અબુ મુસા ઈસા અલ બજલી અઝઝરીર (વફાત 220 હી.સ.)
અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વસી હોવા અંગેની કિતાબો ઘણા અગાઉના ઝમાનાથી લખવામાં આવી રહી છે. ‘કિતાબુલ વસીય્યહ’ અને ‘અલ વસીય્યહ’ જેવા નામોની કિતાબો ઈસ્લામી સંસ્કૃતિમાં અને ખાસ કરીને શીઆ સંસ્કૃતિમાં ઘણી વધારે જોવા મળે છે. આ તે વાતની દલીલ છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વસી હોવાના અકીદાનું મુળ તમામ શીઆ સમાજોમાં કેન્દ્રસ્થાને છે અને ઐતિહાસિક ચળવળો અને રાજનૈતીક ફેરફારોની તેના ઉપર કોઈ અસર થઈ ન હતી.
જે કિતાબની ઓળખાણ અમે ‘આફતાબે વિલાયત’ના આ અંકમાં કરાવી રહ્યા છીએ તે પણ આજ વિષય ઉપર લખાયેલી એક પ્રાચીન કિતાબ છે કે જેનું નામ ‘કિતાબુ-અલ-વસીય્યહ’ અને તેના લેખક જનાબ ઈસા બિન મુસ્તફાદ બજલી છે. (અરબીમાં અલ મુસ્તફાદ અલ બજલી) કે જેઓને સાતમાં ઈમામ હઝરત મુસા કાઝીમ (અ.સ.)ના ખાસ સહાબીઓમાં ગણવામાં આવે છે.
આ કિતાબની મૂળ પ્રત હાલ પ્રાપ્ય નથી. પરંતુ આ કિતાબમાંથી હદીસો આપણી મોઅતબર કિતાબોમાં નકલ કરવામાં આવી છે. જેમકે સેકતુલ ઈસ્લામ કુલૈની (ર.અ.)ની મહામુલ્ય કિતાબ ‘અલ કાફી’, સૈયદ શરીફ રઝીની લખાયેલી ‘ખસાએસે અમીરૂલ મોઅમેનીન’, સૈયદ ઈબ્ને તાઉસની ‘તરાએફ’, અલી બિન યુનુસ બયાઝી આમેલીની ‘અસ સેરાત અલ મુસ્તકીમ’ વિ.
હવે 12 સદીઓ પછી, એક વર્તમાન સમયના સંશોધક જનાબ શૈખ કૈસ અત્તારે ઉપરોકત સ્ત્રોતોમાંથી 36 હદીસો લીધેલ અને ઉમદા કિતાબ ‘કાફી’ સાથે તેની સરખામણી કરી અને સંશોધન કરનારાઓ માટે તેને રજુ કરી છે. જનાબે અત્તારે એક વિગતવાર પ્રસ્તાવના લખી છે કે જેમાં આપે આ કિતાબ અને તેના લેખક બાબતે રેજાલના આલીમોના મંતવ્યોને રજુ કર્યા છે અને તેનું પૃથ્થકરણ કર્યું છે.
આ પ્રસ્તાવના પછી તેમણે કિતાબુલ વસીય્યહમાં 36 હદીસો વર્ણવી છે. જેમકે અમે વર્ણવી ચુકયા છીએ કે માનનીય સંશોધકે આ હદીસોને પ્રાપ્ત કરવા માટે છ કિતાબો ઉપર ભરોસો કર્યો છે. તે કિતાબોના નામો આ મુજબ છે.
1) ‘મિસ્બાહુલ અન્વાર’ (જે હજુ સુધી છપાણી નથી, આથી તેની હાથે લખાયેલી ત્રણ પ્રતો કે જેનું લેખકે અવલોકન કર્યું હતું. તેની વિશિષ્ટતાઓ પ્રસ્તાવનામાં વર્ણવવામાં આવી છે.)
2) કિતાબે તર્ફ: જે વર્તમાનમાંજ આજ સંશોધકની મહેનતોથી લોકોની નજર સમક્ષ આવી છે અને તેની છ પ્રતોની ખાસિયતોનું વર્ણન કરવામાં આવ્યું છે.
3) બાકીની 4 કિતાબો કાફી, ખસાએસ, ઈસ્બાતુલ વસીય્યહ અને અસ સેરાત અલ મુસ્તકીમની છપાયેલી પ્રતો ઉપર ભરોસો કરવામાં આવ્યો છે.
