બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ

જન્નતુલ બકીઅ નામનું કબ્રસ્તાન સાઉદી અરેબીયાના મદીનએ મુનવ્વરામાં આવેલું એક ખૂબજ અઝમત ધરાવતુ કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનમાં ઈસ્લામની પહેલી હરોળના ખૂબજ અઝમત ધરાવનારા હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના સહાબીઓ અને આપ હઝરત (સ.અ.વ.)ના એહલેબૈત તેમાં પણ ખાસ કરીને હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના ચહીતા દુખ્તર હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) તેમજ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના અમૂક જાનશીન જેમકે હઝરત ઈમામ હસન (અ.સ.), હઝરત ઈમામ સજ્જાદ (અ.સ.), હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) અને હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) આજ કબ્રસ્તાનમાં દફન છે. આ કબ્રસ્તાનમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ઉપરોકત જાનશીનો ઉપરાંત ઈસ્લામી દુનિયાના ખૂબજ મશ્હુર અને જાણીતા આપ (સ.અ.વ.)ના સહાબીઓ તેમજ આપ (સ.અ.વ.)ના નજીકના સગા સંબંધીઓ પણ દફન છે. જેમકે આપ (સ.અ.વ.)ના કાકા જનાબે અબ્બાસ ઈબ્ને અબ્દુલ મુત્તલીબ, આપ (સ.અ.વ.)ના ફુઈ જનાબે સફીય્યા બિન્તે અબ્દુલ મુત્તલીબ, આપ (સ.અ.વ.)ના ફરઝંદ જનાબે ઈબ્રાહીમ, આપ (સ.અ.વ.)ના કાકી અને ઈમામ અલી (અ.સ.)ના માદરે ગિરામી જનાબે ફાતેમા બિન્તે અસદ, ઈમામ અલી (અ.સ.)ના ભાઈ જનાબે અકીલ ઈબ્ને અબી તાલિબ, મોહમ્મદ બિન અલી ઈબ્ને અબી તાલિબ કે જેઓ મોહમ્મદે હનફીય્યાના નામથી જાણીતા છે. (તેમની માતાનું નામ હનફીય્યા હતુ એટલા માટે તેઓ મોહમ્મદે હનફીય્યાના નામથી પ્રખ્યાત થયા), હઝરત અબુલ ફઝલીલ અબ્બાસ (અ.સ.)ના માદરે ગિરામી જનાબે ઉમ્મુલ બનીન, ઈમામ જઅફર સાદિક (અ.સ.)ના પુત્ર ઈસ્માઈલ તથા અબ્દુલ્લાહ બિન જઅફરે તય્યાર. આ બધા બકીઅના કબ્રસ્તાનમાં દફન થયેલા હઝરાત છે કે જેમની કબ્રો ઉપર રોઝો અને ગુંબજ બનેલો હતો. આજે પણ તે રોઝા મુબારકની તસ્વીરો અમૂક લોકો પાસે મૌજુદ છે અને ઈન્ટરનેટ ઉપર તો આસાનીથી જોવા મળે છે. 8 શવ્વાલ હિજરી સન 1344 સુધી આ રોઝા મુબારક સહીહ સલામત હતા.

ઉપરોકત બુઝુર્ગવારોની કબ્રો ઉપરાંત એ પણ મશ્હુર છે કે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના અંદાજે સાત હજાર સહાબીઓ પણ આ કબ્રસ્તાનમાં દફન છે.

આ રીતે ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી ઘણા બધા મોટા મોટા આલિમો પણ આ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા છે. જેમકે એહલે સુન્નતના ચાર ફીરકાઓ પૈકીના માલેકી ફીરકાના સ્થાપક ઈમામ માલિકને પણ આજ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા છે અને તેમની કબ્ર ઉપર પણ રોઝો બનેલો હતો.

 

બકીઅને ધ્વંસ કરવા માટેનો પહેલો હુમલો (હિ.. 1220):

પ્રથમ વખત વહાબીઓ વડે હિજરી સન 1220 એટલેકે ઉસ્માની હુકુમત વડે પ્રથમ સાઉદી હુકુમતના પતનના મૌકા ઉપર આ બનાવ બન્યો.

હિજરી સન 1220 માં વહાબીઓ બકીઅને ધ્વંસ કરવાના બહાના હેઠળ ઘણી બધી મસ્જીદોને પણ ધ્વંસ કરવાની કોશિશ કરી. તે લોકોએ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના રોઝા મુબારકના ગુંબજને પણ ધ્વંસ કરવાની કોશિશ કરી પરંતુ તેઓ ડરી ગયા અને પછી તેમ ન કર્યું. રોઝા મુબારકોને જે નુકસાન પહોંચ્યું હતું તેની મરમ્મત અને સમારકામ માટે ઉસ્માની હુકુમતે નવા બાંધકામનો ઈરાદો કર્યો પછી સમગ્ર દુનિયાના શીઆઓ અને સુન્ની હઝરાતે મળીને આ નવા બાંધકામ માટે રકમ એકઠી કરી. આ રીતે બકીઅમાં એક ખુબસુરત રોઝા મુબારકનું નિર્માણ થયું. સમગ્ર દુનિયામાંથી મદીનએ મુનવ્વરામાં આવનાર અને હજ્જ, ઝિયારત અને ઉમરાહના મૌકા ઉપર આવતા ઝાએરીન આ રોઝા મુબારક ઉપર અકીદતથી માથું ટેકવતા હતા.

