આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલત મોટાભાગના મુસલમાનોના ખ્યાલ અથવા સ્વિકારવા કરતા ઘણી ઉંચી છે. ઘણા બધા મુસલમાન આલીમોએ આ હકીકતને સ્વિકારી છે.
આવા જ એક આલીમ છે અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ બિન ઉમર બિન હુસૈન અલ તૈમી અલ બકરી, જે ફખરુદ્દીન રાઝી તરીકે પ્રખ્યાત છે (વફાત હી.સ. 606) એહલે તસન્નુનની નઝદીક તેમનું ઉંચુ મકામ છે. તેથી તેનો નઝરીયો અને મંતવ્યો તેઓ દ્વારા વારંવાર શીઆઓ સમક્ષ રજુ કરવામાં આવે છે અને ખાસ કરીને ઈમામતના વિષયના બારામાં.
તેથી તેનો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના બારામાં નઝરીયો ખુબજ મહત્વનો છે.
ફખ્રે રાઝી જેમકે તેને આમ પણ બોલાવાય છે, તેમની પવિત્ર કુરઆનની તફસીર, મફાતીહુલ ગૈબમાં (મશહુર છે તફસીરે કબીર તરીકે) લખે છે:
બેશક આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર સલવાતની ખુબજ ફઝીલત છે અને આ બારામાં નીચેની સલવાત નોંધાએલી અને જે કોઈ નમાઝ પડે છે તો તેની નમાઝમાં તશહહુદના અંતમાં પઢે છે:
اللهم صل علي محمد و آل محمد و ارحم محمدا و آل محمد
‘અય અલ્લાહ! મોહમ્મદ (સ.અ.વ.) અને તેમના આલ ઉપર સલવાત મોકલ અને મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝીલ કર.’
આવો મરતબો આલે મોહમ્મદ (અ.મુ.સ.) સિવાય બીજા કોઈ માટે જોવા નથી મળતો. આ બતાવે છે કે આલે મોહમ્મદ (અ.મુ.સ.) સાથે નેકી કરવી વાજીબ છે.
રસુલુલ્લાહ (સ.અ.વ.)ના એહલેબૈત પાંચ પાસાઓથી આપ (સ.અ.વ.)ની સાથે છે:
- તશહહુદમાં આપ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.) ઉપર સલવાત મોકલવી.
- એહલેબૈત (અ.મુ.સ.)ને સલામ કરવી.
- દરેક પ્રકારની નજાસત અને ગંદકીથી પાકીઝગી.
- તેઓ ઉપર સદકાનું હરામ હોવું.
- તેઓ સાથે નેકી કરવી વાજીબ છે.
(તફસીરે કબીર, ભા. 7, પા. 391)
આ સ્પષ્ટપણે આલે મોહમ્મદ (અ.મુ.સ.)નું મહત્ત્વ બતાવે છે અને મુસલમાનો સામે અમુક મહત્વના મુદ્દાઓ લાવે છે:
ફખ્રે રાઝી દ્વારા બતાવેલ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની વ્યાખ્યા એહલેબૈત (અ.મુ.સ.) ઉપર ખરી ઉતરી છે જે રીતે કુરઆન અને સહીહ સુન્નતે બયાન કરે છે. બીજા શબ્દો આ બન્ને આલે મોહમ્મદ (અ.મુ.સ.) અને એહલેબૈત (અ.મુ.સ.) એકજ છે.
આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના બારામાં ફખ્રે રાઝીના નઝરીયાથી તે લોકોનો દ્રષ્ટિકોણ રદ થઈ જાય છે કે જેઓ પોતાની તફસીર મુજબ એહલેબૈત (અ.મુ.સ.)માં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓને શામીલ કરે છે.
કોઈપણ કુરઆની આયત અથવા સહીહ હદીસ નથી જે એવો દાવો કરે કે પત્નિઓ ગંદકી અને નજાસતથી પાક છે અને એ કે મુસલમાનોએ તેઓ ઉપર સલવાત મોકલવી જોઈએ તથા તેઓ ઉપર સદકો હરામ છે તથા તેઓ સાથે નેકી કરવી મુસલમાનો માટે વાજીબ છે.
મુસલમાનો ઉપર જે વાજીબ છે અને તે પણ ફકત મર્દો માટે, તે છે કે તેઓ ઉપર રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓ જાએઝ નથી અને તેથી તેઓ આપ (સ.અ.વ.)ની શહાદત બાદ તેમની સાથે શાદી કરી શકતા નથી. આ ઉપરાંત બીજી કોઈ જવાબદારી નથી. અગર રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓ દીનથી ગુમરાહ થઈ જાય, તો હક્ક સ્થાપિત કરવા મુસલમાનો તેમની સામે જંગ પણ કરી શકે છે જેમકે જંગે જમલમાં જોઈ શકાય છે.
આલે મોહમ્મદ (અ.મુ.સ.)નો હક્ક છે કે મુસલમાનો તેમની સાથે નેકી અને દયાથી વર્તે, ચાહે તે સહાબીઓ હોય, ખલીફાઓ હોય, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓ હોય અથવા બીજું કોઈપણ. એ દુર્ભાગ્ય છે કે ન ફકત આ મુળ અધિકાર કયારેય આપવામાં ન આવ્યો બલ્કે મુસલમાનોએ આલે મોહમ્મદ (અ.મુ.સ.) સાથે સૌથી વધારે સખ્તાઈથી વર્તન કર્યું, તેઓમાંના દરેકને તલવાર અથવા ઝહેર વડે શહીદ કર્યા અને આના પછી પણ તેઓ અલ્લાહની રહમત અને જન્નતમાં ઘરના ઉમ્મીદવાર છે.
Be the first to comment