મુસલમાન આલીમોની નઝરમાં ઈમામ જઅફર સાદિક (અ.સ.)

વાંચવાનો સમય: 6 મિનિટ

સામાન્ય મુસલમાનો એહલેબૈત (અ.મુ.સ.)ના અઈમ્માહ (અ.મુ.સ.)ને માન આપે છે. પરંતુ તેઓ કહે છે કે ઈમામો (અ.મુ.સ.)એ કયારેય ઉમ્મતની સરદારી / ઈમામતનો દાવો નથી કર્યો. તેમજ  તેઓ કહે છે કે આવા દાવાઓ ખુદ શીઆઓએ પોતે ઘડી કાઢયા છે. પછી અમૂક વિરોધીઓ એવા છે જેઓ ઈમામો (અ.મુ.સ.)ની ફઝીલતનો ઈન્કાર કરી, તેમની મન્ઝેલતને ઓછી ગણાવે છે અને તે ફઝીલતોને બીજાઓ સાથે જોડી દે છે.

જવાબ:

આપણે જોઈશુ જ્યારે મઅસુમ ઈમામો (અ.મુ.સ.)ની મન્ઝેલત, તેમની બીજાઓ ઉપર ફઝીલત તથા તેમનો મુસલમાનો ઉપર સરદારીના હક્કની વાત આવે ત્યારે આરોપ લગાવનાર કેવા ખોટા છે.

એહલે તસન્નુનના સરદારો અને આલીમો દ્વારા રજુ કરાએલ અસંખ્ય સંદર્ભો પૈકી નીચે ફકત અમુક સંદર્ભો રજુ કર્યા છે:

આપની ઈમામત:

1) શમ્સુદ્દીન ઝહબી કહે છે: જઅફર સાદિક (અ.સ.) ઈલ્મના ઈમામોમાંથી છે અને ખુબજ ઉંચો દરજ્જો ધરાવે છે. આપ અબુ જઅફર અલ મન્સુર દવાનીકી કરતા ખિલાફતના વધુ હક્કદાર હતા.

-સેયર આલમ અલ નોબાલા, ભા. 13, પા. 120

તેમણે આમ પણ કહ્યું: જઅફર (અ.સ.)ની ફઝીલતો ખુબજ વધારે છે અને તેઓ તેમની બુઝુર્ગી, ઈલ્મ અને ઉદારતાના કારણે ખિલાફત માટે યોગ્ય હતા.

– તારીખુલ ઈસ્લામ, હવાદીસ વફીય્યાહ, સમયગાળો: 141-160 હી.સ., પા. 93

2) અબુ ઝકરીય્યાહ મુહ્યુદ્દીન શરફ નવાવી (વફાત 686 હી.સ.) લખે છે: તેઓ (મુસલમાનો) તેમની ઈમામત, ફઝીલત અને સરદારીના બારામાં એકમત છે.

ઉમર ઈબ્ને અબી અલ-મીકદામ કહે છે: જ્યારે પણ હું જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.)ને જોતો, તો મને યકીન થતું કે તેઓ અંબીયા (અ.મુ.સ.)ની નસ્લમાંથી છે.

– તેહઝીબુલ અસ્મા વલ લુગાત, ભા. 1, પા. 155

3) સલાહુદ્દીન સફદી (વફાત હી.સ. 764) નોંધે છે: જઅફર ઈબ્ને મોહમ્મદ ઈબ્ને અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), તેઓ સાદિક તરીકે મશ્હુર હતા, ઈલ્મના મદની ઈમામ… આપ વિવિધ ફઝીલતો ધરાવતા હતા, આપની બુઝુર્ગી, ઈલ્મ અને ઉદારતાના કારણે આપ ખિલાફતના હક્કદાર હતા.

