ઈતિહાસ એ વાતનું સાક્ષી છે કે મુસ્લિમોએ ઇસ્લામની ઘણી વાસ્તવિકતાઓ અને હકીકતોને અવગણી છે. જ્યાં સીધે સીધો અસ્વીકાર શક્ય ન હતો ત્યાં તેમણે સત્યો અને પુરાવાઓને અવગણ્યા છે. પરંતુ અહેલેબ્ય્ત અ.મુ.સ.ની મહાનતા એટલી સ્પષ્ટ અને દ્રશ્ય જાહેર છે કે સામાન્ય મુસ્લિમ માટે એ અશક્ય છે કે તે તેમના ગુણોને અવગણે અથવા ઇનકાર કરે. હદીસે સક્લય્ન (બે વજનદાર ચીજોની હદીસ) આવી એક હકીકત છે. તે એટલી પ્રખ્યાત અને એટલી બધી વાર નકલ થઇ છે કે તેણે નકારનાર પણ તેનો ઇનકાર કરી શકતા નથી. આ હદીસમાં પયગંબર સ.અ.વ.મેં સમજાવ્યું છે કે કુરાન અને અહેલેબ્ય્ત અ.મુ.સ. તેમના મહત્વ અને ગુણોમાં એક સમાન છે. પયગમ્બરે વધુમાં ફરમાવ્યું કે આ બંને એકબીજાથી જુદા નહિ થાય ત્યાં સુધી કે મને હૌઝે કવસર પર મળે” યનાબીઉલ મવદ્દહના લેખક સુલેમાન કુન્દુઝી રિવાયત નકલ કરે છે કે “અસ સવએકુલ મોહર્રેકા નામની કિતાબમાં રસુલે અકરમ (સ.અ.વ.)થી આ હદીસ તેમના ૩૦ સહબીઓએ નોધી છે.
પયગંબર સ.અ.વ.ની પ્યારી પુત્રી હ. ફાતેમા ઝેહરા સ.અ. ફરમાવે છે: મારા પિતા સ.અ.વ.નો ઓરડો તેમના સહ્બીઓથી ખીચોખીચ ભરેલો હતો અને મેં તેમને કહેતા સાંભળ્યા: અય લોકો! આ દુનિયામાંથી મારા જવાનો સમય આવી પહોચ્યો છે. જાણી લ્યો કે હું તમારા વચ્ચે બે ચીજ છોડી જાઉં છું-અલ્લાહની કિતાબ અને મારી એહલેબય્ત” પછી તેમને અલી અ.ના હાથને પોતાના હાથમાં લીધો અને ફરમાવ્યું:
આ અલી કુરાન સાથે છે અને કુરાન અલી સાથે. તેઓ એકબીજાથી ક્યારેય જુદા નહિ થાય ત્યાં સુધી કે મને હૌઝે કૌસર પર આવીને મળે. હું તમને પૂછીશ કે તમે મારા બાદ તેમની સાથે કેવું વર્તન કર્યું.”
આ હદીસના પ્રકાશમાં આપણે ચોક્કસપણે કહી શકીએ કે જો પવિત્ર કુરાન કયામત સુધી રેહશે (જે ચોક્કસ રેહશે જ) તો અહેલેબ્ય્ત અ.મુ.સ.ના પ્રતિનિધિ પણ તેની સાથે રહેશે. આમ પૃથ્વી કયારેય અલ્લાહની હુજ્જતથી ખાલી નહિ રહે.
શબે કદ્ર- રમઝાનનું દિલ:
શબે કદ્રની ભવ્યતા અને ફઝીલતોને વર્ણવતી ઘણી હદીસો નકલ થઇ છે. આ એટલા માટે કે આ રાત્રે આખુ કુરઆન લૌહે મહેફૂઝ્માંથી નાઝીલ થયું. વળી આ રાત્રે આવનારા વર્ષ માટે માણસની તકદીર નિશ્ચિત થાય છે, દુઆઓ કબુલ થાય છે અને ગુનાહ માફ થાય છે. અલ્લાહના હુકમથી ફરિશ્તાઓ ઝમીન પર નાઝીલ થાય છે, જેવુકે કુરાનમાં ફરમાવવામાં આવ્યું છે.
لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ ﴿٣﴾ تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ
“તેમાં ફરિશ્તાઓ અને રૂહ નાઝીલ થાય છે, અલ્લાહની પરવાનગીથી દરેક બાબતોની સાથે.
આ રાતમાં ઈબાદત કરવી ૧૦૦૦ મહિનાની ઇબાદતથી બહેતર છે.
ઈમામ સાદિક અ.સ. ફરમાવે છે:
કુરઆન થકી એ સ્પષ્ટ થાય છે કે વરસના `૧૨ મહિના છે, (માહે) રમઝાન તે મહિનાઓનો સરદાર છે. જયારે કે શબે કદ્ર (માહે) રમઝાનનું દિલ છે.’
આ રાત એટલી ભવ્ય અને મહાન છે કે મર્હુમ આયતુલ્લાહ અલ્હાજ મોહમ્મદ ઈબ્રાહીમ કલબાસી ર.અ., જે “ઈશારાતુલ ઉસૂલ”ના લેખક છે, આગળના વરસની દરેક શબે કદ્ર ઇબાદતમાં ગુજારતા. જેથી તેમને આ મહાન રાતની બરકતો અને રેહમતો મળે.
અલ્લાહે તેની તમામ મખલૂકમાં માણસને પસંદ કર્યો, પવિત્ર પયગમ્બર સ.અ.વ.ને તમામ નબીઓ પર અને ઈસ્લામને તમામ મઝ્હાબો પર, કાબાને તમામ ઘરો પર, હાજરે અસ્વદને તમામ પત્થરો પર, પવિત્ર કુરાનને તમામ ઇલાહી કિતાબો પર, સીરાતે મુસ્તકીમને તમામ રસ્તાઓ પર, સુરએ યાસીનને તમામ સુરો પર, જુમ્આને તમામ દિવસો પર, રમઝાન મુબારકને તમામ મહિનાઓ પર અને શબે કદ્રને તમામ રાતો પર ફઝીલત અતા કરી. નસીબદાર છે એ જે આ રાત મેળવે અને આ રાતને કુરાન અને અહેલેબ્ય્ત અ.મુ.સ.થી નઝદીક થવામાં પસાર કરે. કેમકે આ બે પયગંબર સ.અ.વ.ના કીમતી અને અમૂલ્ય ખજાના છે જે એકબીજાથી ક્યારેય જુદા નહિ થાય.
જો મુસલમાનની મિત્રતા અને વફાદારી માત્ર કુરાન પુરતી સીમિત રહે અને અહેલેબ્ય્ત અ.મુ.સ. સુધી ન પહોચે અને તે કદરની રાત કુરાનને પઢવામાં ગુજારે તો તે આ ભવ્ય રાતની અસંખ્ય ને’અમતોથી વંચિત રહી જશે. તેજ રીતે અગર કોઈ આ રાતમાં અહેલેબ્ય્ત અ.મુ.સ. પ્રત્યે પોતાની મોહબ્બત અને વફાદારીનો ઈઝહાર કરે-કેમકે ફરિશ્તા નાઝીલ થવાનું સ્થાન છે-પણ કુરાન પ્રત્યે ધ્યાન ન આપે અથવા તેણે હલકું સમજે તો શું તેણે શબે કદરની બરકતનો ફાયદો મળશે? ચોક્કસપણે નહિ. આવી વ્યક્તિ આ રાતની બરકતોથી ફાયદો નહિ મેળવે. એટલુજ નહિ તેનો એ લોકોમાં સમાવેશ થશે જેમણે પયગંબર સ.અ.વ.ની આ પ્રખ્યાત હદીસનો વિરોધ કર્યો. પરિણામે તે આ રાતની બરકતોથી વંચિત રેહશે એટલુજ નહિ પયગંબર સ.અ.વ. કયામતના દિવસે તેને સવાલ કરવામાં આવશે અને અમીરુલ મોઅમેનીન અ.સ. ના હાથે હવ્ઝે કૌસરથી સેરાબ થવાના સદભાગ્યથી વંચિત રહી જશે.
