જશ્નનું આયોજન કરવાના ફાયદાઓ

વાંચવાનો સમય: 11 મિનિટ

ઈસ્લામી શિક્ષણનો પાયો વિલાયત અને બરાઅત ઉપર છે. અહીંથી જ આપણે અમ્રબિલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કરના હેતુને સમજી શકીએ છીએ. ઈમામે હુસૈન (અ.સ.) ની શહાદતનો હેતુ પણ આજ હતો. ઈસ્લામના વર્તુળમાં રહીને જેણે વિલાયત અને બરાઅતના અર્થને ન સમજ્યો અને તેના ઉપર અમલ ન કર્યો તેના કરતાં વધારે બદનસીબ વ્યકિત કોણ હોય શકે?

આજ હેતુને ધ્યાનમાં રાખીને મુસલમાનો દરમ્યાન એક રિવાજ જે સદીઓથી ચાલ્યો આવે છે તે છે ખાસ તારીખોના પ્રસંગોએ જશ્ન અને મેહફિલોનું આયોજન કરવું. એટલા માટે કે મઅસુમીન (અ.સ.) ની વિલાયત અથવા પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની બેઅસત અથવા મેઅરાજ વિગેરે બાબરકત તારીખોમાં જશ્ન અને મેહફિલોનું આયોજન કરવાથી લોકોની મઝહબી લાગણીઓ ખીલે છે અને તેમને યાદ કરવાથી તે બનાવોના સંજોગો અને તેનું વર્ણન તરો-તાજા રહે છે. તેટલા માટે આવા જશ્ન અને મેહફિલો ઘણાજ ફાયદાઓ, બરકતો અને મહત્વ ધરાવે છે. આ કાર્ય તેની બરકત અને મહત્તવ ના લીધે અંજામ આપવામાં આવે છે, ભલે પછી તે ઈમામ (અ.સ.) ની વિલાદત હોય અથવા રસુલુલ્લાહ (સ.અ.વ.) ની બેઅસત કે મેઅરાજ, વિગેરે હોય.

મુસલમાનો ખાસ રાતો અથવા દિવસોમાં મઅસુમીન (અ.સ.) થી ફૈઝ અને રૂહાની ફાયદો મેળવવા માટે આવી મહેફીલો અને જશ્નમાં શિરકત કરે છે અને તેમની ઈનાયતોથી મહાન બરકતો અને સવાબ મેળવે છે. પરંતુ અફસોસ સદ અફસોસ કે જ્યારથી વહાબી લોકો અસ્તિત્વમાં આવ્યા છે, તેઓ પોતે તો આ બરકતો અને સવાબથી વંચિત છે પરંતુ બીજાઓને પણ આ સવાબથી વંચિત રાખવા માંગે છે, એટલા માટે તેઓ વિવિધ પ્રકારના હિલા, બહાનાઓ અને વાંધાઓ થકી આ કાર્યોને રોકવાની કોશીશો કરતા રહે છે. કદાચ તેઓ જાણી જોઈને ઈસ્લામના દુશ્મનોની ઈચ્છાઓને અમલમાં મુકે છે. કારણકે ઈસ્લામના દુશ્મનો ક્યારેય એવું નથી ઇચ્છતા કે મુસલમાનો પોતાના મુકદ્દસ લોકોની યાદને જીવંત રાખે અને દર વર્ષે પોતાના અહદને તાજો કરતા રહે જેથી તેમના શરીરોમાં ઈસ્લામની રૂહ ધડકતી રહે.

આ વિષયના મહત્વને ધ્યાનમાં રાખીને વાંચકો માટે વહાબીઓના તેને લગતા વાંધાઓ અને તેના જવાબો ઉપર એક ઉપલક નજર નાખીશું.

વહાબીઓના ફતવાઓ:

૧) ઈબ્ને તૈમીયા કહે છે:-

બીજો પ્રકાર, તે દિવસો છે જેમાં અમુક બનાવો બન્યા હતા, જેમકે ૧૮ મી ઝિલ્હજ. બધાં લોકો તે દિવસને ‘ઈદ” ગણે છે જેનું કોઈ મૂળ કે બુનિયાદ નથી. કારણકે સલફે સાલેહ અને એહલેબય્ત (અ.સ.) અને બીજા લોકોએ આ દિવસને ‘ઈદ” તરીકે નથી ગ•યો. ઈદ તે દિવસને કહેવામાં આવે છે જેમાં શરીઅતના કાયદાઓનું અનુસરણ કરવું જોઈએ, નહીં કે બિદઅતનું. આ કાર્ય ઈસાઈઓના કાર્ય જેવું છે, જેઓ હઝરત ઈસા (અ.સ.) થી સંબંધિત બનાવોને ‘ઈદ” તરીકે મનાવે છે.

(ઈકતેઝાઉસ સેરાતુલ મુસ્તકીમ, પાના નં. ૩૯૨-૩૯૫)

૨) શૈખ અબ્દુલ અઝીઝ બિન બાઝ કહે છે:

પયગમ્બર (સ.અ.વ.) અને ગૈરે પયગમ્બર (સ.અ.વ.) માટે મેહફિલો અને જશ્નનું આયોજન કરવું જાએઝ નથી અને આ કાર્ય દીનમાં બિદઅત છે. કારણકે પયગમ્બર (સ.અ.વ.) અને ખોલફાએ રાશેદીન અને બીજા તાબેઈન સહાબીઓએ આવા પ્રકારનું કોઈ કાર્ય અંજામ નથી આપ્યું.

