તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત– પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ

મોઅતબર સુન્ની કિતાબોમાંથી અલી (અ.સ.)ની અફઝલીયતના 10 પુરાવાઓ.

ઈમામ અહેમદ ઈબ્ને હમ્બલ કહે છે “અલી (અ.સ.)ની જેટલી ફઝીલતો બયાન થઈ છે તેવી કોઈપણ સહાબીની ફઝીલત બયાન થઈ નથી.”

પ્રથમ પુરાવો: તેઓ પ્રથમ મુસલમાન પુરૂષ હતા.

મશ્હુર ઈતિહાસકાર ઈબ્ને હિશામ લખે છે: રસુલે અકરમ (સ.અ.વ.) ઉપર પ્રથમ ઈમાન લાવનાર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) હતા અને તેઓ આપ (સ.અ.વ.) પાછળ નમાઝ પઢતા હતા જ્યારે કે તેઓની ઉમ્ર મુબારક ફકત 10 વર્ષ હતી. (સીરતે ઈબ્ને હિશા, ભાગ-1, પા. 245)

મશ્હુર ઈતિહાસકાર તબરી લખે છે: ‘સૌથી પ્રથમ 3 વ્યકિતઓ કે જેઓએ નમાઝ પઢી તેઓ મોહમ્મદ (સ.અ.વ.), જ. ખદીજા (સ.અ.) અને અલી (અ.સ.) છે. (તારીખે તબરી, બહાગ-2, પા. 65)

પવિત્ર પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)એ તેમની પુત્રી જ. ફાતેમા (સ.અ.)ને ફરમાવ્યું: ‘મેં તમારી શાદી ઉમ્મતના શ્રેષ્ઠ વ્યકિત સાથે કરી છે, તેઓ ઉમ્મતના સૌથી શ્રેષ્ઠ આલીમ છે, તેઓ શ્રેષ્ઠ સબ્ર કરનારા છે અને ઉમ્મતના પ્રથમ મુસલમાન છે.’ (ક્ન્ઝુલ ઉમ્માલ, મુત્તકી અલ હીન્દી, ભાગ-6, પા. 398)

બીજો પુરાવો: પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન અને વસી

નબુવ્વતની શરૂઆતથી જ તેમને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન અને વસી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

નબુવ્વતની શરૂઆતમાંજ રસુલે અકરમ (સ.અ.વ.) એ એક ખુત્બામાં ફરમાવ્યું: (જ. અબુ તાલિબ (અ.સ.)ના ઘરે દાવતે ઝુલઅશીરામાં) “તમારામાંથી કોણ છે કે જે આ અમ્ર (નબુવ્વત)માં મારી મદદ કરે અને તે મારો ભાઈ, મારો વઝીર અને મારો જાનશીન (ખલીફા) બને?

બધા સાંભળનારા ખામોશ રહ્યા સિવાય કે અલી (અ.સ.) કે જેઓ તેઓમાંથી સૌથી નાના હતા. અલી (અ.સ.) એ આ રીતે જવાબ આપ્યો: “હું તમારી મદદ કરીશ અય અલ્લાહના રસુલ.”

રસુલે અકરમ (સ.અ.વ.)એ ત્યારબાદ પોતાનો હાથ અલી (અ.સ.)ની ગરદન પાછળ રાખ્યો અને ફરમાવ્યું: “આ મારા ભાઈ, મારા વસી અને મારા જાનશીન છે. તેથી તેને સાંભળો અને તેમની ઈતાઅત કરો.”

આ હદીસ સહીહ છે કે જેને ઘણા સુન્ની કિતાબોમાં વર્ણવવામાં આવી છે. તારીખે તબરી, તારીખે ઈબ્ને અસાકીર, અદ દુર્ર અલ મનસૂર, સિયુતી, અબુલ ફીદાની અલ મુખ્તસર.

ત્રીજો પુરાવો: અલી (અ.સ.) એ રસુલ (સ.અ.વ.)ને જરૂરત વખતે કદી તરછોડયા નથી.

રસુલે અકરમ (સ.અ.વ.)ના મહાન સહાબી ઈબ્ને અબ્બાસ (અ.ર.) ફરમાવે છે: “અલી (અ.સ.) પાસે 4 એવી ખાસીયતો છે જેમાં તેમનો કોઈ ભાગીદાર નથી: તેઓ પ્રથમ હતા જેમણે અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની સાથે નમાઝ પઢી. તેઓ દરેક જંગમાં અલમદાર હતા અને તેઓ આપ (સ.અ.વ.)ની સાથે અલ મિહરાસ (જંગે ઓહદ)ના દિવસે મક્કમપણે રહ્યા અને તેઓ તે છે કે જેમણે આપ (સ.અ.વ.)ના પવિત્ર શરીરને ગુસ્લ આપ્યું અને તેમને તેમની કબ્રમાં ઉતાર્યા. (અલ હાકીમ તેની મુસ્તદરકમાં, ભાગ-3, પા. 111)

સવાલ: શા માટે હ.અબુબક્ર અને હ.ઉમર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની દફનવીધીમાં હાજર ન હતા? અને શા માટે તેઓ જંગે ઓહદમાંથી ભાગી ગયા કે જ્યાં ફકત અલી (અ.સ.)એ રસુલે અકરમ (સ.અ.વ.)ની હિફાઝત માટે મક્કમપણે બાકી રહ્યા હતા?

ચૌથો પુરાવો: અલી (અ.સ.) એ નબીઓ (અ.મુ.સ.)ની સામ્યતા ધરાવતા હતા.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: “જે કોઈ નૂહ (અ.સ.)ને તેના ઈરાદામાં, આદમ (અ.સ.)ને તેમના ઈલ્મમાં, ઈબ્રાહીમ (અ.સ.)ને તેમની મહેરબાનીમાં, મુસા (અ.સ.)ને તેમની અકલમંદીમાં અને ઈસા (અ.સ.)ને તેમની ઈબાદતમાં જોવા ચાહતો હોય તો તેમણે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તરફ નજર કરવી જોઈએ.” (સોનન અલ બયહકી, મુસ્નદે અહેમદ ઈબ્ને હમ્બલ, તફસીરે કબીર, ફખ્રુદ્દીન રાઝી અને બીજાઓએ પણ લખ્યું છે.)

પાંચમો પુરાવો: અલી (અ.સ.) એ રસુલ (સ.અ.વ.)ના પ્રતિનિધી હતા.

રસુલે અકરમ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “અલી મારાથી છે અને હું અલી (અ.સ.) થી છું અને મારૂ પ્રતિનિધિત્વ કોઈ નહી કરે સિવાય કે અલી (અ.સ.).” (સોનન ઈબ્ને માજા, હદીસ નં. 119)

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ અલી (અ.સ.)ને ફરમાવ્યું: “તમારૂ સ્થાન મારી પાસે એવું છે જેવું જ. હારૂન (અ.સ.)નું હ. મુસા (અ.સ.)ની પાસે હતું સિવાય એ કે મારા પછી કોઈ નબી નથી.”

(સહીહ અલ બુખારી, ભાગ-5, પ્ર. 59, હદીસ નં. 700, સહીહ મુસ્લીમ, પ્ર. 31, હદીસ નં. 5913)

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*