શબે કદ્ર પયગંબર સ.અ.વ.ના જીવન પુરતી મર્યાદિત નથી:
એહલે સુન્નતના કેટલાક લેખકો એ મત ધરાવે છે કે શબે કદરની મહાનતા અને મહત્વ પયગંબર સ.અ.વ.ના જીવન પુરતું માર્યાદિત છે. તેમની વફાત પછી ખતમ થઇ ગઈ.
આ અભિપ્રાય વ્યર્થ છે, કેમકે કુરાનની ઘણી તફ્સીરોમાં હઝરત અબુઝારે ગેફારીથી એક હદીસ નકલ થઇ છે જેમાં તેમને પવિત્ર પયગંબર સ.અ.વ.ને પૂછ્યું:”શું શબે કદ્ર પવિત્ર પયગંબર ના જીવન પુરતું માર્યાદિત છે કે જેમના પર કુરાન નાઝીલ થયું? અને શું પવિત્ર પયગંબર સ.ની વફાત પછી ઇલાહી સંદેશની આ પ્રથાનો અંત આવી જશે?”
પયગંબર સ.મેં જવાબ આપ્યો: “ના, કયામતના દિવસ સુધી ફરી ફરી આવતી રેહશે.”
આ હદીસ સ્પષ્ટ કરે છે કે દરેક જમાનામાં એક માસુમ ઈમામ હસ્તિ અસ્તિત્વ ધરાવે છે, જેના પર શબે કદ્રમાં ઇલાહી આદેશો, કઝા અને કદ્ર, સાથે ફરિશ્તા નાઝીલ થાય છે. આ ઈમામ અ.સ. માટે અલ્લાહ તરફથી ખાસ સન્માન અને વિશેષ અધિકાર છે. અને કોઈપણ રીતે તે પવિત્ર પયગંબર સ.અ.વ. પર નાઝીલ થયેલ વહીથી વિરુધ નથી.
ઇબ્ને ઉમર કહેછે કે એક વાર પવિત્ર પયગંબર સ.અ.વ.ને શબે કદ્ર્ વિષે પૂછવામાં આવ્યું તો આપને મેં કહેતા સાંભળ્યા: તે દરેક (માહે)રમઝાન છે, એટલે કે તે આવનારા દરેક માહે રમઝાનમાં જોવા મળશે (થશે)’
હજી એક બીજી હદીસમાં ઈમામ બકીર અ.સ. ફરમાવે છે: શબે કદરમાં દરેક વ્યક્તિની કદ્ર આવનારા વરસની કઝા અને કદર જમાનાના ઈમામ પર નાઝીલ થાય છે. આ ખાસ નુઝુલમાં ઈમામ (અ.સ.) તેમજ લોકો બંને માટે ખાસ હુકમો અને સૂચનાઓ નાઝીલ થાય છે.
કંઈ રાત શબે કદ્ર છે?