(મજમુએ કઝાવી વ મુકાલાતે મતનુઅહ, ભાગ-૧, પાના નં. ૧૮૩)

૩) વહાબી મુફતીઓની જમાઅત કહે છે:

અંબિયા અને સાલેહીનના શોકમાં અને તેમની વિલાદતના દિવસે તેમની યાદને જીવંત કરવી, અથવા અલમ ઊપાડવો, તેમની કબ્ર ઉપર ચિરાગ કે મિણબત્તી સળગાવી અથવા કબ્રની નજદીક જશ્ન મનાવવું જાએઝ નથી. કારણકે આ બધી બાબતો તે બિદઅતોમાંથી છે જેને દીનમાં ઘુસાડી દેવામાં આવી છે અને તે શીર્કનો દાખલો છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.), અંબિયા, સલફે સાલેહ અને સાલેહીને આવા કામ ને અંજામ નથી આપ્યું. સહાબા અને મુસલમાનોના ઇમામોમાંથી કોઈએ પણ ત્રણ સદીઓમાં કે જેને શ્રેષ્ઠ સદીઓ કહેવાય છે આવું કાર્ય અંજામ આપ્યું નથી.

(અલ્-લહજતો અદ્‌-દાએમતો મેનલ ફોતુર, પા. ૧૭૪)

૪) ઈબ્ને ફવઝાન કહે છે:

આ ઝમાનામાં બિદઅતો ખુબજ વધારે છે. તેમાંથી એક પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની વિલાદતની તારીખ, ૧૨ મી રબ્બીઉલ અવ્વલે જશ્ન મનાવવું અને મેહફિલોનું આયોજન કરવું છે.

(અલ બિદઅહ, ઈબ્ને ફવઝાન, પાના નં. ૨૫/૨૭)

૫) ઈબ્ને ઓસયમીન કહે છે:

બાળકો માટે તેમના જન્મ દિવસે જશ્ન મનાવવું અલ્લાહના દુશ્મનો સાથે સામ્યતા ધરાવે છે અને આ મુસલમાનો નો રિવાજ ન હતો. બલ્કે મુસલમાનોને બીજાઓ પાસેથી આ વારસામાં મળેલ છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે:-

‘જે શખ્સ કોઈ કૌમની સાથે સામ્યતા ધરાવશે તેનો શુમાર એજ કૌમમાં થશે.”

(ફતવા મનારો અલ્-ઈસ્લામ, ભાગ-૧, પાના નં. ૪૩)

મેહફીલોનું આયોજન મોહબ્બત અને દુશ્મની પ્રદર્શિત કરવાનું માધ્યમ છે.

મોહબ્બત અને દુશ્મની બે એવી બાબતો છે જે ઈન્સાનની ફિતરતના ઉંડાણમાં જોવા મળે છે. આ બંને બાબતો તેનામાં ચાહત હોવી કે ન હોવાનું નામ છે.

મોહબ્બતનું વાજીબ હોવું

અકલી અને રિવાઈ દલીલોથી તે સ્પષ્ટ છે કે ઈન્સાન માટે અમુક મોહબ્બતો વાજીબ અને જરૂરી છે તેમાંની અમુક નીચે મુજબ છે.

૧) અલ્લાહ તઆલા:

અલ્લાહની ઝાત તે ઝાત છે કે જેનાથી મોહબ્બત કરવી દરેક ઈન્સાનની મૂળભૂત ફરજ છે અને તે પણ એટલા માટે કે અલ્લાહ (ત.વ.ત.) બધી જ સિફાતો અને કમાલાતોમાં અનોખો છે અને તમામ મખ્લુક અલ્લાહ સાથે સંકળાએલી છે. આથી અલ્લાહ તઆલા કુરઆને કરીમમાં ફરમાવે છે:

કુલ ઈન કાન આબાઓકુમ વ અબ્નાઓકુમ વ ઈખ્વાનોકુમ વ અઝવાજોકુમ વ અશીરતોકુમ વ અમવાલુક તરફતોમૂહા વ તેજારતુન તખ્શવન કસાદહા વ મસાકેનો તરઝવનહા અહબ્બ એલય્કુમ મેનલ્લાહે વ રસૂલેહી વ જેહાદિન ફી સબિલેહી ફતરબ્બસૂ હત્તા યઅતેયલ્લાહો બે અમ્રેહી. વલ્લાહો લા યહદીલ કવ્મલ ફાસેકીન

“અય રસુલ! કહી દો. અય લોકો! અગર તમારા બાપ-દાદા, તમારી ઔલાદ, તમારા ભાઈઓ, તમારી પત્નીઓ અને તમારા સગાઓ અથવા એ માલ કે જે તમોએ એકઠો કર્યો છે અને તે વેપાર કે જેના નુકશાનના બારામાં ચિંતિત રહો છો અને તે મકાનો કે જગ્યાઓ કે જેને તમો પસંદ કરો છો, આ બધું તમારી નજરોમાં અલ્લાહ, તેના રસુલ અને અલ્લાહની રાહમાં જેહાદ કરવા કરતા તમને વધારે પસંદ છે તો પછી સમયની રાહ જુઓ એટલે સુધી કે અલ્લાહ નો હુકમ આવી જાય. અને અલ્લાહ ફાસિક લોકોની હિદાયત કરતો નથી.”

