શીઆના બન્ને વર્ગો આલીમો અને સામાન્ય ઇન્સાન એમ માને છે કે સુત્ર ‘દરેક દિવસ આશુરા અને દરેક ઝમીન કરબલા’ એ હદીસે કુદસી છે અથવા એહલેબૈત (અ.મુ.સ.) તરફથી ભરોસાપાત્ર હદીસ છે અને એટલી હદે માને છે કે તેમાં એ પણ વધારો કરે છે કે દરેક મહીનો મોહર્રમ છે.
શું આ સુત્ર પાછળ કોઈ હકીકત છે?
જવાબ:
આ સુત્રને લોકો વચ્ચે મશ્હુર કરવાની કોશિષો કરવામાં આવે છે, ત્યાં સુધી કે અમુક લોકો તેને એહલેબૈત (અ.મુ.સ.) સાથે જોડે છે. પરંતુ હકીકત એ છે કે આવી કોઈ હદીસ આપણી એકપણ કિતાબમાં કોઈપણ મઅસુમ ઈમામ (અ.સ.)થી જોવા મળતી નથી. બલ્કે તેનાથી વિરૂધ્ધ એક ભરોસાપાત્ર હદીસમાં ઈમામ જઅફર સાદિક (અ.સ.)એ તેમના દાદા ઈમામ હસન (અ.સ.)ની નકલ કરી છે જેમાં આપ (અ.સ.) ફરમાવે છે:
“અય અબા અબ્દીલ્લાહ (હુસૈન અ.સ.)! તમારી જેવો કોઈનો દિવસ નથી.” તેથી, આ ઈમામ હસને મુજતબા (અ.સ.)ની આ હદીસના આધારે આશુરાના દિવસની મુસીબતો અને તકલીફોના કારણે તેની બીજા કોઈ દિવસની સાથે સરખામણી યોગ્ય નથી.
અલબત્ત્ અમુક લોકો કહે છે: આવું સુત્ર જેની ચર્ચા છે તે બની ઉમય્યા અને એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનો દ્વારા ઘડી કઢાયું છે કે જેથી શીઆઓમાં ભય અને ડર ફેલાયો રહે અને ધીરે ધીરે તે શીઆઓ દરમ્યાન તેમના દીનનો ભાગ તરીકે મશ્હુર થઈ ગયું.
આશુરા જેવું બીજું કંઈ ન હોવાના બારામાં હદીસ:
મુફઝઝલ ઈબ્ને ઉમર ઈમામ સાદિક (અ.સ.)થી તેઓ તેમના દાદાથી ફરમાવે છે: એક દિવસ ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.) ઈમામ હસન (અ.સ.)ની મુલાકાત માટે ગયા. જ્યારે ઈમામ હુસૈન (અ.સ.)એ પોતાના ભાઈને જોયા તો આપ રડવા લાગ્યા. ત્યારે ઈમામ હસન (અ.સ.)એ પુછયું: તમે શા માટે રડો છો, અય અબા અબ્દીલ્લાહ?
આપ (અ.સ.) એ ફરમાવ્યું: હું તમારા ઉપર જે ઝુલ્મ કરવામાં આવ્યો તેના માટે રડી રહ્યો છું.
ઈમામ હસન (અ.સ.)એ ફરમાવ્યું: “જે કાંઈ મુસીબતો મારા ઉપર પડી છે તે ઝહેર છે અને હું તેના કારણે શહીદ થઈશ. પરંતુ તમારી જેવો કોઈનો દિવસ નથી અય અબા અબ્દીલ્લાહ (હુસૈન અ.સ.)! તે દિવસે 30,000 લોકો આપણા નાના (સ.અ.વ.)ની ઉમ્મતમાંથી હોવાનો દાવો કરતા હશે, પોતાને મુસલમાન સમજતા હશે, તમને ઘેરી લેશે અને તમને શહીદ કરશે, તમારૂં ખુન વહાવશે, તમારૂ માન નહિ જાળવે, તમારા બાળકો અને કુટુંબીજનોને કૈદી બનાવશે અને તમારો માલ લૂંટી લેશે.” (અલ આમાલીએ શૈખે સદુક (ર.અ.) (381 હી.સ.) પા. 115, મજલીસ નં. 24)
આવીજ રિવાયત ઈમામ અલી ઈબ્ને હુસૈન ઝયનુલ આબેદીન (અ.સ.)થી નકલ થઈ છે. આ માટે વાંચકો બેહારૂલ અન્વાર, ભાગ. 44, પા. 298 અને અલ ખેસાલ, ભગ. 1, પા. 68 નો અભ્યાસ કરી શકે છે.
આ રિવાયતો પરથી સ્પષ્ટ છે કે મુસીબતો અને તકલીફોના આધારે આશુરાના દિવસની સરખામણી બીજા કોઈ દિવસ સાથે થઈ શકતી નથી.
Be the first to comment