પયગમ્બર (સ.અ.વ.) ના ૮ માં જાંનશીન હઝરત અલી ઈબ્ને મુસા-અર-રઝા (અ.સ.)

વાંચવાનો સમય: 6 મિનિટ

મુસલમાનોના અને ખાસ કરીને શીઆઓના 8માં ઈમામ એટલેકે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) ના 8માં જાંનશીન હઝરત ઈમામ અલી રઝા (અ.સ.)ની મુખ્તસર ઝીંદગી આ મુજબ છે:

નામ:                       અલી (અ.સ.)

લકબો:                     રઝા, ઝામીન, ફાઝલ, રઝી

પિતાનું નામ:              હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ.)

માતાનું નામ:              નજમા ખાતુન (સ.અ.)

વિલાદત તારીખ:          11 ઝીલ્કાદ, હી.સ. 135

શહાદતની તારીખ:        માહે સફરની છેલ્લી તારીખ, હી.સ. 203 અથવા 23 ઝીલ્કાદ હી.સ. 203

કબ્રે મુબારક:                મશ્હદે મુકદ્દસ (ઈરાન)

ઈમામ રઝા (..) ની ઈમામત:

હી.સ. 183 માં જ્યારે મામુનના કૈદખાનામાં હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની શહાદત થઈ ત્યારે ઈમામ અલી રઝા (અ.સ.) ઈમામતના હોદ્દા ઉપર ફાએઝ થયા. તે વખતે આપની વય મુબારક 35 વર્ષની હતી. આપની ઈમામત પણ બીજા અઈમ્મહ (અ.મુ.સ.)ની જેમ રસુલે ખુદા (સ.અ.વ.) દ્વારા નિયુકત અને જણાવેલ રીતે  તથા આપના વાલિદ ઈ.મુસા કાઝીમ (અ.સ.) એ કરાવેલ ઓળખાણ મુજબ બીજાઓ ઉપર આપ અ.સ.ની ઇમામત સાબીત થઈ. કૈદ થવા પહેલા ઈમામ મુસા કાઝીમ (અ.સ.) એ આપની ઓળખ કરાવી દીધી હતી કે તેમની ની શહાદત પછી ખુદાની 8 મી હુજ્જત અને ઈમામે બરહક કોણ છે. જેથી હક શોધનારાઓ સીધા રસ્તાથી ફરી ન જાય.

મખ્ઝુમીનું બયાન છે કે ઈમામ મુસા કાઝીમ (અ.સ.) એ અમોને બોલાવ્યા અને ફરમાવ્યું: શું તમોને ખબર છે કે મેં તમોને શા માટે બોલાવ્યા છે? મેં કહ્યું, નહિં. ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: મેં તમોને એટલા માટે બોલાવ્યા કે તમે લોકો એ વાત ઉપર ગવાહ રહો કે મારો આ ફરઝંદ (ઈમામ રઝા (અ.સ.) તરફ ઈશારો કરીને ફરમાવ્યું) મારો વસી અને મારો જાંનશીન છે.<![if !vml]>Anchor<![endif]>[1]

યઝીદ બીન સલીતનું બયાન છે કે: હું ઉમરાહ  બજાવી લાવવા માટે મક્કા જઈ રહ્યો હતો. રસ્તામાં ઈમામ મુસા કાઝીમ (અ.સ.)થી મુલાકાત થઈ. મેં હઝરતની સેવામાં અરજ કરી કે આ જગ્યાને આપ ઓળખો છો? ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: હા, શું તમે પણ આ જગ્યાને ઓળખો છો? મેં કહ્યું, હા, મેં મારા પિતાની સાથે તમે અને તમારા પિતા હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) સાથે આજ જગ્યાએ મુલાકાત કરી હતી અને આપના વિષે અમોને જણાવ્યું હતું અને ફરમાવ્યું હતું કે તે તમામ વસ્તુ કે જેની જરૂરત લોકોને પડશે તે દરેકનું ઈલ્મ આપને છે અને તમામ દીની અને દુન્યવી બાબતોથી તમો જાણકાર છો.

તે સમયે મેં ઈમામ મુસા કાઝીમ (અ.સ.) ને અરજ કરી કે મારા માતા-પિતા તમારા ઉપર કુરબાન થાય! આપ પણ આપના પિતાની જેમ તે હકીકતથી મને માહિતગાર કરો (કે આપના પછી કોણ ઈમામ છે?).

ઈમામ (અ.સ.) એ પ્રથમ ઈમામતની મહાનતા અને મહત્ત્વતા  બયાન ફરમાવી અને પછી ફરમાવ્યું કે ઈમામત એક અમ્રે ઈલાહી (ઈલાહી હોદ્દો) છે. તે ખુદા અને પયગમ્બર (સ.અ.વ.) તરફથી નક્કી થાય છે અને ત્યાર પછી ફરમાવ્યું:

મારા પછી ઈમામ મારા દીકરા અલી (અ.સ.) હશે અને તેઓ પહેલા ઈમામ અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) અને ચોથા ઈમામ અલી ઈબ્ને હુસૈન (અ.સ.) ના હમનામ હશે.

