જનાબે ફાતેમા (સ.અ.) અને તાગુતનો ઈન્કાર

વાંચવાનો સમય: 4 મિનિટ

 

لَا إِكْرَاهَ فِي الدِّينِ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ

દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, બેશક હિદાયત ગુમરાહીથી જુદી થઈ ચૂકી છે, પછી જે કોઈ જુઠા ખુદાઓનો ઈન્કાર કરે અને અલ્લાહ ઉપર ઈમાન લાવે તો ખરેખર તેણે અલ્લાહની મજબુત રસ્સીને પકડી લીધી, કે જે કદી તૂટનાર નથી; અને અલ્લાહ સંપૂર્ણ સાંભળનાર જાણનાર છે.

(સુરએ બકરહ, આ. ૨૫૬)

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની એક ખુબજ મશ્હુર હદીસ છે જે બાબતે તમામ એહલે ઈસ્લામ એકમત છે. તમામ મુસલમાનો આ વાત કબુલ કરે છે કે ઉમ્મતના  ૭૨  ફિર્કાઓ થશે પરંતુ આમાંથી ફકત એક જ નાજી (નજાત પામનાર) છે. આમ ઉમ્મતમાં ઈખ્તેલાફ આજની વાત નથી બલ્કે મુરસલે અઅઝમ (સ.અ.વ.)ની શહાદત પછી તરત જ ઈસ્લામમાં બે સમુહો વજુદમાં આવી ગયા હતા. તે ઝમાનામાં જે બન્યું તેની અસરો એટલી ઊંડી છે કે ઈસ્લામનો દરેક ફિર્કો બીજા ફિર્કાને ગુમરાહ અને પોતાને હિદાયત પામેલો દર્શાવે છે. એટલું જ નહિ પરંતુ સમય એ આવી ગયો છે કે હવે મુસલમાન એકબીજાને કાફીર કહેવાથી પણ અચકાતા નથી. હકીકત એ છે કે કોઈનો મોઅમીન હોવાનો દાવો કરવાથી કોઈ મોઅમીન નથી થઈ જતો અને ન તો કોઈને કાફીર કહેવાથી કોઈ કાફીર થઈ જાય છે. કુરઆને કરીમે ઈસ્લામ અને કુફ્રની વચ્ચેના અંતર વિશે વાત કરતા ફરમાવ્યું:

فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ……..

“બાતીલનો ઈન્કાર કરનારો અને અલ્લાહ ઉપર ઈમાન રાખનારો જ અલ્લાહની મજબુત રસ્સીથી જોડાએલો છે.”

એક ઐતિહાસીક હકીકત એ પણ છે કે આં હઝરત (સ.અ.વ.)એ પોતાની ઝીંદગીમાં મુસલમાનોને ગુમરાહીથી બચવા માટે શ્રેષ્ઠ રસ્તો ઘણીવાર બતાવ્યો છે.

જ્યારે આપ (સ.અ.વ.)એ હાલતોની ખબર આપી હતી કે કેવી રીતે ઉમ્મત ફિર્કાઓમાં વહેંચાઈને ગુમરાહી ઈખ્તેયાર કરી લેશે ત્યારે જ આપ (સ.અ.વ.)એ મુસલમાનોને તે ગુમરાહીથી બચવા માટેનો રસ્તો પણ બતાવ્યો હતો. એહલે સુન્નતની ભરોસાપાત્ર કિતાબોમાં ખાસ કરીને સેહાહે સિત્તામાં સરવરે કાએનાત (સ.અ.વ.)નો આ કૌલ નકલ થયો છે કે:

“અગર તમે મારી સકલૈન (બે મહા ભારે વસ્તુઓ)ને વળગી રહેશો તો કયારેય ગુમરાહ નહિ થશો. એક અલ્લાહની કિતાબ અને બીજુ મારી એહલેબૈત (અ.મુ.સ.).”

