શા માટે શીઆઓ જમીન ઉપર સજદો કરે છે?

વાંચવાનો સમય: 10 મિનિટ

અમૂક મુસલમાનો દ્વારા એહકામ (ફીકહ) બાબતે શંકાઓ ઉત્પન્ન કરવામાં આવે છે કે શા માટે શીઆઓ જમીન અથવા તુરબત ઉપર સજદો કરે છે. આ વિષય ઉપર ઘણા સવાલો છે જે અમોએ વર્ગીકૃત કરી દરેકનો અલગ જવાબ રજુ કર્યો છે:

નીચે મુજબ છે
1) તુરબત શું છે?
2) શા માટે શીઆઓ તુરબત ઉપર સજદો કરે છે?
3) શું તુરબત ઉપર સજદો કરવો બિદઅત છે કે સુન્નત?
4) શું બધા સુન્ની આલીમો આને વખોડે છે?
5) શું કપડાના એક ટુકડા ઉપર નમાઝ પડવી અનિચ્છનીય કાર્ય છે?
6) શા માટે શીઆઓ કરબલાની જમીનને અગ્રીમતા આપે છે?
1) તુરબત શું છે?

તુરબત જમીનનો એક એવો ટુકડો છે જે ઈન્સાનની કપાળ સજદામાં રાખવા માટે પુરતો હોય.
2) શા માટે શીઆઓ તુરબત ઉપર સજદો કરે છે?

શીઆઓ માને છે કે સજદોનું શ્રેષ્ઠ સ્વરુપ પોતાનું માથુ જમીન ઉપર રાખવુ છે, કારણ કે અલ્લાહને યાદ કરતા આ એક સૌથી નીચી જગ્યા છે જ્યાં ઈન્સાન પોતાને રાખી શકે છે. સજદો પોતે જ અલ્લાહ સમક્ષ વિનમ્રતાનું પ્રતિક છે અને તે જમીન ઉપર કરવામાં આવે છે, જમીન ઉપર સજદો તે કાપેર્ટ ઉપર સજદો કરવા કરતા વધારે યોગ્ય અને મહત્વ ધરાવે છે. દા.ત.

તેથી તમે તમારા પરવરદિગારના વખાણ કરો અને સજદો કરનારાઓ માંહેના બની જાવ.

 • (સુરએ હિજ્ર (15), આયત 98)

ઈસ્લામી એહકામ મુજબ સજદો ચોખ્ખી જમીન ઉપર કરવો જોઈએ અને તેના ઉપર જેની ઉપર કોઈ વસ્તુ ઉગે પરંતુ તે ખવાતી અથવા પહેરાતી ન હોય. જેમાં માટી, પથ્થર, રેતી અને ઘાસનો સમાવેશ થાય છે એ શર્તે કે તે ખનીજ ન હોય. કાગળ ઉપર સજદો જાએઝ છે કારણ કે તે એવા પદાર્થથી બનેલુ છે જે જમીન ઉપર ઉગે છે પરંતુ કપડા અથવા કાર્પેટ ઉપર જાએઝ નથી. આ કાર્ય પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નતથી સાબીત છે અને વિવિધ રિવાયતો સ્પષ્ટ કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) જમીન ઉપર સજદો કરતા હતા. ઈન્સાન દ્વારા બનાવેલા કપડા કરતા અલ્લાહની જમીન ઉપર સજદો કરવો વિનમ્રતા બતાવે છે, જેના બારામાં ઘણી હદીસો મૌજુદ છે. હદીસમાં જે શબ્દનો ઉપયોગ થયો છે તે છે ‘ખુમરાહ’ છે જેનું ભાષાંતર સુન્ની આલીમો મુજબ ‘સજદગાહ’ સજદો કરવાની જગ્યા તરીકે કરવામાં આવે છે.

3) શું તુરબત ઉપર સજદો બિદઅત છે કે સુન્નત?

