ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ

અમૂક લોકો કહે છે કે: ઈસ્લામના આરંભકાળના પ્રશ્રો આં હઝરત (સ.અ.વ.) ના સહાબીઓ અને તેમના જીવનના પ્રસંગો જેમકે તેઓની દરમ્યાન જોવા મળતા મતભેદોના વિષે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. એટલા માટે કે તે બધાજ બનાવો ઐતિહાસિક ઘટનાઓ ઉપર આધારિત છે કે જેનું વર્ણન કરવું યોગ્ય નથી. કારણકે તેનાથી મુસલમાનોમાં મતભેદ ઉદભવે છે અને તેઓમાં એકતા અને સંગઠનના બદલે નફરત અને પૂર્વગ્રહમાં વધારો થાય છે, લોકોના વિચારોમાં તંગદીલી પૈદા થાય છે.

આ સંબંધમાં વાંચકોની સમક્ષ આ વાત સ્પષ્ટ કરી દેવી જરૂરી સમજીએ છીએ કે આવું હરગીઝ નથી. જો આ દલીલ સાચી હોય કે ઐતિહાસિક ઘટનાઓથી કોઈ ફાયદો નથી તો પછી એહલે સુન્નતની ઘણી બધી માન્યતાઓ જેમકે અબુબક્રનું પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની સાથે ગારે હિરામાં રહેવું અને ખુદ તેઓના કહેવા પ્રમાણે આં હઝરત (સ.અ.વ.) ની અંતિમ બિમારીના સમયે આપ (સ.અ.વ.)ની જગ્યાએ અબુબક્રનું નમાઝ પઢાવવું અને આની જેવા બીજા બનાવો કે જેને તેઓ તેમના મત પ્રમાણે તેમના ખલીફાની ફઝીલત અને શ્રેષ્ઠતાને સાબિત કરવા માટે પોતાની કિતાબોમાં દલીલરૂપે રજુ કરે છે. તો પછી આ બધા બનાવોને પણ ફકત એક ઐતિહાસિક દ્રષ્ટિકોણથીજ જોવા જોઈએ અને તેના વિષે વાતચીત કરવાથી પરહેઝ કરવી જોઈએ. એટલા માટે કે ‘આ વિષય ઉપર ચર્ચા કરવાનો કોઈ ફાયદો નથી.’

હા, એક વાત જરૂર કહી શકાય એમ છે કે ઝાલિમ અને અત્યાચારી લોકો તથા અલ્લાહ તઆલાના દુશ્મનો અને કુરઆન અને ઈસ્લામના દુશ્મનો જેઓના કાળા કરતુતોથી ઈતિહાસના પાનાઓ ભર્યા પડ્યા છે, જેઓએ ઈન્સાનીય્યતને શરમિંદા કરવા અને શયતાની મન્સૂબાઓને વેગ આપવા સિવાય બીજું કોઈ કામ નથી કર્યુ, આવા લોકોની ઝીંદગીના કિસ્સાઓની ચર્ચા કરવાથી ઈબ્રત મેળવવા સિવાય બીજો કોઈ ફાયદો નથી. પરંતુ અલ્લાહ તઆલાની બારગાહના પાકો પાકીઝા અને ચૂંટાએલા લોકો કે જેઓને ખુદાવંદે આલમે મઅસુમ પ્રતિનિધિ બનાવીને લોકોની હિદાયત અને માર્ગદર્શન માટે કાએનાતમાં મોકલ્યા છે જેઓ હરહંમેશ માનવજાતની પીડા લઈને તેઓની નજાત અને પ્રગતિ માટે હંમેશા કોશિષો કરતા રહ્યા અને આ રસ્તામાં દરેક પ્રકારની ઈજાઓ સહન કરતા રહ્યા. આવા પાકીઝા અને નૂરાની હઝરાત જેમ કે હઝરત અલી (અ.સ.) અને તેમની પાકીઝા ઔલાદ, મઅસુમ ઈમામો (અ.મુ.સ.)ની હિદાયત બખ્શતી સિરત અને કિરદારનો તઝકેરો હકીકતમાં ઈમાન ધરાવનારાઓ અને હક્ક તથા હકીકતનું સંશોધન કરનારા લોકો માટે બરકત અને હિદાયતનું કારણ છે. તેઓની ઝીંદગીના બનાવોની ચર્ચા ખૂબજ ફાયદાકારક અને નજાતનું કારણ છે. તેમાંથી અમૂક ફાયદાઓ, સકારાત્મક અસરો અને બરકતો તરફ ઈશારો કરીશું:

1.ચિંતન મનન કરવા માટે આમંત્રણ:

ખુદાવંદે આલમ કુરઆને મજીદમાં ફરમાવે છે:

ફક્સોસીલ કસસ લઅલ્લહુમ યતફક્કન

“અય પયગમ્બર તે કિસ્સાઓ (તેમને માટે) બયાન કરો. કદાચ તેઓ ચિંતન કરે.

