અલી (અ.સ.) ફઝાએલનું સર્વોચ્ચ શિખર

વાંચવાનો સમય: 11 મિનિટ

પહેલી નજરે અલી (અ.સ.)ના જીવનની ઘટનાઓને જોતા એવું લાગે કે તેમની ભવ્યતા અને ફઝાએલને હાંસિલ કરી શકાય છે. પરંતુ હકીકતમાં આ એવો મહાસાગર છે જેની ઉંડાઈને માપવી અશક્ય છે. ખરેખર તો હ. અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ના આશ્ચર્યચક્તિ ફઝાએલને બયાન કરવા કોઇપણ ઈન્સાનની તાકત નથી. જેટલી વધારે કોઈ વ્યક્તિ તેમના ફઝાએલને ભેગા કરવાની કોશિશ કરે તેટલોજ તેનો સંઘર્ષ આ બાબતે વધતો જાય છે.

જ્યારે ખલીલ બીન અહમદ ને હ. અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ના ફઝાએલના બારામાં પૂછવામાં આવ્યું તો તેણે જવાબમાં કહ્યું :

હું તે શખ્સની ફઝીલતો કેવી રીતે વર્ણવી શકું જેની ફઝીલતોને  દુશ્મનોએ ઈર્ષાના લીધે છુપાવી હોય અને તેના દોસ્તોએ તેમની ઝીંદગી જવાના ડરના લીધે છુપાવી. હોય, તેમ છતાંય, પૂર્વ અને પશ્ચિમ તેમના ફઝાએલની ગવાહી આપે છે.”

(રવઝતુલ મુત્તકીન, ભાગ-૧, પાના નં. ૨૬૫)

આ લેખમાં ખુબજ ટુંકાણથી હ. અલી અ.સ. ના ફઝાએલનું વર્ણન કરવામાં આવ્યું છે. તમામ હદીસો એહલે સુન્નતની કિતાબોમાંથી લીધી છે. કારણકે તે વખાણ સૌથી નિખાલસ હોય છે જે વિરોધીઓથી બયાન થાય.

ફકત અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) અલી (અ.સ.) ને ઓળખે છે :-

કોઈપણ વ્યક્તિ અલી (અ.સ.)ના બારામાં મુંજવાએલો કેમ ન હોય કે જેમની શહાદત / મૃત્યુના વિષે વાદ-વિવાદ જોવા મળે છે? અમુક લોકો તેમને ખુદા માને છે કે જે ઈબાદતને લાયક હોય અને બીજી તરફ અમુક લોકોને એવો વિચાર આવ્યો કે ખરેખર તે નેક અને મુત્તકી હતા કે નહીં. આ પ્રકારના લોકો આશ્ચર્યમાં પડી ગયા જ્યારે તેઓએ સાંભળ્યું કે ઈમામ અલી અ.સ. નમાઝની હાલતમાં મસ્જીદે કુફામાં શહીદ થયા. તેઓ તઅજ્જુબથી બોલી ઉઠ્યા: “શું અલી નમાઝ પણ પડતાં હતા?”

હકીકતમાં ફકત અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.), અલી (અ.સ.) ને ઓળખવાનો દાવો કરી શકે છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ હ. અલી (અ.સ.) ને જણાવ્યું :

અય અલી! હકીકતમાં મારી અને તમારી સિવાય કોઈ અલ્લાહને ખરી રીતે નથી ઓળખતું અને તમને કોઈ ખરી રીતે ઓળખી શકતું નથી સિવાય અલ્લાહ અને હું.

(મનાકીબે શહરે ઇબ્ને આશોબ, ભાગ-૩, પાના નં. ૨૭૩)

બીજી જગ્યાએ આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

અય અલી! કોઈએ અલ્લાહ (ત..ત.) ને નથી ઓળખ્યો સિવાય કે મેં અને તમે, અને કોઈએ મને નથી ઓળખ્યો સિવાય અલ્લાહે અને તમે, અને કોઈએ તમને નથી ઓળખ્યા સિવાય અલ્લાહે અને મેં.

(રવઝતુલ મુત્તકીન, મોહમ્મદ તકી મજલીસી, ભાગ-૧૩, પાના નં. ૨૭૩)

અલી (અ.સ.)ની અગણીત ફઝીલતો :-

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ અલી (અ.સ.) ની સાચી મઅરેફત વિષે ફરમાવ્યું :

અલી (અ.સ.) ની ફઝીલતો ગણી શકાતી નથી.