જમીન ઉપર ઈબાદત કરવી તે રસુલુલ્લાહ (સ.અ.વ.) અને સહાબીઓની સુન્નતથી સાબીત છે. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ જમીન ઉપર સજદો કરવાના કારણો શ્રેષ્ઠ રીતે સમજાવ્યા છે. કન્ઝુલ ઉમ્માલમાં એક હદીસ મળે છે કે જે હુકમ કરે છે કે સજદો કરતી વખતે કપાળને જમીન ઉપર ઘસો અને તેની પાછળ નીચે મુજબનું કારણ છે:

“તમારી જાતને જમીન સાથે ઘસો કારણ કે તેમાં તમારા માટે એવી રીતે રહમત છે જેવી રીતે એક પ્રેમાળ માં ને પોતાની ઔલાદ સાથે હોય છે. બેશક તમને તેમાંથી પૈદા કરવામાં આવ્યા છે, તે તમારી આજીવીકા (ખોરાક) છે અને તેમાં મૌત બાદ તમને દફનાવવામાં આવશે.

 • (કન્ઝુલ ઉમ્માલ, ભા. 7, હદીસ 19778)

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ જમીન ઉપર સજદો વાજીબ કર્યો:

ઘણી બધી હદીસો છે જે સ્પષ્ટ કરી છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) જમીન ઉપર સજદો કરતા અને પોતાના સહાબીઓને પણ આનો હુકમ આપતા.

આપણે સુનને અબી દાઉદ, ઉર્દુ પ્રકાશન, પાના નં. 381, 376 ઉપર વાંચીએ છીએ:

“રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જમીન ઉપર સજદા કરવાથી પોતાની કપાળ અને નાક ઉપર સજદાના નિશાન હતા.”

તેવી જ રીતે જ્યારે ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને જમીન ઉપર સજદા કરવા પાછળની હિકમતના બારામાં સવાલ કરવામાં આવ્યો ત્યારે આપ (અ.સ.)એ ફરમાવ્યું:

“કારણ કે સજદો તે અલ્લાહ સમક્ષ સમર્પિત અને વિનમ્રતા છે તેથી તે(સજદો) તેના ઉપર ન હોવું જોવે જે ખાવામાં અને પહેરવામાં આવે છે કારણ કે લોકો જે ખાઈ અને પહેરે છે તેના ગુલામ હોય છે અને સજદો અલ્લાહની બંદગી છે, તેથી કોઈએ પોતાની કપાળ સજદામાં એવી જગ્યાએ ન રાખવી જોઈએ જેની લોકો ઈબાદત કરે છે (ખાવું અને પહેરવું) અને ઘમંડ તરફ દોરી જાય છે.”

 • (વસાએલુશ્શીઆ, ભા. 3, પા. 591)

પવિત્ર પયગ્મબર (સ.અ.વ.)થી સૌથી વધુ નઝદીક એહલેબૈત (અ.મુ.સ.) જમીન ઉપર સજદો કરવાની આદતમાં મક્કમ હતા, આમ કરવામાં તેઓ પોતાના જદ્દ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસને અનુસરનારા હતા.

ઈમામ જઅફર સાદિક (અ.સ.)એ ફરમાવ્યું:

“સજદો જમીન સિવાય જાએઝ નથી તથા જે કાંઈ તેમાંથી ઉગે છે તેના ઉપર જાએઝ છે સિવાય કે ખાવાની વસ્તુ અથવા કપાસ.

જ્યારે ઈમામ સાદિક (અ.સ.)ને સવાલ કરવામાં આવ્યો કે શું કપાળના બદલે પોતાની પાઘડી (અમામો) જમીનને સ્પર્શે તો ચાલે? આપ (અ.સ.)એ જવાબ આપ્યો: આ પૂરતુ નથી જ્યાં સુધી કપાળ જમીનને ન અડે.”

 • (વસાએલુશ્શીઆ, ભા. 3, પા. 592)

આ બધી નીચે દર્શાવેલી હદીસો કન્ઝુલ ઉમ્માલ, ભાગ 7 માંથી એહકામના મસઅલાઓ / સજદાની હદીસોમાંથી લેવામાં આવેલ છે:

“ઉમ્મે અત્તીયાથી નકલ છે કે તે શખ્સની નમાઝો કબુલ નથી જે પોતાનું નાક જમીન ઉપર ન રાખે.”

