શા માટે ઈ.રેઝા (અ.સ.)એ ઉત્તરાધિકારી (વલી અહદી) બનવાનું સ્વીકાર્યું?

વાંચવાનો સમય: 3 મિનિટ

શીઆઓ અને તેમના અઈમ્મા (અ.મુ.સ.) ઉપર ટીકા કરનારાઓ ઘણી વખત વાંધો ઉપાડે છે કે શા માટે ઈમામ અલી ઈબ્ને મુસા રેઝા (અ.સ.)એ અબ્બાસી ખલીફા મામુનના ઉત્તરાધિકારી બનવાનું કબુલ કર્યું? શું આ તકવાદ નથી? બીજી બાજુ, તેઓ એવો પણ સવાલ કરે છે કે જ્યારે મામુને આપ (અ.સ.)ને ખિલાફત રજુ કરી તો આપ (અ.સ.)એ શા માટે ઈન્કાર કર્યો? શું શીઆઓનો એવો દાવો નથી કે ઈમામત અને ખિલાફત અઈમ્મા (અ.મુ.સ.)નો હક છે?

જવાબો:

ઈતિહાસ અને આ પ્રકારના રાજનૈતીક પગલા ઉપર એક ઉડતી નજર કરવાથી આ બાબત આપણા માટે સ્પષ્ટ થશે. શું એમાં કોઈ તર્ક છે કે મામુન જેવી વ્યક્તિ કે જેણે હોદ્દા માટે પોતાના ભાઈને કત્લ કરી નાખ્યો એ તે સત્તાને તેના વિરોધમાં ઉભા રહેલ નેતાને સોંપી દે? સ્પષ્ટ છે, દરેક બુદ્ધિશાળી માણસ સમજે છે કે આ રાજનૈતીક કાવતરું હતું. શું ઈમામ (અ.સ.)ની ખિલાફત અધિકારીઓ, ગવર્નરો અને અમીર લોકોના બળવાનું કારણ નહિ બને? કે જેઓ એક લાંબા સમયથી ઝુલ્મ, લૂંટ અને હકને છુપાવવાવાળા હતા? ચોક્કસ તેઓ ચૂપ ન રહેત.

તે કેટલું આશ્ર્ચર્યજનક છે કે મન્સુર અને હારૂનનો વારસદાર (મામુન), મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) કે જેમાં ઈમામ બાકીર (અ.સ.), ઈમામ સાદિક (અ.સ.) અને ઈમામ કાઝીમ (અ.સ.) છે, કે જેઓને આ ઝાલીમો અને અત્યાચારીઓ દ્વારા જ ઝહેર આપવામાં આવ્યું હતું, તેમના વારસદારને માન આપવાની કોશિષ કરે.

હકીકત કંઈક અલગ જ છે. હકીકતમાં મામુન ઈમામ (અ.સ.)નું અપમાન કરવા ચાહતો હતો. ઈમામ (અ.સ.) દ્વારા (વલી એ એહદી) કબુલ કર્યા પછી તે પોતાના લોકો દ્વારા અડચણો ઉભી કરત અને પછી પોતે સત્તા ઉપર સુધારક તરીકે પાછો ફરતે, એમ કહીને કે ઈલાહી ખલીફાને સમાજની આગેવાની કરતા નથી આવડતું અને ઈમામ (અ.સ.)ને બરતરફ કરી નાખત.

પરંતુ તે એ જાણતો ન હતો કે અહલેબય્તે રસુલ (સ.અ.વ.)ના જાનશીન તેના નાપાક ઈરાદાઓથી વાકેફ છે અને ખિલાફત સ્વિકારવા ઈચ્છતા ન હતા.

ખિલાફતની પેશકશ:

શરૂઆતમાં મામુને ઈમામે રેઝા (અ.સ.)ને ખિલાફત એમ કહીને રજુ કરી કે આપ (અ.સ.) તેના માટે વધુ લાયક છો. આની સામે ઈમામ (અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું: ‘અગર ખિલાફત તને અલ્લાહે આપી છે તો પછી તારી પાસે એ હક નથી કે તું તે કોઈને આપી દે. પરંતુ અગર તે તારી છે જ નહિ તો તું બીજાને આપીજ નથી શકતો.’

જયારે વધુ એક વખત મામુન હાર્યો તો તેણે ઈમામ (અ.સ.)ને બોલાવ્યા જેથી તેઓ વલી અહદીની પેશકશને કબુલ કરે. ઈમામ (અ.સ.)એ તે પેશકશ કબુલ ન કરી. પરંતુ મામુને બળજબરી અને સખ્તાઈ કરી.

તેણે હવે એવી ચાલ ચાલી કે ઈમામ (અ.સ.)ને પોતાના દરબારમાં જગ્યા આપવાથી ઈન્કેલાબની જવાળાઓ શાંત પડી જશે, ખાસ કરીને અલવી સાદાતની. જ્યારે તેઓ હકીકતમાં પોતાના પ્રતિનિધીને  દરબારમાં જોશે તો ચૂપ થઈ જશે. બીજી એક એવી શકયતા હતી કે અમૂક ભાવુક લોકો આ બાબતને વધુ તપાસ કર્યા વગર ઉપર છલ્લુ જોશે અને શીઆઓ અને તેમના ઇમામોના બારામાં ખોટો મંતવ્ય બાંધશે. તેઓ ઈમામ (અ.સ.)ની એ બહાના હેઠળ નાફરમાની કરશે કે આપ (અ.સ.)એ ઝાલીમ હુકુમત સાથે સમાધાન કરી લીધું છે. પછી એવું થશે કે ઈમામ (અ.સ.) પોતાના અનુસરનારાઓને ખોઈ બેસશે અથવા તો તેમને ચૂપ કરી દેશે અને તેથી ઈમામ (અ.સ.)ને ખત્મ કરવા તેના માટે ખુબજ આસાન થશે અને અંતે મામુન સમગ્ર મુસ્લીમ ઉમ્મત ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેશે.

