હિજરી સન દસ ઈસ્લામી જગત માટે એ ઝમાનો છે જેમાં સરવરે કાએનાત, હઝરત ખત્મી મર્તબત હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ) અલ્લાહ ના હુકમથી પોતાના તમામ કામો ને આટોપવા લાગ્યા અને દસમી હિજરી ના અંતમાં પોતાની બાદનો કાર્યક્રમ અને ઇસ્લામ માટે કયામત સુધીના પોતાના જાંનશીનની ઓળખ કરાવતા આલમે મલ્કુત તરફ પાછા ફરવાનું એલાન પણ કરી દીધું. અર્થાત ગદીરના મૌકા ઉપર ખિલાફત અને વિલાયતનું એલાન કરી દીધું અને પછી જ્યારે અગ્યારમી હીજરીમાં આપ (સ.અ.વ.) અંતિમ બીમારીના બિસ્તર ઉપર આવ્યા ત્યારે કાગળ અને કલમનો ઐતિહાસિક બનાવ બન્યો.
કિરતાસનો બનાવ શું છે?
સાદી ઝબાનમાં આપણે તેને કાગળ અને કલમનો બનાવ કહીએ છીએ. આ બનાવ અગ્યારમી હિજરીમાં હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઝીંદગીના આખરી દિવસોમાં બન્યો કે જેમાં આપ (સ.અ.વ.) એ ઉમ્મતની હંમેશાની હિદાયત માટે એક વસીય્યતનામું લખવાની ઈચ્છા વ્યક્ત કરી અને ફરમાવ્યું:
એઅતૂની બે દવાતીન વ કીત્ફીન લે અકતોબ લકુમ કેતાબન લા તઝીલ્લુ બઅદહુ અબદન.[1]
મારા માટે કલમ અને ચામડું લાવો કે જેથી તમારા માટે હું એક લખાણ લખી દઉં જેથી તમે મારા બાદ ક્યારેય ગુમરાહ નહિં થાવ.’
શું તે લોકો પણ મુસલમાન હતા?
‘હાજર રહેલા લોકોમાંથી અમૂક લોકો ઉભા થયા અને ચાહ્યું કે પયગમ્બર (સ.અ.વ) ના હુકમ ઉપર અમલ કરે અને કાગળ અને કલમ લઈ આવે પરંતુ ઉમરે કહ્યું: ઉભા રહો, (મઆઝલ્લાહ, નઉઝોબિલ્લાહ) તેઓ હિઝયાન બકી રહ્યા (બકવાસ કરી રહ્યા) છે ખુદાની કિતાબ આપણા માટે પૂરતી છે.’ (હયાતુલ કોલુબ ભાગ-2, પાના ન. 998)
દેકારો શરૂ થઈ ગયો અને જયારે તે વધી ગયો ત્યારે રસુલે ખુદા (સ.અ.વ.) નારાઝ થયા અને ફરમાવ્યું:
‘મારી પાસેથી ચાલ્યા જાવ, કારણકે ખુદાના પયગમ્બરની નજદિક આવો ઝઘડો યોગ્ય નથી.’
(હયાતુલ કોલુબ ભાગ-2, પાના ન. 998)
લોકો ચાલ્યા ગયા અને ફકત પયગમ્બર (સ.અ.વ)ના સગા સંબંધીઓ અને નજીકના લોકો રોકાયા. રસુલે ખુદા (સ.અ.વ) એ અલી (અ.સ.)ને છાતી સરસા ચાપ્યા અને પોતાની વીંટી કાઢી અને ફરમાવ્યું: ‘આ લ્યો અને તેને પેહરી લ્યો’. પછી આપ (સ.અ.વ.)એ બખ્તર, તલ્વાર અને પોતાનો જંગનો લિબાસ અને મખ્સુસ માલ કે જેને આપ (સ.અ.વ.) જંગના મૌકા ઉપર પોતાના પેટ ઉપર બાંધતા હતા તે અલી (અ.સ.)ને અતા કર્યો અને ફરમાવ્યું:
‘હવે અલ્લાહનું નામ લ્યો અને તમારા ઘરે પરત જાવ.’