(સુરએ અઅરાફ 7:176)

2.ઈબ્રત (શીખ) હાસિલ કરવી:

આ સંદર્ભમાં કુરઆને હકીમમાં અલ્લાહ તઆલા ફરમાવે છે:

લકદ કાન ફી કસસેહીમ ઈબ્રતુન લે ઓલીલ અલ્બાબ

“બેશક તે (રસુલો તથા તેમની ઉમ્મત)ના કિસ્સાઓમાં બુધ્ઘિશાળીઓ માટે બોધપાઠ છે.    (સુરએ યુસુફ 12:111)

બીજી જગ્યાએ ઈરશાદ થાય છે:

ફઅતબે યા ઊલીલ અબ્સાર

“માટે અય દ્રષ્ટિ ધરાવનારાઓ! (તે ઉપરથી) ધડો લો.  (સુરએ હશ્ર 59:2)

અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) ફરમાવે છે:

‘જે વધારે ઈબ્રત હાસિલ કરે છે તે ઓછી ઠોકરો ખાય છે.’

(શરહે ગોરલ હેકમ, ભાગ-5, પાના નં. 217)

અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) પોતાના ફરઝંદ ઈમામે હસન (અ.સ.)ને વસીય્યત કરતા બયાન ફરમાવે છે:

‘અય ફરઝંદ! જોકે મને એટલુ આયુષ્ય નથી મ‎ળ્યું જેટલું અગાઉના લોકોને મ‎ળ્યું હતું. પરંતુ મેં તેઓના કાર્યો ઉપર મનન કર્યુ અને તેઓની ખબરો ઉપર ચિંતન કર્યુ છે અને તેઓના ખંડેરોમાં પ્રવાસ અને પર્યટનો કર્યા છે. જાણે કે હું તેઓમાંનો એક શખ્સ થઈ ગયો. બલ્કે તેઓની પરિસ્થિતિથી માહિતગાર થઈને એવો બની ગયો જાણેકે તેઓના પુરોગામી અને અનુગામી બધા લોકોની સાથે ઝીંદગી પસાર કરી હોય.’

(નહજુલ બલાગાહ, પત્ર નં. 31)

બીજી એક જગ્યા ઉપર ફરમાવે છે:

‘ઈબ્રત હાસિલ કરનારો સાહેબે બસીરત (દીર્ધદ્રષ્ટિવાળો) અને દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર સમજદાર હોય છે અને સમજદાર જ આલિમ હોય છે.’

(નહજુલ બલાગાહ, હિકમત 208)

અને ફરમાવ્યું:

‘ઈન્સાન ઈબ્રત હાસિલ કરવાથી હિદાયત તરફ ખેંચાય છે.’

(શર્હે ગોરર, ભાગ-1, પાના નં. 291)

3.દિલને તાકત મળે છે:

બુઝુર્ગ અને પાકો પાકીઝા લોકોની સિરત અને ચારિત્ર્ય બારામાં વાતચીત અને ચર્ચા કરવાથી કસોટી, ઈમ્તેહાન અને કપરા સંજોગો અને સમયે દિલને તાકત મળે છે અને દિલને ખુબજ હિમ્મત મળે છે. ખુદાવંદે આલમ ફરમાવે છે:

વ કુલ્લન નકુસ્સો અલય્ક મીન અમ્બાઈર્ રોસોલે મા નોસબ્બેતો બેહી ફોઆદક

“અને અમે રસુલોના કિસ્સાઓ તમને વર્ણવ્યા જેથી તેના વડે આપને સુકુન મળે (સુરએ હુદ 11:120)

4.બુઝુર્ગોની રિત-ભાત અરીસા સમાન હોય છે:

બુઝુર્ગો અને ઉચ્ચ વ્યકિતત્વ ધરાવનારા લોકોની સિરત અને ચારિત્ર્યનું વર્ણન કરવાનો એક ફાયદો એ થાય છે કે તેમની સિરત લોકો માટે અરીસો અને આદર્શ હોય છે. આસ્માની મઝહબોનો તફાવત જ એ હોય છે કે તે પોતાના ઉસુલો, કાનુનો અને ઈન્સાની કુદરતો ઉપર આધારિત કાર્યક્રમને લોકોની સામે રજુ કરતી વખતે સંપૂર્ણ અને ઉચ્ચ લોકોની સિરત અને ચારિત્ર્યને અરીસો બનાવીને શામિલ કરી દેવામાં આવે છે અને આ જ બુઝુર્ગ શખ્સીય્યતોમાં સર્વશ્રેષ્ઠ ખત્મી મરતબત પયગમ્બરે અકરમ (સ.અ.વ.) છે. તેમના પછી તે નેક અને સાલેહ લોકો કે જેઓ આં હઝરત (સ.અ.વ.) ઉપર સંપૂર્ણ અને સાચું ઈમાન ધરાવતા હતા. ખુદાવંદે આલમ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) વિષે ફરમાવે છે:

લકદ કાન લકુમ ફી રસુલિલ્લાહે ઉસ્વતુન હસનતુન લેમન કાન યરજુલ્લાહ વલ યવ્મલ આખેરહ

“(અય લોકો!) ખચીતજ તમારા માટે અનુકરણ કરવાનો સારામાં સારો નમુનો ખુદ અલ્લાહના રસૂલ છે. (ખાસ કરીને) તે શખ્સ માટે કે જે અલ્લાહ તથા કયામતના દિવસની ઉમ્મીદ રાખતો હોય.

