શંકા
ભૂતકાળમાં અમૂક મુસલમાનોનો સમૂહ હતો જેઓએ એવો દાવો કર્યો હતો કે ફકત અલ્લાહ પાસેથીજ તલબ કરવું જોઈએ. તેઓનો અન્ય મુસલમાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોને ‘ખારજીઓ’ (જેઓએ દીનને ત્યજી દીધો છે)થી ઓળખવા લાગ્યા.
આજે પણ આવો એક સમૂહ છે જે વસીલા (માધ્યમ)ને નકારી કાઢે છે અને એમ કહે છે કે આપણે દરેક બાબતમાં ફકત અલ્લાહ તરફજ રજુ થવું જોઈએ. આ સમૂહને પણ મોટાભાગના મુસલમાનો દ્વારા નકારવામાં આવે છે અને એમ પણ કહી શકાય કે તેઓ આધુનિક ખારજીઓ છે.
જવાબ
ભૂતકાળમાં અને આજે પણ ખારજીઓ જેવા અન્ય લોકો છે, મુખ્યત્વે ઈબ્લીસ, જેણે નબી આદમ (અ.સ.)ને સજદો કરવાના હુકમની નાફરમાની કરી કારણકે તે એમ માનતો હતો કે સજદો ફકત અલ્લાહને જ કરાય.
એક રસપ્રદ પ્રસંગ છે જે આપણને વસીલા (માધ્યમ)ને અમાન્ય રાખનારના જુઠાણાને સમજવા માટે મદદરૂપ થશે અને તવહીદમાં અયોગ્ય અને અતિશયોકિતપૂર્ણ નિષ્ઠા દેખાડે છે.
ખારજીઓ સાથે વિવાદ:
રિવાયત છે કે નાફે ઈબ્ને અરઝાક ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ની ખિદમતમાં આવ્યા અને હલાલ અને હરામના બારામાં સવાલ કર્યો.
ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) એ ફરમાવ્યું:
તમે આ ખારજીઓને પુછો કે શું કામ તેઓએ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સામે બળવો કરવાને જાએઝ સમજ્યું જ્યારે કે હકીકતમાં તેઓ એ લોકો હતા જેઓએ તેમની (હ. અલી અ.સ.)ની ઈતાઅતમાં પોતાનું ખૂન વહાવ્યું હતું અને અલ્લાહની ખુશ્નુદી ખાતર તેમની મદદ કરી હતી?
તેઓ એમ કહી પોતાનો બચાવ કરશે કે અલી (અ.સ.) એ અલ્લાહના દીનમાં લવાદનો સહારો લીધો.
તમે તેમને કહેજો કે અલ્લાહે (કુરઆનના ફરમાન મુજબ) રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શરીઅતમાં પોતાની મખ્લુકમાંથી બે લવાદો નિમ્યા છે.
“અને જો તમને તે બન્નેની વચ્ચે બગાડ થવાનો ભય હોય તો એક પંચ તેના લોકોમાંથી અને એક પંચ તેણીના લોકોમાંથી નીમો; જો તે બન્ને પંચો સલાહનો ઈરાદો રાખશે તો અલ્લાહ તે બન્નેમાં સંપ કરાવી દેશે; બેશક અલ્લાહ મહાન જાણનાર, ખબરદાર છે.”
(સુરએ નિસા, આ. 35)
આવીજ રીતે, રસુલુલ્લાહ (સ.અ.વ.) અલ્લાહની પરવાનગીથી સાદ ઈબ્ને મઆઝની (એક યહુદી કબીલો કુરૈઝાના) ના લવાદ તરીકે નિમણુંક કરી. તેવીજ રીતે તમે જાણો છો કે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ બન્ને લવાદો (જંગે સીફફીનના બન્ને પક્ષો)ને કુરઆને કરીમ મુજબ એક નિર્ણય ઉપર આવવા હુકમ કર્યો નહિ કે કુરઆનથી વિરૂધ્ધ. આપ (અ.સ.) એ શરત પણ રાખી કે જે કોઈ કુરઆને પાકની વિરૂધ્ધ નિર્ણય લેશે તેને રદ કરવામાં આવશે (માન્ય રાખવામાં નહિ આવે).