બીજા દિવસે પયગમ્બર (સ.અ.વ.)ની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અને આપ બેહોશ થઈ ગયા. જ્યારે આપ (સ.અ.વ.) હોશમાં આવ્યા તો આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:
‘મારા હબીબ ને બોલાવો.’
અને ફરી બેહોશ થઈ ગયા. આયશાએ કહ્યું હ. અબુ બક્રને બોલાવો. અબુ બક્રને હાજર કરવામાં આવ્યા. આપ (સ.અ.વ.) હોશમાં આવ્યા, અબુ બક્રને જોયા તો મોઢું ફેરવી લીધું અને ફરી એજ માંગણી કરી તો હફ્શાએ કહ્યું કે ‘ઉમરને તેમની પાસે લાવો.’ પયગમ્બર (સ.અ.વ.) એ તેમનાથી પણ મોઢું ફેરવી લીધું અને આપ (સ.અ.વ.) એ ત્રીજી વાર માંગણી કરી:
‘મારા હબીબ ને બોલાવો.’
ઉમ્મે સલમા ઉભા થયા અને ફરમાવ્યું ‘અલી (અ.સ.) ને તેમની પાસે લાવો.’[2]
હઝરત અલી (અ.સ) ને લાવવામાં આવ્યા. વચ્ચેની તમામ વાતોને છોડતા તેઓ આગળ લખે છે કે પયગમ્બર (સ.અ.વ.)ની ખ્વાહિશ મુજબ અલી (અ.સ)એ રસુલે ખુદા (સ.અ.વ.)નું સરે મુબારક પોતાના ખોળામાં રાખ્યું અને આપના ખોળામાંજ રસુલે ખુદા (સ.અ.વ.) આ દુનિયાથી રૂખ્સત થઈ ગયા. કિરતાસના બનાવનું આ ટુંકુ વર્ણન છે.
ઉમરે રસુલે ખુદા (સ.અ.વ.)ને કાગળ શા માટે લખવા ન દીધો?
શું કારણ હતું કે ઉમરે હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ને વસીય્યત લખવા ન દીધી? ઉમર, અબુ બક્ર અને તેઓના સમગ્ર સમૂહને એ અંદાજ હતો કે પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ અસંખ્ય પ્રસંગોએ અલી (અ.સ) ને પોતાના ખલીફા અને જાંનશીન નિયુકત કરી ચૂકયા છે અને હવે વસીય્યત વડે પણ જો આપ (સ.અ.વ.) અલી (અ.સ.)ને તેમના ખલીફા અને જાંનશીન બનાવી દીધા તો સહાબીઓ અલી (અ.સ)ના હાથો ઉપર બયઅત કરી લેશે અને ખિલાફત તેઓના હાથોમાંથી નિકળી જશે. આથી તેઓની કોશિશ એ રહી કે કોઈપણ હિસાબે પયગમ્બરે અકરમ (સ.અ.વ) આ અમલ અંજામ ન આપી શકે (એટલેકે વસીય્યતનામું લખી ન શકે).
ખિલાફત માટે ઉમ્ર નાની હોવાનું બહાનું અને પયગમ્બર (સ.અ.વ)ની હિકમતભરી પધ્ધતિ:
પયગમ્બરે અકરમ (સ.અ.વ) જાણતા હતા કે તેમની વફાત બાદ અલી બિન અબી તાલિબ (અ.સ.)ની ખિલાફતના મામલામાં જુદા જુદા બહાનાઓ થકી તેમને ખિલાફતથી દુર રાખવામાં આવશે અને તે પૈકીનું એક બહાનુ અલી (અ.સ)ની યુવાની પણ હશે. આથી પયગમ્બર (સ.અ.વ.) એ લોકોને આ સમજાવવા માટે કે સરદારી અને ખિલાફત લાયકાતની બુનિયાદ ઉપર છે અને નહિં કે વય કે ઉમ્રની બુનિયાદ ઉપર. આપ (સ.અ.વ.) જાણતા હતા કે લોકો અલી (અ.સ)ને કમસીન કહીને તેમના હક્કને ગસબ કરી લેશે. આથી આપ (સ.અ.વ.)એ એક લશ્કર તૈયાર કર્યું અને તેના અમીર અને સરદાર તરીકે એક નાની વયના યુવાન ‘ઓસામા’ને બનાવ્યો. ઘણા બધા લોકોએ પયગમ્બર (સ.અ.વ.)ને ઓસામાને સરદાર બનાવવાથી અટકાવ્યા. પરંતુ આપ (સ.અ.વ.) એ કોઈ ધ્યાન ન આપ્યું બલ્કે તાકીદની સાથે ઓસામાને લશ્કરના સરદાર બનાવ્યા.[3]
સહાબીઓએ પયગમ્બર (સ.અ.વ.)ની વાતને રદ કરી દીધી:
આ વિચાર માંગી લે તેવી બાબત છે કે શું અલ્લાહે પયગમ્બરે અકરમ (સ.અ.વ)ની ઈતાઅત અને ફરમાંબરદારી માટે તાકીદની સાથે હુકમ આપ્યો નથી? ચોક્કસ, જરા આ આયત ઉપર ધ્યાન આપો:
વ મા આતાકોમુર રસૂલો ફ ખોઝૂહો, વ મા નહાકુમ અન્હો ફન્તહુહો.