પરંતુ હાય રે બદ્ કિસ્મતી! પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના દુશ્મનોએ પોતાની નજાસતનું સુબુત આપ્યું.

યવ્મુલ હદમ:

શું આપે હજુ સુધી કયારેય યવ્મુલ હદમનું નામ સાંભળ્યું છે?

યવ્મુલ હદમ એટલેકે ધ્વંસ કરવાનો દિવસ અથવા તોડી પાડવાનો દિવસ.

હિજરી સન 1344 માં જ્યારે આલે સઉદે મક્કા, મદિના અને તેની અતરાફના વિસ્તારો ઉપર સંપૂર્ણ રીતે કબ્જો મેળવી લીધો ત્યારે આ પવિત્ર જગ્યા, જન્નતુલ બકીઅ, સહાબીઓ અને ખાનદાને રિસાલતની નિશાનીઓને જડમૂળથી ઉખેડી નાખવાનો મક્કમ નિર્ણય કરી લીધો. આ સિલસિલામાં તેઓએ મદીનએ મુનવ્વરાના આલિમોને ફત્વાઓ આપવા કહ્યું કે જેથી ધ્વંસ કરવાનો રસ્તો આસાનીથી તૈયાર થઈ જાય અને હેજાઝના લોકો કે જેઓ આ કામ માટે તૈયાર ન હતા તેઓનો સાથ પણ મેળવી લેવામાં આવે.

ધ્વંસ કરવા માટે ફત્વાઓ:

આલે સઉદે આ કામ માટે કાઝી સુલૈમાન બિન બલીહદને મદીના રવાના કર્યો કે જેથી તેઓ પોતાની મરજી મુજબના ફત્વાઓ મદિનાના આલિમો પાસેથી મેળવી લે. આથી તેણે મદિનાના આલિમોને એવી રીતે તોડી મરોડીને સવાલો પુછયા કે તેઓના જવાબો પણ વહાબીઓની માન્યતા મુજબ તે જ સવાલોમાં મૌજુદ હતા. આવી રીતે મુફતીઓને એ સમજાવી દેવામાં આવ્યું કે આ સવાલોના તે જ જવાબો આપવામાં આવે જે સવાલોની અંદર મૌજુદ છે. નહિંતર તેઓને પણ મુશ્રીક ઠેરવવામાં આવશે અને તૌબા ન કરવાના લીધે તેઓને કત્લ કરી દેવામાં આવશે. સવાલો અને જવાબો મક્કાથી પ્રકાશિત થનાર અંક ‘ઉમ્મુલ કુરા’ શવ્વાલ હિજરી સન 1344 માં પ્રકાશિત થયા હતા.

સુલૈમાન બલિહદે સવાલ કર્યો કે:

  • મદિનએ મુનવ્વરાના આલિમો કે જેમના ઈલ્મ અને સમજમાં ખુદાવંદે આલમ રોજબરોજ વધારો કરે આ બારામાં શું ફરમાવે છે કે, શું કબ્રો ઉપર ઈમારત અને બાંધકામ તથા ત્યાં મસ્જીદનું બનાવવું જાએઝ છે કે નહિં? અગર જાએઝ નથી અને મઝહબે ઈસ્લામે તેની સખ્તાઈ પૂર્વક મનાઈ ફરમાવી હોય તો શું તેમને ધ્વંસ કરવાની અને ત્યાં નમાઝ પઢતા અટકાવવું જરૂરી અને વાજીબ છે કે નહિં?
  • શું બકીઅ જેવી વકફ કરેલી ઝમીન ઉપર બનાવવામાં આવેલી કબ્રો, ઈમારતો અને ગુંબજ કે જેના લીધે અમૂક હિસ્સાથી ફાયદો ઉઠાવી શકાતો નથી આથી શું વકફના અમૂક હિસ્સા ગસ્બની માફક નથી? શું તેને જેટલું બને તેટલું જલ્દી ખતમ કરી નાખવામાં ન આવે કે જેથી હકદારો ઉપર જે ઝુલ્મ થયો છે તેને દુર કરી શકાય?

મદિનાના આલિમોએ ખૌફ અને ડરના વાતાવરણમાં સુલૈમાન બિન બલિહદને રીતે જવાબામાં લખ્યું:

‘કબ્રો ઉપર ઈમારત બનાવવી હદીસોના આધારે અને મુસ્લીમોની બહુમતીના આધારે મનાઈ છે. એટલા માટે  ઘણા બધા આલિમોએ તેને ધ્વંસ કરવું વાજીબ હોવાનો ફત્વો આપ્યો છે અને આ સિલસિલામાં ઈમામ અલી (અ.સ.)થી અબીલ હય્યાજે નોંધેલ એક રિવાયતનો સહારો લે છે કે આપ (અ.સ.) એ અબી હય્યાજને ફરમાવ્યું: “ હું તમારી નિમણૂંક એવા કામ માટે કરુ છું જેના માટે રસુલે અકરમ (સ.અ.વ.)એ અમારી નિમણૂંક કરી હતી, તે એ કે જે તસ્વીર પણ નજરે ચડે તેને ખત્મ કરી નાખો અને જે કબ્રને પણ જુઓ બરબાદ કરી નાખો.”