પરંતુ જ્યારે ખારજીઓએ અલી (અ.સ.) ને કહ્યું કે તમે લવાદને તમારા માટે નિમ્યો છે કે જેણે તમારા વિરૂધ્ધ ફેંસલો કર્યો છે. અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) એ જવાબમાં ફરમાવ્યું: મેં મખ્લુકને લવાદ તરીકે નથી નિમ્યો પરંતુ અલ્લાહની કિતાબને (નિણર્યિક) લવાદ તરીકે નીમી હતી.
હવે, કેવી રીતે ખારજીઓ આવા શખ્સને (નઉઝોબિલ્લાહ) ગુમરાહ માને છે જેણે કુરઆને કરીમને ન્યાયધીશ કરાર દીધું અને ફરમાવ્યું કે જે કોઈ આ અલ્લાહની કિતાબની વિરૂધ્ધ જશે તેને માન્ય રાખવામાં નહિ આવે સિવાય તેના કે જે પોતાની રજુઆતમાં ખોટા આરાપો ન મુકે.
આ સાંભળીને નાફે એ કહ્યું: ‘કયારેય મારા કાનોએ આવા શબ્દો નથી સાંભળ્યા અને ન તો મારા દિમાગમાં આવો વિચાર આવ્યો, આ સચ્ચાઈ સિવાય કંઈ નથી.
(અલ એહતેજાજ, ભાગ-2, પા. 324)
તારણો:
આ પ્રસંગ પરથી નીચેના મુદ્દા રોશન દિવસની જેમ સ્પષ્ટ છે:
1) અલ્લાહ સિવાય અન્ય કોઈ વ્યકિતને ચાહે તે રસુલે ખુદા (સ.અ.વ.), મઅસુમ ઈમામ (અ.સ.) અથવા સામાન્ય મુસલમાન હોય, આ દુનિયા અને આખેરતના કાર્યો માટે મદદ, લવાદ, વિગેરે માટે કરાર દેવું તે તવહીદની વિરૂધ્ધ નથી કારણકે કુરઆને પાક અને સુન્નતમાં આના ઘણા બધા દાખલાઓ મૌજુદ છે.
2) જ્યાં સુધી કોઈ વ્યકિત કુરઆન અને સાચી સુન્નત મુજબ વર્તે તો તવહીદનું અનુસરણ થયુ છે/ અગર તે આ બન્ને સ્તંભો (કુરઆન અને સુન્નત)ની વિરૂધ્ધ કાર્ય કરે તો પછી તવહીદનું ઉલ્લંઘન થયું છે પછી ભલેને તે વ્યકિત રસુલ (સ.અ.વ.)ના સહાબી હોય કે આપ (સ.અ.વ.)ની પત્નિ.
3) જ્યારે સામાન્ય મુસલમાનો અને સહાબીઓ આ દુનિયા અને આખેરતની બાબતમાં માધ્યમ (વસીલા) બની શકે છે તો પછી રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમની પાક એહલેબય્ત (અ.મુ.સ.) આના વધુ હક્કદાર છે. બલ્કે મુસલમાનોએ દુનિયા અને આખેરતની કોઈપણ બાબતમાં તેમનાથી હટીને બીજા પાસે જવું ન જોઈએ.
4) અમૂક મુસલમાનો એવા દાવો કરે છે કે આપણે વસીલા તરફ ત્યારેજ રજુ થવું જોઈએ જ્યારે તે વ્યકિત જીવંત હોય, નહિ કે તેની વફાત બાદ કારણકે તે શીર્ક છે. આ દલીલ પાયા વગરની છે કારણકે તેમાં મહત્વના સિધ્ધાંત વસીલાની કમી છે, જે કુરઆને કરીમ અને સુન્નત દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. અહિંયા માપદંડ જીવન અથવા મૃત્યુ નથી. હઝરત યુસુફ (અ.સ.)નું જાહેર અને નિર્જીવ પહેરણ ખુદ હઝરત યુસુફ (અ.સ.)ની જેટલુંજ તેમના પિતા હઝરત યાકુબ (અ.સ.)ની નાબીનાઈને દૂર કરવા માટે વસીલો હતું. આ નિર્જીવ પહેરણને વસીલો કરાર દેવાથી તવહીદ ઉપર કોઈ આંચ નથી આવતી. નહિંતર હઝરત યુસુફ (અ.સ.) કયારેય તેમનુ પહેરણ ન આપતે અને ન તો હઝરત યાકુબ (અ.સ.) તેનો સ્વિકાર કરતે.
Be the first to comment