– અલ વાફી બિલ વાફીય્યાત, ભા. 11, પા. 126-128

4) હાફીઝ શહાબુદ્દીન એહમદ ઈબ્ને અલી ઈબ્ને હજર અલ અસ્કલાની (વફાત હી.સ. 852) નોંધે છે: જઅફર ઈબ્ને મોહમ્મદ ઈબ્ને અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અલ હાશમી અબુ અબ્દીલ્લાહ, જેઓ સાદિક તરીકે મશ્હુર છે, તેઓ સાચા, ફકીહ અને છઠ્ઠા ઈમામ છે.

– તકરીબુલ તેહઝીબ, ભા. 1, પા. 91

5) ઈબ્ને ખાલેકાન નોંધે છે: ઈમામ જઅફર ઈબ્ને મોહમ્મદ સાદિક (અ.સ.) પવિત્ર એહલેબૈત (અ.મુ.સ.)માંથી છઠ્ઠા ઈમામ છે અને આપને આપની સદાકતના કારણે સાદિકનો લકબ આપવામાં આવ્યો હતો. આપની ફઝીલત ખુબજ જાણીતી છે અને વર્ણવવાની જરૂર નથી.

આપની વિલાદત હી.સ. 80 માં થઈ અને આપની શહાદત હી.સ. 148 માં થઈ. આપને જન્નતુલ બકીઅમાં આપના પિતા ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.), આપના દાદા ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) અને આપના કાકા ઈમામ હસન ઈબ્ને અલી (અ.સ.)ની બાજુમાં દફનાવવામાં આવ્યા. અલ્લાહ આપને અજ્રે અઝીમ અતા કરે કેટલો કરમ અને ફઝલ તેણે આપની કબ્ર ઉપર કર્યો છે.

– વફાયાતુલ અય્યાન, ભા. 1, પા. 327

આપનું ઈલ્મ:

1) અબુ ઉસ્માન અબ્ર ઈબ્ને બહર જાહીઝ (વફાત હી.સ. 250) કહે છે: અને જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.) તેઓમાંથી છે જેમણે આ ઝમીનને પોતાના ઈલ્મ અને ફીકહથી ભરી દીધી છે. અને કહેવામાં આવે છે કે અબુ હનીફા અને સુફીયાને સોવ્રી આપના વિદ્યાર્થીઓમાંથી હતા…

– રસાએલ અલ જાહીઝ, પા. 106

2) મોહમ્મદ ઈબ્ને હબ્બાન ઈબ્ને એહમદ તમીમી બસ્તી (વફાત હી.સ. 354) નકલ કરે છે: જઅફર ઈબ્ને મોહમ્મદ ઈબ્ને અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), આપની કુન્નીયત અબુ અબ્દીલ્લાહ છે. તેમણે પોતાના પિતાથી હદીસો નકલ કરી છે અને તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ના ફીકહ, ઈલ્મ, ફઝીલતમાં સરદાર હતા. અલ સવ્રી, માલીક (ઈબ્ને અનસ) શોઅબા અને બીજાઓએ આપનાથી હદીસો નકલ કરી છે.

– અલ સીકાત, ભા. 6, પા. 131

3) ઈબ્ને સબ્બાગ અલ માલેકી લખે છે: આપ (ઈમામ સાદિક અ.સ.)નો ઝીક્ર પ્રખ્યાત લોકો જેમકે યહ્યા ઈબ્ને સઈદ, ઈબ્ને જુરૈજ, માલીક ઈબ્ને અનસ, (સુફીયાન) સવ્રી, અબુ ઓયૈનહ, અબુ હનીફા, શોબાહ, અબુ અય્યુબ અલ સજીસ્તાની, વિગેરેએ કર્યો છે.

– અલ ફુસુલુલ મુહીમ્માહ ફી મઅરીફાહ ઓમુર અલ અઈમ્માહ, પા. 222

4) સુયુતી નકલ કરે છે: બેશક તેઓ ઈમામ (અ.સ.) છે જેઓએ પોતાના બાપ-દાદાઓ અને પૂર્વજોથી એવા શરૂઆતના સમયમાં હદીસો નકલ કરી છે જ્યારે મુસલમાનોએ હદીસોના મહત્વને અવગણીને તેને વ્યવસ્થિત કરવામાં હતા. હદીસોને વ્યવસ્થિત કરવાનો સમયગાળો હી.સ. 143 સુધી ચાલુ રહ્યો.

