આશુરના દિવસનો રોઝો

વાંચવાનો સમય: 4 મિનિટ

દરેક રીતે, ઈમામ હુસૈન અ.સ.નો દિવસ કે જયારે રસુલ સ.અ.વ.ના પ્યારા નવાસાને શહીદ કરવામાં આવ્યા તે ખુબજ કરુણ ઘટના છે. બેશક તે સૌથી મોટી દુ:ખદ ઘટના હતી. તેમને તેમના પરિવારજનો સહિત ફક્ત એટલે શહીદ કરી નાખવામાં આવ્યા કારણકે તેઓએ ઝુલ્મ વિરુધ્ધ અવાજ ઉઠાવ્યો. યઝીદના ખાનદાને (બની ઉમય્યા) અને ઝીયાદના ખાનદાને તે દિવસને ખુશીના દિવસ તરીકે મનાવ્યો. તેઓ તે દિવસે ભેગા થતા અને ઈમામ હુસૈન અ.સ.ની શહાદત ઉપર જશ્ન મનાવતા.

અલબત રોઝા અફઝલ ઇબાદતોમાંથી એક છે, પરંતુ અમો શીયાઓ પાસે આશુરના દિવસના રોઝા બાબતે અમુક યોગ્ય દલીલો છે. આખા વર્ષમાં ઈદના દિવસ સિવાય રોઝો રાખવો મુસ્તહબ છે, પરંતુ આશુરના રોઝા બાબતે  એક રાજનૈતિક ઇતિહાસ છે.

રસુલે અકરમ (સ.અ.વ.)ના નવાસાનું કત્લ એક ખુબજ મોટો ગુનાહ હતો, તેથી બની ઉમય્યાએ આશુરના દિવસ પ્રત્યેથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયત્ન કર્યો. તેમની પાસે પૈસા અને સત્તા હોવાના કારણે તેઓએ મુસલમાનો દરમીયાન એવો પ્રચાર કર્યો કે આશુરનો દિવસ એક મુબારક દિવસ છે. તેઓએ લોકોને એવું સમજાવ્યું કે આશુરના દિવસે અલ્લાહે હઝરત મુસા અ.સ.ને અને તેમની કૌમને ફીરૌનથી નજાત આપી. અલ્લાહે જ. ઈબ્રાહીમ અ.સ.ને નમરૂદની આગમાંથી બચાવ્યા વિગેરે. તેથી તે દિવસે અલ્લાહનો શુક્ર અદા કરવા માટે તેઓએ લોકોને આશુરના દિવસે રોઝો રાખવા પ્રોત્સાહિત કર્યા.

અહી અમુક મુદ્દાઓ છે કે  જે આશુરના દિવસે રોઝો રાખવાનું કહે છે તે હદીસ  ઘડી કાઢેલી છે. રસુલ સ.અ..વ.. એ ક્યારેય તેમને આવું કરવા કહ્યું ન હતુ.

  • પ્રથમ દલીલ

સહીહ બુખારી, સહીહ મુસ્લીમ અને સહીહ તીરમીઝીમાં એવી ઘણી હદીસો છે જે આપણને કહે છે કે જયારે પયગમ્બર (સ.અ.વ.) મદીના આવ્યા તો તેઓએ યહુદીઓને રોઝો રાખતા જોયા, જયારે આપ (સ.અ.વ.) એ તેનું કારણ જાણ્યું કે શા માટે તેઓ રોઝા રાખે છે, તો તેમણે કહ્યું કે આપણે મુસલમાનો મુસા અ.સ.થી નઝદીક છીએ તેથી આપણે પણ રોઝો રાખવો જોઈએ.

  • હદીસનુ પૃથ્થકરણ

અગર તમે આવી હદીસોનું પૃથક્કરણ કરશો તો તમને જણાશે કે ઉપરોક્ત બાબત  ૪ રાવીઓ તરફથી જોવા મળે છે કે જેમણે નકલ કરી છે.

૧. ઇબ્ને અબ્બાસ

૨. અબુ મુસા અશઅરી

૩. અબુ હુરૈરા

૪. મોઆવીયા

ઇબ્ને અબ્બાસ

રસુલ સ.અ..વ.. હીજરતના પેહલા વર્ષમાં મદીનામાં આવ્યા. અને ઇબ્ને અબ્બાસનો જન્મ હિજરત પેહલા ૩ વર્ષે થયો હતો, તેથી તે સમયે તેઓ ૪ વર્ષના હતા. ઈલ્મે હદીસમાં ૪ વર્ષના બાળકની હદીસ સ્વીકારવામાં આવતી નથી.