 • (કન્ઝુલ ઉમ્માલ, ભા. 7, હદીસ 19804)

આપણે એ પણ વર્ણવીએ કે મુત્તકી હિન્દી એ કન્ઝુલ ઉમ્માલમાં આ હદીસ નકલ કરવા ઉપર કોઈ વાંધો નથી ઉઠાવ્યો.

આમ પણ મળે છે:

“ઈબ્ને અત્તીયા કહે છે: ‘બેશક અલ્લાહ તેની નમાઝોને કબુલ નથી કરતો જે પોતાના નાકને જમીન ઉપર ન રાખે.”

 • (કન્ઝુલ ઉમ્માલ, ભા. 7, હદીસ 19775)

બીજી હદીસ (નં. 19775) ઈબ્ને અત્તીયાથી છે અને પહેલી હદીસ (નં. 19804) ઉમ્મે અત્તીયાથી છે. બન્ને હદીસો નાકને જમીન ઉપર રાખવાના મહત્ત્વ તરફ ઈશારો કરે છે જેમાં પહેલી હદીસમાં જમીન ઉપર નાકના મસાહ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. વધુ અગત્યનું આ બન્ને હદીસોમાં કોઈ વાંધો નથી નહિંતર મુત્તકી હિન્દી એ વાંધો દર્શાવ્યો હોત જેવી રીતે તે કન્ઝુલ ઉમ્માલની બીજી હદીસોના પૃથ્થકરણમાં વાંધો ઉઠાવે છે.

સ્પષ્ટપણે મોટી સંખ્યામાં સુન્ની સંદર્ભોથી તવાતુરની સાથે હદીસો નકલ થઈ છે જે શીઆઓની જમીન ઉપર સજદો અને ચહેરાના મસાહ કરવાને સાબીત કરે છે.

બીજી એક હદીસમાં ફરી જમીન / માટી ઉપર સજદો કરવાના બારામાં દયલમી માનનીય સહાબી અબ્દુલ્લાહ બીન મસ્ઉદથી નકલ કરે છે:

બેશક અલ્લાહ એવા શખ્સની નમાઝ ઉપર નઝર નથી કરતો જે પોતાની હથેળીઓને જમીન / માટી ઉપર ન રાખે.

આ વિષય ઉપર બીજી ઘણી બધી હદીસો છે:

“અલ્લાહ સામે જમીન / માટી ઉપર સજદો કરો.”

 • (કન્ઝુલ ઉમ્માલ, ભા. 7, હદીસ 19809)

અને આના જેવી જ મુરસલ હદીસ અબ્દુલ રઝઝાકે ખાલીદથી નકલ કરી છે:

“અય સુહૈબ! અલ્લાહ સામે તમારા ચહેરાનો જમીન ઉપર સજદો કરો.”

 • (કન્ઝુલ ઉમ્માલ, ભા. 7, હદીસ 19810)

કન્ઝુલ ઉમ્માલમાં કોઈ પણ હદીસોને હદીસના લખાણની ભરોસાપાત્રતા અથવા રાવીઓની સાકળના બારામાં વખોડવામાં નથી આવી.

4) શું પ્રણાલીને બધા સુન્ની આલીમો વખોડે છે?

શીઆઓને અલગ કરવા અને તેઓના કાર્યોને બિદઅત ઠેરવવા માટે મુસલમાનોનો એક સમુહ એવો ખોટો પ્રચાર કરે છે કે જમીન ઉપર સજદાને સુન્ની આલીમો દ્વારા વખોડવામાં આવે છે.

આ બાબતે આપણે માનનીય સહાબી અબ્દુલ્લાહ બીન અબ્બાસનો હુકમ વાંચીએ:

“જે કોઈ પોતાનું નાક કપાળની સાથે સજદામાં જમીન / માટી ઉપર ન નાખે તેની નમાઝો બાતીલ છે.”