– મન્સુર (લ.અ.)ની ખિલાફત હેઠળ, તારીખુલ ખોલફા.

5) મોહમ્મદ અબુ ઝહરાહ લખે છે: મુસલમાન આલીમો તેઓમાં મતભેદો હોવા છતાં કોઈ બાબતમાં એકમત નથી થયા જેટલા ઈમામ સાદિક (અ.સ.)ના ઈલ્મ અને ફઝીલતના બારામાં થયા છે.

– અબુ ઝહરાહની અલ ઈમામ અસ્સાદિક (અ.સ.), પા. 53, હિલ્યહુલ અવ્લીયા, ભા. 3, પા. 198 થી નકલ કરતા.

તે ઉમેરે છે: ઈમામ સાદિક (અ.સ.) એ વિજ્ઞાનના ફીઝીકસ અને કેમેસ્ટ્રી ઉપર તકરીરો કરી છે. તેમના વિદ્યાર્થી જાબીર ઈબ્ને હય્યાને ઈમામ સાદિક (અ.સ.)થી વર્ણવાયેલ રિવાયતો ઉપર એક કિતાબ તૈયાર કરી છે. ઈબ્ને ખલ્લકૈન પોતાના કિતાબ વફાયાતુલ અઅયાનમાં વર્ણવ્યું છે અને તેવીજ રીતે તે પોતાના ઝમાનામાં આમાંથી વિજ્ઞાન શીખવાડતો. આ વિજ્ઞાનના ઈલ્મ ઉપરાંત આપની સરદારી અખ્લાક અને ભ્રષ્ટાચારના કારણો ઉપર હતી. આ ઈલ્મ સામે આવાનું કારણ આપનું પ્રોત્સાહન, રૂહાનીય્યત, ખુબ વધુ ઈબાદત અને સીધા રસ્તા ઉપર મક્કમ રહેવુ છે.

– અલ ઈમામ અસ્સાદિક (અ.સ.), પા. 53, 54

6) અબુ જઅફર અલ મન્સુર દવાનકી  કહે છે: એહલેબૈત (અ.મુ.સ.)ના ઘરના સભ્યોમાંથી હંમેશા એક વ્યક્તિ હદીસો વર્ણવવા હાજર હોય છે અને આ ઝમાનામાં તે જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.) છે.

– તારીખે યાકુબી, ભા. 3, પા. 177

7) મોહમ્મદ ઈબ્ને ઈદ્રીસ ઈબ્ને મુન્ઝીર અબુ હાતી રાઝી (વફાત હી.સ. 275/277) લખે છે: જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.) અમાનતદાર છે, તેમની બરાબર કોઈ હોવાનો સવાલ જ નથી.

– અલ જરહા વલ તાઅદીલ, ભા. 2, પા. 487

– તઝકેરાહુલ હુફફાઝ, ભા. 1, પા. 166

8) શૈખ મોમીન ઈબ્ને હસન શીબ્લંજી નકલ કરે છે: આપ (અ.સ.)ની અસંખ્ય ફઝીલતો છે કે તેને ગણી શકાય… પ્રખ્યાત ઈમામો અને ઈલ્મવાળા લોકોના સમૂહે નકલ કર્યું છે જેમકે યહ્યા ઈબ્ને સઈદ, માલીક ઈબ્ને અનસ, અલ સવ્રી, ઈબ્ને ઓયૈનહ, અબુ હનીફા, અલ અય્યુબ અલ સખ્તીયાની, વિગેરેએ વર્ણવ્યું છે.