આ વિષયમાં આ હદીસ ઉપર કોઈ ટિકા-ટિપ્પણી નથી કરવી બલ્કે ફકત એટલુંજ કહેવું છે કે કુરઆને મજીદ કબ્રો ઉપર ઈમારત અને બાંધકામની રજા આપે છે. ઉમ્મતે ઈસ્લામી તેની મર્યાદા અને માન સન્માન જાળવવા ઉપર એકમત છે. દરેક ઝમાનામાં મુસલમાનો કબ્રો ઉપર બાંધકામ કરતા આવ્યા છે. ત્યાં સુધી કે સહાબીઓએ પણ બાંધકામનો વિરોધ કર્યો નથી અને અંતિમ વાત એ કે અબીલ હય્યાજની હદીસનો જે ભાવાર્થ વહાબીઓએ બયાન કર્યો છે તે તદ્દન ગલત છે.

ધ્વંસ અને લુટમાર:

વહાબીઓએ હિજરી સન 1205 થી 1217 સુધી ઘણી બધી વખત કોશિશ કરી કે હેજાઝ ઉપર કબ્જો મેળવી લ્યે પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થઈ નહિં. અંતમાં હિજરી સન 1217 માં તાએફ ઉપર કબ્જો મેળવવામાં ઘણા બધા મુસલમાનોને કત્લ કર્યા બાદ સફળતા પ્રાપ્ત થઈ. હિજરી સન 1218 માં મક્કા ઉપર હુમલો કર્યો અને ત્યાંના તમામ પવિત્ર સ્થળોને ધ્વંસ કરી નાખ્યા ત્યાં સુધી ઝમઝમના કુવા ઉપર બનેલી ઈમારતને પણ ધ્વંસ કરી નાખી.

હિજરી સન 1216 ના ઝીલ્કઅદ મહિનામાં વહાબીઓએ કરબલા શહેરને પણ ઘેરી લીધું હતું અને તેના ઉપર હુમલો કર્યો હતો અને કરબલાની બજારોમાં લુટ-માર ચલાવીને લોકોને કત્લ કર્યા અને ઝોહર સુધીમાં ઘણો બધો માલ અને રકમ લઈને શહેરમાંથી ભાગી નિકળ્યા હતા. લુટ-મારની રકમનો પાંચમો હિસ્સો ખુદ સઉદે લીધો અને બાકી વધેલા માલમાંથી એક હિસ્સો પગપાળા સૈનિકોનો, બે હિસ્સા સવાર સૈનિકોની વચ્ચે વહેંચી દેવામાં આવ્યા. (કારણકે તેઓની નજીક આ જંગ કાફીરો સાથે હતી.)

મક્કએ મોઅઝઝમા ઉપર હુમલો:

હિજરી સન 1344 એટલેકે ઈ.સ. 1925 માં વહાબીઓએ બકીઅ ઉપર હુમલો કરવા પહેલા મક્કએ મોઅઝઝમાનું હજુન નામનું કબ્રસ્તાન કે જેને જન્નતુલ મોઅલ્લા કહેવામાં આવે છે અને જે કબ્રસ્તાન બકીઅની પછીનું સૌથી વધારે ઉચ્ચ કબ્રસ્તાન છે તેની ઉપર હુમલો કર્યો, આ એ કબ્રસ્તાન છે કે જ્યાં ખુદ રસુલે અકરમ (સ.અ.વ.) ઝિયારત માટે તશરીફ લઈ જતા હતા. આ કબ્રસ્તાનમાં આપ (સ.અ.વ.)ના પૂર્વજો જનાબે અબ્દે મનાફ, દાદા અબ્દુલ મુત્તલીબ, કાકા જનાબે અબુતાલિબ અને આપ (સ.અ.વ.)ના પત્નિ જનાબે ખદીજા (સ.અ.) દફન છે. ઉપરોકત તમામ હઝરાતના મઝાર ઉપર રોઝા મુબારક અને ગુંબજ હતા. પરંતુ વહાબીઓએ તે તમામ રોઝા મુબારકોને ધ્વંસ કરી નાખ્યા અને પછી મદિના તરફ રૂખ કર્યો. એ વાત ધ્યાનમાં રહે કે તેઓની આ ધ્વંસ કરવાની કામગીરી કંઈ આસાનીથી પાર નથી પડી. બલ્કે ઘણા બધા મુસલમાનો તેમાં શહીદ થયા અને ઝરીહ મુબારકમાં મૌજુદ કિંમતી વસ્તુઓ પણ તેઓ લુંટીને લઈ ગયા.

 

બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – બીજો ભાગ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*