(સુરએ તૌબા, ૨૪)

૨) પયગમ્બરે અકરમ (સ.અ.વ.)

એ લોકો કે જેમની સાથે અલ્લાહ ખાતર દોસ્તી અને મોહબ્બત રાખવી જોઈએ તેમાંથી પયગમ્બરે અકરમ (સ.અ.વ.) છે. કારણકે આપ (સ.અ.વ.) તશરીઈ અને તકવીનમાં ફૈઝનું માધ્યમ છે. એટલાજ માટે ઉપરની આયતમાં અલ્લાહની સાથે રસુલુલ્લાહ (સ.અ.વ.) નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આપ (સ.અ.વ.) ની મોહબ્બતનો હુકમ આપવામાં આવ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ફરમાવે છે:

અહિબ્બુલ્લાહ લેમા યગ્ઝુકુમ વ અહિબ્બૂની બેહુબ્બીલ્લાહે

‘અલ્લાહથી મોહબ્બત કરો કારણકે તે તમને રોઝી આપે છે અને અલ્લાહની મોહબ્બત ખાતર મને મોહબ્બત કરો”

(મુસ્તદરકે હાકીમ, ભાગ-૩, પાના નં. ૧૪૯)

રસુલે અકરમ (સ.અ.વ.) ની ફઝીલતો અને કમાલાત એવા છે કે જેના લીધે દરેક ન્યાયપ્રિય ઈન્સાન તેમની તરફ ખેંચાય છે અને તેના દિલમાં આપ (સ.અ.વ.) ની મોહબ્બત પૈદા થઈ જાય છે.

૩) એહલેબય્ત (અ.મુ.સ.)

જે લોકો સાથે મોહબ્બત કરવી વાજીબ છે તેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) ના એહલેબય્ત (અ.મુ.સ.) છે. કારણકે આ લોકો તે ઉપરાંત ફઝીલતો અને કમાલાતોના ખઝાના છે અને તશરીઈ અને તકવીની બાબતો માટે ફૈઝનું માધ્યમ છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તેમની સાથે મોહબ્બત કરવાનો હુકમ આપ્યો છે. જેમકે ઉપરોકત હદીસ હેઠળ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે કે:

વ અહિબ્બુ અહલબય્તી લે હુબ્બી

‘અને મારી મોહબ્બત ખાતર મારા અહલેબૈત (અ.સ.) ની સાથે મોહબ્બત કરો.”

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આલ સાથે મોહબ્બત કરવાના કારણો:

‘અને મારી મોહબ્બત ખાતર મારા અહલેબૈત (અ.સ.) ની સાથે મોહબ્બત કરો.”

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આલ સાથે મોહબ્બત કરવાના કારણો:

કારણકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની મોહબ્બત વાજીબ છે, આપ (સ.અ.વ.) ના એહલેબય્ત (અ.સ.) ની મોહબ્બત પણ અમુક કારણોના લીધે વાજીબ છે. (૧) એહલેબય્ત (અ.સ.) નો રસુલે અકરમ (સ.અ.વ.) સાથેનો સંબંધ (૨) એહલેબય્ત (અ.સ.) અલ્લાહ અને તેના રસુલના ચહિતા છે (૩) એહલેબય્ત (અ.સ.) સાથેની મોહબ્બત અજ્રે રિસાલત છે (૪) કયામતના દિવસે એહલેબય્ત (અ.સ.) ની મોહબ્બત વિષે સવાલ કરવામાં આવશે (૫) એહલેબય્ત (અ.સ.) કુરઆનની સમકક્ષ છે (૬) એહલેબય્ત (અ.સ.) ની મોહબ્બત ઈમાનની શર્ત છે (૭) એહલેબય્ત (અ.સ.) નજાતની કશ્તી છે (૮) એહલેબય્ત (અ.સ.) ની મોહબ્બત ઈબાદત અને આઅમાલ કબુલ થવાની શર્ત છે (૯) એહલેબય્ત (અ.સ.) જમીન માટે સલામતીનું કારણ છે.

ઉપર જેટલા પણ કારણો દર્શાવવામાં આવ્યા છે તે દરેક માટે ભરોસાપાત્ર રિવાયતો મૌજુદ છે. ટુંકાણને ધ્યાનમાં રાખતા તેને નજરઅંદાજ કરીએ છીએ. તે વાત ઉપર ધ્યાન આપવા જેવું છે કે મોહબ્બત એક એવી વસ્તુ છે કે જે ફકત અર્થ અને શબ્દોમાં બયાન કરી શકાતી નથી એટલે જ શાયરે ખુબજ સાચું કહ્યું છે:

।મોહબ્બત મઅની વ અલ્ફાઝ મેં લાઈ નહીં જાતી,

યે વોહ નાઝુક હકીકત હૈ જો સમજાઈ નહીં જાતી.”