– નુરૂલ અબ્સાર, પા. 160-161

9) શૈખ અબ્દુલ્લાહ ઈબ્ને મોહમ્મદ ઈબ્ને આમીર શબરાવી શાફેઈ (હી.સ. 1171) નોંધે છે: જઅફર સાદિક (અ.સ.) છઠ્ઠા ઈમામ છે. આપ વિવિધ ફઝીલતો અને ઉચ્ચ કિરદારના માલીક છો. ઘણા ઈમામોએ તેમનાથી નકલ કર્યું છે જેમકે માલીક ઈબ્ને અનસ, અબુ હનીફા, યહ્યા ઈબ્ને સઈદ, ઈબ્ને જુરૈજ, અલ સવ્રી, ઈબ્ને ઓયેનહ, શોબાહ, વિગેરે.

– અલ ઈત્તહાફ બે હુબ્બે અલ અશરાફ, પા. 146

10) અબુલ ફત્હ મોહમ્મદ ઈબ્ને અબ્દીલ કરીમ શાહરસ્તાની (વફાત હી.સ. 548) નોંધે છે: જઅફર ઈબ્ને મોહમ્મદ અસ્સાદિક (અ.સ.) વિશાળ ઈલ્મ, શ્રેષ્ઠ અખ્લાક, હિકમત, દુનિયાથી બેરગબતી, ખ્વાહીશાતથી સંપૂર્ણ દૂરીના માલીક છે. મદીનામાં આપ (અ.સ.)એ પોતાના શીઆઓને ઈલ્મ અને રહસ્યોની તઅલીમ આપી.

– અલ મેલલ વલ નેહલ, ભા. 1, પા. 66

11) ઈબ્ને અસીર અલ જઝારી (વફાત હી.સ. 630) લખે છે: આપ (અ.સ.)ને અસ્સાદિક (અ.સ.)નો લકબ આપની વાણીમાં અને અમલમાં સચ્ચાઈના કારણે આપવામાં આવ્યો… અને આપની ફઝીલતો મશ્હુર છે.

– અલ લુબાબ ફી તહઝીબ અલ અન્સાબ, ભા. 2, પા. 3

12) મોહમ્મદ ઈબ્ને તલ્હા શાફેઈ (વફાત હી.સ. 652) નોંધે છે: આપ (અ.સ.) એહલેબૈત (અ.મુ.સ.)ના માનનીય અને સરદારોમાંથી હતા. આપ વિશાળ ઈલ્મ ધરાવતા હતા અને આપની ખુબ વધારે ઈબાદત કરનાર, સતત ઝીક્ર કરનાર, ખુબ વધુ તિલાવત કરનાર, આપ કુરઆનના અર્થો અને અકીદાઓને સમજતા હતા અને તેના સમંદરમાંથી કિંમતી પથ્થરો શોધનાર અને તેની અજાયબીઓ જાણનાર હતા.

– મતાલીબ અલ સઉલ ફી મનાકીબ અલ રસુલ (સ.અ.વ.), ભા. 2, પા. 111

13) ઈબ્ને અબીલ હદીદ (વફાત હી.સ. 655) ઈમામ બાકીર (અ.સ.)ના બારામાં લખે છે: અને આપ હેજાઝ (મક્કા અને મદીના)ના મુખ્ય ફકીહોમાંથી હતા અને લોકો આપ (અ.સ.) અને આપના ફરઝંદ જઅફર (અ.સ.) પાસેથી ફીકહ શીખતા.

– શર્હે નહજુલ બલાગાહ, ભા. 15, પા. 274

14) એહમદ ઈબ્ને હજર અલ હૈસમી (વફાત હી.સ. 974) લખે છે: જેઓ ત્યાં સફર કરે છે તેઓએ આપ (અ.સ.)થી વિજ્ઞાન વર્ણવ્યું છે અને પછી બીજા ગામો સુધી પહોંચાડયું છે.

– સવાએકુલ મોહર્રેકા, પા. 305

આપની શહાદત:

એહમદ ઈબ્ને યુસુફ કીરમાની નોંધે છે: આપની વિલાદત 80 હી.સ. માં થઈ અને આપની શહાદત હી.સ. 148 માં મદીનામાં થઈ. કહેવામાં આવે છે કે આપને મન્સુરની હુકુમતના ઝમાનામાં ઝહેર આપવામાં આવ્યું અને બકીઅમાં દફનાવવામાં આવ્યા.