“અને રસુલ તમને જે કાંઈ આપે તે લઈ લો; અને જેનાથી તમને મના કરે તેનાથી અટકો.”
(સુરએ હશ્ર, આયત નં. 7)
પયગમ્બર (સ.અ.વ.) ના દરેક હુકમની ઈતાઅત જરી અને વાજીબ છે:
ફ લા વ રબ્બેક લા યુઅમેનુન હત્તા યોહક્કેમૂક ફીમા શજર બય્નહુમ સુમ્મ લા યજેદૂ ફી અન્ફોસેહીમ હરજન મિમ્મા કઝય્ત વ યોસલ્લેમુ તસ્લીમન.
“પણ તેવું છેજ નહિં; અને તારા પરવરદિગારની કસમ! એ લોકો ઈમાન લાવ્યા છે એમ કદી પણુ તું માનજે નહિં જ્યા સુધી કે તેમની વચ્ચેના ઝઘડાઓમાં (તેના નિર્ણય માટે) તને તેઓ ન્યાયાધીશ બનાવે; પછી તું જે કાંઈ ચુકાદો આપે તેનાથી પોતાના મનમાં (લેશપણ) ભીંસ ન અનુભવે અને તે (ચુકાદાનો) સંપૂર્ણ સ્વીકાર કરે.
(સુરએ નિસાઅ, આયત નં. 65)
આ આયતમાં આ શર્ત રાખવામાં આવી છે કે જ્યાં સુધી લોકો પોતાના ઝઘડાઓમાં અને વિખવાદોમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ)ને હાકિમ ન બનાવે અને તેમના ફેંસલાને ન માને તેઓ મુસલમાન બની શકતા નથી. તો પછી એ કેવી રીતે શક્ય છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ) દ્વારા કાગળ અને કલમની માગણીને રદ કરનાર અને પયગમ્બર (સ.અ.વ.)ના હુકમથી તૈયાર કરવામાં આવેલા લશ્કરમાં શામેલ થવાથી ઈન્કાર કરનાર મુસલમાન બની જાય?