ઈબ્ને અબ્બાસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી વર્ણવે છે :

અગર બધા વૃક્ષો અને બગીચાઓ કલમ બની જાય અને સમુદ્રો શાહી થઈ જાય અને જીન્ન હિસાબ કરનારા બની જાય અને લોકો લખવા બેસી જાય તો પણ તેઓ અલી (અ.સ.) ની ફઝીલતો ને ગણી શકશે નહીં.

બીજા એક મૌકા ઉપર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું :

અલ્લાહે મારા ભાઈ અલી (અ.સ.) ને અગણીત ફઝીલતો આપી છે. અગર કોઈ તેમાંથી ફઝીલતનો ઈકરાર કરે અને તેને બયાન કરે તો અલ્લાહ તેના પહેલાના તથા પછીના ગુનાહોને માફ કરી દેશે.

અગર કોઈ અલી (અ.સ.)ની એક ફઝીલતને લખે, જ્યાં સુધી તેનું લખાણ બાકી ફરિશ્તાઓ તેના માટે ઇસ્તિગ્ફાર કરશે રહેશે અને અગર કોઈ તેમની એક ફઝીલતને સાંભળે, અલ્લાહ તેના તે બધા ગુનાહો જે કાનથી થયા હશે તેને માફ કરશે અને અગર કોઈ તેમની એક ફઝીલતને જુએ, અલ્લાહ તેના બધા ગુનાહો જે આંખથી થયા હશે તેને માફ કરશે.

(બેહારૂલ અન્વાર, ભાગ-૨૮ પાના નં. ૧૯૭, ભાગ-૩૫ પાના નં. ૮-૯)

અલી (અ.સ.) ફઝીલતોનો મજ્મુઓ:

અલી (અ.સ.) ની શખ્સીયતમાં ફક્ત દુનિયાના તમામ લોકોના ફઝાએલ નથી  બલ્કે અલી (અ.સ.) પયગમ્બરોની પણ ખાસીયતો ધરાવે છે, ખાસ કરીને ઉલુલ અઝમ પયગમ્બરો (અ.સ.)ની સીફતો. તેથી તે નવાઈની વાત નથી કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સિવાય આપ (અ.સ.) થી કોઈ અફઝલ નથી. એહલે સુન્નતના મહાન આલીમ, બયહકી એ પોતાના સંકલનમાં પયગમ્બર (સ.અ.વ.) ની હદીસને લખી છેઃ

જે કોઈ આદમ (અ.સ.) ના ઈલ્મને જોવા ઈચ્છે, નુહ  (અ.સ.)  ના તકવાને, ઈબ્રાહીમ (અ.સ.) ના હીલ્મને, મુસા (અ.સ.) ની ઈબાદતને તો તેણે હ. અલી બિન અબી તાલીબ (અ.સ.) ની તરફ જોવું જોઈએ.

(આમાલી એ શૈખે તુસી, પાના નં. ૪૧૬, મજલીસ-૧૪)

નીચેની હદીસ મનાકીબમાં બે જગ્યાએ જોવા મળે છે :

જે કોઈ આદમ (અ.સ.) ના ઈલ્મને જોવા ઈચ્છે છે, નુહ (અ.સ.)ની બુદ્ધિને, યહ્યા બીન ઝકરીયા (અ.સ.) ના ઝોહદને અને મુસા બીન ઈમરાન (અ.સ.) ની તાકતને, તો તેણે અલી બીન અબી તાલીબ (અ.સ.) ની તરફ જોવું જોઈએ.

(અલ મનાકીબ, પાના નં. ૮૩ હ. ૭૦, પાના નં. ૩૧૧ હ. ૩૪૯)

ઈમામ અલી (અ.સ.) અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) :-

ઈન્સાનના સ્વભાવમાં છે કે તે કમાલને પસંદ કરે છે અને એવી વ્યક્તિને પણ કે જે તેનો માલિક હોય છે. તેટલાં જ માટે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) જે મહબુબે ખુદા છે, બધાના ચહીતા છે. તે જ પ્રમાણે ઈમામ અલી (અ.સ.) પણ મહબુબે ખુદા છે કારણકે આપને આયતે મુબાહેલામાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ના ‘નફસ’ કરાર દિધા છે અને આપણે જાણીએ છીએ કે દરેક ઈન્સાન પોતાના “નફસ” ને ચાહે છે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ઘણી હદીસોમાં પોતાના અને ઈમામ અલી (અ.સ.) ના સંબંધ પર ભાર દીધો છે.

જે કોઈ અલી અ.સ.ને ચાહે છે તેણે મારી સાથે મોહબ્બત કરી છે

અય અલી (અ.સ.)! જે કોઈ તમારો ચાહવાવાળો મોહીબ છે તે મારો ચાહવાવાળો છે અને જે કોઈ તમને ધિક્કારે છે તે મને ધિક્કારે છે.