મોહબ્બત જ્યારે લોહીમાં દોડે છે તો મોહબ્બત કરનારો મેહબુબના રસ્તા ઉપર અનાયાસે વગર પ્રયત્ને નિકળી પડે છે. મોહબ્બતના આકર્ષણની આજ હાલત છે.

આથી વાતનું તારણ એ છે કે મેહફિલોનું આયોજન કરવું અને જશ્ન ગોઠવવું મેહબુબની મોહબ્બત પ્રગટ કરવાના માધ્યમોમાંનું એક માધ્યમ છે. કારણકે આપણે જાણીએ છીએ કે લોકો મોહબ્બતના દરજ્જામાં એક બીજા કરતા જુદા હોય છે. તદ્‌-ઉપરાંત મોહબ્બત દિલના ઉમંગ અને શોખનું નામ છે. બલ્કે મોહબ્બત પોતેજ પોતાની ઓળખાણ કરાવે છે. તે ઈન્સાનની વાણી અને વર્તણુંક ઉપર અસર કરે છે. બાહ્ય અસર ફકત ઇતાઅત અને પયરવી પુરતી મર્યાદિત નથી જેમકે અમૂક લોકો એમ માને છે. બલ્કે મોહબ્બતની બીજી ઘણી અસરો અને જલ્વા છે જે મોહબ્બત હોવાની સ્પષ્ટ સાબિતીઓ છે. મોહબ્બતની અસરોને ટુંકમાં નીચે પ્રમાણે ક્રમવાર સમજાવી શકાય છે (૧) ઈતાઅત અને પયરવી (૨) મેહબુબની મુલાકાત (૩) મેહબુબની ઈઝઝત અને તેનો એહતેરામ (૪) મેહબુબની જરૂરિયાતોને પૂરી કરવી (૫) મેહબુબનો બચાવ કરવો (૬) મેહબુબની જુદાઈમાં ગમગીન રહેવું જેવી રીતે હ. યુસુફ (અ.સ.) ની જુદાઈમાં હ. યઅકુબ (અ.સ.) નો ગમ (૭) મેહબુબની નિશાનીઓનું રક્ષણ (૮) મેહબુબના વંશ-વેલાનો એહતેરામ કરવો (૯) મેહબુબ સાથે નિસ્બત ધરાવતી વસ્તુઓને ચુમવું (૧૦) મેહબુબની વિલાદતના દિવસે મેહફિલ અને જશ્નનું આયોજન કરવું અને કસીદા ખ્વાની યોજવી.

કુરઆનમાં જશ્ન અને મેહફીલનો વસ્તુ વિચાર:

કુરઆનની આયતો ઉપર વિચાર કરવાથી જાણવા મળે છે કે કોઈની યાદમાં મેહફિલ અને મજલીસનું આયોજન કરવું કુરઆનના દ્રષ્ટીકોણથી સારૂ કાર્ય છે. આ એવું કાર્ય છે કે જેનું કુરઆને સમર્થન કર્યુ છે અને પ્રોત્સાહન પણ આપ્યું છે.

૧) હજ્જ સંબંધિત આયતોથી આ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે હજ્જના મોટાભાગના અરકાનો અંબિયા (અ.મુ.સ.) ની યાદને તાજી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો હજ્જ કરીને તેઓને યાદ કરવા. દાખલા તરીકે:

(અ) મકામે ઈબ્રાહીમ:-

અલ્લાહ (ત.વ.ત.) ફરમાવે છે:

વત્તખેઝુ મીન મકામે ઈબ્રાહીમ મુસલ્લન

“મકામે ઈબ્રાહિમને અલ્લાહની ઈબાદતની જગ્યા બનાવો.”

(સુરએ બકરહ, આયત નં. ૧૨૫)

અલ્લાહ (સુ.વ.ત.) આ આયતે કરીમામાં ઈર્શાદ ફરમાવે છે કે મુસલમાનો હ. ઈબ્રાહિમ (અ.સ.) ના પગોની જગ્યાને બાબરકત સમજીને તે જગ્યાને નમાઝ પઢવા માટે પસંદ કરે, જેથી હઝરત ઈબ્રાહિમ (અ.સ.) અને કાબા બનાવવાની યાદ તાજી થાય.

બુખારી પોતાની કિતાબ સહીહમાં નકલ કરે છે કે ખાનએ કાબાને બનાવતી વખતે જ. ઈસ્માઈલ (અ.સ.) પત્થર લાવતા અને જ. ઈબ્રાહિમ (અ.સ.) અલ્લાહના ઘરનું બાંધકામ કરતા, ત્યાં સુધી કે કાબાની દિવાલો ઊંચી થઈ ગઈ. પછી એક પત્થર લાવવામાં આવ્યો. જ. ઈબ્રાહિમ (અ.સ.) તે પત્થર ઉપર ઉભા રહીને ખાનએ કાબાનું બાંધકામ કરતા રહ્યા ત્યાં સુધી કે ખાનએ કાબાનું બાંધકામ પૂર્ણ થઈ ગયું.