વસીય્યતની જરૂરત:
મતલબ કે જયારે પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ જોયું કે લોકોને લશ્કરની સાથે મદીનાથી બહાર મોકલવાની યોજના અમલમાં ન મૂકી શકાઈ તો આપ (સ.અ.વ.) એ અલ્લાહના હુકમ મુજબ નક્કી કર્યું કે અલી (અ.સ)ની ઈમામતના સિલસિલામાં પોતાની બધીજ ભલામણોના કે જે આપ (સ.અ.વ.)એ પોતાની 23 વર્ષની ઝીંદગી દરમ્યાન (મૌખીક રીતે) લોકોના કાનો સુધી પહોંચાડી હતી તેના નિચોડને એક વસીય્યતના સ્વપમાં લખી દે. એટલાજ માટે આપ (સ.અ.વ.) એ પોતાની વફાતના અમૂક દિવસો અગાઉ જુમેરાતના દિવસે જ્યારે આપ (સ.અ.વ.) પોતાના બિસ્તર ઉપર હતા અને આપ (સ.અ.વ.)નો ઓરડો લોકોથી ભરેલો હતો, હુકમ આપ્યો કે:
‘કાગળ અને કલમ લાવો કે જેથી હું એક ચીઝ લખી દઉ કે જેના ઉપર અમલ કરવાથી તમે મારા બાદ ક્યારેય ગુમરાહ નહિં થાવ.’[4]
બની હાશિમ અને બની ઉમય્યાનું સ્થાન:
બની હાશિમ અને પયગમ્બરે અકરમ (સ.અ.વ)ની પત્નિઓ રસુલે ખુદા (સ.અ.વ.)ને વસીય્યત લખવા દેવાનો આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ તે લોકો કે જેઓએ અરફાતની ઝમીન ઉપર પયગમ્બર (સ.અ.વ.)ને તેમની પછીના જાંનશીનના વિષે વાત કરવામાં અડચણ ઉભી કરી હતી તેજ લોકોએ પયગમ્બર (સ.અ.વ.)ના ઓરડામાં પણ અડચણ ઉભી કરી. અગાઉ આપણે લખી ચુક્યા છીએ તેમ ઉમર સમજી ગયા હતા કે અગર પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ વસીય્યત લખી નાંખી તો પછી ખિલાફતને ગસબ કરવાની તમામ યોજના નિષ્ફળ થઈ જશે અને પછી પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની નાફરમાની અશક્ય બની જશે. એટલા માટે કહ્યું કે કાગળ અને કલમ લાવવાની જરત નથી. કારણકે પયગમ્બર (સ.અ.વ.) (મઆઝલ્લાહ) હિઝયાન બકી રહ્યા છે. આપણા માટે અલ્લાહની કિતાબ પૂરતી છે. આ વાકયોને ઉમર અને બની ઉમય્યાના ટેકેદારોએ પણ સાંભળ્યું અને તેને દોહરાવ્યું. પરંતુ બની હાશિમ સખત નારાજ થયા અને તે લોકોનો વિરોધ કર્યો. પયગમ્બરે અકરમ (સ.અ.વ) આવા અયોગ્ય આરોપ કે જે આપ (સ.અ.વ.)ની મહાન શખ્સીય્યતની સામે પ્રશ્ર્નાર્થ મૂકી દીધો હતો, શું કરી શકે? જ્યારે આપ (સ.અ.વ.) એ આ બધું જોયું ત્યારે સખત નારાજ થયા અને બધાને ઘરમાંથી બહાર કાઢી મૂકયા. ફરમાવ્યું:
‘મારી પાસેથી ચાલ્યા જાવ. તે વાત યોગ્ય નથી કે પયગમ્બરની સામે ઝઘડો થાય.’[5]
ઉમરના ટેકેદારો અને ખિલાફતમાં માનનારાઓ દ્વારા ફેરબદલ:
ઉમરના ટેકેદારોએ અને ખાસ કરીને ખિલાફતની માન્યતાની હિમાયત કરનારાઓએ હઝરત પયગમ્બર (સ.અ.વ.)ની તરફ ઉમર ઈબ્ને ખત્તાબના આ અયોગ્ય આરોપ ઉપર પર્દો નાખવાની કોશિશ કરી છે. એવી રીતે કે ઉમરે જે શબ્દ હજર અથવા હિઝયાનનો ઉપયોગ કર્યો છે તે શબ્દને ત્યાં હાજર લોકોની તરફ નિસ્બત આપવાની કોશિશ કરી છે અને આમ લખ્યું છે કે: ‘કાલુ હજર રસુલુલ્લાહે (સ.અ.વ.)’ લોકોએ કહ્યું: રસુલુલ્લાહ (સ.અ.વ.) બિમારીમાં (મઆઝલ્લાહ) બકવાસ કરી રહ્યા છે અને ઉમર બિન ખત્તાબ તરફ આ વાકયને નિસ્બત આપે છે કે: ‘કાલ: ઈન્ન અન્નબીય્ય કદ ગલબ અલય્હીલ વજઓ’ (પયગમ્બર ઉપર બીમારીની પીડાએ કાબુ પ્રાપ્ત કરી લીધો છે). પરંતુ કિતાબ ‘અસ્સકીફા’માં અબુબક્ર જોહરીના વાક્યો વાતને સ્પષ્ટ કરે છે કે: હિઝયાનના આરોપની શરૂઆત ઉમર તરફથી થઈ છે અને તેના ટેકેદારોએ તેનું અનુસરણ કરતા આ વાકયની નિસ્બત પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તરફ આપી. જોહરીએ આવા આરોપને ઉમરના હવાલાથી નોંધેલ છે કે: ‘ઉમરે એક વાક્ય કહ્યું કે જેનો અર્થ એમ થાય છે કે ‘પયગમ્બર (સ.અ.વ.) ઉપર બિમારીની પીડાએ કાબુ મેળવી લીધો છે.’