કારણકે અગર કોઈને સેરાતે મુસ્તકીમ કબુલ કરીને નજાત હાસીલ કરવી હોય તો તેણે એ રસ્તાને પસંદ કરવો જોઈએ જે કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)એ બતાવ્યો છે. એહલેબૈત (અ.મુ.સ.)ની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ અને કિસાઅના સભ્યોમાં કેન્દ્ર રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) છે.રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત પછી ઝમાનાએ જે પરિવર્તન નિહાળ્યું તેમાં ઈસ્લામને બે ભાગોમાં વહેંચાતા-તકસીમ થતા પણ જોયો છે.

એક સમૂહે આં હઝરત (સ.અ.વ.)ની આગોશમાં પરવરીશ પામનાર અને બાબે મદીનતુલ ઈલ્મ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પોતાના ઈમામ માન્યા જ્યારે કે મુસલમાનોના બીજા સમૂહે પોતાના બનાવેલા ખલીફાની બયઅત કરી લીધી. દુખ્તરે રસુલ (સ.અ.વ.) જનાબે સૈયદા (સ.અ.)એ પહેલા ખલીફાની હરગીઝ બયઅત નથી કરી બલ્કે તેનાથી સખ્ત નારાઝ રહ્યા.આ વાત સૂરજની જેમ પ્રકાશિત છે.

આપ (સ.અ.)ની નારાઝગીની દલીલ રિવાયતોમાં જોવા મળે છે જે સહીહ બુખારીમાં આએશાથી નકલ થઈ છે. આ નારાઝગીનું કારણ ફકત બાગે ફિદકનું છીનવી લેવું જ નથી બલ્કે એ પણ છે કે મુસલમાનોએ ગદીરમાં અલી (અ.સ.)ની ઇમામતના એલાનને ભુલાવી દીધું અને તાગુતના અનુસરણને દીન બનાવી દીધો. જનાબ સૈયદા (સ.અ.)એ જે ‘ખુત્બએ ફદક’ ઈરશાદ ફરમાવ્યો છે તેમાં આપ (સ.અ.)એ આ કારણો બયાન ફરમાવ્યા છે અને મુસલમાનોને તેમની આ વાયદા ખિલાફી ઉપર ઠપકો આપ્યો છે અને તેઓ ઉપર હુજ્જત તમામ કરી છે.

‘…પછી તમને ખિલાફત મેળવવાની એટલી ઉતાવળ હતી કે તમે ખિલાફતની આગળ વધતી સવારી અને લગામ પકડવાની પણ મુશ્કીલથી રાહ જોઈ. પછી તમે ફિત્નાની આગને ભડકાવી તેને હવા આપવાનું શરૂ કરી દીધું. એવી રીતે તમે શૈતાનની ગુમરાહીભરી અવાજ ઉપર લબ્બૈક કહેવા લાગ્યા. તમે દીનના સ્પષ્ટ દીવાઓને બુજાવવા અને ચુંટેલા નબી (સ.અ.વ.)ની તઅલીમાતથી દૂરી ઈખ્તેયાર કરવા લાગ્યા….’

(ખુત્બએ ફદક, કિતાબ અલ એહતેજાજ, ભા. 1, શર્હ નહજુલ બલાગાહ, ભા. 12)

જ્યારે આપના ઘરે લોકો ખલીફાની બયઅત માંગવા માટે આવ્યા તો આપ (સ.અ.)એ તેઓનો મુકાબલો કર્યો અને અલી (અ.સ.)નો બચાવ કર્યો. જેથી ઈતિહાસમાં આ વાત નોંધાઈ જાય કે ફાતેમા (સ.અ.)ના ઘર ઉપર હુમલો થયો હતો અને બેશક તેમના ઉપર ઝુલ્મ કરનારો કયારેય ખિલાફતનો હક્કદાર નથી થઈ શકતો.