(સહીહ બુખારી, કિતાબુલ અંબીયા, ભાગ-૬, પાના નં. ૧૫૮)

(બ) સફા અને મરવા:-

અલ્લાહ (સુ.વ.ત.) ઈર્શાદ ફરમાવે છે:

ઈન્નસ સફા વલ મરવત મીન શઆએરીલ્લાહે ફ મન હજ્જલ બયત અવેઅતમર ફલા જોનાહ અલય્હે અય્યત્તવ્વફ બેહેમા વ મન તવ્વઅ ખયરન ફ ઈન્નલ્લાહ શાકેરૂન અલીમ

“બેશક સફા અને મરવા અલ્લાહની નિશાનીઓ છે. પછી જે પણ માણસ બયતુલ્લાહની હજ્જ અથવા ઊમરા બજાવી લાવે તેના માટે આ બન્નેની દરમ્યાન સઈ કરે.”

(સુરએ બકરહ, ૧૫૮)

અલ્લાહ તઆાલાએ જ. હાજરાની કોશિશોની યાદને તાજી રાખવા માટે સફા અને મરવાની વચ્ચે ‘સઈ” કરવાને હજ્જનું રૂકન બનાવ્યું છે.

બુખારી કહે છે કે:

જ. ઈબ્રાહિમ (અ.સ.) જ્યારે જનાબે હાજરા અને પોતાના ફરઝંદ જનાબે ઈસ્માઈલ (અ.સ.) ને મક્કાની સરઝમીન ઉપર છોડીને ગયા અને પાણી ખત્મ થઇ ગયું અને જ્યારે તેઓ બંનેને ખુબજ તરસ લાગી અને દીકરો તરસની તીવ્રતાના લીધે તરફડવા લાગ્યો, ત્યારે જનાબે હાજરા તડપી અને પાણીની શોધમાં સફા તરફ ગયા કે તેમને કોઈ મળી જાય અને તેનાથી પાણી તલબ કરે. પરંતુ સફાના પહાડ ઉપરથી માયુસ થઈને નીચે ઉતર્યા અને ઝડપથી મરવાના પહાડ ઉપર તે હેતુથી ચઢયા કે કોઈ મળી જાય અને તેની પાસે પાણીનો સવાલ કરે. પરંતુ ત્યાં પણ કોઈ દેખાયું નહિં અને આ અમલ સાત વખત અંજામ આપ્યો. ઈબ્ને અબ્બાસ પયગમ્બર (સ.અ.વ.) થી નકલ કરે છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું, તેના લીધે હાજી સફા અને મરવાહની વચ્ચે સાત વખત ચક્કર લગાવે છે.

(સહીહ બુખારી, કિતાબુલ અંબીયા, ભાગ-૨, પાના નં. ૧૫૮)

(ક) કુરબાની:

અલ્લાહ (ત.વ.ત.) ઈર્શાદ ફરમાવે છે:

ફબશ્શરનાહો બે ગુલામીન હલિમીન. ફલમ્મા બલગ મઅહુસ્સઅય કાલ યા બુનય્ય ઈન્ની અરા ફીલ મનામે અન્ની અઝબહોક ફન્ઝુર માઝા તરા. કાલ યા અબતીફઅલ માતુઅમરો. સતજેદુની ઈન્શાઅલ્લાહો મેનસ્સાબેરીન. ફલમ્મા અસ્લમા વ તલ્લહુ લીલજબીન. વનાદયનાહો અન યા ઈબ્રાહીમો. કદ સદ્દકતર રોઅયા ઈન્ના કઝાલેક નજઝીલ મોહસેનીન. ઈન્ન હાઝા લહોવલ બલાઉલમોબીન. વફદયનાહો બે ઝીબ્હીન અઝીમ.

“પછી અમોએ તેમને એક સહનશીલ ફરઝંદની ખુશખબરી આપી. પછી જ્યારે તે ફરઝંદ એમની સાથે હરવા ફરવાને લાયક થયો ત્યારે તેમણે તેને કહ્યું, અય મારા ફરઝંદ! મેં સપનામાં જોયું કે હું તમને કુરબાન કરી રહ્યો છું. માટે તું બતાવ કે તારો શું મત છે. તેણે કહ્યું! અય મારા પિતા તમને જે કાંઈ હુકમ આપવામાં આવ્યો છે તેના ઉપર અમલ કરો. અગર અલ્લાહ ચાહશે તો તમે મને ધિરજ ધરનારાઓમાંનો પામશો. પછી જ્યારે તેઓ બન્ને (અલ્લાહની આજ્ઞાને) આધિન થઈ ગયા પછી તેમણે તેમને જમીનની ઉપર ઉંધે મોઢે સુવડાવી દીધા. ત્યારે અમે તેમને નિદા આપી, અય ઈબ્રાહીમ! નિસંશય તમે તમારા સપનાને સાચુ કરી દેખાડયું. અમે નેકી કરનારાઓને આજ રીતે ઉમદા બદલો આપ્યા કરીએ છીએ. બેશક આ એક સ્પષ્ટ આજમાઈશ હતી અને અમે તેને એક મહાન કુરબાની થકી બદલી નાંખી.”

