અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ પોતાના સંતાનોના નામ ખલીફાના નામથી (નામ પાછળ) શું કામ રાખ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટ

જવાબ:

જી હા. આ હકીકત સાચી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના અમૂક પુત્રોના નામ અને ખલીફાઓના નામ સામાન્ય હતા, પરંતુ આ નામો ખલીફાના નામના લીધે નહોતા રાખવામાં આવ્યા. આમ, નામોની સામ્યતા આપ (અ.સ.)ના ખલીફા પ્રત્યેના પ્રેમનો કોઈ પુરાવો ન બની શકે.

બીજુ, ખલીફાઓના નામો અરબ સંસ્કૃતિમાં પહેલેથી જ પ્રચલિત હતા. જો કોઈ વ્યકિત આ પ્રકારના નામો રાખે તો તેનું મુખ્ય કારણ એ હતું કે આ નામો તે સંસ્કૃતિમાં પહેલેથી માન્ય (સ્વીકાર્ય) હતા. એટલે આ ખોટી માન્યતા છે કે કોઈનું નામ કોઈના પરથી રાખવામાં આવ્યું.

જેમ જેમ ઈસ્લામ અને શીઆ પંથનો ફેલાવ થયો અને નવી નવી જમીનોમાં અને નવા નવા વિસ્તારોમાં જ્યારે ખલીફાઓના નામ હ. અલી (અ.સ.) ના હક મારનારા તરીકે નકારાત્મક પ્રકાશમાં આવ્યા, ત્યારબાદ આ નામો શીઆ સમાજમાં સાર્વત્રિક રીતે અસ્વીકૃત બન્યા. શીઆ સમાજ માટે આ નામો અરબ સંસ્કૃતિ ન રહ્યા પરંતુ ખલનાયકના સંભારણા બની રહ્યા.

જો કે, આપણને જોવા મળે છે કે અરબોમાં શીઆઓમાં કરબલાના બનાવ બાદ પણ યઝીદનામ સામાન્ય હતું. આનું કારણ એટલું જ કે અરબોમાં યઝીદનામ સ્વીકાર્ય હતું અને તે માત્ર ખલનાયક યઝીદ, કે જેણે ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના સાથીઓને નિર્દયતાથી શહીદ કર્યા અને તેમના પવિત્ર એહલેબયત (અ.સ.)ને બંદીવાન બનાવ્યા, પુરતું સીમિત નહોતું.

શીઆ રેજાલના પુસ્તકો (હદીસવેત્તાઓના જીવનચરિત્ર આધારિત પુસ્તકો) જેવા કે રેજાલે-તુસી, રેજાલે-બર્કી, રેજાલે કાશી અને આયતુલ્લાહ સૈયદ અબુલ કાસિમ અલ ખુઈ (ર.અ.)ની કિતાબ મોજમ અલ રેજાલ અલ હદીસ, વિગેરેમાં આપણને કેટલાયે ચુસ્ત શીઆ મળે છે જેમના નામ યઝીદહતા.

આથી પુરવાર થાય છે કે એક જ સંસ્કૃતિમાં જો બે માણસોના નામ સમાન હોય તો એવું તારણ ન નીકળે કે એકનું નામ બીજા પાછળ રાખવામાં આવ્યું હશે અથવા બીજાના પિતાને પહેલી વ્યકિત પ્રત્યે લાગણી હશે.

વળી, હદીસોનું લખાણ અને પ્રચાર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની વફાત બાદ સદંતર રીતે પ્રતિબંધિત હોવાથી આપણે તે ખાત્રીપૂર્વક નક્કી નથી કરી શકતા કે અમીરૂલ મોઅમેનીનના કયા દીકરાનું નામ કયા ખલીફાને મળતું આવે છે. જોકે અમૂક રિવાયતો આ વાતનો નિર્દેષ જરૂર કરે છે પરંતુ ખલીફાના નામના લીધે નામ રાખવાનો ઉલ્લેખ નથી.

રિવાયતમાં છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) પોતાના દીકરા ઉસ્માનના નામ માટે ફરમાવે છે કે મે તેનું નામ મારા ભાઈ ઉસ્માન બિન મઝઉનના નામ પાછળ રાખ્યું છે.’ (જેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વિખ્યાત સહાબી હતા અને જેમને બકીમાં દફન કરવામાં આવ્યા છે.)

આ જ રીતે, એ પ્રબળ શકયતા છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના બીજા પુત્રોના નામ પણ બીજા સહાબીઓના નામ પરથી હોય (અને નહિ કે ખલીફાના).

હકીકતમાં, અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના પુત્રોના ખલીફા સાથેના ભળતા નામો તેમના અલવી શીઆઓ માટે તેમની (અ.સ.ની) દુશ્મની રાખનાર ઝાલિમ અને ધાતકી હુકુમતનો સમયગાળામાં રાહતનું કારણ બન્યા. એવા ઘણા બનાવો છે જ્યારે આપના શીઆઓને ઘેરી લેવામાં આવ્યા હોય અને તેમનું મૃત્યુ નિશ્ર્વિત જ હોય પરંતુ તેઓ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના પુત્રોની પ્રશંસા કરતા, જેને દુશ્મનો ખલીફાની પ્રશંસા સમજીને આ શીઆઓને છોડી દેતા. આમ શીઆઓ કોઈપણ જુઠ બોલ્યા વગર તકય્યા’(ઢાંકપિછોડો) પર અમલ કરતા. વર્ષો સુધી આ રીતે શીઆઓના જાન, માલ અને વંશજોની રખેવાળી થઈ.

ઉપરના વિધાનોના સંદર્ભમાં આજના ઝમાનામાં ચૌદસો વર્ષ પછી આપણે એ નતીજા ઉપર આવી શકીએ કે, સામાન્ય નામોનું હોવું એ બાજુના મૈત્રીપૂર્ણ સંબંધો સાબિત ન કરી શકે. મિત્રતા અને દુશ્મની પ્રસ્થાપિત કરવા બીજા પાસાઓની પણ સધન તપાસ કરવી પડે.

Be the first to comment

Leave a Reply