દરબારે યઝીદમાં શેહઝાદી જ.ઝયનબ (સ.અ)નો ખુત્બો
હુસૈન અ.સ. તો શહીદ થઈ ગયા હતા. તેમના સિવાય હવે કોણ એવું હતું જે આગળ વધીને તેના મોઢા પર રૂસ્વાઈનો તમાચો મારીને તેને તેના ઉમરાવો અને તેના ઓલમાએ દીન ની સામે ઝલીલ કરી શકે?પરંતુ હુસૈન અ.સ. ન હોય તો શું થયું? ઈસ્લામની આબરૂનો અને અલ્લાહના પાકીઝા સિધ્ધાંતો અને પવિત્રતાને સવાલ હતો. એ ઈસ્લામ જે હ. ઈબ્રાહીમ અ.સ. નો મઝહબ હતો એજ ઈસ્લામ જે અલ્લાહનો મઝહબ હતો.
નહી, હુસૈન અ.સ. ભલે ન હોય, પણ હુસૈન અ.સ.ની માજાઈ, પૈયગમ્બરે ઈસ્લામ સ.અ.વ.ની નવાસી, સાનીએ ઝેહરા સ.અ. જ. ઝયનબ સ.અ. તો છે ને. એકાએક કૈદીઓની સફ (હાર)માંથી એક ઔરત ઉઠે છે. જેના ચહેરા પર હ. હમ્ઝા અ.સ. અને જ. જઅફર અ.સ.નો દબદબો તથા હ. અલી અ.સ.નો રોબ અને જલાલ ઝલકી રહ્યો છે. તે આ જુઠાણા બોહતાનનો જડબાતોડ જવાબ આપવા આવી રીતે શબ્દોનો હુમલો કરે છે:
“બિસ્મિલ્લા હિર્રહમા નિર્રહીમ”
સઘળા વખાણ અને પ્રશંસા (ફકત) અલ્લાહને માટે (યોગ્ય) છે, જે તમામ કાએનાતે આલમનો પરવરદિગાર છે અને દોરૂદો સલામ થાય પૈગમ્બરે ઈસ્લામ સ.અ.વ. અને તેમની પવિત્ર આલ પર. અલ્લાહ તઆલાએ સાચું જ ફરમાવ્યું છે કે જે લોકો બુરાઈઓમાં ફસાયા હતા અને બુરા કામ કર્યા હતા તેમનો અંજામ પણ ખરાબ જ આવ્યો કારણ કે તેઓએ અલ્લાહની આયતોને જુઠલાવી હતી અને તેની હાંસી ઉડાડતા હતા.
(સુરએ રૂમ આયત-૯).
અય યઝીદ (લ.અ.) તું અમારા પર ઝમીન અને આસ્માન તંગ કરીને અને અમોને કૈદીઓની માફક શહેર- શહેર દરબદર ફેરવીને એમ સમજે છે કે તે ઈઝઝતો જલાલના માલિક અલ્લાહની નજરમાં પણ અમને ઝલીલ અને રૂસ્વા કર્યા છે? અને તું મોટા દરજજો અને મન્ઝેલતનો માલિક થઇ ગયો છે? દિમાગમાં આવી હવા ભરીને ખૂબ ઘમંડ ગુરૂર અને અભિમાનથી તારી ચારે તરફ એવી રીતે જોઈ રહ્યો છે કે જાણે તારી દુનિયા આબાદ થઈ ગઈ છે અને જાણે બધા જ કામ તારીજ મરજી અનુસાર થઇ રહ્યા છે એમ માની ખુશ ખુશ થઇ રહ્યો છે અને જે મન્સબ અને દરજ્જાના અમે હકદાર છીએ એના પર તારો કબજો થઇ ગયો છે?
જો તારો આવો જ ખ્યાલ હોય તો ફકત જરા વાર ઠહેરી જા, શું ખુદાએ અઝઝ વ જલ્લનો આ કોલ શું તું ભુલી ગયો છે કે જે તેણે કુરઆનમાં ફરમાવ્યો છે કે “એ લોકો કે જેમણે કુફ્ર ઈખ્તેયાર કર્યુ છે તેઓ હરગીઝ એમ ન સમજે કે અમે તેમને જે મોહલત અને સંપતી અતા કરી છે તે તેમના માટે (અંજામની દ્રષ્ટિએ) બેહતર છે કારણ કે અમે તો તેમને આમાલ અને મોહલત (ફકત) એટલા માટે જ આપી છે કે તેઓ (પેટ ભરીને) ઔર ગુનાહો કરી લે, કારણ કે છેવટે તો તેમના માટે રૂસ્વા કરનારો અઝાબ છે.”