તે સમયે ઈસ્લામી સમાજ ઉપર સખ્ત પાબંદી અને તકલીફો હુકુમત તરફથી લાદવામાં આવી હતી. આથી ઈમામ મુસા કાઝીમ (અ.સ.) એ પોતાની વાતચીતના અંતમાં યઝીદ બીન સલીતને ફરમાવ્યું:

જે કાંઈ મેં કહ્યું છે તેને અમાનતની જેમ તમારા પાસે સુરક્ષિત રાખજો અને ફકત તે લોકોનેજ કહેજો કે જે લોકોની સચ્ચાઈના બારામાં તમને ભરોસો હોય.

યઝીદ બીન સલીતનું બયાન છે કે: ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની શહાદત પછી ઈમામ અલીરઝા(અ.સ.) ની સેવામાં હું હાજર થયો અને તેના પહેલા કે હું કાંઈ બોલુ ઈમામ (અ.સ. ) એ ફરમાવ્યું:

અય યઝીદ! મારી સાથે ઉમરાહ  કરવા આવો છો?’

મેં કહ્યું: મારા માતા-પિતા તમારા ઉપર કુરબાન થાય. જેમ તમે કહો તે મને મંજુર છે. પરંતુ મારી પાસે અત્યારે રસ્તાનો ખર્ચ નથી.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

તમામ ખર્ચ હું આપીશ’.

હું હઝરત ઈમામ અલી રઝા (અ.સ.) સાથે મક્કા તરફ રવાના થયો. જે જગ્યાએ ઈમામ સાદિક (અ.સ.) અને ઈમામ કાઝીમ (અ.સ.) સાથે મુલાકાત થઈ હતી ત્યાં પહોંચ્યા અને પછી મેં તેમના પિતાની સાથે થયેલી તમામ વાતચીત વિગતવાર બયાન કરી.<![if !vml]>Anchor<![endif]>[2]

ઈમામ રઝા (..) અને વલી અહદી:

અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) ઈમામત અને ઈસ્મતનો એક ખાસ દરજ્જો ધરાવે છે. તેઓ ઝમાનાની તમામ પરિસ્થિતિઓથી ખુદાવંદે આલમે અતા કરેલ ઈલ્મ અને હિકમત થકી માહિતગાર હોય છે. તેમજ તેઓ દરેક ઝમાનામાં રેહબરીના તમામ તકાઝાઓથી સંપૂર્ણપણે આગાહ હોય છે. તેઓ વાસ્તવમાં ઈસ્લામના રક્ષક હોય છે. આઠમાં ઈમામ હઝરત અલી રઝા (અ.સ.) એવા ઝમાનામાં ઝીંદગી પસાર કરતા હતા જ્યારે બની અબ્બાસની બદનામ હુકુમત તેની ટોચ ઉપર હતી. પ્રદેશમાં અમ્ન અને સલામતી જાળવી રાખવા માટે તેઓ જાહેરી રીતે શીઆઓ અને ઈરાનીઓને પોતાનાથી નજદિક રાખવા ઈચ્છતા હતા અને બની અબ્બાસ એ પ્રદર્શિત કરવા ચાહતા હતા કે તેઓનો સંબંધ એહલેબૈત (અ.મુ.સ.)ના ખાનદાન સાથે બહુજ નિકટનો અને ગાઢ છે. આ રીતે તેઓ પોતાની ખિલાફત અને હુકુમતને પણ યોગ્ય અને વ્યાજબી ઠેરવતા હતા. ઈમામ રઝા (અ.સ.) એ મામુનની મક્ર અને ફરેબથી ભરપૂર પધ્ધતિની સામે તેવો રસ્તો ઈખ્તેયાર કર્યો કે જેના થકી મામુનનો હેતુ નિષ્ફળ જાય અને તમામ મુસલમાનો હકથી નજીક થઈ જાય અને તે જાણી લ્યે કે ખુદા અને તેના રસુલ (સ.અ.વ.) એ જેઓને પોતાના ખલીફા નિયુકત કર્યા છે તેઓ એહલેબૈત (અ.મુ.સ.) છે. તે ખલીફા ઈમામ રઝા (અ.સ.) છે મામૂન નહિં.

ઈમામ રઝા (અ.સ.) એ મામુનની વલી અહદી કંઈક એવી રીતે સ્વિકારી જાણેકે કબૂલ જ નથી કરી. પરંતુ આ વાત દરેક સુધી પહોંચી ગઈ કે મામૂને તે કબુલ કરી લીધું છે કે ઈમામ અલી રઝા (અ.સ.) જ ઉમ્મતની ઈમામત અને ખિલાફત માટે યોગ્ય અને લાયક છે. મામૂનના ખૂબજ આગ્રહથી અમૂક શરતો સાથે ઈમામ (અ.સ.) એ વલી અહદી કબૂલ ફરમાવી.