તેથી ખબર પડી કે ઉમરના શબ્દો કંઈક બીજા હતા કે જેની નોંધ કરવામાં તકલીફ થઈ રહી હતી. આથી ફકત તેનો ભાવાર્થ નકલ કર્યો છે. અફસોસની વાત છે કે બુખારી અને મુસ્લિમ તથા બીજા લોકોએ મૂળ શબ્દોને વર્ણવ્યા નથી પરંતુ ફકત ભાવાર્થ અને મફહુમને નકલ કર્યો છે. જ્યારે કે ઇબ્ને અસીરની વાત ‘અન નિહાય્યહ’માં અને ઇબ્ને અબીલ હદીદની વાતોથી સાબિત થાય છે કે હિઝયાનની નિસ્બત સીધી ઉમરે પોતેજ આપી છે.
તારણ:
વાત જે પણ હોય પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ વિરોધી સમૂહને ઘરથી બહાર કાઢયા પછી ફકત મુખ્લીસ સહાબીઓની સમક્ષ પોતાની વસીય્યત બયાન ફરમાવી છે અને સુલૈમ બિન કૈસની રિવાયત પ્રમાણે આપ (સ.અ.વ.)એ એહલેબૈત (અ.મુ.સ.)ની એક-એક વ્યક્તિનું નામ લીધું અને તેઓને પોતાના બાદ પોતાના ખલીફા અને જાંનશીન નિયુકત કર્યા.[6]
એહલેસુન્નત હઝરાતે પણ પોતાની હદીસોની કિતાબોમાં આ વસીય્યતનો ઉલ્લેખ કર્યો છે. પરતું મૂળ વિષયને અસ્પષ્ટ રાખ્યો છે.
ઈબ્ને અબ્બાસની ભૂમિકા:
ઈબ્ને અબ્બાસ હદીસના અંત માં કહે છે કે: ‘પયગમ્બરે અકરમ (સ.અ.વ)એ તેમની અંતિમ ક્ષણોમાં ત્રણ બાબતો વિષે વસીય્યત કરી. પહેલી એ કે મુશ્રીકોને અરબસ્તાનમાંથી બહાર ધકેલી દયો. બીજું એ કે જે કાફલાઓને આવવાની મેં પરવાનગી આપી છે તેઓને પરવાનગી આપો. પરંતુ ત્રીજી વસીય્યત વિષે ચૂપકીદી સેવી અને અમૂક બીજી હદીસોમાં આવ્યું છે કે ત્રીજી વસીય્યતને હું ભૂલી ગયો છું.[7]
આ વાત ધ્યાન આપવા જેવી છે કે કયાંય આ વાત જોવા નથી મળતી કે કોઈ હદીસમાં ઈબ્ને અબ્બાસે એમ કહ્યું હોય કે: હું હદીસના આ હિસ્સાને ભુલી ગયો છું અથવા તો તેને નકલ ન કરી હોય. એવું નથી. બલ્કે ઈબ્ને અબ્બાસનો ઉમર ઈબ્ને ખત્તાબ તરફથી ખૌફ અને ડર છે. કારણકે ચોક્કસપણે ત્રીજી વસીય્યત ઈમામ અલી (અ.સ) અને પયગમ્બર (સ.અ.વ.)ના એહલેબૈત (અ.મુ.સ.)ની ખિલાફત અને ઈમામત વિષે છે. પરંતુ ઈબ્ને અબ્બાસ ઉમરથી ડરી ગયા તેથી તેને બયાન કરવાનું ટાળ્યું. તેવીજ રીતે ઉમર ઈબ્ને ખત્તાબની હયાતીમાં તેઓના ઝુલ્મ અને પૂવર્ગ્રિહની વિરૂધ્ધ દીલમાં જુદો મત ધરાવતા હતા પરંતુ તેને જાહેર કર્યો ન હતો. ત્યાં સુધી કે ઉમરની મૌત પછી હક્કને બયાન કર્યો (જાહેર કર્યું) અને જયારે લોકોએ પૂછ્યું કે તમે શા માટે બયાન (જાહેર) કરવામાં મોડું કર્યું ત્યારે કહ્યું કે હું તેનાથી ડરતો હતો.