અહીં તે વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે 12 મી સદીના ખુબજ પ્રખ્યાત મોહદ્દીસ મરહુમ સૈયદ હાશીમ બહેરાની એ પોતાની કિતાબ ‘અત્તોહફતુલ બહીય્યતો ફી ઈસ્બાતિલ વસીય્યહ’ માં કિતાબે તર્ફ માંથી 21 હદીસો વર્ણવી છે કે જેમાંથી 20 હદીસો ઈસા બિન મુસ્તફાદની કિતાબમાંથી વર્ણવવામાં આવી છે અને આ કિતાબ તરફ પણ તેઓ રજુ થયા છે. રસપ્રદ વાત એ છે કે આ કિતાબમાં દરેક અરબી લખાણ ઉપર એઅરાબ લગાવવામાં આવ્યા છે અને દરેક હદીસ હેઠળ અલગ-અલગ પ્રતોમાં જોવા મળતો તફાવત અને હદીસના સ્ત્રોતનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
આવો આપણે આ ખુબજ મહત્ત્વની અને બહુમુલ્ય કિતાબની અમુક હદીસો ઉપર ઉડતી નજર નાખીએ જેથી તેના વિષયોથી ફાયદો પ્રાપ્ત કરી શકાય.
1) ઈસા બિન મુસ્તફાદ એ ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ને અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને ઉમ્મુલ મોઅમેનીન મોહસીનાએ ઈસ્લામ હઝરત ખદીજા (સ.અ.)ના ઈસ્લામ લાવવાની પરિસ્થિતિ અને શરતો બાબતે સવાલ કર્યો. ઈમામ કાઝીમ (અ.સ.) એ તેનો જવાબ પોતાના માનનીય પિતાની રિવાયત વડે આપ્યો. આ પવિત્ર હદીસમાં તૌહીદ, નબુવ્વત અને મઆદ ઉપર 12 મુદ્દાઓ, એહકામ અને અખ્લાક બાબતે 16 મુદ્દાઓ, ઈમામત, તવલ્લા અને તબર્રા ઉપર 10 મુદ્દાઓ છે. ત્યાં સુધી કે તેમાં એ બાબતો પણ મૌજુદ છે કે જે હજુ સુધી બની નથી અને તે કે પવિત્ર પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ હઝરત ખદીજા (સ.અ.) પાસેથી અહદ અને વાયદો લીધો હતો કે તેઓ વિલાયતે અલી (અ.સ.)નો સ્વિકાર કરશે.
2) મદીનએ મુનવ્વરા હિજરત કર્યા પછી અને જંગે બદ્ર માટે નિકળતી વખતે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ મુસલમાનો પાસેથી બયઅત લીધી, તે સમયે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને એકાંતમાં અમુક વાતોનું વર્ણન કર્યું અને આપ (અ.સ.) પાસેથી તે વાયદો લીધો કે તે બાબતોને છુપી રાખશે. ત્યાર બાદ બીજી એક બેઠકમાં હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.), જનાબે ઝહરા (સ.અ.) અને જનાબે હમ્ઝા (અ.સ.)ને બોલાવ્યા અને તે બન્નેને વિનંતી કરી કે તેઓ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના હાથો ઉપર બયઅત કરે અને ત્યારે આ આયતે કરીમા નાઝીલ થઈ. ‘યદુલ્લાહે ફવ્ક અયદીહીમ.’
(સુરએ ફત્હ, 10)
3) પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તમામ લોકો પાસેથી એક એક કરીને એહલેબૈત (અ.મુ.સ.) માટે બયઅત લીધી અને તેજ દિવસથી ખાનદાને નૂરની વિરૂધ્ધ લોકોના દિલોમાંથી કીનો અને દુશ્મની જાહેર થવા લાગી.
4) હઝરત હમ્ઝા (અ.સ.)ની શહાદતની રાત્રીએ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ આપના માટે ઈસ્લામના એહકામ અને ઈમાનની શરતોનું વર્ણન કર્યું. જેમાં તૌહીદ, નુબુવ્વત અને મઆદ સંબંધે 9 મુદ્દાઓ હતા અને 10 મુદ્દાઓ ઈમામત અને વિલાયત સંબંધિત હતા. હઝરત હમ્ઝા (અ.સ.) એ પણ ઘણી વાર ઈમાન અને આ બાબતો સાચી હોવાનું એઅલાન કર્યું.