(સુ. આલે ઈમરાન, આ. ૧૭૮)
ઈતિહાસમાં ૩ જગ્યાએ બની ઉમય્યાને ગુલામ કહ્યા છે
૧ ફત્હે મક્કાના સમયે કહયું: અય ગુલામઝાદા આજથી તમે આઝાદ છો (તારીખે યાકુબે/ભાગ-૨ પેજ-૬૦)
૨ જયારે હ.અલી(અ.સ)એ મોઆવિયા(લ.અ)ને કહ્યું: આઝાદ કરેલા ગુલામઝાદા મુહાજીરના બરાબર નથી થઈ શકતા (નેહજુલ બલાગાહ પત્રનં-૧૭)
૩ જયારે જ.ઝયનબ(સ.અ)એ યઝીદ(લ.અ)ને તેના દરબારમાં કહ્યું “અય તાલકાના બેટા!” (નફ્સુલ મહમુમ પેજ-૨૫૪)
અય તાલકાના બેટા! શું આ ઈન્સાફ છે કે તું તારી પોતાની ઔરતો (અને) કનીઝોને પણ પર્દામાં રાખે પરંતુ ખુદ તારા નબીની દીકરીઓને જાહેર સ્થળોમાં પર-પુરૂષોની (નામહેરમોની) સામે (ખુલ્લા માથે) હાજર કરે? અને તેમના દુશ્મનો સાથે શહેર-શહેર એવી રીતે ફેરવે કે લોકો નઝદીકના હોય કે દુરના, નીચ હોય કે ઉચ્ચ તે સૌ એમનો તમાશો જુએ (ફકત એટલા માટે કે) એમના મર્દોમાંથી કોઈ બચ્યું ન હોય અને કોઈ તેમના તરફથી અવાજ ઉઠાવનાર ન હોય! ખરેખર, આ સિવાય તારી પાસેથી બીજી શું આશા રાખી શકાય? એ માણસ પાસેથી રહેમ અને મહેરબાનીની આશા શી રીતે રાખી શકાય જે અલ્લાહના પાક અને પાકીઝા બંદાઓના જીગર(કલેજુ) ખાવાની ઈચ્છા ધરાવતો હોય અને જેનું ગોશ્ત અને ચામડી ઈસ્લામના શહીદોના લોહીથી બન્યા હોય! ભલા એ શખ્સ કે જે અમો આલે મોહમ્મદ સ.અ.વ.ને હંમેશા વેર, દુશ્મની, કિના અને અદાવતની નજરે જ જોતો હોય તે અમારી સામે દુશ્મની બતાવવામાં કેમ કરતા પાછો પડે?
અય યઝીદ! આટલા મોટા અને ઘૃણિત અપરાધો કરીને પણ (ખામોશ) બેઠો છે અને પોતાના ગુનાહનો સ્વીકાર કરવાને બદલે આવું કહેવાની ધૃષ્ટતા કરે છે. “અય કાશ! મારા બાપદાદાઓ જીવતા હોત તો ખુશી અને આનંદ સાથે ચિલ્લાઈ ઉઠત કે “અય યઝીદ તારા હાથ શલ (લકવો) ન થાય”.
અને આવું કહીને પછી પણ જન્નતોના જવાનોના સરદાર હ(.ઈ. હુસૈન અ.સ.)ના હોઠ અને દાંત સાથે તું લાકડી વડે બે અદબી કરે છે? અને પોતાના હાથને હ. રસુલે ખુદા સ.અ.વ.ના ફરઝંદના ખુનમાં (વધુ) રંગી રહ્યો છે? તે અબ્દુલ મુત્તલિબની સિતારા જેવી ચમકદાર આલને કત્લ કરી નાખી અને હવે (પાછો) તારા બાપદાદાઓને આવાઝ આપી (બોલાવી) રહ્યો છે! તું એમ સમજી રહ્યો છે કે તું એમની સાથે વાત કરી રહ્યો છે! બહુ જલ્દી તું પોતે પણ તારા એ બાપદાદાઓને (જઈને) મળવાનો છે. ત્યારે તું એવી ઈચ્છા કરશે કે કાશ, મારા આ હાથ લકવાગ્રસ્ત હોત અને મારી જીભ મુંગી હોત (તો સારૂં હતું કે જેથી આવા અપરાધો તો ન કરી શકત) એટલેકે, જે આ બધું મેં કહ્યું તે ન કહેત અને જે કર્યુ તે ન કરત…!