– અખબાર અલ દાવ્લ, ભા. 1, પા. 334

મુસલમાનો માટે બોધ:

સ્પષ્ટપણે, ઈમામે જઅફર સાદિક (અ.સ.) તેમના ઝમાનામાં મુસલમાનો માટે ચમકતા નૂર હતા. આપ ઈલ્મના સમંદર હતા જેમના માટે દરેક ઝમાનાના ઈમામ જેમકે અબુ હનીફા, સવ્રી, માલીક ઈબ્ને અનસ એ પોતાની જાતોને તૃપ્ત કરી હતી. આ કહેવાતા ઈમામો પછી પોતાના ખુદના  કેન્દ્રો સ્થાપ્યા અને લોકોને ઈમામ જઅફર સાદિક (અ.સ.) તરફ નિર્દેશ કરવાના બદલે પોતાની તરફ દઅવત આપી કે જેમના વગર તેઓ કયારેય આ ‘ઈમામત’ના સ્તર ઉપર પહોંચી શકતા ન હતા, આ હકીકત અબુ હનીફા ખુલ્લી રીતે કબુલે છે.

તેટલીજ સ્પષ્ટ એ હકીકત છે કે ઈમામ જઅફર સાદિક (અ.સ.) પોતાના ઈલ્મ, બુઝુર્ગી, તકવા, ફઝીલત અને રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથેના સંબંધના આધારે ઈમામત માટે શ્રેષ્ઠ હતા, એક એવી હકીકત કે જેને ઘણા બધા પ્રખ્યાત સુન્ની લોકોએ કબુલી છે. તેમ છતાં મુસલમાનો આપની ઈમામત વધુ હક્કદાર હોવાની અવગણના કરે છે અને તેનાથી ઉલ્ટુ અબુ હનીફા અને માલીક જેવા બીજાઓને અનુસરે છે અને મન્સુરને પોતાના સરદાર અને ખલીફા માને છે.

એક નોંધપાત્ર મુદ્દો એ છે કે અગર ઈમામ જઅફર સાદિક (અ.સ.) ખિલાફત અને ઈમામત માટે વધુ લાયક હતા તો પછી આ બાબત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ખિલાફત માટે વધુ લાગુ પડે કારણ કે આપ (અ.સ.) ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી દરેક રીતે અફઝલ હતા. અગર ફરઝંદની કોઈ બરાબરી ન્હોતુ કરી શકતું તો પછી પિતાની બરાબરી કરવાનો સવાલ જ કયા થાય?

આનાથી પણ વધુ ખરાબ બાબત એ છે કે ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને કબુલ કરવાની અને માનવામાં નિષ્ફળ ગયા અને વિરોધીઓ પોતાની ગુમરાહીમાં એક કદમ આગળ વધી બીજાઓને પણ ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને કબુલ કરવાથી રોકે છે. તેઓ તેમને ‘રાફઝીઓ’ જેવા નામ આપે છે અને તેઓને બીજાઓને રદ કરી ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને કબુલ કરવા ઉપર હેરાન અને કત્લ કરે છે.

અગર આ મુસલમાનોને ઈમામ જઅફર સાદિક (અ.સ.)ના બારામાં પોતાના સરદારોની કબુલાતને માન્ય અને કબુલ નથી કરવી તો કમ સે કમ તેઓએ બીજાઓને આમ કરવાથી રોકવા તો ન જોવે.

કે જેઓ અલ્લાહના માર્ગથી લોકોને અટકાવે છે અને તે (સીધા માર્ગ)ને વાંકો બનાવવા ઈચ્છે છે; અને આખેરતનો તેઓ તદ્દન ઈન્કાર કરનારા છે.

(સુરએ હુદ-11:19)

Be the first to comment

Leave a Reply