એક શખ્સે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ને પૂછયું :

અય અલ્લાહના રસુલ! શું તમે અલી (અ.સ.) ને ચાહો છો ? આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

શું તું નથી જાણતો કે અલી (અ.સ.) મારાથી છે અને હું તેમનાથી છું.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની અલી (અ.સ.) પ્રત્યેની મોહબ્બત સ્પષ્ટ છે, શું દરેક ઇન્સાન પોતાની ઝાતને નથી ચાહતો?

મનાકીબમાં એક હદીસ રાવીઓના સિલસિલાથી નકલ થઈ છે :

અલ્લાહ (ત.વ.ત.) મને ચાર સહાબીઓથી મોહબ્બત કરવાનો હુકમ કર્યો છે અને મને જણાવ્યું છે કે તે પણ તેઓને ચાહે છે.

સહાબીઓએ પુછયું :

અય અલ્લાહના રસુલ! તેઓ કોણ છે? અમો પણ તેઓમા શામીલ થવા ઈચ્છીએ છીએ. અલ્લાહના રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું :

અલી (અ.સ.) તેમાંથી એક છે.”

પછી આપ (સ.અ.વ.) ચુપ થઈ ગયા.

પછી ફરીવાર ફરમાવ્યું :

અલી (..) તેમાંથી એક છે.”

પછી પાછા શાંત થઈ ગયા.

આયશા બયાન કરે છે:- પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાના જીવનની આખરી ક્ષણોમાં તેમના સહાબીઓને ઈચ્છા વ્યક્ત કરી કે, “મારા મહબુબને મારી પાસે લાવો.” આપ (સ.અ.વ.)ની ગુઝારીશના અનુસંધાનમાં હું (આયશા) મારા પિતા (અબુબક્ર) ને શોધવા માટે નિકળી. મારા પિતાને જોઈને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ પોતાનો ચહેરો તેમનાથી ફેરવી લીધો. બીજી વખત આપે ફરમાવ્યું “મારા મહબુબને મારી પાસે લાવો.” પછી હફસા તેના પિતા ઉમરને લાવી અને પયગમ્બર (સ.અ.વ.) એ પોતાનો ચહેરો તેની તરફથી પણ ફેરવી લીધો જેવી રીતે અબુબક્ર તરફથી ફેરવી લીધો હતો. મેં કહ્યું કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) નો ઈશારો ફકત અલી (અ.સ.) તરફજ છે તેમના સિવાય બીજુ કોઈ નહિ. લોકોએ અલી (અ.સ.) ને બોલાવ્યા. જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ અલી (અ.સ.) ને જોયાં, તેમને ગળે લગાડયા અને તેમના કાનમાં એક હજાર હદીસો ફરમાવી. દરેક હદીસમાંથી અલી (અ.સ.) એ બીજી હજાર હદીસોને વર્ણવી.

ઈબ્ને અબ્બાસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી વર્ણવે છે :

અલી (અ.સ.) મારી સાથે એવી રીતે છે જેવી રીતે મારૂં (સર) માથું મારા શરીરની સાથે છે.

એ વાત સ્પષ્ટ છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની અલી (અ.સ.) સાથે મોહબ્બત કૌટુંબીક સંબંધના લીધે ન હતી, પરંતુ અલી (અ.સ.) ની ફઝીલત અને શ્રેષ્ઠતાના કારણે હતી. નીચે આપ (અ.સ.) ની અમુક ફઝીલતોનું વર્ણન છે :

ઈમામ અલી (અ.સ.) નું ઈલ્મ

હ. અલી (અ.સ.) એ કયારેય કોઈ દુન્યવી શખ્સ પાસેથી ઈલ્મ નથી લીધું, પરંતુ તેમનું ઈલ્મ ઈલાહી બખ્શીસ હતું. તેથી તેમનું ઈલ્મ તેમના સાથીઓ કરતા ચઢીયાતુ છે. તેમા કોઈ આશ્ચર્ય નથી, એહલે સુન્નતની કિતાબોમાં પણ આપ (અ.સ.) ને “સૌથી વધારે ઈલ્મવાળા તરીકે યાદ કરવામાં આવ્યા છે.” તે સંદર્ભમાં અમુક હદીસો નીચે મુજબ છે:

(૧) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું :

મારા પછી મારી ઉમ્મતમાં સૌથી વધારે ઈલ્મવાળા અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) છે.

(૨) અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી વર્ણવે છે :

હિકમતને  (લોકો વચ્ચે) દસ ભાગમાં વહેંચવામાં આવી છે, તેમાંથી અલી (અ.સ.) ને નવ ભાગ અને બીજા બધા લોકોને ફકત એક ભાગ આપવામાં આવ્યો છે.