આ હદીસ નીચેની કિતાબોમાંથી લેવામાં આવી છે:

1) કન્ઝુલ ઉમ્માલ, ભા. 7, પા. 464, હદીસ 19802

2) હાફીઝ તબ્રાનીની અલ મોઅજમુલ અવસાત, ભાગ-3, પા. 139, હદીસ નં. 4111

મુત્તકી એ પોતાની કન્ઝુલ ઉમ્માલમાં ઉપરોકત રિવાયત તબ્રાનીમાંથી નકલ કરી છે. આ હદીસ પછી તરત જ લેખક નોંધ કરે છે: અમુક રાવીઓના બારામાં તેઓના તશય્યો પ્રત્યે લગાવના કારણે તફાવતો છે.

આના જવાબમાં આપણે એ મુદ્દા તરફ ઈશારો કરીએ કે આ મંતવ્ય હૈસમીનું છે કે જે તેની કિતાબ મજમઉઝ ઝવાએદમાં વર્ણન થયું છે. એ રસપ્રદ છે કે શીઆઓના ખોટા નામ લઈ તે કહે છે: અને તેના રાવીઓ (રેજાલ) સૌથી વધારે ભરોસાપાત્ર છે.

ત્યાર બાદ પણ હૈસમી એમ જાહેર નથી કરતા કે અમુક રાવીઓના શીઆ પ્રત્યે લગાવના કારણે સુન્ની આલીમો રાવીઓની સાકળને નબળી જાણે છે બલ્કે તે કહે છે કે આલીમોમાં ‘અભીપ્રાયમાં મતભેદ’ છે અને ‘ફકત અમૂક નો જ દાવો છે’ કે રાવીઓ શીઆઓ છે. આ આધારે રિવાયતનો ઈન્કાર ન કરી શકાય અને ન તો આ મંતવ્યને સુન્નીના ઈજમા તરીકે લઈ શકાય.

અંતે જ્યારે સુન્ની આલીમો દરમ્યાન નમાઝની અન્ય બાબતોમાં મોટા મોટા તફાવતો નોંધવામાં આવેલ છે જેમકે હાથને નાભી ઉપર રાખવો / નીચે રાખવો, બાજુમાં, જમણી તરફ કે ડાબી, વિગેરે. ઈતિહાસમાં આ મુદ્દાઓ ઉપર સમુહો દરમ્યાન એકબીજા ઉપર ઘણા બધા ફતવાઓ જારી કરવામાં આવ્યા છે. તેથી ફકત તુરબત ઉપર સજદો કરવામાં જ મતભેદ નથી.

એ મુદ્દો પણ નોંધવા જોઈએ કે ઉપરોકત મંતવ્ય બાબતે પણ મુત્તકી હિન્દી દ્વારા સમર્થન અથવા ટેકો આપવામાં આવ્યો નથી (દા.ત. અમુક રાવીઓ શીઆ હોવાનો આરોપ). અલબત્ત તેમણે પોતાની સ્થિતિ મજબુત કરવા માટે હયસમીના હુકમને પસંદ કર્યો કે આ હદીસ એવા રાવીઓની સાકળથી છે જેઓ ભરોસાપાત્ર છે.

રસુલુલ્લાહ (સ.અ.વ.) ખુમરાહ ઉપર નમાઝ પડતા:

ખુમરાહનો અર્થ

હદીસો કે જે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સજદા કરવાની જગ્યાનું વર્ણન કરે છે તેમાં સામાન્ય રીતે આ મુજબ છે:

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ખુમરાહ ઉપર સજદો કરતા હતા.

સુન્ની આલીમોએ શબ્દ ખુમરાહને આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે:

ડો. મોહસીન ખાન પોતાની સહીહ બુખારી, ભા. 1, કિતાબ 8, નં. 376 ના અંગ્રેજી ભાષાંતરમાં ખુમરાહની વ્યાખ્યા આ રીતે કરે છે: એક એવી નાની ચટાઈ કે જેમાં નમાઝમાં સજદા માટે માથુ અને હાથો રાખી શકાય.

ઈબ્ને અસીરે પોતાની જામેઉલ ઉસુલમાં લખે છે:

ખુમરાહ એવું છે કે જેના ઉપર આપણા ઝમાનાના શીઆઓ પોતાના સજદાઓ કરે છે.