ઉમરે લખાણ લખવાથી શા માટે રોક્યા?:
આ સવાલ દરેકના મનમાં ઉભો થાય છે કે શા માટે ઉમર બિન ખત્તાબ અને તેના ટેકેદારોએ તે નક્કી કર્યું કે પયગમ્બરે અકરમ (સ.અ.વ)ની યોજના અમલમાં ન આવે? શું પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ ઉમ્મતને કયામત સુધી ગુમરાહી અને ભટકી જવાથી બચીને રેહવાની આગાહી કરી ન હતી? શું આથી વધીને કોઈ ખુશખબરી છે? તો પછી શા માટે આ કામનો વિરોધ કરવામાં આવ્યો? શા માટે ઉમ્મ્મતને આ સદભાગ્યથી વંચિત કરી દેવામાં આવી? આપણે શું કહીએ કે હોદ્દા અને સત્તાની મોહબ્બત, કીનો તથા હસદ કયારેક કયારેક અક્કલ ઉપર વર્ચસ્વ હાસિલ કરી લ્યે છે અને અક્કલને તારણ કાઢવાથી અટકાવી દે છે. આપણે જાણીએ છીએ કે ઉમર પરદા પાછળની કઈ નિય્યતોને પરવાન ચઢાવી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે પયગમ્બર (સ.અ.વ.) ક્યા કામ માટે લોકો પાસેથી કાગળ અને કલમ માંગી રહ્યા હતા. તેઓ ખાત્રીપૂર્વક જાણતા હતા કે પયગમ્બર (સ.અ.વ.)એ જે વસીય્યત લખવાનો નિર્ણય કર્યો છે તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને બાકીના એહલેબૈત (અ.મુ.સ.)ની ખિલાફતના અમ્ર બાબતે કરેલી તે બધી મૌખિક ભલામણો કે જેને આપ (સ.અ.વ.) એ પોતાની હયાતી દરમ્યાન કરી હતી તેને લેખીત સ્વરૂપમાં લોકોને આપવા ચાહતા હતા. એટલા માટે તેઓ આ વસીય્યતને લખવા દેવામાં અવરોધ બન્યા. આપણી આ વાતો ફક્ત દાવો નથી પરંતુ તેના માટે મજબુત દલીલો મૌજુદ છે. અહીં બે નમુનાઓ રજુ કરીએ છીએ.
- ઉમર બિન ખત્તાબ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઝીંદગીના આખરી ઝમાનામાં ઘણી વખત હદીસે સકલૈન સાંભળી ચુક્યા હતા. તે હદીસમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ ફરમાવ્યું:
‘હું તમારી દરમ્યાન બે મહા ભારે ચીઝો છોડીને જાવ છું. જેને વળગી રહેવાથી તમો કયારેય ગુમરાહ નહીં થાવ.’
આ શબ્દો કે ‘કયારેય ગુમરાહ નહીં થાવ’ને ઉમરે ઘણી વખત કિતાબ અને ઇત્રતના બારામાં સાંભળ્યાહતા. જ્યારે પયગમ્બર (સ.અ.વ.) એ કાગળ અને કલમની માગણી કરી ત્યારે તે સમયે પણ ઉમરે આ શબ્દોને સાંભળ્યાકે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે:
‘એક લખાણ લખી આપું કે તેના પછી તમે ક્યારેય ગુમરાહ નહિં થાવ.’
ઉમરે તરતજ તે વાત તરફ ધ્યાન આપ્યું કે પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ નક્કી કરી લીધું છે કે કિતાબ અને ઈત્રતની વસીય્યત લેખીતમાં આપી દે. આથી તેમણે તેનો ખૂબજ કડકાઈથી વિરોધ કર્યો.