(સુરએ સાફ્ફાત, આયત નં. ૧૦૧ થી ૧૦૬)

અલ્લાહ તઆલાએ આ કુરબાનીની કદર કરવા માટે હાજીઓને હુકમ આપ્યો કે મીનામાં હ. ઈબ્રાહિમ (અ.સ.) ની પયરવી કરે અને તેમના મહાન કાર્ય અને ઇમ્તેહાનને યાદ કરે અને મીનામાં કુરબાની પેશ કરે.

આટલી આયતો ઉપર સંતોષ માનીને હદીસો તરફ રજુ થઈએ અને જોઈએ કે હદીસો આ બારામાં શું ફરમાવે છે.

મેહફિલો-જશ્નનું આયોજન: હદીસોની રોશનીમાં

જ્યારે આપણે હદીસો તરફ નજર કરીએ છીએ તો જાણવા મળે છે કે હદીસોમાં પણ તેના જાએઝ અને યોગ્ય હોવાની સ્પષ્ટતા જોવા મળે છે. અમુક હદીસોને જોઈએ.

૧) સહીહ મુસ્લીમમાં ઈબ્ને કતાદાહથી રિવાયત છે:

સોમવારના દિવસે રોઝા રાખવા બાબતે રસુલુલ્લાહ (સ.અ.વ.) ને પુછવામાં આવ્યું તો રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘તેનું કારણ એ છે કે હું તે દિવસે પૈદા થયો અને એજ દિવસે મારા ઉપર કુરઆન નાઝિલ થયું છે.”

(મુસ્લીમ, ભાગ-૨, પાના નં. ૮૧૯)

૨) બયહકી અનસથી નકલ કરે છે:

પયગમ્બરે અકરમ (સ.અ.વ.) નબુ્વ્વતના મનસબ ઉપર ફાએઝ થયા પછી પોતાના તરફથી અકીકો કર્યો. જ્યારે કે રિવાયતોમાં આવ્યું છે કે પયગમ્બર (સ.અ.વ.) ના દાદા જ. અબ્દુલ મુત્તલીબ એ રસુલુલ્લાહ (સ.અ.વ.) ની વિલાદતના સાતમાં દિવસે આપ (સ.અ.વ.) નો અકીકો કર્યો.

સિયુતી કહે છે, અકીકો કયારેય પણ બે વાર કરવામાં નથી આવતો. તેથી પયગમ્બર (સ.અ.વ.) ના આ કાર્યને તે આધારે માનવું જોઈએ કે પયગમ્બર (સ.અ.વ.) એ શુક્રના તૌર ઉપર તે વાત માટે કે અલ્લાહે તેમને પૈદા કર્યા અને તમામ આલમીન માટે રહમત બનાવ્યા, અકીકો કર્યો હતો. બલ્કે તેવી રીતે જેવી રીતે પયગમ્બર પોતાના ઉપર દુરૂદ પઢે છે તેથી આ કારણે મુસ્તહબ છે કે આપણે પણ અલ્લાહનો શુક્ર અદા કરવા માટે પયગમ્બર (સ.અ.વ.) ની વિલાદતના દિવસે ભેગા થઈએ અને લોકોને ખાવાનું ખવરાવીએ અને બીજા એવા કામો કરીએ કે જે અલ્લાહની નજદીકીનું કારણ બને અને અલ્લાહનો શુક્ર જાહેર થાય.

(સહીહ તિરમીઝી, પાના નં. ૪૬૧)

૩) હાફિઝ બિન નાસીરૂદ્દીન દમીશ્કી કહે છે:

કદ સહ્હે અન્ન અબા લહબીન યખીફ્ફો અન્હુલ અઝાબ ફી મસઅલે યવ્મીલ ઈસ્નયને લેએઅતાકેહી નોવયબત સોરૂરન બે મીલાદીન નબી

‘સહીહ હવાલાથી રિવાયત નકલ થઈ છે કે સોમવારના દિવસે અબુ લહબના અઝાબને ઘટાડી દેવામાં આવે છે. કારણકે પયગમ્બર (સ.અ.વ.) ની વિલાદતના દિવસે તેણે પોતાની કનીઝ નવય્બાને વિલાદતની ખુશીના લીધે આઝાદ કરી દિધી હતી.”

આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે જ્યારે એક કાફિરને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વિલાદતની ખુશીમાં પોતાની કનીઝને આઝાદ કરી દેવાના કારણે તેના અઝાબમાં ઘટાડો થઈ જાય છે તો એક મોઅમીનને વિલાદતના મૌકા ઉપર મેહફિલ અને જશ્નનું આયોજન કરવામાં કેટલો સવાબ અને મરતબો હાસિલ થશે?