 • ઈબ્ને અસીર જામેઉલ ઉસુલ (કેરો, 1969) ભા. 5, પા. 467

અલ્લામા વહીદ અલ ઝમાન આ હદીસની શર્હ કરતા પોતાની સહીહ બુખારીની તફસીરમાં કહે છે:

બધા જ ફકીહો એકમતે કબુલ કરે છે કે સજદગાહ ઉપર સજદો કરવો જાએઝ છે પરંતુ ઉમર બીન અબ્દુલ અઝીઝ કહે છે કે તે માટી ઉપર સજદો કરતો હતો જે તેના માટે લાવવામાં આવતી અને ઈબ્ને અબી શૈબા ઉરવાહથી નકલ કરે છે કે તે સજદગાહ સિવાય અન્ય કોઈ ચીઝ ઉપર સજદો કરવાને પસંદ કરતો ન હતો.

 • તયસીર અલ બારી શર્હે સહીહ બુખારી, ભા. 1, પા. 275, તાજ કંપની લી. દ્વારા પ્રકાશીત

ઈમામ બુખારી અને ઈમામ અબુ દાઉદ બન્ને માટી ઉપર સજદો કરવાના બારામાં સંપૂર્ણ પ્રકરણો લઈ આવ્યા છે.

1) તયસીર અલ બારી શર્હે સહીહ બુખારી, ભા. 1, પા. 275

2) સુનને અબી દાઉદ, ભા. 1, પા. 291, મૌલાના વહીદ અલ ઝમાન દ્વારા ભાષાંતર કરેલ
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)નું માટી ઉપર સજદો કરવો એટલી હદે માન્ય છે કે મોટાભાગના રાવીઓએ પોતાની કિતાબોમાં તેની નોંધ કરી છે.

ઈમામ શૌખાની, એક પ્રખ્યાત સુન્ની આલીમ મુજબ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દસ કરતા વધારે સહાબીઓએ એવી હદીસો નોંધી છે જેમાં આપ (સ.અ.વ.)એ ખુમરાહ ઉપર સજદો કર્યો હોય અને તેઓએ આવી બધી જ સુન્ની હદીસોના સ્ત્રોતોની નોંધ કરી જેમાં સહીહ મુસ્લીમ, સહીહ તીરમીઝી, સોનને અબી દાઉદ, સોનને નિસાઈ અને અન્ય શામીલ છે.

 • નાઈલુલ અવતાર, ખુમરાહ ઉપર સજદો કરવાનું પ્રકરણ, ભા. 2, પા. 128

સહીહ તીરમીઝીમાં અબ્બાસ નકલ કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સજદગાહ ઉપર સજદો કરતા હતા.

 • સહીહ તીરમીઝી, ભા. 1, પા. 156, બાદીઉઝ ઝમાન દ્વારા ભાષાંતર કરેલ.

આ હદીસોના આધારે ઈમામ માલિકે કહ્યું:

જમીન સિવાય અન્ય ચીઝો, જડીબુટ્ટી અથવા છોડ ઉપર સજદો કરવો અનિચ્છનીય છે.

 • ઈમામ ઈબ્ને હઝમ અનદલુસી, ઉર્દુ ભાષાંતર

5) શું એક કાપડના ટુકડા ઉપર નમાઝ પડવી અનિચ્છનીય કાર્ય છે?

રસુલ (સ.અ.વ.)એ પોતાના સહાબીઓને કપડા ઉપર સજદો ન કરવાનો અને અમામો (પાઘડી) કાઢી નાખવાનો હુકમ આપ્યો હતો કે જેથી કપાળ જમીન ઉપર સ્પર્શે.

ઘણી બધી હદીસો છે જે બતાવે છે કે રસુલ (સ.અ.વ.) કપડા ઉપર સજદો કરવાની મનાઈ કરી છે (અથવા પાઘડી સાથે) અને ન તો પોતે કયારેય આમ કર્યું છે.

આપણે હદીસોની કિતાબોમાં વાંચીએ છીએ:

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) સજદો કરતા તો આપ પોતાનો અમોમો (પાઘડી) કપાળ ઉપર હટાવી લેતા.