દુનિયાની બધી પ્રગતિ લોકોને દેવામાં આવેલી હિકમતના પ્રમાણમાં છે. બધાજ અલી (અ.સ.) ની હિકમત લોકોની હિકમત કરતા નવગણી છે. કારણકે આ હિકમતનો સ્ત્રોત પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) છે, જેમણે લોકોને જણાવ્યું :

હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેનો દરવાજો છે. જે કોઈ ઈલ્મ હાસીલ કરવા ચાહે તેણે દરવાજાથી આવવું જોઈએ.

(૩) આયશા ઈમામ અલી (અ.સ.) ના વિષે કહે છે:

આપ (અ.સ.) લોકોમાં સુન્નત વિષે સૌથી વધારે ઈલ્મવાળા છે.

કાશ! કે આયશાએ ખુદ આન હદીસ ઉપર અમલ કર્યો હોત તો જંગે જમલને ટાળી શકાત, જેથી ઘણા બધા બેગુનાહ મુસલમાનોની જાન બચી જાત.

(૪) જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ પોતાની ચહીતી દિકરી જ. ફાતેમા ઝહરા (સ.અ.) ની શાદી હ. અલી (અ.સ.) સાથે કરી, ત્યારે ફરમાવ્યું :

“(અય ફાતેમા)! મેં તમારી શાદી મારા કુટુંબના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ સાથે કરી છે. તે ઈલ્મમાં સૌથી વધારે આલીમ અને ફઝીલતમાં સૌથી વધારે શ્રેષ્ઠ અને ઈસ્લામમાં સૌથી પહેલા છે.

ઈમામ અલી (અ.સ.) અને ઈબાદત:

ઈમામ અલી અ.સ.ની અજોડ ઈબાદત પણ તેમના ઇલ્મની જેમજ ઉચ્ચ દરજ્જાની છે, તેનો કોઈ સમોવડીયો નથી (પવિત્ર પયગમ્બર સ.અ.વ. સિવાય). તેમની દુઆઓ, તેમની મુનાજાત, ખોફે ખુદમાં રાત્રીના અંધકારમાં રડવું અને તેમના લાંબા સજદા એવા હતા કે અલ્લાહ ખુદ ફરીશ્તાઓમાં તેમની ઈબાદત ઉપર ફખ્ર કરે છે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ફરમાવે છે: એક સવારે, જીબ્રઈલે અમીન ખુશખબર લઈને આવ્યા. મેં તેમને પૂછ્યું: “એય મારા દોસ્ત, કઈ ચીજે તમને આટલા ખુશ કર્યા ?” તેમણે જવાબ આપ્યો, “અય્ મોહમ્મદ શા માટે હું ખુશ ના થાવ. આજે, અલ્લાહ અઝ્ઝ વ જલ્લએ તમારા ભાઈ અને તમારા વસીને એવુ મહાન સ્થાન આપ્યું છે જેણે મને ખુશ કરી દીધો.” મેં તેમને પૂછ્યું, “અલ્લાહે મારા ભાઈ અને ઉમ્મતના ઈમામને શું નવાજ્યું છે ?

તેમણે કહ્યું: “ગઈ રાત્રે અલ્લાહે અલી અ.સ.ની ઈબાદત ઉપર ફરીશ્તાઓમાં ફખ્ર કર્યો. તેણે ફરીશ્તાઓને કહ્યું, ‘અય્ મારા ફરિશ્તાઓ, મારી ઉમ્મતમાં મારા નબી પછી મારી હુજ્જતે મારી અઝ્મતની સામે પોતાને જુકાવી દીધી છે. હું તમને ગવાહ બનાવુ છુ કે તે મારી મખ્લુકનો ઈમામ અને મારા સર્જનનો રક્ષક છે.”

અલી અ.સ.ની ઈબાદતના આશ્ચર્યજનક પ્રસંગોના વર્ણનથી પુસ્તકો ભરાય જાય, ઉદાહરણ પૂરતી એક હદીસ વર્ણવીએ:

ઝીરાર બિન ઝમરહ મોઆવિયાને અલી અ.સ.ની ફઝીલતો વર્ણવતા કહે છે: “હું અલ્લાહને ગવાહ બનાવું છુ કે મેં અલી અ.સ.ને ઘણી વાર રાતના અંધકારમાં જોયા છે કે તેઓ મેહરાબે ઇબાદતમાં ઉભા છે પોતાની દાઢીને પકડી છે, એવી રીતે તડપી રહ્યા છે જેવી રીતે સાંપ કરડી ગયો હોય અને એક અદના (નાના) બંદાની જેમ બેસાખતા ગીર્યા કરતા હતા. તેમના રોવાનો અવાજ હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યો છે:

‘અફસોસ, સફર બહુજ લાંબો છે પરંતુ ભાથું ખુબ ઓછું છે. રસ્તાઓ ભયાનક છે અને મંઝીલ ઘણી બલંદ છે’

આ સાંભળી મોઅવિયા રડવા લાગ્યો. તેણે તેના આંસુ તેની આસ્તીનથી લુછ્યા અને ત્યાં હાજર મજ્મો પણ આ સાંભળી રડવા લાગ્યો. મોઅવિયાએ ઈકરાર કર્યો “ખરેખર અબુલ હસન અવાજ હતા જેવું તમે કહો છો”

ઈમામ અલી (અ.સ.) અને ઈમામત:

ઈમામ અલી અ.સ.નું અજોડ ઇલ્મ અને ઈબાદત તેની પુરતી દલીલ છે કે ઈમામત અને ખિલાફત તેમનોજ હક હતો. તદ ઉપરાંત, એહલે સુન્નતની કિતાબોમાં ઘણી હદીસો છે જે સંપૂર્ણપણે આ હકીકતને બયાન કરે છે. તેમાંથી સૌથી નોંધપાત્ર હદીસે સકલૈન, હદીસે મન્ઝેલત, હદીસે યવ્મુદ્દાર (ઝૂલ અશીરા) અને હદીસે ગદીર છે કે જે મુતવાતીર છે.  ઘણી કિતાબોમાં ઈમામ અલી અ.સ.ની ઈમામત આ હદીસોના આધારે સાબિત કરવામાં આવી છે. આ હદીસો ઉપરાંત, તેવી ઘણી હદીસો છે જે સ્પષ્ટપણે અલી અ.સ.ની ઈમામતને સ્થાપિત કરે છે. તેમાંથી અમુક નીચે વર્ણવી છે:

૧. પવિત્ર પયગમ્બર સ.અ.વ. એ અલી અ.સ.ને ફરમાવ્યું: “તમારા જમણા હાથમાં અંગુઠી પહરો જેથી તમો અલ્લાહની નઝ્દીકી હાસિલ કરી લો.” ઈમામ અલી અ.સ: એ કહ્યું: “યા રસુલલ્લાહ, હું કઈ અંગુઠી પહેરું?” પવિત્ર પયગમ્બર સ.અ.વ. એ કહ્યું: “લાલ અકીક, આ તે પહાડ છે જેણે અલ્લાહની વેહ્દાનીયત, મારી નબુવ્વત અને તમારી વિલાયતનો ઈકરાર કર્યો છે.”

પહાડો પણ તે હકીકતથી વાકેફ છે કે વીલાયત ફક્ત અલી અ.સ. માટે છે અને બીજા કોઈ માટે નહિ.

૨. ઇબ્ને બુરયદા વર્ણવે છે કે પવિત્ર પયગમ્બર સ.અ.વ.એ ફરમાવ્યું:

દરેક નબીના એક વસી અને જાનશીન છે અને મારા વસી અને જાનશીન અલી (અ.સ.) છે.

૩. આ પેહલા અલી અ.સ.ની ઈબાદત બાબતે હદીસ બયાન કરી તેમાં અલ્લાહ ફરમાવે છે:

“(અય્ ફરિશ્તાઓ) હું તમને ગવાહ બનાવુ છુ કે તે (અલી અ.સ.) મારી મખ્લુકના ઈમામ અને મારા સર્જનનો રક્ષક છે.

૪. અમ્ર બિન મય્મુન ઇબ્ને અબ્બાસથી વર્ણવે છે કે  પવિત્ર પયગમ્બર સ.અ.વ.એ ઈમામ અલી અ.સ.ને ફરમાવ્યું: “તમે મારા પછી મોમીનોના રક્ષક છો”

શબ્દ (મારા પછી) સ્પષ્ટપણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી કોઈ અંતર વિના તરતજ અલી અ.સ.ની જાનશીની તરફ નિર્દેશ કરે છે. વલીનું ખોટું અર્થઘટન ચહીતો કરવું અયોગ્ય છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ચહિતા હોવું કોઈ અર્થ નથી દર્શાવતું, શું ઈમામ અલી અ.સ. પવિત્ર પયગમ્બરના સમયમાં મોમીનોના ચહિતા ન હતા ?