અબુ મુસા અશઅરી

અબુ મુસા યમનના બનું અશઅર કબીલામાંથી આવ્યા હતા. તે હિજરત પેહલા ઇસ્લામ લાવ્યા પરંતુ જંગે ખય્બર કે જે ૭ હિજરીમાં બની હતી ત્યાં સુધી તેઓ મદીનામાં દેખાયા ન હતા. રસુલે અકરમ (સ.અ.વ.) એ તેમને યમન તેમના કબીલાની તબલીગ કરવા મોકલયા હતા. તેથી અબુ મુસા પ્રથમ હિજરી મદીનામાં ન હતા, તેથી તેઓ કેવી રીતે આ હદીસ વર્ણવી શકે?

અબુ હુરૈરા

અબુ હુરૈરા પણ જંગે ખય્બર કે જે ૭ હિજરીમાં બની હતી ત્યાં સુધી મદીનામાં દેખાયા ન હતા. તે પણ યમનથી આવ્યો હતો.

મોઆવીયા

અબુ સુફિયાનનો પુત્ર મોઆવીયા કે જે  હીજરીના આઠમાં વર્ષમાં ઈમાન લાવ્યો, તેથી તે પણ ઇસ્લામ કબુલ કર્યાના ૭ અથવા ૮ વર્ષ પેહલા રસુલ સ.અ..વ..થી આ હદીસ કેવી રીતે નકલ કરી શકે?
તેથી તે ખુબ સ્પષ્ટ છે કે આ હદીસના બધાજ રાવીઓ મદીનામાં ન હતા અથવા નાના બાળક હતા તેથી આ હદીસ કેવી રીતે સ્વીકારી શકાય?

આમ આ સરળતાથી માની શકાય છે કે આ હદીસ બની ઉમય્યાએ ઘડેલી છે.

  • બીજી દલીલ

આવો આપણે “આશુરા” શબ્દ ઉપર નજર કરીએ કે જેનો ઉલ્લેખ હદીસમાં થયો છે. ઇબ્ને અસીર પ્રમાણે આશુરના બે અર્થ છે:

એક જુનો અર્થ અને એક નવો અર્થ. જુનો અર્થ કે જે અરબના સમયમાં અને રસુલે અકરમ (સ.અ.વ.)ના સમયમાં હતો, એટલે કે દરેક મહીનાની ૧૦મી તારીખ. નવો અર્થ ૧૦ મોહર્રમના ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી જાહેર થયો. ત્યારબાદ આશુરા ફક્ત ૧૦ મોહર્રમ તરીકે જાણીતું થઇ ગયું,  તેથી જયારે રસુલે અકરમ (સ.અ.વ.)એ આ હદીસ કહી તો તેમણે ફક્ત આશુરા કહ્યું અને તેમણે એમ ન જણાવ્યું કે તે કયા મહીનાની ૧૦મી તારીખ છે. આ દર્શાવે છે કે આ હદીસને આશુરના દિવસ પછી ઘડી કાઢવામાં આવી હતી, અને તે ઘડનારના મગજમાંથી નીકળી ગયું કે આશુરના બનાવ પેહલા તે શબ્દ નો અર્થ અલગ હતો અને સામાન્ય અર્થમાં વપરાતો હતો.

  • ત્રીજી દલીલ

આજે તમે ગમે તે યહૂદી અથવા તેમના આલીમ પાસે જાઓ અને તેમને પૂછો: શું તમારે ત્યાં તે દિવસનો રોઝો છે કે જે દિવસે અલ્લાહે હ.મુસા (અ.સ.)ને નજાત આપી અથવા તો તે દિવસના કે જે દિવસ ૧૦ મોહર્રમ સાથે મળતો આવતો હોય? તેમને ત્યાં રોઝો રાખવામાં આવતો નથી અને ભુતકાળમાં પણ આવું કાઈ હતું નહી. તેઓ ફકત ‘યુમ કીપ્પૂર’નો રોઝો રાખે છે, કે જયારે મુસા (અ.સ.)  કોહે તૂર ઉપરથી  પાછા ફર્યા અને તેમને ખબર પડી કે લોકો વાછરડાની પૂજા કરે છે. તેમના ગુનાહોના કફ્ફારા માટે તેઓએ રોઝો રાખ્યો, પરંતુ તેઓને ત્યાં તે દિવસે કોઈ રોઝો નથી જયારે અલ્લાહે તેમને ફીરૌનથી નજાત આપી. પરંતુ કિતાબે સેહાહ આપણને કહે છે કે તે યહૂદીઓમાં એક રસમ હતી અને તેઓ બધા તે દિવસે રોઝો રાખતા.