એહલે સુન્નતની નઝદીક મીલાદ:

એહલે સુન્નતના આલિમોએ પયગમ્બર (સ.અ.વ.) ની વિલાદતનું જશ્ન મનાવવાના વખાણ કર્યા છે અને તેની નેક કાર્યોમાં ગણતરી કરી છે અને તેને મુસ્તહબ ગણાવેલ છે, તેઓમાંથી અમુકનો ઊલ્લેખ કરીએ છીએ:

૧) કસ્તલાની: મવાહીબો અદ્‌-દનીય્યહમાં લખે છે: ઈતિહાસમાં ઘણા લાંબા સમયથી પયગમ્બર (સ.અ.વ.) ની વિલાદતના મહિનામાં મુસલમાનો જશ્ન મનાવે છે અને લોકોને જમાડે છે, જાત-જાતના સદકાઓ આપે છે અને ગરીબોની મદદ કરે છે અને કસીદાઓ પઢીને પોતાની ખુશીને જાહેર કરે છે… અલ્લાહ તઆલા રહમત નાઝિલ કરે તે લોકો ઉપર જેઓ આ પ્રકારના મહાન કામો અંજામ આપે છે.

(મવાહીબો અદ્‌-દનીય્યહ, ભાગ-૧, પાના નં. ૧૨૮)

૨) સિયુતી કહે છે: રબ્બીઉલ અવ્વલના મહિનામાં કસીદા અને નઅત પઢવા વિશે મને પુછવામાં આવ્યું કે આ કાર્ય શરીઅતની નજરમાં વખાણવા લાયક છે કે વખોડવા લાયક છે? કોઈ શખ્સ આવું કાર્ય કરે તો તેને સવાબ મળશે કે નહિં?

તેનો જવાબ એ છે કે નઅત અને કસીદાખ્વાની અને મવલુદના જશ્નનું આયોજન કરવામાં આવે છે કે લોકો એકઠા થાય જેથી અમુક આયતોની તિલાવત કરે, પયગમ્બર (સ.અ.વ.) ની શાનમાં હદીસો વાંચે અને છેલ્લે ખાણું લાવવામાં આવે અને લોકોની દરમ્યાન વહેંચવામાં આવે, આ એક નેક કાર્ય છે. તેમાં શિરકત કરવાવાળા અને તેના બાની (આયોજન કરવાવાળા) બંનેને સવાબ મળશે અને અજ્ ર આપવામાં આવશે કારણકે આ કાર્યથી રસુલુલ્લાહ (સ.અ.વ.) ના માન અને મરતબાનો આદર થાય છે અને આં હઝરત (સ.અ.વ.) ની વિલાદતના દિવસની ખુશીનો ઈઝહાર છે.

(અલ હાદીયુલ ફતાવી, ભાગ-૧, પાના નં. ૧૯૭-૪૮૬)

૩) શૈખ અબ્દુલ્લાહ હરવી જે હબ્શીના નામે ઓળખાય છે તે કહે છે:

રસુલુલ્લાહ (સ.અ.વ.) ની યાદમાં જલ્સાનું આયોજન કરવું પસંદીદા કાર્ય છે અને તેના ઈન્કાર માટેની કોઈ દલીલ નથી. પરંતુ યોગ્ય એ છે કે આપણે તેને સુન્નતે હસના (સારી સુન્નત) નું નામ આપીએ.

(અર્-રવાએજો અઝ્-ઝકીય્યા, પાના નં. ૩૩)

આ સિવાય પણ ઘણા બધા આલિમો અને બુઝુર્ગોએ મેહફિલો અને જશ્નનું આયોજન મુસ્તહબ હોવાની ઘણી દલીલો રજુ કરી છે. આપણે ટુંકાણના લીધે અહિંજ સંતોષ માનીએ છીએ.

હવે તે શંકાઓ અને વાંધાઓ તરફ નજર કરીએ જે વહાબી લોકો તમામ મુસલમાનો સામે રજુ કરે છે.

૧) કોઈની યાદમાં મેહફિલનું આયોજન કરવું તે અલ્લાહ સિવાય કોઈ બીજાની ઈબાદત છે?

જવાબ: આ વાત પોતાની જગ્યાએ નિર્વિવાદ છે કે ઈબાદતની લાગણી ત્યારે જ પૈદા થાય જ્યારે ઉલુહીય્યત અને રૂબુબીય્યતના અકીદાની સાથે કોઈને આદર અને માન દેવામાં આવે. હવે આદર અને માન આપવામાં જો અગર આ તત્વો જોવા ન મળે તો પારિભાષિક રીતે તેને ઈબાદત કહી શકાય નહીં.

૨) આ પ્રકારનું જશ્ન અને જલ્સો સામાન્ય રીતે હરામ કાર્યો વગર શકય નથી જેવી રીતે ઔરતો અને મર્દોનું સાથે ભેગા થવું, સંગીત અને મ્યુઝીક, વિ.??

જવાબ: ગુનાહ કોઈપણ સમયે અને જગ્યાએ કરવામાં આવે તે હરામ છે, પછી ભલે તે જશ્ન અને મેહફિલો જેવા કાર્યક્રમોમાં કરવામાં આવે અથવા બીજી કોઈ જગ્યાએ. આપણે વખાણવા લાયક કાર્યોને આવા ગુનાહોના કારણે હરામ અથવા નાજાએઝ હોવાનો ફતવો આપી શકતા નથી.

