનાફીકોના નકશે કદમ ઉપર ચાલતા માને છે કે સહાબીય્યત અને ઈસ્લામમાં શ્રેષ્ઠતા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જોવા માપદંડ છે.

4) રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ન જોવા આપ (સ.અ.વ.)ને જોવા કરતા વધુ ફઝીલત ધરાવે છે:

અગર મુસલમાનોને એવી લત છે કે જાહેરી રીતે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જોવા જોઈએ તો પછી તેઓએ જાણી લેવું જોઈએ કે આપ (સ.અ.વ.)ને ન જોવા તેમને જોવા કરતા અલ્લાહ અને રસુલ (સ.અ.વ.)ની નઝદીક વધુ સવાબને પાત્ર છે.

આ વિષય ઉપર ઘણી બધી હદીસો બન્ને ફીર્કાઓમાં નકલ થઈ છે. અમો અહિં થોડીક નમુના તરીકે રજુ કરીએ છીએ.

ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે:

એક દિવસ રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાના સહાબીઓ દરમ્યાન બે વખત દોઆ કરી: અય અલ્લાહ! મને મારા ભાઈઓનો દિદાર કરાવ.

આપ (સ.અ.વ.)ની નઝદીકના લોકોએ સવાલ કર્યો: શું અમે તમારા ભાઈઓ નથી, યા રસુલુલ્લાહ (સ.અ.વ.)?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: બલ્કે, તમે મારા સહાબીઓ છો. મારા ભાઈઓ તે લોકો હશે જેઓ આખરી ઝમાનામાં હશે અને મને જોયા વગર માનતા હશે. અલ્લાહ તઆલાએ મને તેમના અને તેમના પિતાઓના નામની જાણ કરી છે એ પહેલા કે તેઓ પોતાના પિતાના સુલ્બ અને માતાના ગર્ભમાંથી નીકળે. તેઓમાંના દરેક માટે પોતાના દીનને બચાવવો અંધારી રાતમાં કાંટા ઉપર ચાલવા કરતા અથવા હાથમાં ગરમ કોલસા રાખવા કરતા વધારે અઘરો હશે. તેઓ અંધકારમાં દિવાઓ હશે, અલ્લાહ તઆલા તેઓને દરેક ફિત્ના અને બુરાઈથી સુરક્ષિત રાખશે.

(બસાએરૂદ દરજાત, ભા. 1, પા. 84)

(બેહારૂલ અન્વાર, ભા. 52, પા. 123-124)

આવી જ રિવાયત ઔફ ઈબ્ને મલીકથી પણ મળે છે:

એક દિવસ રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: કાશ! હું મારા ભાઈઓને જોઈ શકત.

પ્રથમ અને બીજા ખલીફા કહે છે: શું અમે તમારા ભાઈઓ નથી જેઓ તમારી નબુવ્વત ઉપર ઈમાન લાવ્યા અને તમારી સાથે હિજરત કરી?

આપ (સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યું: તમોએ ઈસ્લામ કબુલ કર્યો અને હિજરત કરી (પરંતુ હજુ તમો મારા ભાઈઓ થવા માટે સક્ષમ નથી). કાશ કે હું મારા ભાઈઓને જોઈ શકત.

ફરી તેઓએ પોતાના શબ્દો દોહરાવ્યા. તેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: તમે મારા સાથીદારો છે અને મારા ભાઈઓ તે હશે જેઓ તમારી પછી આવશે, જેઓ મને માનશે અને મારા પ્રત્યે મોહબ્બત ધરાવશે, તેઓ મારી મદદ કરશે અને મારી નબુવ્વતની ગવાહી મને જોયા વગર આપશે. કાશ કે હું મારા ભાઈઓને જોઈ શકત.

(બેહારૂલ અન્વાર, ભા. 52, પા. 132)

(શૈખે મુફીદ (ર.અ.)ની અલ આમાલી, પા. 63)

એહલે તસન્નુનની કિતાબો આવી હદીસોથી ભરી પડી છે જેમકે આપણે નીચેના સંદર્ભોથી જોઈ શકાય છે:

બીજા ખલીફા નકલ કરે છે: અમો રસુલુલ્લાહ (સ.અ.વ.) પાસે બેઠા હતા.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ સવાલ કર્યો: શું તમો જાણો છો કે ઈમાનના હિસાબે શ્રેષ્ઠ લોકો કોણ છે?

તેઓએ કહ્યું: ફરિશ્તાઓ?

આપ (સ.અ.વ.)એ તેઓની ઈસ્લાહ કરી અને ફરમાવ્યું : તેઓ ઈમાનના હિસાબે સારા છે અને અલ્લાહે તેઓને તે જગ્યાએ રાખ્યા છે જ્યાં તેઓ પોતાને પામે છે, અલબત્ત, મારી મુરાદ બીજાઓ છે.