- ઈબ્ને અબ્બાસ કહે છે કે: ઉમરની ખિલાફતના શઆતના સમયગાળા દરમ્યાન હું તેમની પાસે પહોંચ્યો. તેમણે મારી તરફ મોઢું કર્યું અને કહ્યું, તમારી ઉપર ઉંટો નું ખુન હોય.[8]અગર હું તમને સવાલ કરૂ અને તમે મારાથી વાતને છુપાવો. શું હજુ પણ અલી (અ.સ) ખિલાફતના બારામાં પોતાને બરહક સમજે છે? શું તેઓ વિચારે છે કે રસુલે ખુદા (સ.અ.વ.) એ તેમના માટે નસ્સ (નિમણુંક) કરી છે? મેં કહ્યું, હા. આ વિષયમાં મેં મારા પિતાથી સવાલ કર્યો, તેમણે તેની તસ્દીક કરી. ઉમરે કહ્યું, હું તમને કહું છું કે પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ પોતાની બીમારીના અંતિમ મૌકા ઉપર ચાહ્યું હતું કે અલી (અ.સ)ના નામની સ્પષ્ટતા કરી દે તેમાં હું અવરોધ બન્યો….’[9]
ખુદા આપણને સૌને હક્કથી વળગીને રેહવાની તવફીક અતા કરે અને દુનિયા અને આખેરતમાં એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બત અને શફાઅતનસીબ કરે. આમીન.
1 ઈતિહાસકારોએ આ બનાવને ‘કિરતાસ’ના બનાવનું નામ આપ્યું છે. કિરતાસનો અર્થ કાગળ થાય છે અને તે ઝમાનામાં જાનવરોનાચામડાઉપર લખવામાં આવતું હતું.આથી પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એચામડાનો હુકમઆપ્યો. આપણે આજે આપણી ભાષામાં તેને કાગળ કહેવા લાગ્યા એટલા માટે કે લખાણ કાગળ ઉપર થાય છે.આથી આપણે આ લેખમાં કિત્ફ નો ભાવાર્થ કાગળ સમજશું.
[2]કવકબે દુર્રી ફી ફઝાએલે અલી, તરજુમો: મનાકીબે મુર્તઝવી, લેખક: મોહમ્મદ સાલેહ કશફી હનફી, પાના નં. 283. તેમણે મનાકીબે ખતીબ ખ્વારઝમીમાંથી નક્લ કર્યું છે.
[3]તબ્કાતે ઈબ્ને સઅદ, ભાગ-4, પાના નં. 66, તારીખે ઈબ્ને અસાકિર, ભાગ-2, પાના નં. 291, કન્ઝુલ ઉમ્માલ, ભાગ-5, પાના નં. 313, તારીખે ઈબ્ને ખલ્દુન 2/484.
[4]હયાતુલ કોલુબ 2/998, મરહુમ અલ્લામા મજલીસી ફરમાવે છે કે આ દઅવાત અને કલમની હદીસ સહીહબુખારી અને મુસ્લિમ તેમજ એહલે સુન્નતની તમામ મોઅતબર કિતાબોમાં અસંખ્ય તરીકાઓથી નોંધાએલી છે અને તે લોકોએ આ રીતે ઈબ્ને અબ્બાસથી રિવાયત કરી છે કે તે ખુબ રડયા એટલી હદે કે આંસુઓથી મસ્જીદના પથ્થરો (કાંકરાઓ) ભીના થઈ ગયા.
[5]સહીહબુખારી, કિતાબુલ મઝર્, ભાગ-7, પાના નં. 9, સહીહમુસ્લિમ, કિતાબુલ વસીય્યત, ભાગ-5, પાના નં. 75 મુસ્નદે અેહમદ, ભાગ-4, પાના નં. 356, હદીસ નં. 2992.
[6]કિતાબ સુલૈમ બિન કૈસ, ભાગ-4/658
[7]સહીહબુખારી,કિતાબ મગાઝી, ભાગ-78, સહીહમુસ્લિમ, કિતાબેવસીય્યત, ભાગ-5
[8]અરબની આ કહેવત છે. દા.ત. અગર તમે વાતને છુપાવો તો તમારા ઉપર અઝાબ નાઝિલ થાય.
[9]શર્હે ઈબ્ને અબીલ હદીદ 12/21
Be the first to comment