વલી અહદીના સ્વિકારનું એક પરિણામ તે સામે આવ્યું કે ઈસ્લામી સમાજને તે બાબતની સારી રીતે અનુભૂતિ થઈ ગઈ કે ખિલાફત અને ઈમામતના સાચા હકદાર કોણ છે. આ ઉપરાંત મદિનાથી ખુરાસાન સુધીની મુસાફરી દરમ્યાન અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી પસાર થયા જ્યારે કે સંપર્કના માધ્યમો ખૂબજ તંગ અને સંકુચિત હતા. આ મુસાફરી દરમ્યાન લોકોને ઈમામ (અ.સ.)ની ખિદમતમાં હાજર થવાનો મૌકો મળ્યો. લોકોએ હકને નજદિકથી ઓળખ્યો. આ ઉપરાંત મામૂનના દરબારમાં અલગ-અલગ ધર્મોના મોટા મોટા આલિમો સાથે ઈમામ (અ.સ.)ના મુનાઝેરાઓ જેવી ઘટનાઓએ ઈમામ (અ.સ.)ની હક્કાનિય્યત અને ઈલ્મી સ્તર અને તેમના અખ્લાક અને ચારિત્ર્યને પ્રદર્શિત કર્યા અને સાથોસાથ મામુનની હકીકત પણ દરેકની સામે સ્પષ્ટ થઈ ગઈ તેનાથી રોજ બ રોજ મામુનની હૈસિય્યત ઓછી થતી ગઈ. મામુન ઈમામ (અ.સ.)ની અઝમત અને મહાનતા જેટલી ઓછી કરવા ઈચ્છતો હતો તેટલોજ તેમાં વધારો થતો હતો. આ છે આપણા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની રાજકીય કાર્યપધ્ધતિનો સામાન્ય અને ટૂંક ચિતાર.

ઈમામ રઝા (..) એ વલી અહદીનો સ્વિકાર શા માટે કર્યો:

રયાન બીન સલ્તનું બયાન છે કે ઈમામ રઝા (અ.સ.) ની સેવામાં હું હાજર થયો અને કહ્યું: અય ફરઝંદે રસુલ (સ.અ.વ.)! ઘણા લોકો એમ કહે છે કે આપ (અ.સ.) એ મામુનની વલી અહદી (વઝીરપણું) સ્વીકારી લીધી છે જ્યારે કે આપનો દુનિયાની તરફ કોઈજ લગાવ નથી.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: ખુદા ગવાહ છે કે મેં તે ખુશીથી કબુલ નથી કર્યું. મારી સામે ફકત બે બાબત હતી યા તો વલી અહદી (વઝીરપણું) કબુલ કરું અથવા તો કત્લ થઈ જાવ. આથી મેં વલી અહદીનો સ્વિકાર કર્યો….. શું તમને તે ખબર નથી કે જનાબે યુસુફ (અ.સ.) ખુદાના પયગમ્બર હતા પરંતુ જ્યારે અઝીઝે મીસ્રના ખઝાનાના ખાઝીન (વઝીર) બનવાની જરૂરત ઉભી થઈ તો તેમણે તે હોદ્દો સ્વીકારી લીધો. આ સમયે મેં પણ જરૂરત ના લીધે મજબુરન વલી અહદી કબુલ કરી લીધી છે. એમાં વલી અહદીનું કબુલ કરવું તે કબુલ ન કરવા સમાન છે. (એટલે કે જે શરતો મેં મુકી છે તે એવી છે જાણે કે મેં તેને કબુલજ નથી કર્યું).<![if !vml]>Anchor<![endif]>[3]

મોહમ્મદ બીન અરફાનું બયાન છે કે મેં ઈમામે રઝા (અ.સ.)ને અરજ કરી: અય ફરઝંદે રસુલ (સ.અ.વ.) આપે વલી અહદી સ્વીકારી લીધી છે?

આપ (અ.સ.) એ ફરમાવ્યું: બિલ્કુલ એવી રીતે જેવી રીતે મારા દાદા હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને શુરામાં શામીલ થવા માટે મજબુર કરવામાં આવ્યા હતા.<![if !vml]>Anchor<![endif]>[4]

 

<![if !vml]>Anchor<![endif]>[1] અઅલામુલ વરઅ, પાના નં. 304

<![if !vml]>Anchor<![endif]>[2] અઅલામુલ વરઅ, પાના નં. 305, કાફી, ભાગ-1, પાના નં. 316

<![if !vml]>Anchor<![endif]>[3] એલલુશ્શરાયેઅ, પાના નં. 227

<![if !vml]>Anchor<![endif]>[4] ઓયુને અખ્બારે રેઝા (અ.સ.), ભાગ-2, પાના નં. 141

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*