(સુરએ અહઝાબ 33:21)

બીજી જગ્યાએ હઝરત ઈબ્રાહિમ (અ.સ.) અને તેમના ઉપર સાચા દિલથી ઈમાન ધરાવનારાઓના બારામાં ફરમાવે છે:

કદ કાનત લકુમ ઉસ્વતુન હસનતુન ફી ઈબ્રાહીમ વલ્લઝીન મઅહુ

“(અય મુસલમાનો!) તમારા માટે ઈબ્રાહીમ તથા તે લોકોમાં કે જેઓ તેની સાથે હતા (અનુકરણ કરવા લાયક) સારો નમુનો મૌજુદ છે.

(સુરએ મુમતહેનહ 60:4)

હકીકત એ છે કે જ્યારે આપણે ઈતિહાસમાં મૌજુદ લોકો જેમકે સહાબીઓ વિગેરે લોકોની ઝીંદગીના હાલાત, તેઓની ઝીંદગીની રીત-ભાત, તેઓના કાર્યો અને ચારિત્ર્ય સંબંધિત વાત કરીએ અથવા વખોડીએ ત્યારે તેનો પાયાનો હેતુજ એ હોય છે કે ઈસ્લામની શરૂઆતના ખરા અને સાચા ઈલાહી પ્રતિનિધિઓને નકલી અને ગુમરાહ લોકોથી અલગ કરીને દુનિયાની સામે રજુ કરવામાં આવે કે જેથી મઅસુમ, સાચા અને ખરા ચારિત્ર્યને નમુનએ અમલ બનાવવામાં આવે. આવી ચર્ચાથી એ વાત પણ સ્પષ્ટ થઈ જશે કે કોણ સૌથી વધારે પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)નો ઈતાઅત કરનાર અને ફરમાંબરદાર રહ્યું છે અને કોણ હરહંમેશ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની ઈતાઅત અને તેમના રક્ષણ માટે પોતાની જાન કુરબાન કરી દેવા માટે તૈયાર રહેતુ હતું. જેથી આપણે પણ તેમના નકશે કદમ ઉપર ચાલીને ઈસ્લામના સાચા અનુયાયી બનીએ અને ફકત તેઓનાજ ચારિત્ર્યને આપણી ઝીંદગી માટે નમુને અમલ બનાવીએ.

ખુદાવંદે આલમ ફરમાવે છે:

અફમન યહદી એલલ હક્કે અહક્કો અન યુત્તબઅ અમ્મન લા યહીદ્દી ઈલ્લા અન યુહદા. ફમા લકુમ કય્ફ તહકોમુન

“શું તે કે જે સત્ય સુધી પહોંચાડી દે તે તેનો વધુ હક્કદાર છે કે તેની તાબેદારી કરવામાં આવે અથવા તે કે જેને કોઈ બીજો માર્ગ દેખાડે નહિં ત્યાં સુધી તેને કોઈ માર્ગ જડે નહીં? છતાં તમને શું થઈ ગયું છે, કેવો ફેંસલો કરો છો?

(સુરએ યુનુસ 10:35)

5.નહ્ય અનિલ મુન્કર:

ઈસ્લામની શરૂઆતના ઐતિહાસિક બનાવો અને મોટા એટલેકે બુઝુર્ગ સહાબીઓના હાલાતના બારામાં ચર્ચા અને વાત કરવી હકીકતમાં અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કરને જાહેરી રીતે લાગુ કરવા સમાન છે અને તે એવી રીતે કે જો આપણે સહાબીઓનીઐતિહાસિક પરિસ્થિતિ અને આં હઝરત (સ.અ.વ.)ની પયરવી કરનારાઓ વિષે વાતચીત કરીએ છીએ તો તેનો હેતુ એ હોય છે કે તેઓમાંથી કોણ અલ્લાહ અને તેના રસુલની નઝરમાં નેક હતું અને કોણ ખરાબ હતું. જેથી લોકોને નેક લોકોની પયરવી કરવાનો હુકમ આપે અને ખરાબ લોકો સાથેની દોસ્તીથી અટકાવે. શું અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) વાળા લોકોની તરફ હિદાયત અને તેમના દુશ્મનોથી દૂર રહેવાની તાકીદ કરવાથી વધારે કોઈ અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કર હોય શકે છે?

ભાગ નંબર 2

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*