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ અલી અ.સ.ની ઈમામતની જાહેરાત કરવામાં કોઈ કસર નહોતી રાખી. અસંખ્ય પ્રસંગોએ,  આપ (સ.અ.વ.)એ અલી અ.સ.ને મુસલમાનોના ખલીફા અને ઈમામ તરીકે સ્થાપિત કર્યા હતા. એક જગ્યાએ આપે તેમને  લોકીની વચ્ચે બલંદ કરી ને જાહેરાત કરી “અલી મુસલમાનોના ખલીફા અને ઈમામ છે”

બીજા સ્થળે તેમણે ભારપૂર્વક જણાવ્યું: “અલી કુરાનની સાથે છે અને કુરાન અલીની સાથે, તે બંને ક્યારેય જુદા નહિ પડે.”

ક્યારેક આપે (સ.અ.વ.) અલી અ.સ.ને હકનું માપદંડ અને તેની ધરી જણાવ્યા:

અલી હકની સાથે છે અને હક અલીની સાથે. તે બંને ક્યારેય જુદા નહિં પડે ત્યાં સુધી કે કયામતના દિવસે મને હવ્ઝ ઉપર ન મળે.

બીજી એક હદીસમાં આપે આગાહી કરી:

નજીકમાંજ એક ફીતનો જાહેર થશે અને જયારે આવું બને તો તમે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)નું દામન પકડી લેજો, કારણ કે બેશક તેઓ હક અને બાતીલમાં ભેદ કરનારા છે.”

આપ (સ.અ.વ.)એ તે પણ ફરમાવ્યું:

જે કોઈ અલીથી દૂર થશે તે મારાથી દૂર થયો અને જે મારાથી દૂર થયો તે અલ્લાહથી  દૂર થયો.

ઈમામ અલી (અ.સ.) અને કુરઆન :

ઘણા બધા સુન્ની આલીમો અને તફસીરકારોએ કુરઆનની ઘણી બધી આયતોને ઈમામ અલી (અ.સ.) સાથે સંબંધિત હોવાનો ફેસલો આપ્યો છે. તેઓએ હ. રસુલે ખુદા (સ.અ.વ.)ની ઘણી હદીસોના ટેકામાં આયતો ટાંકી છે. જેમાં ઈબ્ને હજરે મક્કી, ખતીબે બગદાદી, ગન્જી શાફેઈ, ઈબ્ને અસાકીર, શેખ સુલેમાન કુન્દુઝી હનફી જેવા મશહુર ઓલમા શામિલ છે.

ઈબ્ને અબ્બાસે ફરમાવ્યું :

કુરઆનમાં ત્રણસો આયતો અલી (અ.સ.) ના બારામાં નાઝીલ થઈ છે.

ઈબ્ને અબ્બાસે આ હદીસ પવિત્ર પયગમ્બર સ.અ.વ.થી ફરમાવી છે:

તે બધી આયતો જેની શરૂઆત “યા અય્યોહલ્લઝીન આમનુ (અય્ ઈમાન લાવનારાઓ)”  થી થાય છે તેનાથી મુરાદ અલી (અ.સ.) છે.

બીજા શબ્દોમાં, જ્યાં મોઅમીનોને સંબોધન કરવામાં આવ્યું છે (અય ઈમાનવાળાઓ) ત્યાં અલી (અ.સ.) સૌથી પ્રથમ છે.

અલી (અ.સ.) ને સમર્પીત થવું :

ઈમામ અલી (અ.સ.) લોકોના ઈમામ અને હાદી છે, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ના ચહીતા છે, ઈલાહી ઈલ્મના માલીક છે, અલ્લાહની ઈબાદત અને ઈતાઅતમાં સૌથી આગળ છે, હક અને બાતીલને સૌથી શ્રેષ્ઠ જુદા કરનાર છે, કુરઆનના સમોવડીયા છે અને અલ્લાહના દોસ્તો માટે આદર્શ નમુના છે.

પયગમ્બર (સ.અ.વ.) ની વફાત બાદ, ઉમ્મતની જવાબદારી એ છે કે ફક્ત અલી (અ.સ.) ને સમર્પિત થાય (બીજા બધાને છોડીને) અને તેમના હુકમોનું પાલન કરે. તેમની ઇતાઅત મરજીયાત નથી બલ્કે તમામ લોકો ઉપર અને ખાસ કરીને મુસલમાનો ઉપર વાજિબ છે. આ વિષે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની હદીસો અદભૂત છે. અમે અમુકનું વર્ણન અહીં નીચે કર્યુ છે:

(૧) જ. સલમાન (ર.અ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.) થી આ હદીસ બયાન કરી છે :

