ફકત એક ઈમામ જ બીજા ઈમામને દફન કરી શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટ

જ્યારે કોઈ મઅસુમ ઈમામ (અ.સ.) શહીદ થાય છે, તેમના પછી તેમના વસી અને ઈમામની જવાબદારી છે કે તેમને દફન કરે. આ જવાબદારી તેમના સિવાય બીજું કોઈ અદા કરી શકતું નથી. જેથી મુસલમાનો માટે સ્પષ્ટ થઈ જાય કે જે ઈમામ શહીદ થઈ ગયા છે તેમના બાદ તેમના હકીકી વસી કોણ છે.

ઈમામત ઉપર ચર્ચા:

ઈમામ અલી રેઝા (અ.સ.) અને વાકેફી (ઈમામ રેઝા અ.સ.ની ઈમામતનો મુન્કીર) દરમ્યાન આ વિષય ઉપર એક ખુબજ દિલચસ્પ ચર્ચા થઈ કે જેમાં કેવી રીતે એક ઈમામ જ બીજા ઈમામને દફન કરી શકે તેના ઉપર રોશની નાંખવામાં આવી છે અને બન્ને ઈમામો હોવા ઉપર દલાલત કરે છે. આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દુશ્મનોએ પણ આ મુદ્દા વડે ઘણા અઈમ્મા (અ.મુ.સ.)ની ઈમામતની ખરાઈ કરી છે.

અલી ઈબ્ને અબી હમઝાહ, પ્રખ્યાત વાકેફી, ઈમામ અલી રેઝા (અ.સ.)ની ઈમામતમાં શંકા કરનારાઓમાં સૌથી આગળ હતો. તેની ઈમામ અલી રેઝા (અ.સ.) વિરૂધ્ધ દલીલો પૈકી એક દલીલ હતી કે તેમના વાલીદ હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની દફનવીધી, જ્યારે કે ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ને બગદાદમાં શહીદ કરવામાં આવ્યા અને ઈમામ અલી રેઝા (અ.સ.) તે સમયે મદીનામાં હતા અને દફનાવવા માટે આટલુ લાંબુ અંતર કાપવુ સાધારણ સંજોગોમાં શકય ન હતું.

અલી ઈબ્ને અબી હમઝાહ કહે છે કે અમને તમારા બુઝુર્ગોથી જણાવવામાં આવ્યું છે કે ઈમામની ઈમામત તેમની શહાદત પછી બીજા ઈમામ સુધી પહોંચે છે જે તેમને દફનાવે છે.

ઈમામ રેઝા (અ.સ.) એ ફરમાવ્યું: મને ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.)ના બારામાં બતાવ, શું તેઓ ઈમામ હતા કે નહિ? અગર તેઓ ઈમામ હતા તો પછી તેમના વસી કોણ હતા?

અલી ઈબ્ને અબી હમઝાહ: અલી ઈબ્ને હુસૈન (અ.સ.)

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: અને અલી ઈબ્ને હુસૈન (અ.સ.) ઈમામ હુસૈન (અ.સ.)ને દફનાવવાના સમયે કયા હતા?

અલી ઈબ્ને અબી હમઝાહ: તેઓ ઉબૈદુલ્લાહ ઈબ્ને ઝિયાદના કુફામાં કૈદી હતા.

ઈમામ (અ.સ.): તો પછી તેઓ તેમના પિતાના કેવી રીતે વસી હોય શકે જ્યારે કે તેઓ કૈદખાનામાં હતા?

અલી ઈબ્ને અબી હમઝાહ: અમને જણાવવામાં આવ્યું છે કે તેઓ કુફાથી તેઓની જાણ બહાર નીકળ્યા હતા અને પોતાના વાલીદને દફનાવી પાછા કુફા આવ્યા હતા.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: જ્યારે અલી ઈબ્ને હુસૈન (અ.સ.) માટે આ શકય છે જ્યારે કે તેઓ કૈદખાનામાં હતા તો પછી આ ઝમાનાના ઈમામ માટે શા માટે શકય નથી કે તેઓ પોતાના વાલીદને દફનાવવા મદીનાથી બગદાદ આવે અને પછી પાછા પોતાની મુળ જગ્યાએ ચાલ્યા જાય જ્યારે કે તેઓ ન તો કૈદી છે અને ન તો તેમને રોકવામાં આવ્યા છે.

  • રેજાલે કશી, પા. 464-465
  • ઈસ્બાતુલ વસીય્યહ, પા. 207-208
  • સૈયદ અબ્દુલ રઝઝાક અલ મુકર્રમની મકતલે હુસૈન (અ.સ.), પા. 319-320
  • બેહારૂલ અન્વાર, ભા. 45, પા. 169, ભા. 48, પા. 270

 

આ સિધ્ધાંત કે ફકત એક ઈમામ / મઅસુમ જ બીજા ઈમામ / મઅસુમને દફનાવી શકે તે ઈસ્લામના ઈતિહાસની ઘણી ગુંચવાએલી બાબતોને સ્પષ્ટ કરવામાં આપણું માર્ગદર્શન કરે છે.

આપણે પહેલા આ સિધ્ધાંતને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના દફન સમયે જોયું જ્યારે તેમના હકીકી વસી અને ખલીફા અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સિવાય બીજા કોઈએ આપ (સ.અ.વ.)ને નથી દફનાવ્યા, જ્યારે કે બીજાઓ વ્યંગાત્મક રીતે રસુલ (સ.અ.વ.)ના વસીને ચુંટવામાં વ્યસ્ત હતા.

આ સિધ્ધાંત જુદા જુદા મૌકાઓ ઉપર ઉપયોગી થયો છે, જેમકે જ્યારે મુસલમાનો ઈમામ મુસા કાઝીમ (અ.સ.), ઈમામ અલી રેઝા (અ.સ.) અને ઈમામ મહદી (અ.સ.)ની ઈમામ બાબતે ગુંચવણમાં હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*