1) ઈબ્ને સાદની અલ તબકાતુલ કુબરા, ભા. 1, પા. 352

2) કન્ઝુલ ઉમ્માલ, ભા. 7, પા. 49, નં. 17896

આની સાથે જ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ એક સહાબીને સજદામાં અમોમો કાઢી નાખવા જણાવ્યું.

أَنَّ رَسُولَ اللهِ رَأَى رَجُلاً يَسْجُدُ بِجَنْبِهِ ، وَقَدْ أَعْتَمَ عَلَى جَبْهَتِهِ ، فَحَسَرَ رَسُولُ اللهِ عَنْ جَبْهَتِهِ.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ એક શખ્સને પોતાની બાજુમાં સજદો કરતા જોયો અને તેનું કપાળ ઢંકાએલુ હતું, તેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેની કપાળ ઉપરના કપડાને હટાવી નાખ્યું.

1) બૈહકીની સુનનુલ કુબરા, ભા. 2, પા. 151, નં. 2659

2) ઈબ્ને અસીરની અસદુલ ગાબાહ, ભા. 3, પા. 9

સઈદ બીન મુસય્યબ કહે છે કે કપડા ઉપર સજદો કરવો બિદઅત હતી

સઈદ બીન મુસય્યબ ખુબ જ માનનીય તાબેઈનમાંથી હતા અને એક ઉચ્ચ ફકીહ હતા જેઓ કાપડ અથવા કાર્પેટ ઉપર સજદો કરવાના બારામાં પોતાનો મંતવ્ય નીચે મુજબ રજુ કરે છે. ઈબ્ને સાદ કતાદાહથી નકલ કરે છે:

أخبرنا قتادة قال سألت سعيد بن المسيب عن الصلاة على الطنفسة فقال محدث

મેં સઈદ બીન મુસય્યબને કાર્પેટ ઉપર સજદો કરવાના બારામાં પુછયું. તેણે કહ્યુંઆ કંઈક નવી વસ્તુ છેદા.ત. બિદઅત.

 • ઈબ્ને સાદની તબ્કાતુલ કુબરા, ભા. 5 (ઓનલાઈન આવૃતિ), ભા. 3, વિભાગ 5, પા. 160 (ઉર્દુ આવૃતિ)

અબ્દુલ્લાહ બીન મસ્ઉદ જમીન સિવાય અન્ય કોઈ વસ્તુ ઉપર સજદો કરતા ન હતા:

મહાન સહાબી અબ્દુલ્લાહ બીન મસ્ઉદની આદત હતી કે તેઓ જમીન સિવાય અન્ય કોઈ ચીઝ ઉપર સજદો કરતા ન હતા. હૈસમી એ તેમની કિતાબ મજમઉલ ઝવાએદ, ભા. 2, પા. 57 ઉપર નકલ કરેલ બીજા એક સહાબી અબુ ઉબૈદાહની જુબાની વાંચીએ:

અબુ ઉબૈદાહ વર્ણવે છે કે સહાબી ઈબ્ને મસ્ઉદે કયારેય જમીન સિવાયની કોઈ ચીઝ ઉપર નમાઝ અથવા સજદો કર્યો નથી.

 • મજમઉલ ઝવાએદ, ભા. 2, હદીસ 2272

ઈબ્ને તૈમીયાનો હુકમ છે કે જાજમ ઉપર નમાઝ બિદઅત છે અને લોકોએ જમીન ઉપર નમાઝ પડવી જોઈએ.

ઈબ્ને તૈમીયાએ મજમઉલ ફતાવામાં નીચે મુજબ હુકમ આપ્યો છે:

‘…તેમને મસ્જીદમાં જાજમ અથવા ગાલીચા ઉપર નમાઝ પડવાના બારામાં પુછવામાં આવ્યું? કે શું તે બિદઅતવાળું કાર્ય છે?’