તેઓએ ફરી કોશિશ કરી અને પુછ્યું : અંબીયા (અ.મુ.સ.)? કારણકે અલ્લાહે તેઓને નબુવ્વત અને રિસાલતથી નવાઝયા છે.

આપ (સ.અ.વ.)એ તેઓની સુધારણા કરી અને ફરમાવ્યું : તેઓ ઈમાનમાં સારા છે અને અલ્લાહે તેઓને તે જગ્યાએ રાખ્યા છે જ્યાં તેઓ પોતાને પામે છે, અલબત્ત્, મારી મુરાદ બીજાઓ છે.

તેઓએ કહ્યું: તો પછી તે કોણ છે યા રસુલુલ્લાહ (સ.અ.વ.)?

અંતે, આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મારા પછી માણસોની સુલ્બોમાંથી એક ઉમ્મત આવશે અને તેઓ મારી નબુવ્વત ઉપર ઈમાન રાખશે જ્યારે કે તેઓએ મને જોયો નહિ હોય અને તેઓએ દીનને ફકત કાગળો ઉપર જ જોયો હશે અને તેના ઉપર તેઓ અમલ કરશે અને તેઓ ઈમાનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ લોકો છે.

રિવાયતના અંતમાં હકીમ લખે છે: આ હદીસ રાવીઓની સાંકળોના હિસાબે સહીહ છે. અને તેના સંદર્ભો નીચે મુજબ છે.

  • હકીમની અલ મુસ્તદરક, હદીસ 6993
  • તારીખુલ દમીશ્ક, ભા. 58, હ. 255
  • તારીખુલ દમીશ્ક, ભા. 39, પા. 244
  • દલાએલુલ નોબુવ્વાહ, ભા. 6, પા. 538

ચોક્કસપણે ઘણા બધા લોકો છે કે જેઓ આવી હદીસોની ભરોસાપાત્રતા ઉપર સવાલ કરે છે પરંતુ એ પુરતુ છે કે સલફીઝમના પિતા શૈખુલ ઈસ્લામ અલબાનીએ તે બધી હદીસોને પોતાની ‘અલ સિલસિલાહ’માં ‘હસન’ જાણી છે. (હદીસ 3215)

આ ઉપરથી તથા બીજી હદીસોથી તથા કુરઆને કરીમની આયતોથી સ્પષ્ટપણે ગૈબ ઉપર ઈમાનનું મહત્વ જાહેર થાય છે.

દરેકનું ઈમ્તેહાન ગૈબ ઉપર ઈમાનના આધારે છે, ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતે પણ જેમકે કુરઆન ઈરશાદ ફરમાવે છે:

રસુલ તેના ઉપર ઈમાન લાવ્યા છે જે તેમના પરવરદિગાર તરફથી ઉતારવામાં આવ્યું છે અને મોઅમીનો પણ, તેઓ સઘળા અલ્લાહ પર તથા તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો તથા તેના રસુલો ઉપર ઈમાન લાવ્યા છે.

(સુરએ બકરહ-2, આયત 285)

તેથી મુસલમાનોએ ઈસ્લામમાં અફઝલીય્યત માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને તેમની હયાતીમાં જોવાનો આગ્રહ ન રાખવો જોઈએ.

સ્પષ્ટપણે મોટાભાગના સહાબીઓ સાચુ ઈમાન લાવ્યા ન હતા, તેથી રસુલુલ્લાહ (સ.અ.વ.) તેવી વ્યક્તિઓને મળવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે કે જેઓ સાચા ઈમાન અને મકમ્મતાના માપદંડમાં ખરા ઉતરે છે. છેવટે કેટલા સહાબીઓ છે કે જેઓ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની જેમ દાવો કરી શકે કે:

અગર પર્દાઓને ઉપાડી દેવામાં આવે તો પણ મારા અલ્લાહ ઉપરના ઈમાનમાં જરા બરાબર પણ ફર્ક નહિ પડે.

  • મનાકીબે આલે અબી તાલિબ (અ.સ.), ભા. 1, પા. 317
  • બેહારૂલ અન્વાર, ભા. 4, પા. 45
  • હિલ્યહુલ અબરાર, ભા. 2, પા. 62
  • ઈબ્ને અબીલ હદીદની શર્હો નહજુલ બલાગાહ ભા. 10, પા. 142
  • અસ્સવાએકુલ મોહર્રેકા, પા. 77, શર્હો એહકાકુલ હક્ક, ભા. 7, પા. 605 થી નકલ

ગૈબ ઉપર ઈમાન રાખવાની બદલે ઘણા સહાબીઓ તો જાહેર ઉપર પણ ઈમાન ધરાવતા ન હતા, તેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જોયા તેમ છતાં તેમના ફેંસલાઓ ઉપર સવાલ કર્યા, આપ (સ.અ.વ.)ને જંગોમાં મરવા મુકી ભાગી ગયા, આપ (સ.અ.વ.)ને મિમ્બર ઉપર મુકી રમત-ગમત અને વેપાર તરફ ભાગ્યા, આપ (સ.અ.વ.)ની હાજરીમાં ડરના કારણે નાના બાળકોની જેમ રડવું, વિગેરે.