તમારા પર . અલી બીન અબી તાલીબ (અ.સ.) ની ઈતાઅત જરૂરી છે, કારણકે તેઓ તમારા મૌલા છે. તેથી તમે તેમને ચાહો. તેઓ તમારાથી અફઝલ છે તેથી તેમને વળગી રહો. તેઓ તમારા દરમ્યાન આલીમ છે, તેથી તેમને માનનીય જાણો. તેઓ જન્નત તરફ તમારા આગેવાન છે, તેથી તેમનો આદર કરો. જ્યારે તેઓ તમને આમંત્રણ આપે તો તેને સ્વીકારો અને જ્યારે કોઈ હુકમ આવે તો તેમની ઈતાઅત કરો. તેમને તેવી રીતે ચાહો જેવી રીતે તમે મને ચાહો છો. તેમને તેવી રીતે માનનીય જાણો જેવી રીતે તમે મને માનનીય જાણો છો. જે કાંઈ મેં તમને અલી (અ.સ.) વિષે બતાવ્યું છે તે મારા પાલનહારનો હુકમ છે, કે જે તે બલંદ મરતાબાવાળો છે.”

આ હદીસ એટલી સ્પષ્ટ છે કે તેને સમજુતીની જરૂરત નથી. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ નિશ્ચિત રીતે એકરાર કર્યો કે જે કાંઈ તેમણે અલી (અ.સ.) વિશે બયાન કર્યુ તે તેમની વ્યકિતગત ભલામણ નથી, પરંતુ તે ઈલાહી હુકમ છે. અગર મુસલમાનોએ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની ફકત આ એક હદીસ ઉપર ધ્યાન દીધું હોત તો તેઓ હાલના બળવા પ્રેરિત, ગુમરાહી અને મુંઝવણ ભરેલા હાલાતથી બચી ગયા હોત.

(૨) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાના ભરોસાપાત્ર સહાબી જ. અમ્મારે યાસીરને ફરમાવ્યું :

અય અમ્માર! અગર તમે અલી (અ.સ.) ને એક રસ્તે ચાલતા જુઓ અને લોકોને બીજા રસ્તે ચાલતા જુઓ તો અલી (અ.સ.) નું અનુસરણ કરજો  અને લોકોને છોડી દેજો કારણકે અલી (અ.સ.) તમને કયારેય ગુમરાહ નહિં કરે એટલા માટે કે તેઓ હંમેશા હકના રસ્તા ઉપર છે.

મુસલમાનોએ દુર્ભાગ્યપણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની વાતને અવગણી. તેઓએ અલી (અ.સ.) ને છોડી દિધા અને બીજાઓનું અનુસરણ કર્યુ અને આ રીતે તેઓ ઈસ્લામની પસ્તીનું કારણ બન્યા. તેમ છતા દરેક યુગમાં એવા મુસલમાનો થઇ ગયા ભલે પછી થોડા જેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ના હુકમને વળગી રહ્યા અને ઈમામ અલી (અ.સ.) અને તેમની મઅસુમ વંશજને સમર્પિત રહ્યા.

અલી (અ.સ.) પ્રત્યે મોહબ્બત :

મોહબ્બત તે ઈતાઅત અને સમર્પણનું ખુબ જ મહત્વનું પરિબળ છે. હકીકતમાં બિનશર્તી ઈતાઅત મોહબ્બત વગર શકય નથી. મોહબ્બત ઈતાઅત અને સમર્પણની સખ્તીને આસાન કરી દે છે. ઈમામ અલી (અ.સ.) તે શખ્સીયત છે જેણે દરેક મોઅમીનના દિલમાં પોતાની જગ્યા બનાવી છે અને ખરેખર તેઓની નજરમાં આપ (અ.સ.) સૌથી વધારે ચહિતા છો. તે હદીસો જે અલી (અ.સ.)ને મોહબ્બત કરવાની ફઝીલતનું વર્ણન કરે છે એ એટલી બધી છે કે તેના માટે ઘણી બધી કિતાબોને ઘણા ભાગોમાં લખવાની જરૂર પડે. અમે આ તકનો લાભ લઈને તેમાંથી અમૂક હદીસોનું અહીં વર્ણન કરીએ છીએ.

(૧) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું :

મોઅમિનના અઅમાલનામાનું શીષર્ક અલી બીન અબી તાલીબ (અ.સ.) ની મોહબ્બત છે. જે કોઈ એમ ઈચ્છે કે મારા જેવું જીવન જીવે અને મારા જેવું મૃત્યુ પામે અને તે જન્નતમાં રહે કે જેના વૃક્ષો મારા પરવરિદગારે વાવ્યા હોય તો તેણે અલી (અ.સ.)થી  અને તેમના દોસ્તોથી મોહબ્બત કરવી જોઈએ. મારા અને (અલી .. પછી) તેમના ફરઝંદો કે જેઓ ઈમામ છે તેમની પૈરવી કરો., તેઓ મારી નસ્લમાંથી છે. તેઓ મારા ફરઝંદ છે અને મારી તીનતમાંથી પૈદા કરવામાં આવ્યા છે. અલ્લાહે તેમને રિઝક અને ઈલ્મ અતા કર્યુ છે. જહન્નમ તેઓ માટે છે જેઓ તેમના ફઝાએલ અને ઉચ્ચ મરતબાનો ઇન્કાર કરે. મને તેઓ સાથે કોઈ લગાવ નથી અને કયામતના દિવસે અલ્લાહ તેઓને મારી શફાઅતથી મેહરૂમ રાખશે.”