તેણે હકારાત્મકમાં જવાબ આપ્યો:

દુનિયાઓના પાલનહાર માટે વખાણ, જ્યાં સુધી જાજમ ઉપર નમાઝની વાત છે કે જેના ઉપર નમાઝી નમાઝ પડે છે, તે ન તો સલફ, મોહાજેરીન અથવા અન્સારની સુન્નતમાંથી છે અને ન તો પોતાના પછી તાબેઈનની સુન્નતમાંથી છે. પરંતુ આ બધી વ્યક્તિઓએ મસ્જીદમાં જમીન ઉપર નમાઝ અદા કરી છે. તેઓમાંથી એક એ પણ નમાઝ પડવા માટે મુસલ્લો અથવા ગાલીચાનો ઉપયોગ નથી કર્યો. અને અબ્દુલ રહમાન બીન મહદીથી નકલ છે કે:

જ્યારે પહેલી વખત જાજમ / મુસલ્લા મદીનામાં આવ્યા તો ઈમામ માલીકે તેને જપ્ત કરવાનો હુકમ આપ્યો (અથવા લોકોને તેનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી) અને પછી રાવી (અબ્દુલ રહમાન બીન મહદી)ને કહેવામાં આવ્યું કે જાણી લ્યો અમારી મસ્જીદમાં જાજમ / મુસલ્લો તે બિદઅત છે.

અને આ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના એઅતેકાફની હદીસમાં અબુ સઈદ ખુદરીથી પોતાની સહીહમાં નકલ છે.

 • ઈબ્ને તૈમીયાની મજમઉલ ફતાવા, ભા. 22, પા. 163

6) શા માટે શીઆઓ કરબલાની માટે અગ્રીમતા આપે છે?

કરબલા (ઈરાક)ના માટીની ખાસ લાક્ષણીકતા જાણીતી હતી અને આ બાબત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીમાં અને આપની બાદ પણ જાણીતી હતી:

ઉમ્મે સલમા કહે છે: મેં ઈમામ હુસૈન (અ.સ.)ને પોતાના નાનાની ગોદમાં બેઠેલા જોયા. રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હાથમાં લાલ માટી હતી. રસુલુલ્લાહ (સ.અ.વ.) તે માટેને બોસો આપતા અને રડતા જતા હતા. મેં આપ (સ.અ.વ.)ને આ માટીના બારામાં પુછયું. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: જનાબે જીબ્રઈલ એ મને જાણ કરી છે કે મારો આ ફરઝંદ હુસૈન (અ.સ.) ઈરાકમાં શહીદ કરી દેવામાં આવશે. તેઓ તે (શહાદતની) જમીનમાંથી મારા માટે માટી લાવ્યા છે. હું મારા હુસૈન (અ.સ.) ઉપરની મુસીબતો ઉપર ગીર્યા કરી રહ્યો છું.

પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તે માટી ઉમ્મે સલમાને આપી અને તેણીને ફરમાવ્યું: જ્યારે તમે આ માટીને ખૂન બની જતા જુઓ ત્યારે તમને જાણ થશે કે મારા હુસૈન (અ.સ.)ને કત્લ કરી દેવામાં આવ્યો છે.

ઉમ્મે સલમાએ તે માટી એક શીશીમાં સાચવીને રાખી અને તેને જોતા રહ્યા ત્યાં સુધી કે આશુરા, 10 મી મોહર્રમ, હી.સ. 61 આવી જ્યારે તે માટી ખૂનમાં બદલાઈ ગઈ. ત્યારે તેણીને જાણ થઈ કે ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા છે.

1) હાકીમની અલ મુસ્તદરક, ભા. 4, પા. 398

2) ઝહબીની સિયારુલ આલમ અલ નુબાલા, ભા. 3. પા. 194

3) ઈબ્ને કસીસની અલ બિદાયા વલ નેહાયા, ભા. 6, પા. 230

4) સુયુતિની ખસાએસુલ કુબરા, ભા. 2, પા. 450 અને જામેઉલ જવામી, ભા, 1, પા. 26

5) ઈબ્ને હજર અસ્કલાનીની તેહઝીબુત્ત્ોહઝીબ, ભા. 2, પા. 346

અમીરુલ મોઅમેનીન (અ.સ.) જંગે સીફફીનમાં કરબલાથી પસાર થયા. આપે એક મુઠી માટી લીધી અને આશ્ર્ચર્ય કર્યું: આ જગ્યાએ અમૂક લોકોને શહીદ કરવામાં આવશે અને તેઓ હિસાબ વગર જન્નતમાં જશે.