તેમાં કોઈ આશ્ર્ચર્ય નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આવા સહાબીઓને વારંવાર એવા સમૂહની યાદ દેહાની અપાવી કે જેઓ તેમના કરતા ઈમાન અને ઈસ્લામમાં ઘણા બેહતર હતા.

આપ (સ.અ.વ.) આવા ઉચ્ચ ઈમાનવાળાઓને પોતાના ભાઈઓ તરીકે ગણ્યા છે. મોટાભાગના સહાબીઓ ભાઈચારાની ફઝીલતથી પણ મહેરૂમ હતા. તેથી તેઓને જાહેરી સહાબીઓ તરીકે સંબોધવામાં આવતા. અલબત્ત અગર તેઓની આ મૌખીક ગવાહી ન હોતે તો આ સહાબી પણ કહેવાને લાયક ન રહેત.

એહલે તસન્નુનની કિતાબોમાં આ બાબતે ઘણી બધી હદીસો છે. જેમકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આ હદીસ જોવો જે સહાબીઓ માટે છે:

મારા બાદ મારા સહાબીઓ દ્વારા બિદઅતો શરૂ કરવામાં આવશે (તે ફિત્નો જે તેઓ દરમ્યાન બરપા થયો). અલ્લાહ તેઓને તેમની પહેલાની નેકીના બદલામાં માફ કરી દેશે, પરંતુ અગર લોકો તેમને તેના પછી અનુસરશે તો તેમને જહન્નમમાં ફેંકી દેવામાં આવશે.

(અલ અસામીની ઝય્નલ ફતા ફી તફસીરે સુરએ હલ અતા)

જોવો કેવી રિવાયત છે હાલાંકે તે ઘડી કાઢેલી છે જેમાં એક સાથે સહાબીઓના વખાણ પણ કર્યા છે અને તેમને વખોડવામાં પણ આવ્યા. અગર તેઓ સહાબીઓ ન હોત તો તેઓને તે બિદઅતના કારણે જહન્નમમાં નાંખી દેવામાં આવત. મોટાભાગની ઘડી કાઢેલી રિવાયતોમાં તેમના વખાણ કરવામાં આવ્યા છે, પરંતુ આ રિવાયત કોઈ એવી વ્યક્તિ દ્વારા ઘડી કાઢવામાં આવી છે જે સાચા-ખોટાની પરખ ધરાવતો હતો.

5) તો પછી શા માટે સહાબીય્યતની માંગણી, ગમે તેમ એક નબળી સિફત?

આનો જવાબ સરળ છે. આ હસ્તીઓ પાસે કોઈ ક્ષમતા કે યોગદાન ન હતું જે ઈસ્લામને આપી શકાય. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત પછી ખિલાફતનો દાવો કરવા માટે કોઈ મક્કમ બાબત હોવી જોઈતી હતી જેથી પોતાનો દાવો મઝબુત કરી શકાય. સૌથી આસાન તરીકો સહાબીય્યતની દ્રષ્ટિએ દાવો કરવો હતો, ખાસ કરીને અન્સારો સામે જ્યારે તેઓને પણ ખિલાફતની ઈચ્છા હતી.

તેથી સહાબીય્યતનો દાવો ફકત એક રાજનૈતીક દાવો હતો. આ ફકત તે સમય અને દરેક ઝમાનાના મુસલમાનોને એમ બતાવી કે ફકત સહાબીઓ જ ઉમ્મત ઉપર હુકુમત કરવા લાયક છે, ગુમરાહ કરવા માટે હતું.

મુસલમાનોના ફાયદા માટે, ઈમામ ઈલી ઈબ્ને હુસૈન ઝયનુલ આબેદીન (અ.સ.) સહાબીય્યત ઉપર વધુ પડતો ભાર મુકવાના સાચા કારણને બયાન કરતા ફરમાવે છે:

અગર ઉમ્મત માટે રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે પોતાને જોડયા વગર (સહાબીય્યત વડે) સત્તા મેળવવી શકય હોત તો પછી ચોક્કસપણે તેઓ આપ (સ.અ.વ.)ની નબુવ્વતથી પણ ફરી ગયા હોત.

(સૈયદ અલી ઈબ્ને મુસા ઈબ્ને તાઉસ (ર.અ.)ની કશ્ફુલ મહજ્જાહ, પા. 125)

(શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.)ની બૈતુલ અહઝાન ફી મસાએબે સયૈદા અલ નિસ્વાન અલ બતુલ અલ તાહેરા ફાતેમા અઝઝહરા (સ.અ.), પા. 74)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*