કદ્રની રાત વિષે આલીમો વચ્ચે વિચારભેદ છે. હદીસોએ પણ પૂર્ણતઃ સ્પષ્ટ નથી કર્યું કે કંઈ રાત શબે કદ્ર છે. પરંતુ આની પાછળ એક હેતુ અને રહસ્ય છે. અલ્લાહે પોતાના નામોમાં ઇસમેં અ’અઝમ (સૌથી મોટા નામ) બીજા નામોની વચ્ચે છુપાવ્યું છે. તેણે જુમ્માના દિવસે દુઆની કાબુલીયાતના ચોક્કસ નિશ્ચિત સમયને જાહેર નથી કર્યો, તેણે કયામતના સમયની જાણ નથી કરી, ઈમામ મહેદી અ.ત.ફ.સ.ના ઝુહુરના સમયની જાણ નથી કરી, ઉપરાંત તેણે લોકોને તેમના મૌતના સમયથી અજાણ રાખ્યા છે, જેથી કોઈ ખરાબ વ્યક્તિ આ જ્ઞાનનો દુરુપયોગ પોતાના ફાયદા માટે ન કરે. ઉપરાંત ઈમાનદાર ઈબાદત અને ઇતા’અત બારમાં વધારે સજાગ અને ચેતતા રહે. આમ, ઇસમેં અઅઝમ મેળવવા જરૂરી છે કે ઈમાનદાર અલ્લાહના દરેક નામની તઅઝીમ કરે, તેણે જુમ્માનો અખો દિવસ ખુબ ઈબાદત કરવી જોઈએ. તેજ રીતે કયામતનો દિવસ અને સમય લોકોથી અજાણ રાખવામાં આવ્યો છે એટલામાટે કે તેઓ હમેશા ડરતા અને ચિંતિત રહે. તેજ રીતે અલ્લાહે ક્દ્રની ચોક્કસ રાતને છુપાવી છે જેથી કરીને લોકો દરેક રાતને ઈબાદતમાં ગુજારે. હા, તેઓ તેમના દરેક ઇબદાતના કાર્યોથી ફાયદો મેળવશે. પણ એક ચીજ નિશ્ચિત છે અને તે એ કે જોકે આપણે ક્દ્રની રાત વિષે અનિશ્ચિત છીએ પણ ઈમામ અ.સ. શબે કદ્ર વિષે સંપૂર્ણ માહિતગાર છે કેમકે તેમના પર લોકો વિષે ના હુકમો લઈને ફરિશ્તાઓ નાઝીલ થાય છે. પવિત્ર પયગંબર સ.અ.વ. અને બધા માસુમ ઇમામો અ.સ. શબે કદ્રના દિવસ અને સમયથી વાકિફ છે અને અત્યારના સમયે ઈમામે ઝમાના પણ વાકિફ છે.
હદીસમાં છે કે કોઈએ ઈમામ અ.સ.ને પૂછ્યું:”શું તમે જાણો છો શબે કદ્ર ક્યારે છે?”
ઈમામ અ.સ.મેં જવાબ આપ્યો: ” અમે એ રાતથી કંઈ રીતે અજાણ હોઈએ કે જયારે ફરિશ્તાઓ અમારો તવાફ કરે છે?”
ફરિશ્તાઓ ઈમામ અ.સ.પર તે બાબતો જે મોઅમીનની ઝીન્દગીના આવનારા વરસમાં બનવાની છે તેની વિગત સાથે નાઝીલ થાય છે. આમ, એ નિશ્ચિત છે કે મોઅમીને રમઝાન અને ખાસ કરીને શબે કદ્રને સતત ઈબાદત, ઇતાઅત અને કુરાન પાડવામાં ગુજારવી જોઈએ. તેણે ઈમામે ઝમાનાથી મોહબ્બત અને ઈતાઅતથી તવસ્સુલ કરવું જોઈએ. આપણે તેમની પાસે દુઆ કરવી જોઈએ અને કેહવું જોઈએ ” અય મૌલા, તમને અમારા કર્યો પર સત્તા છે, આવતા વરસમાં જે કંઈ બનવાનું છે તેના માટે તમને અધિકાર છે. અને તમેં અલ્લાહ દ્વારા પસંદ કરાયા છો. તમે ફરીશ્તાઓના નુઝુલનું કેન્દ્ર છો. મહેરબાની કરીને આ અદના, ઝાલીલ અને ફકીર બંદાની મદદ કરો. તમારી તવજ્જોહ અને નઝરે ઈનાયત વગર અમારા આમાલ સુધારવા શક્ય નથી. જો તમે અમને તમારા દરથી હાંકી કાઢશો, તો પછી કોઈ અમારું માન નહિ રાખે.”
અય અલ્લાહ! આ શબે કદ્ર અને દરેક શબે ક્દ્રમાં અમારી સૌથી વધારે દુઆ એ છે કે તું ઈમામે ઝામાના (અ.ત.ફ.સ.)ના ઝુહુરમાં જલ્દી કર, આમીન.
Be the first to comment