 • ઈબ્ને હજર અસ્કલાનીની તેહઝીબુત્તેહઝીબ, ભા. 2, પા. 348

શું કરબલાની માટી ઉપર સજદો કરવો વાજીબ છે?

કરબલાની જમીન ઉપર સજદો કરવો વાજીબ નથી પરંતુ તેની ખુબ જ તાકીદ કરવામાં આવી છે. શીઆઓ કરબલાની માટીને અગ્રીમતા આપે છે કારણ કે રસુલુલ્લાહ (સ.અ.વ.) અને અઈમ્મા અત્હાર (અ.મુ.સ.)એ તેનું મહત્વ બતાવેલ છે. ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી આપના ફરઝંદ ઈમામ ઝૈનુલ આબેદીન (અ.સ.)એ થોડી માટી લીધી અને તે માટીને પાક જાહેર કરી અને એક નાની થેલીમાં તે રાખી. અઈમ્મા (અ.મુ.સ.) તેના ઉપર સજદો કરતા અને તે માટીમાંથી બનેલા દાણા વડે અલ્લાહના વખાણ (તસ્બીહ) કરતા અને અલ્લાહની પ્રશંસા કરતા.

 • (ઈબ્ને શહરે આશુબની અલ મનાકીબ, ભા. 2, પા. 251)

તેઓ શીઆઓને પણ તે માટી ઉપર સજદો કરવા માટે પ્રોત્સાહન આપતા, એ સમજણ સાથે કે તે વાજીબ નથી પરંતુ વધુ સવાબના હક્કદાર બનવા માટે. અઈમ્મા (અ.મુ.સ.)એ વાત ઉપર ભાર આપતા કે અલ્લાહની સામે સજદો એક સાફ માટી ઉપર જ થવો જોઈએ અને વધુ સારુ છે કે તે કરબલાની માટી ઉપર બજાવવી લાવવામાં આવે.

 • (શૈખ તુસી (અ.ર.)ની મિસ્બાહુલ મુતહજ્જીદ, પા. 511)
 • (મન લા યહઝોરોહુલ ફકીહ, ભા. 1, પા. 174)

જ્યારે માટી ઉપર સજદો કરવો વધુ હિતાવહ છે તેથી શીઆઓ માને છે કે તે પવિત્ર જમીન ઉપર સજદો કરવો ખુબ જ તાકીદ ભર્યો છે જ્યાં ઈમામ હુસૈનની શહાદત થઈ છે. તેવી જ રીતે જેવી રીતે ઈન્સાન નમાઝમાં પોતાનો શ્રેષ્ઠ લિબાસ પહેરવાનો અને ખુશ્બુ લગાવવાની તાકીદ કરવામાં આવી છે. કરબલા સિવાયની માટી ઉપર નમાઝો કબુલ છે પરંતુ કરબલાની માટી સાથે ઈલાહી બારગાહમાં કબુલીય્યતની શકયતા વધારે છે.

એ દયનીય છે કે અમૂક લોકો દ્વેષભાવથી એવો દાવો કરે છે કે શીઆઓ પથ્થરોની ઈબાદત કરે છે અથવા તેઓ ઈમામ હુસૈનની ઈબાદત કરે છે. હકીકત એ છે કે શીઆઓ બીજા મુસલમાનોની જેમ ફકત અલ્લાહની ઈબાદત કરે છે અને તેઓના સજદાઓ માટી ઉપર હોય છે, એ માટી ઉપર નહિ જે આપણે બનાવી પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નત મુજબ છે. એ દાવો કરવો કે શીઆઓ ઈમામ હુસૈન (અ.સ.)ની ઈબાદત કરે છે અને તેમની માટી ઉપર સજદો કરે છે તે બિન-મુસ્લીમોના એવા આક્ષેપ જેવો છે કે મુસલમાનો નમાઝ, હજ્જ અને ઉમરાહમાં ખાને કાબાની ઈબાદત કરે છે. જે જવાબ મુસલમાનો બિન-મુસ્લીમોને ખાને કાબાના બારામાં આપે છે તે જ જવાબ અમો માટી માટે આપીએ છીએ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*