(અલ હાદી લફતાવી સુયુતી, ભાગ-૧, પા. ૮૯)

૩) પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘પોતાના ઘરોને કબ્રો અને મારી કબ્રને ઈદ ન બનાવો”

ઈબ્ને કય્યુમે આ હદીસ ટાંકીને જશ્ન અને મેહફિલોનું મનાવવું હરામ હોવાના ટેકામાં આ દલીલ રજુ કરી છે.

જવાબ: (૧) સર્વપ્રથમ તો આ હદીસમાં જે વાતનો દાવો કરવામાં આવ્યો છે તેનાથી ખાસ છે. કારણકે રિવાયતમાં ફકત રસુલુલ્લાહ (સ.અ.વ.) ની કબ્રનું વર્ણન છે અને બીજી કોઈ જગ્યાનું વર્ણન થયું નથી.

બીજું તે કે ઈન્સાન માટે જરૂરી છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) ની સમક્ષ વિનમ્રતા અને વિનયથી રહે. અને પયગમ્બર (સ.અ.વ.) ની કબ્રની નજીક આવા પ્રકારની કોઈ ખુશી જાહેર કરવાનો કોઈ મોકો નથી. પરંતુ તેમા કોઈ હરજ નથી કે બીજી જગ્યાએ આવા પ્રકારના જલ્સા અને જશ્નનું આયોજન કરવામાં આવે.

સબકી કહે છે: એવી શકયતા પણ છે કે હદીસનો અર્થ આમ હોય કે:

‘મારી કબ્રને ઈદના દિવસની જેમ ન બનાવો બલ્કે મારી કબ્ર પાસે ઝિયારત, સલામ અને દોઆ પઢો.”

૪) સલફે સાલેહે આવા કાર્યને અંજામ નથી આપ્યું??

જવાબ:

૧) સૈધ્ધાંતિક રીતે તે વાત સાબિત થઈ ચુકી છે કે મઅસુમનું કોઈ કાર્યને અંજામ ન આપવું કાર્યના હરામ હોવાની દલીલ નથી અને મઅસુમનું કોઈ કાર્યને અંજામ આપવું કાર્યના વાજીબ હોવાની દલીલ નથી. પરંતુ મઅસુમનું કોઈ કાર્યને અંજામ ન આપવું કાર્યના વાજીબ ન હોવાની અને મઅસુમનું કોઈ કાર્યનું અંજામ આપવું હરામ ન હોવાની દલીલ છે. બસ ફકત કાર્યનું અંજામ ન આપવું કાર્યના હરામ હોવાની અને જાએઝ ન હોવાની દલીલ નથી.

૨) ઈબ્ને તૈયમીયાના ઝમાના સુધી સિરત અને મુસલમાનો નો અમલ આવા રિવાજો અંજામ આપવાનો હતો. અને એહલે સુન્નતના આલિમોએ ખુબજ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે ઈજમાઅ એકમત હોવું હુજ્જત છે.

૩) એ બાબત કે જે ઈબ્ને તૈયમીયાની વાતમાં જોવા મળે છે કે: સલફે સાલેહ રસુલુલ્લાહ (સ.અ.વ.) થી વધારે મોહબ્બત કરતા હતા. અને અગર તે જાએઝ હોત તો તેઓ જરૂર તેને અંજામ આપતે. આ વાત રસુલુલ્લાહ (સ.અ.વ.) ની હદીસોથી વિરૂધ્ધ છે. કારણકે રસુલુલ્લાહ (સ.અ.વ.) ની એક હદીસમાં સહાબીઓને સંબોધીને કહેવામાં આવ્યું છે કે:

‘ખુબજ નજીકમાં જ એવી કૌમો પૈદા થશે જે મને તમારા કરતા વધારે ચાહતી હશે અને મોહબ્બત કરતી હશે”

(મજમઓ અઝ્-ઝવાએદ, ભાગ-૧, પાના નં. ૬૬)

૫) ખુશી ને જાહેર કરવા માટે કોઈ ખાસ દિવસે જશ્ન મનાવવું બિદઅત છે??

જવાબ: (૧) તે વાત સાબિત થઈ ગઈ છે કે અમુક જગ્યાઓ તેમા રહેનારાની બુઝુર્ગીના કારણે બલંદ મરતબો ધરાવતી બની જાય છે. તેવીજ રીતે કોઈ ઝમાનો અને સમય પણ કોઈ ખાસ અમલ અંજામ અપાવાના લીધે કદ્ર અને કિંમતનું કારણ બની જાય છે. જેમકે શબે કદ્ર, વિ.

બસ તો પછી અગર જશ્ન કોઈ ખાસ દિવસે જેમકે ગદીરના દિવસે અથવા રસુલુલ્લાહ (સ.અ.વ.) ની વિલાદતના દિવસે જશ્ન રાખવામાં આવે તો તે પણ એટલા માટે છે કે તે સમય મુબારક અને બરકતવાળો છે.

અંતમાં અલ્લાહ તઆલાની બારગાહમાં હાથો ઉઠાવીને દોઆ કરીએ છીએ કે અલ્લાહ આપણને આવા પ્રકારની શંકા-કુશંકાઓથી દુર રાખે અને આપણા મૌલા ઈમામે ઝમાના અ.ત.ફ.શ. ના ઝુહુરમાં જલ્દી કરે. આમીન.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*