(૨) જ. જાબીર ઈબ્ને અબ્દુલ્લાહ અન્સારી (ર.અ.) એ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી ફરમાવ્યું:

એકવાર જ. જીબ્રઈલ (અ.સ.) મારા માટે એક લીલા રંગનો કાગળ લાવ્યા જેના ઉપર સફેદ રંગનું લખાણ હતું:

મેં અલી (અ.સ.) ની મોહબ્બતને મારી તમામ મખ્લુક ઉપર વાજીબ કરાર દીધી છે, એટલે સંદેશો મારા તરફથી બધાને પહોંચાડી દો.

(૩) અબુ બરઝા ફરમાવે છે : અમે બધા પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની પાસે બેઠા હતાં ત્યારે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું :

કયામતના દિવસે કોઈપણ એક ડગલું આગળ નહિં જઈ શકે જ્યાં સુધી તે ચાર સવાલોના જવાબ આપે (૧) તેણે ઝીંદગી કેવી રીતે પસાર કરી (૨) તેણે શરીરનો કેવો ઉપયોગ કર્યો (૩) તેણે માલ કેવી રીતે મેળવ્યો અને કયાં ખર્ચ કર્યો (૪) શું તે અમો અહલેબૈત (અ.સ.) ને મોહબ્બત કરતો હતો.

તે વખતે ઉમરે પુછયું : કોઈપણ માણસ આપના ચાલ્યા જવા પછી આપની સાથે કેવી રીતે મોહબ્બત કરી શકે?

તેના જવાબમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાનો હાથ અલી (અ.સ.) ના માથા ઉપર રાખ્યો અને તેમને નઝદીક લાવતા ફરમાવ્યું:

બેશક મારા જવા પછી અલી (અ.સ.) ને ચાહવું મને ચાહવા સમાન છે.

(૪) મનાકીબમાં આ હદીસને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી પોતાના રાવીઓના સિલસિલાથી બયાન કરે છે. હ. રસુલે ખુદા (સ.અ.વ.) એ આ રીતે લોકોને ચેતવ્યા:-

અય અલી! અગર કોઈ શખ્સ અલ્લાહની ઈબાદત એટલી કરે જેટલુ જ. નુહ (અ.સ.) તેમની ઉમ્મતમાં રહ્યા (એટલે કે ૯૫૦ વર્ષ) અને ઓહદના પહાડ જેટલું સોનુ રાહે ખુદામાં આપે અને તેનું જીવન એટલું લંબાવવામાં આવે કે ૧૦૦૦ હજ પગપાળા અદા કરે અને સફા અને મરવાની વચ્ચે તેને નાહક મારી નાખવામાં આવે પરંતુ તેના દિલમાં અગર તમારી  મોહબ્બત અને વિલાયત ન હોય, તો તે જન્નતની સુગંધ પણ નહિં સુંઘી શકે. તે જન્નતમાં કયારેય દાખલ નહિં થઇ શકે.

અલી (અ.સ.) ની મોહબ્બતના બારામાં અસંખ્ય હદીસો હોવા છતાં, જેમાંથી અમે ફકત અમુકનું વર્ણન કર્યુ, તે કેવી રીતે શકય છે કે કોઈ તેમની સાથે દુશ્મની અને અદાવત રાખે? ફકત તેઓ જ અલી (અ.સ.) ના દુશ્મન હોય શકે જેમના વિષે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું છે :

અય અલી! અરબમાંથી કોઈપણ તમારી સાથે દુશ્મની નહિં રાખે સિવાય કે જેનો જન્મ નાજાએઝ રીતે થયો હોય, અન્સારમાંથી કોઈપણ તમારી સાથે દુશ્મની નહિં રાખે સિવાય કે જેઓ યહુદીઓ છે. માનવજાતમાંથી બચેલા બીજા લોકોમાંથી કોઈ તમારી સાથે દુશ્મની નહિં રાખે સિવાય કે જેને તરછોડી દેવામાં આવ્યા હોય.

Be the first to comment

Leave a Reply