આ જગાએ હ. અલી અ.સ.ની પુત્રીએ (જ. ઝયનબ(સ.અ.)એ) ખુદાને સંબોધીને અરજ કરી: “પરવરદિગાર, અમારા દુશ્મનો પાસેથી અમારો હક (જે તેમણે છીનવી લીધો છે તે પાછો) લઈ લે અને જેઓએ અમારા પર (આવો ઘોર) અત્યાચાર કર્યો છે તેમની પાસેથી વેર (બદલો) લે અને જે લોકોએ અમારા મરદોને કત્લ કર્યા છે અને તેમના (નાહક) ખુન વહાવ્યા છે તેના પર તારો આગ ઝરતો અઝાબ ઉતાર” અને ફરી યઝીદને સંબોધન કરી ફરમાવ્યું: “અય યઝીદ આવો મહાન અપરાધ કરીને તે ફકત તારી જ ચામડી ઉતરડી છે અને તેં તારી જ બોટીના કટકા કર્યા છે. બહુ જલ્દી તું પૈગમ્બરે ખુદા સ.અ.વ.ની સમક્ષ રજુ કરવામાં આવશે. તે આપ સ.અ.વ.ના ફરઝંદોના રકત વહાવવાનો અને એમના પવિત્ર કુટુંબ અને જીગરના ટુકડા જેવા સંતાનો (અમો)ને બદનામ અને બે આબરૂ કરવાનો મહા અપરાધનો બોજ તારા ખભે લઈ લીધો છે જે દિવસે ખુદાવંદે આલમ તેઓ સૌને એકઠા કરશે અને તેઓના (લુંટાયેલા) હકને પાછો માગશે, ત્યારે તું શું કરીશ? અને શું તેં કુરઆનની આ આયત વાંચી નથી કે જે લોકો અલ્લાહની રાહમાં શહીદ કરવામાં આવ્યા છે એમને મરેલા ન સમજો. તેઓ તો જીવતા છે અને અલ્લાહ પાસેથી પોતાની રોજી (બરાબર) પામે છે.”
અય યઝીદ! તારા માટે આટલું પુરતું છે કે તારો હાકિમ અને ઈન્સાફ કરનાર ખુદ અલ્લાહ પોતે હોય. ફરયાદી હ. રસુલે ખુદા સ.અ.વ. અને તેમના મદદગાર (સાક્ષી) જીબ્રઈલ હોય અને જે લોકો એ તને આ હોદ્દા પર બેસાડયો છે તે બહુ જલ્દીથી જાણી લેશે અને જેમણે તને મુસલમાનોની ગરદન ઉપર સવાર કરાવ્યો છે તેમને તરત ખબર પડી જશે કે કેવા જુલમગારને તેઓએ પોતાની જગ્યાએ બેસાડયો હતો અને તને પણ બહુ જ જલ્દી ખબર પડી જશે કે તમો બધામાં સૌથી વધુ હતભાગી અને બદનામ કોણ છે.
એ મોઆવિયાના દીકરા! જો કે ઝમાનાની તકલીફો અને મજબુરીઓએ આજે મને આ હાલતમાં મુકી દીધી છે કે મારે તારી સાથે વાત કરવી પડે છે (નહીં તો તારી શું હસ્તી છે અને તારી શું લાયકાત છે? તારી સાથે વાત પણ ન કરાય!) હું તો તને એકદમ તુચ્છ ગણું છું અને તને ખુબ ઠપકો આપું છું અને તારો તિરસ્કાર (ધિક્કાર) કરૂં છું અને કેમ ન કરૂં ? કારણ કે આજે અમારી આંખો રડી રહી છે અને અમારા દિલો અમારા પ્યારા અને લાડકા જીગરના ટુકડાઓની જુદાઈમાં ગમગીન છે.
આહ! એ કેવી અજબ જેવી વાત છે કે અલ્લાહના ખાસ (નેક) બંદાઓ શયતાનના લશ્કરના હાથે શહીદ થઈ જાય! તમે લોકોએ તમારા નજીસ હાથોને અમારા લોહીથી રંગીન કર્યા છે. તમારા નાપાક મોઢાઓ પયગમ્બર(સ.અ.વ.)ના પવિત્ર ખાનદાનના નબીરાઓના ગોશ્તથી ભરેલા છે એવા પાકો પાકીઝા અને સન્માનને પાત્ર શહીદોના શરીરો ઝમીન પર (એમ જ ખુલ્લા) પડયા રહેવા દેવાયા જેમની પાસે ફાડીખાનારા જાનવરોએ પણ (અદબથી પોતાના) માથા ઝુકાવી દીધા.