5) આ હદીસમાં રસુલે અકરમ (સ.અ.વ.) એ પોતાના ભરોસાપાત્ર અને આદીલ સહાબીઓ જનાબે સલમાન (અ.ર.), જનાબે અબુઝર (અ.ર.) અને જનાબે મિકદાદ (અ.ર.) માટે ઈસ્લામી શરીઅત અને ઈમાનની શરતોનું વર્ણન કર્યું જેમાં 8 મુદ્દાઓ તવહીદ, નબુવ્વત અને કુરઆને કરીમ તેમજ કઝા અને કદર સંબંધિત હતા. 18 મુદ્દાઓ ઈમામતના વિષય ઉપર હતા. 23 મુદ્દાઓ અખ્લાક અને એહકામ સંબંધિત હતા. 5 મુદ્દાઓ એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ની મોહબ્બત સંબંધિત હતા. 6 મુદ્દાઓ કુરઆને કરીમનો સંબંધ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સાથે સંબંધિત અને 7 મુદ્દાઓ મઆદના વિષય ઉપર આધારિત હતા.
આ હદીસની શરૂઆતમાં હઝરત મુરસલે આઅઝમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: ઈસ્લામની શરતો અને શરાએઅ અસંખ્ય છે. પછી આપ (સ.અ.વ.) એ ઉપરોકત 67 મુદ્દાઓને ખુબજ ટૂંકમાં પરંતુ સાર્વત્રિક રૂપે વર્ણવ્યા.
આ કિતાબ (કિતાબુલ વસીય્યહ) જેના પાના ઓછા છે પરંતુ અર્થસભર (વસ્તુ વિચારોથી ભરેલી) છે. તેમાં ઝબાને વહી થકી આપણા સુધી તે રિવાયતો પહોંચી છે કે જેમાં નબુવ્વતના શરૂઆતના દિવસો અને આપ (સ.અ.વ.)ની દુન્યવી ઝીંદગીના અંતિમ દિવસોની જાણકારી આપવામાં આવી છે કે જેને બની ઉમય્યા અને બની અબ્બાસના ઝાલીમો અને અત્યાચારી રાજાઓએ મીટાવી દેવાની બનતી કોશિશો કરી હતી.
આ ‘ઉસુલ’ તે 400 ઉસુલોમાંથી છે કે જેના વિષયોમાં સુવ્યવસ્થા અને સુસંગતતા જોવા મળે છે. ઉસુલે દીનમાં સૌથી મહત્ત્વનો ઉસુલ એટલે કે ઈમામત અને વિલાયતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઉપર અત્યંત ભાર મુકવામાં આવ્યો છે. તેથી અલગ અલગ પાસાઓના આધારે આ ઉસુલને 400 ઉસુલોમાં એક આગવું સ્થાન અને ભરોસો પ્રાપ્ત છે. આ બહુમુલ્ય ઉસુલ અને જેની કદર ન કરવામાં આવી તેવી રિવાયતો આપણા સુધી એક એવી વ્યક્તિ દ્વારા પહોંચી છે જેમનું માનનીય નામ ઈસા બિન મુસ્તફાદ હતું કે જેમના વિષે એક સ્થાન ઉપર ખુદ ઈમામે કાઝીમ (અ.સ.) ફરમાવે છે:
‘તમારી તમામ કોશિશોનો આધાર ઈલ્મ છે. ખુદાની કસમ! તમારો સવાલ ફકત અને ફકત ઉંડુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હોય છે.’
(પ્રથમ હદીસ)
એક બીજી જગ્યાએ ઈમામે કાઝીમ (અ.સ.) એ ફરમાવ્યું:
‘અય ઈસા! તમે તમામ બાબતોમાં ઉંડો અભ્યાસ કરો છો અને જ્યાં સુધી તેને પ્રાપ્ત કરી લેતા નથી ત્યાં સુધી ચૈન નથી લેતા.’
ઈસા એ અરજ કરી: મારા માઁ-બાપ આપના ઉપર કુરબાન થાય! હું ફકત તેજ બાબતો વિષે સવાલ કરૂં છું જે મારા દીનના માટે ફાયદાકારક હોય અને દીન સમજવા માટે સવાલ કરૂ છુ જેથી કરીને પોતાની જેહાલતના કારણે ગુમરાહ ન થઈ જાવ. પરંતુ તમારા સિવાય બીજુ કોણ છે કે જે મને આ બધી બાબતોથી માહિતગાર કરે?