આનું કારણ એ પણ છે કે કુરઆનના હુકમ મુજબ  ઈમામતનો હોદ્દો કયારેય ઝાલીમોને નથી મળતો (સુરએ બકરહ, આ. 124). આપ (સ.અ.)નું આ પગલું એટલા માટે પણ જરૂરી હતું કે ઈતિહાસ એ વાત જાણી લે કે ખલીફાની બયઅત ન તો દુખ્તરે રસુલ (સ.અ.વ.)એ કયારેય કરી હતી અને ન તો તેમના ખાનદાનમાંથી કોઈએ કરી હતી. એટલા માટે કે જે એમ કહેવામાં આવી રહ્યું છે કે અલી (અ.સ.)એ અંતે ખલીફાની બયઅત કરી લીધી હતી, તે જૂઠ છે સહીહ બુખારી અને સહીહ મુસ્લીમમાં ઘણા બધા પ્રકરણોમાં આ વાત સ્પષ્ટ રીતે નકલ થઈ છે કે દુખ્તરે રસુલ (સ.અ.વ.) પહેલા ખલીફાથી નારાઝ હતા.

એક રિવાયતમાં આ વાત આએશાથી નકલ થઈ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની લખ્તે જીગર (દીકરી) અબુબક્ર અને ઉમરથી મરતા દમ સુધી નારાઝ હતા અને આ નારાઝગી એટલી વધુ હતી કે આપ (સ.અ.)એ તે બન્નેની માફીને પણ કબુલ કરી ન હતી. બલ્કે તેનાથી વિરૂધ્ધ તેઓ ઉપર જાહેર કરી દીધું હતું કે આપ (સ.અ.) હકીકતમાં તે બન્નેથી નારાઝ છે અને આ બન્નેની ફરિયાદ પોતાના બાબા રસુલે ખુદા (સ.અ.વ.)થી કરશે.

(સહીહ બુખારી, પ્રકરણ 59, હદીસ 546, પ્રકરણ 80, હદીસ 718,

સહીહ મુસ્લીમ, પ્રકરણ 19, હદીસ 4352 અને હદીસ 4354)

આ વાતોથી એ સ્પષ્ટપણે જાહેર થઈ જાય છે કે દુખ્તરે રસુલ (સ.અ.વ.)એ પોતાના પિતા રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત પછી પહેલા ખલીફાની બયઅતથી ઈન્કાર કરી દીધો હતો અને તેનાથી સખ્ત નારાઝ રહ્યા. આપ (સ.અ.)એ તે પુરાશોબ માહોલમાં કુરઆને હકીમ ઉપર અમલ કરતા તાગુતનો ઈન્કાર કર્યો અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના કૌલ ઉપર અમલ કરતા હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈમામત ઉપર કાએમ રહ્યા અને તેમની દેફાઅમાં શહીદ થઈ ગયા. આટલું જ નહિ પરંતુ આપ (સ.અ.)એ વસીય્યત ફરમાવી કે આપના જનાઝામાં ન તો કોઈ અન્સાર શામીલ થાય અને ન તો કોઈ મોહાજીર. જેથી આવનારી નસ્લો સુધી આ વાત પહોંચી જાય કે નબી (સ.અ.વ.)ની એકમાત્ર દુખ્તર જ્યારે આ દુનિયાથી રૂખ્સત થયા તો મોટાભાગના મુસલમાનોથી નારાઝ હતા અને બસ એજ લોકો આપના જનાઝામાં શરીક થયા જે દીને હક્કથી જોડાએલા હતા. આવી રીતે ખાતુને મેહશર (સ.અ.)એ પોતાના આ પગલાઓથી ‘હક્કને બાતીલથી અલગ કરીને સ્પષ્ટ કરી દીધું’. હવે જે ચાહે તે તેને કબુલ કરીને નજાત પામનારો બની જાય અને જે ચાહે તેનો ઇન્કાર કરીને હલાક થઈ જાય. જનાબે ફાતેમા (સ.અ.) હક્ક અને બાતિલનું માપદંડ છે. તેમને નઝરઅંદાજ કરીને કોઈપણ હિદાયત પામી શકતું નથી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*