(વલી એ એહદી) સ્વીકારવાની શરતો:

જ્યારે ઈમામ (અ.સ.)એ મહેસુસ કર્યું કે પેશકશ સ્વિકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તો આપ (અ.સ.) એ દેખાવે એક સાદી શર્ત રાખી ‘મારા માનનીય પિતાએ મને ખબર આપી છે કે હું આ દુનિયાથી તારી પહેલા ચાલ્યો જઈશ. હું ઝહેર દ્વારા શહીદ કરવામાં આવીશ. ફરીશ્તાઓ મારા ઉપર રૂદન કરશે. હું એવી હાલતમાં દફન થઈશ કે મારા ઘરથી દૂર હઈશ અને મને હારૂનની બાજુમાં દફનાવવામાં આવશે. તેથી હું હુકુમતના કાર્યો જેવા કે ગર્વનરોની નિમણુંક અને બરતરફી, રાજનૈતીક અને લશ્કરી કાર્યોમાં દખલગીરી નહિ કરૂં.’ કારણ કે મામુન ઈમામ (અ.સ.)ના (વલી એહદી) કબુલ કરવાથી અંજાય ગયો હતો તેથી તેણે એ વિચાર્યું નહિ આ શરત ઈમામ અ.સ.નું વલી અહ્દીનું બળજબરી પૂર્વક સ્વીકાર સાબિત થતો હતો. એ અર્થહિન છે કે આપ (અ.સ.) ઉત્તરાધિકારી બનવાનું કબુલ કરે અને હુકુમતના કાર્યોથી અળગા રહે.

ઈમામ રેઝા (..)ની દોઆ:

ત્યાર બાદ ઈમામ (અ.સ.)એ આસમાન તરફ પોતાનું સર મુબારક બલંદ કર્યું અને દોઆ કરી ‘અય અલ્લાહ! તું જાણો છો કે વલી અહદીના મન્સબને કબુલ કરવા માટે મારી સાથે બળજબરી કરવામાં આવી છે. મને તેના માટે જવાબદાર ન ઠેરવતો. (બેહારૂલ અન્વાર, ભાગ-49, પા. 131, હ. 7.જેને ઓયુને અખ્બારે રેઝા (અ.સ.), ભાગ-1, પા. 18 પરથી નકલ થયું છે)

અલબત , મામુન દ્વારા જાતે લખેલ કરાર ઈમામ (અ.સ.)ની ખિદમતમાં મોકલવામાં આવ્યો ત્યારે ઈમામ (અ.સ.)એ પણ તેની પાછળ કંઈક લખ્યું અને ત્રીજા વાકયમાં એક આયત બયાન કરી:

یَعْلَمُ خَائِنَةَ الْاَعْیُنِ وَمَا تُخْفِی الصُّدُوْرُ

“’તે આંખોની ચોરીને જાણે છે અને જે વાત દિલો એ સંતાડી રાખી છે તેને પણ.” (સુ.ગાફીર-40:19)

આ આયતનું લખવું એ બાબત તરફ સ્પષ્ટ નિર્દેશ છે કે ઈમામ (અ.સ.) મામુનની મક્કારી ને જાણતા હતા. છેવટે નિવેડો આવ્યો અને ઈમામ (અ.સ.)ને ‘મરવ’માં વલી અહદી તરીકે નિમાયા.

હજુ થોડો સમય પસાર થયો હતો કે મામુનને પોતાની હારનો એહસાસ થયો. ઈન્કેલાબી ચળવળ શાંત ન થઈ અને ઈમામ (અ.સ.) હજુ પણ લોકોના દિલો ઉપર હુકુમત કરી રહ્યા હતા.

સારાંશ:

ઈમામ રેઝા (અ.સ.)ને વલી અહદીનો હોદ્દો સ્વિકારવા બળજબરી કરવામાં આવી હતી. મામુનનો મકસદ તેની હુકુમતના વિવિધ પ્રદેશોમાં શીઆઓને બળવો કરવાથી એમ કહી રોકવાનો હતો કે તેઓના આગેવાન મામુનની સાથે છે. તે લોકોને એમ બતાવવા ચાહતો હતો કે ઈમામ રેઝા (અ.સ.) દુન્યવી સત્તાની પાછળ છે. ખરેખર તે પોતાના દરેક દ્રુષ્ટ મકસદમાં નાકામ રહ્યો.

અંતે, તેણે ઈમામ (અ.સ.)ને કત્લ કરવાનું નક્કી કર્યું. 17 મી સફર, હી.સ. 203 માં તેણે ઈમામ રેઝા (અ.સ.)ને ઝહેર આપ્યું અને આ કાયરતાવાળા કાર્યથી પોતાના લિબાસને પાક ખુનના ધબ્બાથી રંગીન કરી હંમેશની ઝિલ્લત ઈખ્તેયાર કરી. અને તેના વડે તે જહન્નમમાં હંમેશની સજાનો મુસ્તહક બની ગયો. (વસીલહ અલ નજાત, પા. 381)

Be the first to comment

Leave a Reply