(હદીસ 32)
અલબત્ત એ વાત ધ્યાનમાં રહે કે ઈસાએ આમાંથી ઘણી હદીસો પોતાના પિતા અલ મુસ્તફાદ પાસેથી સાંભળી છે કે જેઓ ઈમામ સાદિક (અ.સ.)ના વિદ્યાર્થીઓમાંથી હતા. શકય છે કે ઈસા (અ.ર.) એ ઈત્મીનાન કરવા માટે અથવા વધારે સમજણ માટે અથવા વધારે સ્પષ્ટતા માટે આ પવિત્ર રિવાયતોને પોતાના ઝમાના ઈમામ એટલે કે ઈમામે કાઝીમ (અ.સ.)ની ખિદમતમાં રજુ કરી હશે અને આપ (અ.સ.) પાસેથી તેનું સમર્થન ચાહ્યું હશે.
તેથી અલ્લામા બયાઝી આમેલી (અ.ર.) પોતાની કિતાબ ‘અસ સેરાત અલ મુસ્તકીમ’માં કિતાબ ‘અલ વસીય્યત’ની રિવાયતનો સાર રજુ કર્યા બાદ લખે છે કે:
سٲضع مھصلہا فی ہذا الباب لیھتدی بہ اولو الالباب و ﻷ تیمن بذکرہا و اتقرب الی اللہ تعالی بنشر ہافان فیہا شفاء لمافی الصدور یعتمد علیہا من یرید تھقیق تلک الامور
‘હું આ પ્રકરણમાં રિવાયતોનો સાર રજુ કરૂં છું જેથી અકલમંદ લોકો તેનાથી હિદાયત પ્રાપ્ત કરી શકે. હું આ હદીસોના વર્ણન થકી બરકત પ્રાપ્ત કરૂં. તેને ફેલાવવા થકી અલ્લાહ તઆલાની બારગાહમાં નઝદીકી પ્રાપ્ત કરૂં છું. કારણ કે આ હદીસોમાં દિલોમાં જે કંઈપણ દર્દ હોય તેની શિફા છે અને જે કોઈ તે બાબતોમાં સંશોધન ઈચ્છતો હોય તેને જોઈએ કે તેમના ઉપર ભરોસો કરે.’
(અસ સેરાત અલ મુસ્તકીમ, ભા. 2, પા. 40)
શૈખ બયાઝી કે જે 9 મી સદી હિજરીના અગ્રણી મુતકલ્લીમ હતા, તેમની આ ગવાહી સંશોધકો માટે પૂરતી છે કે જેથી તેઓ એ વાતને સમજી લે કે કેટલું અમુલ્ય મોતી અને કેવી મહાન દૌલત તેમના હાથોમાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા પ્રાચીન મોહદ્દીસોના અથાગ પ્રયત્નો થકી આ બહુમુલ્ય દૌલત આટલી સરળતાથી આપણા સુધી પહોંચી છે. અમે અલ્લાહ તઆલાની બારગાહમાં દોઆ કરીએ છીએ કે તેમની પવિત્ર રૂહો તેમના મૌલાના દસ્તરખાન ઉપર તેમના ઈલ્મોથી માલામાલ થાય.
નોટ: આ ટૂંકી પરંતુ મહત્ત્વની કિતાબ હજુ સુધી ફકત અરબી ભાષામાં પ્રાપ્ય છે. અમે આલીમો અને લેખકોને વિનંતી કરીએ છીએ કે તેનો તરજુમો ઉર્દુ ભાષામાં કરે. જેથી ઉર્દુ અને હિન્દી વાંચકો તેનાથી ફાયદો મેળવી શકે અને માલદાર લોકોથી વિનંતી કરીએ છીએ કે તે આ રસ્તામાં ખુલ્લા દિલથી ખર્ચ કરે જેથી કરીને આ કિતાબો અને આ રિવાયતો તેમના માટે આખેરતનું ભાથુ અને બાકેયાતુસ્સાલેહાત બની જાય.
પરવરદિગાર! અમારા ઝમાનાના ઈમામ (અ.ત.ફ.શ.)ના પુરનૂર ઝુહુરમાં જલ્દી કર. જેથી અમે તેમની પવિત્ર ઝબાનથી તે પવિત્ર રિવાયતોને સાંભળી શકીએ અને તેમના ઈલ્મ અને મઆરીફથી ફાયદો મેળવી શકીએ. આમીન યા રબ્બલ આલમીન.
Be the first to comment