  • ચોથી દલીલ

એવું લાગે છે કે જેણે આ હદીસ ઘડી છે તે ઇસ્લામી કેલેન્ડરની શરુઆત કેવી રીતે થઇ તેનાથી માહિતગાર ન હતો.,  ઉમરના સમયમાં અલી અ.સ.ની સલાહ વડે હીજરી કેલેન્ડર બનાવ્યું. તેથી તેઓએ તેની શરુઆત રસુલ (સ.અ.વ.) ની હીજરતથી કરી અને તેઓએ તેને પેહલો મહીનો મોહર્રમ નક્કી કર્યો. જયારે કે રસુલે અકરમ (સ.અ.વ.) રબીઉલ અવ્વલમાં મદીનામાં દાખલ થયા હતા, ન કે મોહર્રમમાં.  અને તેથી જેણે પણ હદીસ ઘડી તેને એવું ધારી લીધું કે રસુલ (સ.અ.વ.) મોહર્રમમાં મદીનામાં દાખલ થયા કારણકે ત્યારે કેલેન્ડરની શરુઆત થાય છે. તેથી આ હદીસ આપણને જણાવે છે કે જયારે રસુલ (સ.અ.વ.) પેહલી વાર મદીનામાં દાખલ થયા તો તેઓએ યહુદીઓને આશુરના દિવસે રોઝો રાખતા જોયા, પરંતુ રસુલ (સ.અ.વ.) મદીનામાં મોહર્રમમાં દાખલ થયા ન હતા તેઓ તો રબીઉલ અવ્વલમાં દાખલ થયા કે  જે મોહર્રમ કરતા ૧૦ મહીના પેહલા આવે છે. અહી આ બાબતનો સ્પષ્ટ વિરોધાભાસ નજરે પડે છે.

  • પાંચમી દલીલ

રસુલે અકરમ (સ.અ.વ.) અગાઉના નબીઓ જેમ કે હ.મુસા (અ.સ.)ની શરીઅત વિશે વધુ જાણકાર હતા અને તેમને તેની જરુર ન હતી કે યહુદીઓ તેમને શીખવે. રસુલ (સ.અ.,વ,) તેના કરતા વધારે બલંદ છે  જે યહુદીઓ જે કઈ કરે તેની તેઓ નકલ કરે.

  • છઠ્ઠી દલીલ

શા માટે આખી દુનિયામાં આશુરના રોઝા ઉપર આટલો બધો ભાર મુકવામાં આવે છે? હજારો તકરીરો તેના ઉપર આપવામાં આવે છે અને લાખો પત્રિકાઓ તેના પ્રોત્સાહન માટે લોકોમાં વહેચવામાં આવે છે કે આશુરામાં રોઝો રાખો અને તેના જેવી બીજી બાબતો. જયારે કે આખા વર્ષમાં બીજા ઘણા દિવસો છે જેમાં રોઝો રાખવો ખુબ વધારે ફઝીલત ધરાવે છે, જેમ કે ૨૭ રજબ, પરંતુ શા માટે તેના બાબતે એક પણ પત્રિકા કે તકરીર તેને પ્રોત્સાહિત કરવા માટે જોવા મળતી નથી? આ દર્શાવે છે કે આ એક રાજનૈતિક બાબત છે, જેનો મૂળ મકસદ લોકોનું ધ્યાન ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદતથી હટાવવાનું છે અને તેને બરકતવાળો સમજવાનું છે. હું નથી જાણતો કે કયામતના દિવસે કોઈ વ્યક્તિ કેવી રીતે રસુલે અકરમ હ.મોહમ્મદ (સ.અ.વ.)નો સામનો કરશે જયારે કે તે દિવસ કે જે દિવસે તેમનો નવાસો શહીદ કરવામાં આવ્યો તેને મુબારક દિવસ જાણતો હોય.

તેથી ઉપરોક્ત કારણોને ધ્યાનમાં રાખીને અમે શીયાઓ કહીએ છીએ કે અશુરના દિવસના રોઝાની પાછળ બની ઉમય્યાનું કાવતરું છે અને તેને મુબારક દિવસ ગણવો તે ફક્ત શીયાઓનો વિરોધ નથી પરંતુ રસુલે અકરમ (સ.અ.વ.)નો વિરોધ છે.

– સૈયદ બાકીર અલ કઝવીની

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*