હે યઝીદ (લઈન) જો તું અમારા (ખાનદાનના) કત્લને અને અમને કૈદ કરવાને ગનીમત (સોનેરી મોકો) જાણતો હો તો ઘણી જલ્દીથી એનું ભારે નુકશાન ઉઠવાશે અને તારા હાથે કંઇ (ફાયદો) નહી આવે સિવાય (બુરા) અમલનો આ ભંગાર કે જે તેં તારી (આખેરત) માટે ભેગો કર્યો છે. બેશક અલ્લાહ તઆલા (પોતાના કોઇ) બંદાઓ પર ઝુલ્મ નથી કરતો. અમે તારા આ ઝુલ્મો સિતમની ફરિયાદ તેની હુઝુરમાં કરીશું કારણે અમારૂ (અંતિમ) આશ્રયસ્થાન એજ છે.
અય યઝીદ (લઈન) અમારી (પ્રત્યેની) દુશ્મનીને કારણે (અત્યારે તો) તારે અમારી સાથે જે રીતનો વર્તાવ કરવો હોય તે કરી લે અને જે કંઈ મક્રો ફરેબ કરવા હોય તે અજમાવી લે પરંતુ તું લોકોના દિલોમાંથી અમારા નામોને મિટાવી નહી શકે.
અય યઝીદ (લઈન) અમારી વાણીઓને ખામોશ કરીને તું તારી આરઝુઓને પુરી નથી કરી શકતો અને ન તો બદનામી અને રૂસ્વાઈના તારા નામ પર લાગેલા બટ્ટાને દુર કરી શકે છે. તું આ જાણી લે કે તારી અકલ અને તારો અભિપ્રાય ખુબજ કમઝોર (નબળો) છે અને તારી ઝીંદગીની મુદ્દત ખુબજ જલ્દી ખત્મ થઇ જશે. તારી ટોળકીઓ વીખરાઈ જશે. એ દિવસે કે જયારે અલ્લાહનો અવાજ આપનાર અવાજ આપશે કે સિતમગારો અને અન્યાયીઓ પર અલ્લાહની લાનત હો.
હવે હું વખાણ અને પ્રસંશા કરૂ છું એ શકિતશાળી અલ્લાહની કે જેણે અમારા આરંભને ખુશકિસ્મતી અને મગ્ફેરત (ગુનાહોથી માફી) ઠરાવ્યો અને અમારી સમાપ્તિ શહાદત અને રહેમત ઉપર કરી. ખુદાથી એજ દોઆ છે કે પોતાની રહેમત અને સવાબ અમારા શહીદો પર સંપૂર્ણ રીતે વરસાવે અને તેઓના ઇનામ (બદલા)ને પુષ્કળ અને અનંત કરે અને અમારા વારસોને તેઓમાંથી જ નેક અને સારા બનાવે કારણકે તે માફ કરનાર અને મહેરબાન અલ્લાહ છે. એની ઝાતજ અમારૂં આશ્રય સ્થાન છે. તેજ અમારા માટે પુરતો અને શ્રેષ્ઠ કાર્યસાધક છે.”
(જ.ઝયનબ(સ.અ)નો યઝીદના દરબારમાં આપેલો ખુત્બો આ મશહુર અને ઘણી કિતાબોમાં મૌજુદ છે. અમુક કિતાબોમાં પૂરો ખુત્બો છે અને અમુક કિતાબમાં ટુંકો ખુત્બો કે તેના અંશ મોજુદ છે. અહીં મરહુમ લેખકે સરળ ભાષામાં તે ખુત્બાની સમજુતી બયાન કરેલ છે. અગર વિસ્તૃત માહિતી વાચવી હોઈતો આ કિતાબો તરફ રજુ થવું જોઈએ. કિતાબ: જિલાઉલ ઓયુન ભાગ-૫ પેજ-૭૩૪ અને નફ્સુલ મહમુમ પેજ ૨૫૩)
હ. અલી અ.સ.ની શેરદિલ બેટી જ. ઝયનબ સ.અ. ની ભાષામાં એટલી ગરમી હતી અને તેમા યઝીદ (લઈન) માટે એટલી પ્રબળ હિકારત હીણપત તુચ્છતા અને રૂસ્વાઈ તથા ઠપકો ભર્યો હતો કે જેણે મૌત જેવા સન્નાટાની ગાઢ નિંદ્રામાં સુતેલ સમાજને બહુ અસરકારક રીતે જાગૃત અને વિચાર કરતા કરવાનો રસ્તો તૈયાર કરી આપ્યો.
જ. ઝયનબ(સ.અ.)એ ખુત્બા થકી લોકોએ કરેલ બેવફાઈ અને દગાખોરી અને ઇબ્ને ઝીયાદના ખરાબ ઈરાદા તેના દરબારમાં લોકોની સામે હિમંતથી બયાન કર્યું. એ જ.ઝયનબ(સ.અ)ની બહાદુરી અને શુજાઅત ઈલ્મીયત અને વાકછટાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
Be the first to comment